અધૂરપ. - ૨૩ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરપ. - ૨૩

અર્પણ

એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.

પ્રસ્તાવના

આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...

પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત

પ્રકરણ-૨૩

અમૃતા અને હનીએ આ ચાર દિવસોમાં જાણે એમણે અત્યાર સુધી નહોતી મેળવી એ ખુશી મેળવવામાં, સમેટવામાં જ રચ્યા પચ્યા હતા. ભાર્ગવી પણ એમને પૂરતો સમય એકબીજા સાથે ગાળવા મળે આથી ઘરની મોટાભાગની જવાબદારી પોતે જ સંભાળી રહી હતી. ઘરનું વાતાવરણ હની અને ભવ્યાના કલબલાટથી ગુંજવા લાગ્યું હતું. રમેશભાઈ પણ ખુબ જ લાડથી બંને દીકરીઓને વાર્તા સંભળાવતા, અને એમને વારા ફરતી પોતાની પીઠ પર બેસાડી, ચાર ઘૂંટણીએ વાળીને ઘોડો ઘોડોની રમત રમાડતા હતા. વળી થાકી જાય તો થોડી વાર ચકલી ઉડે.... ને ચક્કી ચોખા ખાંડે... જેવી રમતો રમાડવા બેસી જતા હતા. અપૂર્વ અને રાજેશ ઘરમાં ગુંજતા હાસ્યના લીધે ખુબ જ આનંદમાં રહેતા. વળી, ઘરનું વાતાવરણ આનંદી હોવાથી ઘરે બંને જલ્દી આવી જાય એવો આગ્રહ પણ રાખતા હતા. સૌથી અનોખા સ્વભાવના શોભાબહેન દંભમાં રહી ઘરના અલૌકિક આનંદથી વંચિત જ રહ્યા. કહેવાય છે ને કે જેના ભાગ્યમાં ન હોય એને કદાચ કુદરત આપે તો પણ એમનો સ્વભાવ એમને સુખ ન જ માણવા દે..

ભાગ્યમાં નથી છતાં કંઈક મળ્યું છે આજ!
દોસ્ત! અધૂરપની ખોટ પૂર્ણ થઈ છે આજ!

આખો પરિવાર એટલો ખુશ હતો કે, અપૂર્વને થયું કે એની ઈચ્છા પુરી થાય તો આખા ઘરમાં કાયમ આવો આનંદ અને કલબલાટ રહે!

હની આવી એને આજ ૪ દિવસ પુરા થવાના હતા. સાંજે ઘરે જવાનું હોવાથી બપોરથી જ હનીનો મૂડ ઠીક નહોતો. એને પોતાના ઘરે જવાનું મન થતું જ નહોતું. એવું નહોતું કે વિનય અને નીલા તથા તેના ભાઈઓ એને યાદ નહોતા આવતા. ફોનથી રોજ એમની સાથે વાત કરતી પણ અમૃતા પાસે એને જોઈતી હતી એ લાગણી પુરી થતી હતી. હની અમૃતાની સાથે હજુ રહેવા મળે તો કેવી મજા આવે નઈ? એમ વારે ઘડીયે બોલતી પણ હતી.

અચાનક જ બધું ઠીક થવા લાગે છે,
દોસ્ત! જયારે કુદરત પોતાની કૃપા વરસાવા લાગે છે.

સાંજે વિનય પોતાના પરિવાર સાથે અપૂર્વના ઘરે ડિનર કરવા અને હનીને લેવા આવે છે. હની બધાને મળીને ખુબ ખુશ થાય છે. એ લોકો આવ્યા ત્યારથી જમવાનું પત્યું ત્યાં સુધીમાં હની પોતે જે મજા કરી એ જ વાતો કર્યા કરે છે. એનું મોઢું જમતા જમતા પણ વાતો કરવા માટે ચાલુ જ હતું. એનો હરખ છલકાતો હતો એ જોઈને સમજી શકાય કે એ બહુ જ રાજી છે. વિનય અને નીલા બંને એ વાત જાણી જ ગયા કે હની માટે આવેલ અપૂર્વની પહેલની હા પાડવામાં કોઈ જ તકલીફ નથી.

હવે વિનયે બહુ મોડું થયું હોવાથી હનીને કહ્યું કે, "ચાલ હની આપણે ઘરે જઈએ. ખૂબ મોડું થઈ ગયું છે."

હની થોડી વાર હજુ રહીએ તો? એવો સામો પ્રશ્ન પૂછે છે.

વિનયે કહ્યું, "કાલ ઓફિસે વહેલા જવાનું છે. બેટા ફરી પાછી ક્યારેક આવજે."

