અધૂરપ. - ૨૨ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરપ. - ૨૨

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૨૨

અપૂર્વની રજૂઆત સાંભળીને વિનય વિચારમાં પડી ગયો કે મારા ભાઈને આપેલ વચન મારે નિભાવવાનું છે તો હું કેવી રીતે અપૂર્વને હા પાડું? વળી ભાઈ ભાભીના ગુજરી ગયા બાદ હનીનું અમારા સિવાય અહીં અંગત કહેવાય એવું કોઈ નહીં. હું ખૂબ વિચાર કરીને જ જવાબ આપીશ..

અપૂર્વને વિનયની ગડમથલ સમજાઈ જ ગઈ આથી એ બોલ્યો, "જો વિનય તું કોઈ પણ જાતની ઉતાવળ કર્યાં વગર શાંતિથી વિચારીને અને નીલાભાભી તથા હનીના મામા તથા માસીને બધાને જ પૂછીને જવાબ આપજે. અને મેં પણ હજુ તમારા બંને સિવાય ક્યાં કોઈને હજુ પૂછ્યું છે? વિનય તારો જવાબ મળે પછી જ હું અમૃતાભાભીને વાત કરીશ કારણ કે ભાભીને હું હવે સારી રીતે સમજી શકું છું આથી હું હવે એમને કોઈ પણ વાતથી ચિંતિત રાખવા ઈચ્છતો નથી. કદાચ કોઈને પણ આ પ્રસ્તાવ યોગ્ય ન લાગે તો ભાભીને મેં જગાડેલ ઈચ્છાથી દુઃખ પહોંચે." વિનયના હાથ પર અપૂર્વએ પોતાનો હાથ મૂકી અને કહ્યું, "તારો જે પણ જવાબ હશે એ મને મંજુર જ હશે, વળી આપણી મિત્રતામાં પણ કોઈ જ ફેર નહીં આવે."

વિનય અપૂર્વની વાત સાંભળીને એને ભેટી પડ્યો, સાથોસાથ બોલ્યો પણ ખરો કે, "આટલો સમજદાર તું ક્યારથી થઈ ગયો?"

અપૂર્વએ તરત જવાબ આપ્યો,"જે દિવસથી ભાર્ગવીની દરેક વાતને સમજવાની કોશિશ કરી છે ત્યારથી બધું સરળ બની ગયું છે. ખરેખર એમ જ સ્ત્રીઓને ગૃહલક્ષ્મી થોડી કહેવાતી હશે? સ્ત્રી ઈચ્છે તો ઘરને ખરેખર મંદિર બનાવી આપે પણ સામેના છેડે પુરુષોનો એમના પર પૂરો વિશ્વાસ
હોવો જોઈએ.

રાજેશ આજે મોટો હોવા છતાં અપૂર્વની સમજદારી સામે પોતાને નાનો સમજી રહ્યો હતો. કારણ કે, રાજેશને પોતે કરેલ અમૃતા સાથેના દરેક અત્યાચાર હજુ પણ એક ખૂણામાં રાજેશને ડંખતા હતા, કે પોતે અમૃતાને સમજતા કેટલો જિંદગીનો સમય બગાડી દીધો.

અપૂર્વ અને વિનયની વાત હજુ પતી ત્યાં જ નીલાભાભી વિનયને કહેવા આવ્યા, "વિનય! તમારા લોકોની વાતો તો નહીં જ ખૂટે પણ હવે સમય બહુ થયો તો ઘરે જઈશું??" હસતા સ્વરે નીલાના ટહુકાએ બધાને હસતા કરી આપ્યા.

વિનય અને નીલા બધાની રજા લઈને પોતાને ઘરે ગયા. અપૂર્વએ બધી જ વાત ભાર્ગવીને રૂમમાં જઈને જણાવી અને કીધું કે, હમણાં આ વાત કોઈને ન કહે. ભાર્ગવી તો વાત સાંભળી એટલી ખુશ થઈ કે અપૂર્વને ભેટી પડી અને બોલી, મને તમે જે વચન આપ્યું હતું એ તમે આજ નિભાવ્યું, થેન્ક યુ વેરી મચ અપૂર્વ.

રાજેશ આ જ વાત પર આખી રાત પડખા ફરતો રહ્યો કે, વિનય શું જવાબ આપશે? જો હા પાડે તો મારે શું નિર્ણય લેવો જોઈએ? અને આ બધી જ વાતથી અજાણ હની અને અમૃતા બંનેના જીવનમાં આવનાર બદલાવથી બંને સાવ અજાણ પોતાની લાઈફમાં જ મસ્ત શાંતિથી ઊંઘી ગયા હતા.

