પ્રાયશ્ચિત - 37 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રાયશ્ચિત - 37

પ્રાયશ્ચિત પ્રકરણ 37

વાતો કરતાં કરતાં ક્યારે ચાર વાગી ગયા તે ખબર પણ ના પડી. ચા નો ટાઈમ થઈ ગયો હતો એટલે જાનકી અને શિવાની ઊભાં થઈ રસોડામાં ગયાં. રસોડામાં જઈને જોયું તો ચંપાબેને રસોડું એકદમ ક્લીન કરેલું હતું અને બધાં જ વાસણો વ્યવસ્થિત ગોઠવી દીધાં હતાં. સુરત કરતાં જામનગરમાં માણસો દિલ દઈને કામ કરતાં હતાં.

ચા તૈયાર થઈ ગઈ એટલે બધાં ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયાં. કપ રકાબીનો સેટ કેતને વસાવી રાખ્યો હતો એ અત્યારે કામ આવ્યો.

" પપ્પા આપણી પાસે અત્યારે ટાઈમ છે તો મારો બંગલો જોવા જઈએ. કારણ કે કાલે અને પરમ દિવસે આપણને ટાઈમ નહિ મળે. તમે પ્રતાપ અંકલ સાથે પણ વાત કરી લો. કારણ કે યજ્ઞનું આખું આયોજન પ્રતાપ અંકલે કરેલું છે. "

" ભલે... તું મનસુખને બોલાવી લે. એ વાન લઈને આવી જાય. હું ત્યાં સુધીમાં પ્રતાપભાઈ સાથે વાત કરી લઉં છું. "

" પ્રતાપભાઈ... જગદીશ બોલું. કુટુંબ કબીલા સાથે જામનગર આવી ગયો છું. હવે કાલની તમારી તૈયારી કેમની છે ?"

" અરે ભઈલા.... મને કહ્યું હોત તો હું ગાડી લઈને સ્ટેશન ઉપર આવી જાત ને ? કેતનની એકની ગાડીમાં તો બધાં નો સમાવેશ થાય નહીં ! " પ્રતાપભાઈ બોલ્યા.

" કેતનનો ડ્રાઇવર મનસુખ છે ને !! એની પાસે વાન પણ છે એટલે વાંધો ના આવ્યો. કાલથી આપણો શતચંડી યજ્ઞ શરૂ થાય છે એટલે તમને ફોન કર્યો. " જગદીશભાઈ બોલ્યા.

" મારા આયોજનમાં કાંઈ જોવાનું હોય જ નહીં જગદીશભાઈ ! તમે લોકો બધા રેશમી કપડા પહેરીને હોલ ઉપર ૯ વાગે આવી જજો. બધો સામાન પણ આવી ગયો છે. ફુલહાર ની પણ વ્યવસ્થા થઈ ગઈ છે બપોરના ફલાહાર ની પણ વ્યવસ્થા ગોઠવી દીધી છે. અને સાંજની બ્રહ્મભોજન માટેની રસોઈ પણ તૈયાર હશે. !!" પ્રતાપભાઈ બોલ્યા.

" વાહ પ્રતાપભાઈ...મારી અડધી ચિંતા તમે ઓછી કરી નાખી. મને તો એ જ ટેન્શન હતું કે આટલા મોટા હવનનું આયોજન કેતને કર્યું છે તો એકલો કેવી રીતે પહોંચી વળશે ? "

" જામનગરમાં જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી તમારે આવી બધી ચિંતા કરવાની હોય જ નહીં. " પ્રતાપભાઈએ કહ્યું.

" ભલે... તો કાલે સવારે મળીએ" કહીને જગદીશભાઈએ ફોન કટ કર્યો.

થોડીવારમાં જ મનસુખ માંડવીયા વાન લઈને આવી ગયો એટલે બધા બંને ગાડીઓમાં ગોઠવાઈ ગયા. કે તને મનસુખ ને સૂચના આપેલી એટલે બંને ગાડીઓ સાથે ને સાથે જમના સાગર બંગ્લોઝ પહોંચી ગઈ

સોસાયટીનું નામ વાંચીને જ સિદ્ધાર્થ તથા જગદીશભાઈ ખુશ થઈ ગયા. રોડ ઉપર ડાબી બાજુના કોર્નરનો જ ૭ નંબરનો બંગલો હતો. કામ ઘણું આગળ વધી ગયું હતું. દરેક રૂમમાં ટાઇલ્સ લાગી ગઈ હતી. માત્ર બાથરૂમ અને કિચનમાં કામકાજ ચાલુ હતું.

" જાનકી આ નવા ઘરમાં સૌથી પહેલાં તું પ્રવેશ કર. પછી અમે બધાં તારી પાછળ પાછળ આવીએ. " જયાબેન બોલ્યાં.

" કેમ મમ્મી ? તમે સૌથી પહેલાં પ્રવેશ કરો ને ? " કેતન બોલી ઉઠ્યો.

" અરે બેટા આ બંગલો તારો છે અને જાનકી તારા ઘરની લક્ષ્મી છે હવે !! એના પગલે જ નવા ઘરમાં ગૃહ પ્રવેશ થાય." જયાબેને કહ્યું.

" જાનકી ભાભી તમારાં માનપાન તો વધી ગયાં હોં !! હવે કંઈક સમજો તો સારું. " શિવાની બોલી ઉઠી.

" સમજી લીધું... સાંજની આઈસ્ક્રીમ પાર્ટી મારા તરફથી. " જાનકીએ તરત જ જવાબ આપ્યો અને સૌથી પહેલો ગૃહ પ્રવેશ કર્યો. પાછળ પાછળ બધાં જ બંગલાની અંદર ગયાં. ખૂબ જ સ્પેસિયસ બંગલો હતો અને ડિઝાઇન પણ સારી હતી. આખા બંગલામાં ફરીને તમામ સભ્યોએ આનંદ વ્યક્ત કર્યો.

" હવે મારું જામનગરમાં રહેવાનું એકદમ ફાઇનલ. હું કોઈનું નહીં સાંભળું. મારે કેતનભાઈ ની સાથે જ રહેવું છે." શિવાનીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો.

" તારે જામનગરમાં જ રહેવું હોય તો ભલે અહીંયા જ રહેજે પરંતુ એકવાર ભાઈનાં લગ્ન તો થઈ જવા દે !! અમને કોઈ વાંધો નથી તું ગમે ત્યાં રહે ! " જગદીશભાઈએ પણ સંમતિ આપી દીધી.

" ચાલો એ બહાને મને પણ સારી કંપની રહેશે નણંદબાની ! શિવાનીબેન ના નિર્ણયથી મને ખૂબ જ આનંદ થયો છે." જાનકી ખૂબ જ ખુશ થઈ ગઈ.

" ગાર્ડન માટે પણ ઘણી બધી જગ્યા આપી છે પપ્પા ! ખરેખર લોકેશન બહુ જ સરસ છે. અને બંગલો એકદમ રોડ ઉપર છે. એરપોર્ટ રોડ ઉપરનું આ લોકેશન પણ સરસ છે. એરીયા પણ એકદમ પૉશ છે. " સિદ્ધાર્થે પપ્પાને કહ્યું.

" હા...ખરેખર. બહુ સરસ જગ્યા શોધી કાઢી છે કેતને. મને પણ એમ થાય છે કે નિવૃત્તિમાં બસ આ જગ્યાએ આવીને રહું . કેટલી બધી શાંતિ છે અહીંયા !! આપણું સુરતનું જીવન બહુ જ ધમાલીયું છે." જગદીશભાઈ બોલ્યા.

" પપ્પા આ જગ્યા નો બધો યશ મારા મેનેજર જયેશ ઝવેરીને જાય છે. એ હમણાં સુધી રિયલ એસ્ટેટ એજન્ટ હતા. એમણે જ મને આ લોકેશન બતાવ્યું. બિલ્ડર પણ સારો છે. આશિષ અંકલના કહેવાથી ભાવ પણ રિઝનેબલ કરી આપ્યો છે. "

સાંજ પડી ગઈ હતી અને હવે ધીમે ધીમે અંધારું થવા આવ્યું હતું. એટલે બધાંએ ઘરે જવાનો નિર્ણય કર્યો. દક્ષામાસી આવે એટલે રસોઈમાં મદદ પણ કરવાની હતી !

રસ્તામાંથી આઈસક્રીમ લેવાનો હોવાથી વળતી વખતે જાનકી શિવાનીની સાથે વાનમાં બેઠી અને સિદ્ધાર્થ કેતનની ગાડી માં ગોઠવાયો.

" મનસુખભાઈ ઘરે જતાં રસ્તામાં સારું આઈસક્રીમ પાર્લર આવતું હોય તો ગાડી ત્યાં લઈ લેજો ને ? " જાનકી એ વાનમાં બેસતાં મનસુખભાઈ ને કહ્યું.

" તો પછી હું તમને લાખોટા તળાવ પાસે હેવમોરનું એક મોટુ આઈસક્રીમ પાર્લર છે ત્યાં લઈ જઉં છું. આઈસક્રીમ તો બધે મળે છે. પરંતુ વેરાયટી ત્યાં મળશે. તમે કેતન શેઠને કહી દો કે ગાડી વાનની પાછળ પાછળ રાખે. આપણે લાખોટા તળાવ તરફ જઈએ છીએ. " મનસુખે કહ્યું.

" અરે કેતન તમે મારી પાછળ પાછળ આવો. આઇસ્ક્રીમ લેવાનો છે એટલે અમે અહી કોઈ લાખોટા તળાવ પાસે જઈ રહ્યાં છીએ. " જાનકીએ તરત જ કેતનને ફોન કર્યો.

થોડીવારમાં બધાં હેવમોરના આઈસક્રીમ પાર્લર ઉપર પહોંચી ગયાં.

" શિવાનીબેન આઇસક્રીમમાં તમને કઈ ફ્લેવર ભાવે છે ? " નીચે ઉતરીને જાનકીએ શિવાનીને પૂછ્યું.

" મને તો ચોકલેટ ફ્લેવર જ ભાવે છે. બાકી બધાંને પૂછી લો. " શિવાની બોલી.

" મારી અને જયાની ગ્રીન પિસ્તા ફેવરિટ છે. " જગદીશભાઈએ પોતાની પસંદગી આપી.

છેવટે બધાંની પસંદગી મુજબના આઈસક્રીમના ફેમિલી પેકનો ઓર્ડર આપ્યો . કેતને જે ફ્લેવર પસંદ કરી એ જ ફ્લેવર જાનકીએ પણ પસંદ કરી. કુલ ચાર પ્રકારની ફ્લેવર ખરીદી.

ત્યાંથી ખંભાળિયા ગેટ પાસે થઈને બધાં પટેલ કોલોની આવી ગયાં. જે હોલમાં હોસ્પિટલનાં દર્દીઓ માટે ટિફિન પેક થતાં હતાં એ હોલ પણ રસ્તામાં બધાંને બતાવી દીધો.

ઘરે પહોંચ્યા ત્યારે સાંજના સવા સાત વાગી ગયા હતા. દક્ષાબેન પણ રસોઇ કરવા માટે આવી ગયાં હતાં. સૌથી પહેલાં જાનકીએ આઈસ્ક્રીમ ડીપ ફ્રીઝરમાં મૂકી દીધો.

" હું તમારા બધાંની રાહ જોતી હતી. અત્યારે જમવામાં શું બનાવું ? " દક્ષાબેને પૂછ્યું.

" તમારા બધાનો શું વિચાર છે ? ઘરે જમવું છે કે પછી બહાર હોટલમાં પંજાબી ડિનર લેવું છે ? " કહીને કેતને જાનકીની સામે જોયું.

" એક કામ કરો દક્ષાબેન. તમે મારા અને એમના માટે ભાખરી, રીંગણ બટેટાનું શાક અને ખીચડી બનાવી દો. આ લોકો બધા બહાર હોટલમાં જમવા જશે. " જયાબેને ફરમાન કરી દીધું. હવે કોઇને કંઇ બોલવા જેવું રહ્યું નહીં.

" બસ તો પછી આપણે આઠ વાગે જમવા માટે નીકળીએ. મનસુખભાઈ તમે આજે અમને પંજાબી ડીશ માટે ક્યાં લઈ જશો ? " કેતન બોલ્યો.

" આજે તમને ઝાયકા રેસ્ટોરન્ટમાં લઈ જાઉં. પારસ રોડ ઉપર છે. અહીંથી નજીક જ છે. પંજાબી ફૂડ ત્યાં સારું હોય છે. હું આઠ વાગે આવી જઈશ. "

" સૌથી પહેલાં મારે તમારા બધાંને માટે ગાદલાંની વ્યવસ્થા કરવી પડશે. જે દુકાનમાં ગાદલાં વગેરે ભાડે મળે છે એ મંડપ અને ડેકોરેશન વાળાની દુકાન આઠ વાગે બંધ થઈ જશે એટલે હું અત્યારે જ લઈ આવું. " મનસુખ માલવિયા બોલ્યો.

" હવે બોલો શિવાનીબેન તમારે આઈસક્રીમ અત્યારે ખાવો છે કે જમ્યા પછી ? " મનસુખના ગયા પછી જાનકીએ પૂછ્યું.

" ના ભાભી. આઇસ્ક્રીમ તો જમ્યા પછી જ આપણે લઈશું. " શિવાની બોલી.

અડધી કલાકમાં મનસુખ માલવિયા વાનમાં ૪ ગાદલાં ૪ ઓશીકાં અને ૪ ચાદરો લઈને આવી ગયો એટલે બધાં જમવા માટે બહાર નીકળ્યાં.

જગદીશભાઈ અને જયાબેન જમવામાં નહોતાં એટલે પાંચે ય જણાં મનસુખની વાનમાં જ બેસી ગયાં. ગાડી લેવાની કોઈ જરૂર નહોતી.

ઝાયકા રેસ્ટોરન્ટ બહુ મોટી ન હતી પરંતુ એનું ફૂડ ખરેખર સારું હતું. દરેકે પોતાની પસંદગીની આઈટમો મંગાવી.

જમીને ઘરે આવ્યા પછી જાનકીએ રસોડામાં જઈને ફ્રીજમાંથી આઈસક્રીમ બહાર કાઢ્યો અને સાત બાઉલમાં દરેકની પસંદગી પ્રમાણે ના આઈસક્રીમ સર્વ કર્યા. આઇસ્ક્રીમ વધારે હતો એટલે બાકીનો ફ્રીજમાં પાછો મૂકી દીધો.

ડ્રોઈંગ રૂમમાં બેસીને બધાંએ આઇસ્ક્રીમ ખાધો. આઈસ્ક્રીમ ખાવાનું પતી ગયું એટલે શિવાનીએ બધાંના વતી જાનકીને થેન્ક્સ કહ્યું કારણકે આજની આઈસ્ક્રીમ પાર્ટી જાનકી તરફથી હતી.

રાતના અગિયાર વાગ્યા હતા એટલે બધાંએ સુવાની તૈયારી કરી. સવારે ૯ વાગ્યે તો બધાંએ તૈયાર થઈને યજ્ઞ મંડપમાં પહોંચવાનું હતું એટલે મોબાઇલમાં સવારે પાંચ વાગ્યાનું એલાર્મ મૂક્યું.

બે પથારી બેડરૂમમાં ડબલ બેડની બાજુમાં કરી અને બે ગાદલાં સોફાને સહેજ ખસેડીને ડ્રોઇંગરૂમમાં પાથર્યાં.

સિદ્ધાર્થ અને રેવતી બેડરૂમમાં પથારીમાં સૂઈ ગયાં. કેતન અને શિવાની ડ્રોઇંગરૂમમાં નીચે સૂઈ ગયાં જ્યારે જાનકીએ સોફામાં જ સૂવાનું પસંદ કર્યું.

સવારે વહેલા ઉઠી બધાં ફટાફટ પરવારી ગયાં. આજે જમવાનું બનાવવાનું તો હતું નહીં. જાનકીએ બધાંની ચા મૂકી દીધી. ચા-પાણી પીને નાહી ધોઈ રેશમી વસ્ત્રોમાં બધાં તૈયાર થઈ ગયાં.

ગઇકાલની જેમ બંને ગાડીઓમાં ૮:૪૫ વાગે યજ્ઞમંડપમાં સહુ પહોંચી ગયાં. કેતને કપિલ ભાઈ શાસ્ત્રી સાથે પરિવારની મુલાકાત કરાવી. બાકીના તમામ પંડિતો પણ આવી ગયા હતા.

" હવે તમે બધાં તમારાં આસનો ઉપર બેસો. આજે સૌથી પહેલાં તમારો સંકલ્પ લેવામાં આવશે. આસનો ઉપર પતિપત્ની એ સાથે જ બેસવાનું છે. "

" શતચંડીનો દશાંશ હવન હજુ આવતી કાલે થશે. આજે ગણેશ સ્થાપન ભૈરવ સ્થાપન નવગ્રહોનું સ્થાપન વગેરે કરીને ૫૧ ચંડીપાઠ થશે. ૧૦ પંડિતો સાંજ સુધીમાં પાંચ પાંચ પાઠ કરશે. ૧ પાઠ હું કરીશ. આવતીકાલે ફરી બીજા ૪૯ પાઠ થશે. ૧૦૦ પાઠ પતી જાય પછી દશે દશ બ્રાહ્મણો આ વિશાળ યજ્ઞકુંડમાં ૧૦ ચંડીપાઠની આહુતિ આપશે. એટલે કે ૧૦ ચંડીપાઠ હોમાત્મક થશે. "

આટલું સમજાવીને શાસ્ત્રીજીએ ખુબ જ વિધિપૂર્વક વેદ મંત્રો થી તમામ યજમાનો ને આરોગ્ય આયુષ્ય ધનસમૃદ્ધિ યશ પ્રતિષ્ઠા અને સૌભાગ્ય માટે શતચંડી યજ્ઞનો સુંદર સંકલ્પ કરાવ્યો. એ પછી કેતનના હાથે ગણેશ પૂજા, ભૈરવજીની પૂજા, નવ ગ્રહોની પૂજા વગેરે કરાવ્યાં.

યજમાનો નું કામ પૂરું થયું પછી તમામ બ્રાહ્મણોએ ચંડીપાઠ હાથમાં લીધો. અને શાસ્ત્રીજીએ માઈકમાં ચંડીપાઠ વાંચવાનું ચાલુ કર્યું. બાકીના ૧૦ બ્રાહ્મણો પણ શાસ્ત્રીજીની સાથે મોટેથી વાંચન કરતા ગયા. એક ચંડીપાઠ પૂરો થઈ ગયો પછી માઇક બંધ કર્યું અને ૧૦ બ્રાહ્મણોએ મોટેથી સમૂહમાં ચંડીપાઠનું વાંચન ચાલુ રાખ્યું. શાસ્ત્રીજી પછી કાલ માટે ઇંટોથી મોટો યજ્ઞ કુંડ બનાવવાના કામમાં લાગી ગયા.

ત્રણ પાઠ પુરા થયા ત્યાં સુધીમાં ફલાહાર થી ભરેલી એક વાન લઈને પ્રતાપભાઈ આવી ગયા. જગદીશભાઈ અને પ્રતાપભાઈ એકબીજાને પ્રેમથી ભેટ્યા. ખબર અંતર પૂછી.

જમવાનો સમય થઈ ગયો હતો એટલે હોલમાં જ પતરાળીમાં સહુએ સાથે બેસીને ફળાહારના ભોજનનો આનંદ માણ્યો. પંડિતોએ પણ એમની સાથે જ બેસીને ભોજન કર્યું. જમીને સહુ ઊભા થયા ત્યારે અઢી વાગી ગયા હતા. આખું ય વાતાવરણ આધ્યાત્મિક ચેતનાથી ઊર્જામય બનેલું હતું !!

દોઢેક કલાક બધાએ વાતચીત કરવામાં વિતાવ્યો. ૪ વાગે પ્રતાપભાઈની સૂચના પ્રમાણે એક માણસ બધાંને માટે ચા લઈને આવ્યો.

ચા-પાણી પીને પંડિતોએ ફરી પાઠ ચાલુ કર્યા. સાંજના ૬:૩૦ વાગે તમામ ૫૧ પાઠ પૂરા થઈ ગયા એટલે ફરી શાસ્ત્રીજી એ કેતનને સંકલ્પ કરાવ્યો.

રસોઈ તૈયાર જ હતી એટલે પહેલાં પંડિતોને જમાડ્યા અને એ પછી યજમાનો જમવા બેઠા. લાડુ દાળ ભાત શાક રાયતું અને ગોટાનું જમણ હતું.

સાંજના જમણવારમાં વેદિકા અને રાજેશ પણ આવ્યાં હતાં અને સાથે એમની મમ્મી પણ હતાં. વેદિકા એકદમ તૈયાર થઈને આવી હતી. કેતન અને વેદિકાની આંખો મળી પરંતુ જમવાનું પીરસાઈ ગયું હતું એટલે હાય.. હલો કરવાનું ટાળ્યું.

વેદિકા કેતન ઉપર ખૂબ જ ખુશ હતી. કારણ કે પ્રતાપભાઈએ જયદેવને ઘરે બોલાવ્યો હતો. ગઈ ગુજરી ભૂલી જવાનું કહ્યું હતું. અને એને જમાઈ તરીકે સ્વીકારી ફેમિલી સાથે ઘરે જમવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

જમી લીધા પછી કેતને વેદિકાને જાનકીનો પરિચય કરાવ્યો અને જાનકી સાથે લગ્નનો પોતાનો નિર્ણય પણ જણાવી દીધો. વેદિકા આનંદથી જાનકીને ભેટી પડી.

" તમે ખૂબ જ નસીબદાર છો જાનકી ! કેતન જેવી વ્યક્તિ લાખોમાં એક હોય છે. જો કેતન મને મળ્યા ના હોત તો જયદેવ પણ મને મળ્યો ન હોત !! મારો ખોવાયેલો પ્રેમ એમણે પાછો મેળવી આપ્યો. મુરતિયો બનીને એ મને જોવા આવ્યા હતા અને મને મારા જ પ્રેમી સાથે વળાવી દીધી !! કેતનનું ઋણ હું ક્યારેય ચૂકવી શકીશ નહીં. " કહેતાં કહેતાં વૈદેહીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.

જાનકીને વૈદેહી ખુબ જ સાલસ અને લાગણીશીલ લાગી. દેખાવે પણ ઘણી ખૂબસૂરત હતી. છતાં કેતને પોતાનો સ્વાર્થ ના જોયો અને એના પ્રેમીને મેળવી આપ્યો. ગયા જનમમાં મેં ચોક્કસ કંઇક તો પુણ્ય કર્યાં જ હશે કે મને આ જનમ માં કેતન મળ્યા !! -- જાનકી મનોમન વિચારતી હતી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)