હની ઓકે કહીને ઉભી તો થઈ ગઈ પણ મન હજુ રાજી નહોતું. બધા ગેટ સુધી બહાર એમને મુકવા ગયા. ગાડી પાર્કિગમાંથી આવી. હની એમાં બેસવા જ જતી હતી કે ફરી પાછી વળી અને અમૃતાને જઈને ભેટી પડી. ધીરા થતા લાગણી સભર અવાજે એ બોલી, હું તમને મમ્મી બોલાવું?

અમૃતા હનીના આવા પ્રશ્નથી એકદમ ખુશ થઈ ગઈ. એને પોતાને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. એણે ફરી થી પૂછી જ લીધું ,"શું કહ્યું તે બેટા!?"

હની જોરથી અને મક્કમ અવાજે બોલી, "હું તમને મમ્મી બોલાવું?"

અમૃતાએ એને તેડી લીધી અને હનીના ચહેરા પર ખૂબ પપ્પીઓ કરવા લાગી.

આંખો છલકાઈ રહી હતી ખુશીઓથી!
મા ની મમતા થી ભરાઈ રહી હતી પોથી.
પૂર્ણ થઈ હતી જીવનની અધૂરપ આથી!
મા દીકરી બન્યા છે હવે એકમેકના સાથી!

અમૃતાએ ખુબ વહાલથી હનીને પોતાને ગળે લગાવી હતી. અમૃતા જે શબ્દ સાંભળવા તરસતી હતી એ આજ અચાનક જ સંભળાઈ ગયા.

થોડી વાર પછી હની ફરી બોલી, "કહું ને હું તમને મમ્મી?"

અમૃતા હનીના અવાજથી સભાન થતા બોલી, "હા બેટા! કેમ નહીં?"

હની તરત જ બોલી ઉઠી, "તો હવે હું અહીંયા જ રહું? તમારી પાસે?"

હનીના શબ્દો અમૃતાની લાગણીને વલોવી રહ્યા હતા. શું જવાબ આપે એ વિચારી રહી હતી ત્યાં જ રાજેશ બોલ્યો, "પણ તારે એક પ્રોમિસ કરવું પડશે. બોલ કરીશને?"

હની તરત જ બોલી ઉઠી, "કેવું પ્રોમિસ?"

રાજેશ બોલ્યો, "તારે મને પપ્પા કહેવું પડશે."

હની હસતા મોઢે તરત જ બોલી, "ઓકે પપ્પા..."

રાજેશ પણ અમૃતા અને હની પાસે જઈને એ બંનેને ભેટી પડ્યો. અને એ ત્રણેયના મુખ પર હાસ્ય ની લાલિમા છવાઈ ગઈ. ત્રણેયનો પરિવાર આજે ખરા અર્થમાં પૂર્ણ થયો હતો.

આ ત્રણેયનું થયેલ મિલન જોઈ બધા ખુશ થઈ ગયા. બધા તાડી પાડવા લાગ્યા. સિવાય કે શોભાબહેન.

શોભાબહેન ગંભીર ચહેરે અને ગુસ્સાવાળા અવાજથી બોલ્યા, "આમ મને પૂછ્યા વગર નિર્ણય લેવાનો? આટલી મોટી વાત આમ પતાવવાની? બધાં જ એક દિવસ પસ્તાવાના છો. ગામનાં છોકરા ચાર દિવસ સારા લાગે પછી નહીં. એક દિવસ એવો આવશે જ્યારે તમને આ જ છોકરી આંખની કસ્તરની જેમ ખૂંચવા લાગશે.ત્યારે મારી આ વાત યાદ કરજો. પોતાના પોતાના હોય અને પારકાં હંમેશા પારકાં જ રહે છે. પારકાં ક્યારેય પોતાના થાય નહીં. સમજ્યા? એ છોકરી ગમે તેવી સારી લાગતી હોય અત્યારે તમને લોકોને પણ એક દિવસ એ પોતાનું પોત પ્રકાશ્યા વિનાની નહીં રહે."

શોભબહેને હવે હંમેશાંની જેમ પોતાની આદત પ્રમાણે બબડાટ કરવાનો ચાલુ કર્યો પણ હવે આ ઘરમાં એમના બબડાટની કોઈ જ અસર થતી નહોતી. એમની વાતો પર કોઈએ ધ્યાન આપ્યું નહીં. જાણે એમની વાતો બધાંએ સાંભળી જ ન હોય એમ રીએક્ટ કર્યું. અને ઘરના બધાનું આવું વર્તન જોઈને એ ખૂબ જ સમસમી ગયાં. અને એ ગુસ્સામાં ધુઆપુઆ થતાં ઘરની બહાર નીકળી ગયાં.