આ જનમની પેલે પાર - ૭ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ જનમની પેલે પાર - ૭

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૭

દિયાન સમજતો હતો કે સપનામાં થતો સંવાદ એ કલ્પના જ હશે. એ વાતને કોઇ માનશે નહીં. તે પોતાના મિત્રને સપનામાં થતી વાતચીત વિશે વાત કરવાનું વિચારી રહ્યો હતો. પણ એમને વાતનો વિશ્વાસ આવે એવી કોઇ નિશાની કે પુરાવા પોતાની પાસે ન હતા. કોઇને પણ આવી વાત સપનું જ લાગે અને એને ભૂલી જવાની જ સલાહ આપે એમ હતું. સપનામાં મળતા વિજાતીય પાત્રોની વાત કરવાથી પોતાની મજાક થશે એવો ડર હતો. પણ ગઇકાલે રાત્રે તેની જેમ જ હેવાલીએ જ્યારે એને કહ્યું કે મેવાન પુરાવા આપવાની વાત કરતો હતો ત્યારે તે વધારે ચોંકી ગયો. તેને પણ શિનામીએ આવું જ કહ્યું હતું. મતલબ કે દર રાત્રે તેની અને હેવાલીની નિદ્રામાં સરખી જ વાતો થઇ રહી છે. આ કોઇ જોગાનુજોગ ના જ હોય શકે. હવે આ વાતને અવગણી ના શકાય. હેવાલીની વાત સાંભળીને તે ચોંકી ગયો હતો. એ જોઇ હેવાલી કહે:'દિયાન, તું કેમ ગભરાયેલો દેખાય છે? તને પણ શિનામીએ આવું જ કંઇક કહ્યું છે?'

દિયાન થૂંક ગળે ઉતારતાં બોલ્યો:'હા હેવાલી! આપણી સાથે સરખો જ વાર્તાલાપ થઇ રહ્યો છે. શિનામીએ મને કહ્યું કે આપણો પ્રેમ સાચો છે. હું તને આપણા પ્રેમની સાબિતીઓ આપવા તૈયાર છું. તને મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય તો પૂર્વ જન્મની નિશાનીઓ બતાવીશ. આપણો સાથ એક જન્મનો ન હતો. આપણે જન્મોજનમ સાથે રહેવાનું છે. આપણે ફરી એકબીજાના થવાનું છે. મેં પણ કહ્યું કે તારી આ બધી વાત હું કેવી રીતે માની લઉં? મારા લગ્ન હેવાલી સાથે થયા છે. અગ્નિની સાક્ષીએ મેં તેની સાથે લગ્ન કર્યા છે. પતિ તરીકે એનો મારા પર હક્ક છે. તું પત્ની તરીકે કેવી રીતે દાવો કરી શકે? ત્યારે એ કહેવા લાગી કે આપણે ગયા જન્મમાં અગ્નિની સાક્ષીએ જ લગ્ન કર્યા હતા અને પતિ-પત્ની હતા એ હકીકત છે. તારે સાબિતી જોઇતી હોય તો હું આપી શકું છું. એ બહુ આત્મવિશ્વાસથી બોલતી હતી. તો શું ખરેખર આ બધું સાચું હશે? આપણે કેવી રીતે માની શકીએ? મેં જ્યારે એને કહ્યું કે મને એવો કોઇ ખ્યાલ નથી કે પૂર્વ જન્મમાં મારા શિનામી નામની કોઇ યુવતી સાથે લગ્ન થયા હતા. બલ્કે મને તો મારા પૂર્વજન્મ વિશે જ કંઇ ખબર નથી. ત્યારે એણે કહ્યું કે હું તને આપણા પૂર્વજન્મની વાત કરીશ અને એ સ્થળે લઇ જઇશ જ્યાં આપણે પતિ-પત્ની હતા. એના બધા જ પુરાવા આપીશ. ત્યારે તો માનીશને? હું એને કોઇ જવાબ આપી શક્યો નહીં. એણે કહ્યું કે આવતીકાલે તે બધી જ વાત કરશે...'

'હા, મને પણ મેવાને એવું જ કહ્યું છે. આ બધું શું બની રહ્યું છે દિયાન? આ સપનાને ટાળી ના શકાય? મને તો બહુ ડર લાગે છે. આ ભૂતાવળ આપણા ભવિષ્યને ભરખી તો નહીં જાય ને? દિયાન, મારે તારાથી અલગ થવું નથી. આપણે ગયા જન્મ સાથે શું લેવાદેવા? આવું આપણી સાથે જ કેમ બની રહ્યું છે? દુનિયામાં કોઇ વ્યક્તિ છાતી ઠોકીને કહી શકે એમ નથી કે તે ગયા જન્મમાં કોણ હતી અને કેવું જીવન હતું. આ સપનામાં થતા વાર્તાલાપને કારણે હું માનસિક રીતે ભાંગી પડી છું...મને એનાથી છૂટકારો જોઇએ છે...'

'હેવાલી, તું ચિંતા ના કરીશ. કોઇ રસ્તો શોધવો પડશે. હું મારા મિત્ર જેકેશ અને તેની પત્ની રેતીનાને આ વાત કરવાનું વિચારું છું. બંને હોંશિયાર છે. તેમની સાથે ચર્ચા કરવાથી કોઇ ઉકેલ મળી શકશે.'

'દિયાન, ત્યાં સુધી આ સપનાનું શું કરીશું? એને રોકવાનું આપણા હાથમાં નથી. હું આખો દિવસ સાધના કરું છું, ધ્યાન ધરું છું અને મન શાંત રાખીને ભગવાનનું નામ લઉં છું. જેથી રાત્રે કોઇ સપનું ના આવે. સૂઇ જતી વખતે જાણી જોઇને બીજા અનેક વિચારો પણ કરું છું કે જેથી મેવાનનું નહીં એ વસ્તુનું સપનું આવે. તેમ છતાં કોઇ સિરિયલના એપિસોડની જેમ રાત્રે એ મારી સાથે મુલાકાત કરવા આવી જ જાય છે....'

દિયાનને થયું કે આ સપનાને રોકવાનો તેમની પાસે કોઇ ઉપાય નથી. સપનામાં મેવાન અને શિનામી તેમને એક અલગ જ દુનિયામાં લઇ જઇ રહ્યા છે.

તે કંઇક વિચારીને બોલ્યો:'હેવાલી, આજે તું સપનાને રોકવાનો પ્રયત્ન ના કરતી. આજે આપણે સપનામાં એમને જરૂર મળીશું અને આગળનો વિચાર કરીશું...'

હેવાલીને સમજાયું નહીં કે અત્યાર સુધી તે સપનાને રોકવાનું કહી રહી હતી ત્યારે દિયાન સપનામાં એમને મળવાનો આગ્રહ કેમ કરી રહ્યો છે?

ક્રમશ: