સુખની કલ્પના કે પછી સુખની વાસ્તવિકતામાં વ્યક્ત અને વ્યતિત થતો સમય ભવિષ્યની અકલ્પનીય વેદનાઓને ક્યારેય જોઈ શકતો નથી. અને બંને વચ્ચે રહેલી શક્યતાઓની માયામાં વ્યક્તિ જીવન પસાર કરી નાખે છે.
આલય આજે ખુશખુશાલ. પોતાને ગમતી ,પોતાના હૃદયની નજીક અનુભવાતી મૌસમ આજે પહેલી વાર પોતાના ઘરે પગલાં કરવા આવી રહી હતી તેને મૌસમને કહ્યું ,કે હું આવી જાવુ લેવા? પરંતુ મૌસમે ના પાડી કહ્યું, કે ના હું મેનેજ કરી લઇશ.
ચાર વાગ્યાનો પૂજાનો સમય હતો બરાબર સાડા ત્રણ વાગ્યે મૌસમ આવી ગઈ. લોંગ ટોપ અને જીન્સમાં આવેલી મૌસમને જોઈ વિરાજબહેન થોડીકવાર અચરજ પામી ગયા, પરંતુ મૌસમની માસુમિયત તેમના હૃદયને સ્પર્શી ગઈ. આલયને બોલાવ્યો.આલય અને મૌસમને સાથે ઉભેલા જોઈ વિરાજબેન હૃદયથી આનંદિત થઈ ઈશ્વરનો આભાર માની બેઠા.
વિરાજે તેને આવકારી, "આવ બેટા".
મૌસમ પણ નમસ્તે કરતા કહ્યું, " કેમ છો આંટી?"આલયે જે પ્રમાણે વર્ણન કર્યું તેના કરતા તમે વધારે સુંદર છો."
વિરાજે હસીને કહ્યું, " અરે ના ના આલયને તો મારા વિશે સારું બોલવાની ટેવ છે".
ઉર્વીશભાઈ બોલ્યા, " ના હો, આલયને હજુ વખાણ કરતા નથી આવડતા. મૌસમ, આલયે કહ્યું હતું, તેના કરતાં તો તું વધારે સુંદર અને નિખાલસ છે."
આ સાંભળી મૌસમ શરમાઈ ગઈ.
આલયે કહ્યું" ચાલ મૌસમ તને ઘર બતાવું."
વિરાજ આ સાંભળી હસવા લાગી કહ્યું," મારા આલયને તે બોલતો કરી દીધો મૌસમ..."
મૌસમે પણ કહ્યું ,"ના આંટી આલય કરતા હું વધારે બોલતી,તેને મને મુંગા રહેતા શીખડાવી દીધુ."
આલય તેને પોતાનો રૂમ બતાવવા ઉપર લઈ આવ્યો. આખો રૂમ તાજા ફૂલોની સુગંધથી મઘમઘતો હતો. સુગંધથી આલયને યાદ આવ્યું તેણે કહ્યું, "ઓ સોરી મૌસમ, તને તો સુગંધની એલર્જી છે ને?"
મૌસમને જાણે હવે બધું જ ગમવા લાગ્યું, તેણે કહ્યું, "મને કૃત્રિમ સુગંધની એલર્જી છે આલય અને હવે તો તારી સુગંધની આદત પડવા લાગી છે."
આલય બોલ્યો, " અત્યાર સુધી આ રૂમ મારી આદત અને મારી પસંદગી પ્રમાણે હતો હવે તને જેમ ગમે તેમ ફેરફાર કરવાનો હક છે."
મૌસમે કહ્યુ, " હું પણ અત્યાર સુધી મારી પસંદગી પ્રમાણે જીવતી આવી છું હવે મને તારી જેમ જીવવું ગમશે."
આલયે પ્રેમથી કહ્યું, " એકબીજા માટે જીવશુ મોસમ. તને હું શું કહું? આજે તો હું એટલો ખુશ ખુશ ખુશ કે મારું ચાલે તો તને અહીં જ રોકી લવું."
મૌસમ પોતાની મસ્તીમાં બોલી, " મને તું ઓળખતો નહીં, સાચે રોકાઈ જઈશ."
આલય મૌસમની નજીક સરકી ગયો અને કહ્યું, " પછી?"
મૌસમ પણ આજે તો ખિલેલી હતી. તેને કહ્યું, " પછી તું જેમ કહે તેમ."
આલય જાણે મૌસમના નશામાં ખોવાવા લાગ્યો. તેણે પૂછ્યું, " ખરેખર?"
મૌસમે પોતાના બંને હાથ તેના ગળામાં પરોવ્યા અને કહ્યું, " ખરેખર શું કરવું મારા આલયને?"
બંનેની પ્રેમ ગોષ્ઠી ચાલુ થતી ત્યાં બારણા પાસે કોઈનો પગરવ સાંભળી આલય ફટાફટ મૌસમથી દૂર થઈ ગયો.
આ જોઈ મૌસમ જોરજોરથી હસવા લાગી. અને બોલી," શું થયું આલય?"
આલયે એ કહ્યું, " કંઈ નહીં".
મૌસમ મજાક કરતા બોલી, " બસ આટલામાં ડરી ગયો?"
આલય જાણે સમજાવતો હોય તેમ બોલ્યો, " ડર નહીં મૌસમ પણ ખરાબ લાગે."અને તરત જઈને બારણું ખોલી નાખ્યું. ત્યાં ઉર્વીશભાઈ આવ્યા.
ઉર્વીશભાઈ હસતા હસતા બોલ્યા, " આલય પૂજામાં જવું છે કે અહીં જ પૂજા કરવી છે?"
મૌસમ શરમાઈને ચાલી ગઈ.
વિરાજ બહેન પૂજાની તૈયારીમાં હતા. મૌસમને આવેલી જોઇને ખુશ થઈ ગયા. તેમને મૌસમને પૂછ્યું, " તારા ઘરે કોણ કોણ છે?"
મૌસમે કહ્યું, " હું અને ડેડ બસ."
વિરાજ બોલી, " અને મમ્મી?"
મૌસમ ધીમા અવાજે બોલી, " હું નાની હતી ત્યારે બાથરૂમમાં સ્લીપ થઈ ગઈ હતી અને બ્રેઈન હેમરેજમાં મૃત્યુ પામી."
વિરાજે દુઃખી થઈ કહ્યું, "ઓહ સોરી."
મૌસમે કહ્યુ, " અરે તમારી જગ્યાએ ગમે તે હોય તો તેને પ્રશ્ન થાય જ"
વિરાજે પૂછી લીધું, " તે અને આલયે શું વિચાર્યું?"
મૌસમ બોલી, " બસ આન્ટી ભણવાનુ પૂરું થાય પછી ડેડ સાથે વાત કરીશ."
વિરાજે કહ્યું, " હા, એ બરાબર પણ જો તારી ઈચ્છા હોય તો હું અને ઉર્વીશ તારા પપ્પાને મળી જઈએ"
મૌસમે કહ્યુ, " મારા પપ્પા મારા વિશે થોડા પઝેસિવ છે એટલે અમારું ભણવાનું પૂરું થઈ જાય પછી જ હું વિચારું છું."
વિરાજ પણ બોલી, " એ તો દરેક માબાપને પોતાના સંતાનોની ચિંતા હોય જ. ઘર અને આલય માટે મેં મારું કેરિયર અને બધું જ છોડી દીધું."
મૌસમ બોલી," પણ આંટી સંતાનો માટે એટલી પણ જાત ઘસી ન નાખવી કે આપણું અસ્તિત્વ જ ન રહે."
વિરાજ પણ જાણે જીતી લેવા જ બોલી, " હા પરંતુ પતિ અને ઘરના પ્રકાશમાં જ આપણે તો પ્રકાશિત થવાનું."
ઉર્વીશભાઈ ને લાગ્યું કે આ સંવાદ વિવાદ માં ફેરવાઈ જશે, તેમણે વાત બદલાવતા કહ્યું, "મૌસમ તારા પપ્પાને કેવો જમાઈ જોઈએ?"
મોસમ હસતા હસતા બોલી એટલે તો હું થોડી વાર રાહ જોવાનું કહું છુ, અંકલ, કે આલયને બરાબર તૈયાર કરી લઉ."
વિરાજને જાણે તેનો આ બોલવું ગમ્યું નહીં અને આલય તે જોઈ ગયો, તેણે હસતા હસતા કહ્યું, "તારા ડેડ મને જોશે તો જમાઈ વિશેની પરિભાષા જ બદલી નાખશે."
આલયની વાતથી બધા હસવા લાગ્યા.
************************************
ગુલમોહરના ઝાડ નીચે બેઠેલી લેખા હાથમાં રહેલા પુસ્તકને કારણે વધારે સુંદર લાગતી હતી. નિર્ભય નજીક આવ્યો અને ચપટી વગાડી લેખાને બોલાવી.
"કેમ છે?"
લેખા હસીને બોલી, "મજામાં તું કહે?"
નિર્ભયએ પૂછ્યું " ચાલ વરસાદ જેવું છે ભજીયા ખાવા જવું?"
લેખાએ જાણે ટાળવા જ કહ્યું, " મને ભૂખ નથી".
નિર્ભય બોલ્યો? " એક વાત પૂછું?.
લેખાએ કહ્યું, "હા પૂછ."
નિર્ભય બોલ્યો, "તું કેમ એકલી એકલી જ રહેતી હોય?"
લેખાએ કહ્યું, " એવું નથી પણ મને બધા સાથે નથી બનતું."
નિર્ભયે પૂછી જ લીધું, " તો કોની સાથે તને બને?"
લેખા બે મિનીટ જોતી જ રહી.....
નિર્ભય ફરી બોલ્યો, " તારી ઈચ્છા હોય તો જ કહેજે."
લેખા હસતા હસતા બોલી, " અરે કોઈ નથી ચાલ ભજીયા ખાવા જઈએ."
અને બંને નિર્ભયની ગાડી માં થોડે દૂર જાણીતી ભજીયાની લારી એ ગયા.
નિર્ભય છાંટેલા સ્પ્રે નીસુગંધથી લેખાને આજે આલય યાદ આવી ગયો. તેનું મૌન જ તેનો પ્રેમ વ્યક્ત કરતું હતું.
મૌન મારું ખોવાયું તારા સંવાદમાં..
એ જ તો છે સૌથી મોટું નજરાણું મારા વિશ્વાસનું...
શબ્દો દેહ છોડી પહેરે સંવેદના તારી...
એ જ તો છે સૌથી મોટું કાવ્ય મારા સ્નેહનું......
ઈચ્છાઓ બધી થઈ ગઈ તારા પક્ષે....
એ જ તો છે સૌથી મોટું નુકસાન મારી ઝંખનાનું....
હર હંમેશ નવી નકોર પ્રતીક્ષા તારા પગરવની.....
એ જ તો છે તને ગમતું મારું મૌન નું સંગીત.....
****************************
શું લેખા પોતાના મનની વાત નિર્ભયને જણાવશે?
જોઈશું આવતા ભાગમાં....
(ક્રમશ)