Apshukan - 25 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 25

“અંતરા, અંતરા... ક્યાં ખોવાઈ ગઈ? મમ્મીનો અવાજ સાંભળીને અંતરા થોડી ચોંકી ગઈ.

“હ મમ્મી?”

“શું થયું? શું કહ્યું શાલુએ?”

“મને એટલું જ કહ્યું છે કે કાલે એક જ્ગ્યાએ જવું છે... જ્યાં પર્લને ખાસ લઈ જવી છે. ક્યાં જવું છે, એ નથી બોલ્યાં. પર્લને પૂછીને તરત જ ફોન કરવા કહ્યું છે.” અંતરા એક્સાઈટમેંટમાં એકસાથે બધું બોલી ગઈ.

“પર્લે હા પાડી ને! તો કહી દે શાલુને ફોન કરીને...” માલિનીનો હરખ સમાતો નહોતો.

અંતરાએ શાલુમાસીને ફોન લગાડયો.

“હેલો, શાલુમાસી, પર્લે હા પાડી છે. અમે બંને કાલે પારલા આવી જઈશું. કેટલા વાગે પહોંચવાનું છે?”

“ચાર વાગ્યે.”

“ઓકે પણ એ તો કહો કે ક્યાં જવાનુ છે?” અંતરાએ ઉત્સુકતાથી પૂછ્યું.

“તું એ બધું છોડ ને! કાલે આવે ત્યારે તને ખબર પડી જશે.” માસીએ ટૂંકમાં પતાવ્યું.

ફોન મુકાઈ ગયો. પર્લ એક્સાઈટેડ હતી કે કાલે એ પાછી શાલુદાદી ને મળશે. તેને શાલુ દાદી ખૂબ જ ગમવા માંડ્યાં હતાં. અંતરા એક્સાઈટેડ હતી કે ઘણા સમય બાદ પર્લે બહાર જવા માટે હા પાડી હતી!

*** *** ***

સાંજના પોણા પાંચ વાગ્યા હતા. શાલુ માસી, અંતરા અને પર્લ વિલે પાર્લે પશ્ચિમમાં કિશનચંદ હોસ્પિટલ પાસે આવેલી એનજીઓ ( નોન ગવરનમેન્ટ ઓર્ગેનાઈઝેશન) સંસ્થા ‘ઉમંગ’ ના ખુલ્લા ચોગાનમાં ઊભાં હતાં. નાના નાના ઉગેલા લીલાછમ ઘાસમાં મગજમાં લકવો ( જેને ઇંગ્લિશમાં ‘ સેરેબ્રલ પાલસી’ કહેવાય છે) મારી ગયેલા પર્લથી નાની ઉંમરનાં, તેના જેવડા અને તેનાથી મોટાં બાળકો વ્હીલચેરમાં આમતેમ ફરી રહ્યાં હતાં. સાથે સંસ્થાના કેર ટેકર તેમની નિગરાની રાખી રહ્યાં હતાં. આ બધાં જ બાળકોનાં બારે અંગ વાંકાં હતાં! તેમાંનું એક પણ બાળક નોર્મલ નહોતું!

શાલુના હાથમાં મોટી હેન્ડબેગ હતી. તેમાંથી ચોકલેટ્સ કાઢીને શાલુ બધાં બાળકોને આપવા લાગી. ચોકલેટ અને શાલુને જોઇને બધાં બાળકો ખુશખુશાલ થઈ ગયાં.ચારે તરફ કિલકિલાટ અને ખુશીની લહેર ફેલાઈ ગઈ.

‘ઉમંગ' નાં ડ્યુટી ઇન્ચાર્જ વસુંધરાબેન પાછળથી હસતાં હસતાં આવ્યાં.

“કેટલા ખુશ થઈ ગયા બધાં બાળકો! થેંક યુ શાલિનીબેન, ફોર ગીવિંગ અ બ્યુટીફુલ સ્માઈલ ઓન ધેર ફેઈસ.”

“પ્લેઝર ઇઝ ઓલ માઈન...આ વખતે હું ઘણાં વર્ષે આવી. ઈવન, આઇ વોઝ મિસિંગ ધેમ અ લોટ.” શાલુએ ખૂબ જ નમ્રતાથી કહ્યું.

“પણ અમને તમારા ચેક નિયમિત રીતે મળી જાય છે.”

પાછળથી સ્ટાફના એક બહેન આવીને વસુંધરાબેનના કાનમાં કઈક કહે છે એટલે તેઓ 'એકસક્યુઝ મી ફોર અ મોમેંટ.. આઈ હેવ ટુ અટેન્ડ અ કોલ.' કહીને અંદર જાય છે.

પર્લ આશ્ચર્યચકિત થઈને એ બધાં બાળકોને જોતી જ રહી. અહી એક પણ બાળક નોર્મલ નહોતું.તેઓ વ્યવસ્થિત રીતે બોલી- ચાલી શકતા નહોતાં, છતાં એ લોકો કેટલા ખુશ હતાં!!

“પર્લ, કમ હીઅર ડાર્લિંગ.” શાલુદાદીએ પર્લને પોતાની પાસે બોલાવી.

“બેટા, આ બધાં બાળકોને જોયાં?”