જોને આજ કેવી ગજબની મકર કશ્મકશ થઈ રહી છે,!
શું અધૂરપ પૂર્ણ થશે? એ વિચારે પ્રીત તરફડી રહી છે!

વિનયે ઘરે પહોંચતા જ જેવા બાળકો પોતપોતાના રૂમમાં ગયા કે તરત જ નીલાને અપૂર્વની વાત જણાવી અને પૂછ્યું કે, "તું શું ઈચ્છે છે કે રાજેશભાઈ અને અમૃતાભાભીને આપણે હની ની બધી જ જવાબદારી કાયદાકીય રીતે આપવી જોઈએ?"

નીલાએ થોડી ક્ષણ વિચાર કર્યો અને કહ્યું, "વિનય હું જોબ કરું છું, આપણા બાળકો પણ મોટા છે આથી આપણે આયા પાસે હનીને રાખીને એનો ઉછેર કરીએ છીએ તો એ ઉછેર કદાચ વધુ સારો એક મા તરીકે અમૃતા કરી શકશે. હું હનીની જવાબદારી કોઈક અજાણી સ્ત્રીના ભરોસે કરું છું તો અમૃતા અને હનીના જીવનમાં રહેલ અધૂરપ દૂર થવાની સાથોસાથ એક વિશ્વસનીય પાત્ર તો હશે જે હનીને ઉછેરતું હશે. હું પૂરી રીતે સહમત છું આ વાત સાથે કારણ કે, હનીનો ઉછેર પૂરા પરિવાર વચ્ચે થશે જેથી એ બધાની લાગણી મેળવી શકશે પણ હનીને આ વાત પચાવવી આપણે ધારીએ છીએ એટલી સરળ ન લાગે, આથી હનીને આપણે બંને ઑફિસના કામથી બહાર જઈએ છીએ એવું કહી ૪ દિવસ માટે ત્યાં મૂકી જોઈએ એટલે હનીની લાગણીઓ સાથે પણ કોઈ તકલીફ ના પહોંચે અને આપણને શું નક્કી કરવું એ પણ ખબર પડે.

વિનયે જેવો વિચાર્યો હતો એથી પણ વધુ સંતોષકારક જવાબ નીલાએ આપ્યો આથી એ ખુબ ખુશ થઈ ગયો અને બોલ્યો, "આઈ એમ પ્રાઉડ ઓફ યુ ડાર્લિંગ... પણ આપણે હનીના મોસાળમાં કેમ બધાને સમજાવી શકીશું? ક્યાંક એ લોકો આપણાંને ખોટા તો નહીં સમજેને?

નીલા કહે એ ચિંતા ન કરો જે હનીને પસંદ હશે અને એના માટે યોગ્ય હશે એ જ થશે.. એમની સમજો કે હા જ છે... આજ બંનેના મનમાં એક ભાર હતો એ જાણે હળવો થયો હોય એવી લાગણી બંન્ને અનુભવી રહ્યા હતા.

વિનયે બીજે દિવસે નક્કી કર્યાં મુજબ હનીને પૂછ્યું, "બેટા તું ૪ દિવસ અમૃતા આંટીના ઘરે રહેવા જઈશ? કારણ કે, મારે અને નીલા બંનેને ઓફિસના કામથી બહાર ગામ જવાનું છે."

હની તો બહુ જ ખુશ થઈ ગઈ અને પોતાના રૂમ તરફ દોડતા બોલતી ગઈ કે, "હું મારા ટૉય્સ લઈ આવું હું અને આંટી બંને રમશું..."

વિનય અને નીલાને અડધો જવાબ તો મળી જ ગયો, આથી એમને બધી જ પોતે નક્કી કરેલ વાત અપૂર્વને જણાવી અને કીધું કે તું પણ હમણાં અમૃતાભાભીને બધું ન કહેજે જેથી હની અને અમૃતાભાભી બંનેની લાગણી ન દુભાય... ૪ દિવસ પછી બધી જ સત્ય વાત કરશું. આટલું કહીને ફોન મૂક્યો ત્યાં હની જવા માટે રેડી હતી.

વિનય અને નીલા હનીને એક ઉમ્મીદ સાથે અમૃતા પાસે મૂકી હનીની જવાબદારી પોતે બહાર જઈ રહ્યા હોવાથી અમૃતાભાભીને સોંપીને જાય છે. અને અમૃતા પણ કોઈ જ સંકોચ કે ચિંતા વગર એ જવાબદારી સંભાળવાની હા પાડે છે.

ક્યાં કઈ ખબર છે કોઈને કેમ પ્રીત બંધાઈ રહી છે,
દોસ્ત! બધું જ અકબંધ છે છતાં ઉમ્મીદ ડોકાઈ રહી છે.