“હા, શાલુદાદી... એ લોકો કેમ ચાલી નથી શકતા?

“કારણ કે, એ બધા સેરેબ્રલ પાલ્સીનો ભોગ બન્યા છે.”

“સેરેબ્રલ પાલ્સી? એ શું હોય?

“એ એક જાતનો રોગ છે, જેમાં તેમનાં મગજ, હાથ, પગ, આંખ... બધું જ એબનોર્મલ હોય... તેઓ નોર્મલ લોકોની જેમ વિચારી, ચાલી બોલી કે જોઈ નથી શકતા.” દાદીએ પર્લને સમજાવવાની કોશિશ કરી.

“તો એ લોકો કેવી રીતે જીવે છે?” પર્લ માટે આ પચાવવું થોડું અઘરું થઈ રહ્યું હતું.

“જો, તારી સામે છે... જીવી રહ્યા છે ને! પર્લ બેટા... ઈશ્વરે એ લોકોને એક પણ અંગ બરાબર નથી આપ્યું... છતાં તેઓ કેટલા આંનંદથી ઝિંદગી જીવી રહ્યાં છે! ઈશ્વરને કોઈ ફરિયાદ નથી કરતા.”

“તો આપણને બંનેને તો ઈશ્વરે એક આંગળી વધારે આપી છે... તો આપણે ખુશ થઇને ન જીવવું જોઇએ?”

દાદીની આ વાત સાંભળીને પર્લની આંખમાં આંસુ તો હતાં, પણ એ ખુશીના આંસુ હતા.તે શાલુદાદીને વળગી પડી, ને બોલી...

“યુ આર રાઈટ દાદી... હવેથી હું મારી છ આંગળીઓને લઈને જરા પણ અપસેટ નહિ થાઉં. જો સ્કૂલમાં ફ્રેન્ડસ ચિડવશે તો હું રિએક્ટ જ નહિ કરું.”

“ધેટસ લાઈક અ ગુડ ગર્લ.” શાલુદાદીએ પર્લના ગાલ પર ચુમ્મી આપી દીધી. અંતરા ત્યાં ઊભી ઊભી દાદી દીકરીને સાંભળી રહી હતી. બંનેને ભેટેલા જોઇને અંતરા પણ એકદમ ભાવુક થઈ ગઈ.એ પણ પર્લ અને શાલુમાસીને ભેટી પડી. કેટલીય વાર સુઘી ત્રણેય એકબીજાને ભેટીને રડતાં રહ્યાં.

“મેં તમને લોકોને ડિસ્ટર્બ તો નથી કર્યા ને?” ત્રણેયના ભાવુક ચહેરા જોઇને પરિસ્થતિ પામી ગયેલાં વસુંધરાબેન તેમની પાસે આવતાં આવતાં બોલ્યા.

“નો, નો, નોટ એટ ઓલ...” કહેતાં શાલુએ નોર્મલ થવાની કોશિશ કરી. “ આ મારા તરફથી બાળકોને નાનકડી ભેટ.” કહીને શાલુએ એક ચેક વસુંધરાબેનના હાથમાં આપ્યો.

“હું થેંક યુ નહિ કહું...એ શબ્દ ખૂબ જ નાનો પડશે... સાચ્ચે, તમારા જેવા ડોનર જે નિયમિતપણે આ છોકરાઓ માટે ડોનેશન આપે છે, તેના લીધે આ બાળકોને અમે ક્વોલિટી લાઇફ આપી શકીએ છીએ.” વસુંધરાબેને અહોભાવ વ્યક્ત કર્યો.

“પ્લીઝ, આવું કહીને તમે મને સંકોચ કરાવો છો. અરે! એવા તો કેટલાય રૂપિયા અમે મોજશોખ પાછળ ઉડાડી દઇએ છીએ. એનો થોડો અંશ આવાં બાળકો પાછળ વાપરીએ તો અમે તેમના પર ઉપકાર નથી કરતા... ઊલટું, મારે તો આ બાળકોને થેંક યુ કહેવું જોઇએ... તેમને મળીને મનમાં જે આનંદ અનુભવાય છે તે આનંદ લાખો રૂપિયા ખર્ચ કરીને પણ નથી મળતો... અમે અમારા નજીવા પ્રોબ્લેમ્સને લઈને આખો દિવસ રડતાં હોઇએ છીએ... જયારે આ બાળકોને આટલી બધી તકલીફો હોવા છતાં કેવું નિર્ભેળ હસી શકે છે! આ બાળકો મારા ગુરુ છે! તેઓ મને સારુ જીવન જીવવા માટે હંમેશા પ્રેરિત કરે છે.”

આટલું બોલતાં- બોલતાં શાલિનીની આંખોમાં ઝળઝળિયા આવી ગયા... તેને છુપાવતાં છુપાવતાં હસવાનો ડોળ કરતાં શાલિનીએ કહ્યું, “ બહુ મોડું થઇ ગયું... હવે અમારે નીકળવું જોઇએ.”

આભાર, આવજો... ના વિવેક બાદ ત્રણેય ત્યાંથી બહાર નીકળ્યાં ત્યારે શાલિની, અંતરા અને પર્લ... ત્રણેયનાં મન ભારે હતાં.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED