Apshukan - 23 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 23

જયારે એ લોકો ઘરે પહોંચ્યાં ત્યારે હજુ પર્લ જાગતી હતી. દાદી અને દીકરી ટીવી જોઈ રહ્યાં હતાં.

“તમે લોકો આટલી જલ્દી આવી ગયાં?” માલિની બેનને થોડી નવાઈ લાગી.

“હા, મારી પર્લ ઘરે એકલી બેઠી હોય તો અમને થોડી મજા આવે? કહેતાં શાલુદાદી પર્લની બાજુમાં બેઠાં.

“ઓહ માય ગોડ! હું પર્લ માટે જે વસ્તુઓ લાવી છું એ તો તેને આપવાનું જ ભૂલી ગઇ... અંતરા, એક કામ કર ને! મારી બેગ અહી લઇ આવ ને, પ્લીઝ.

“માસી, અત્યારે રહેવા દો. બહુ મોડું થઇ ગયું છે. કાલે બેગ ખોલજો.” અંતરા બોલી.

“ના, ના... હું ગઇ કાલની આવી છું અને મે હજી સુધી પર્લને તેની ગિફ્ટ નથી આપી! જા, તું હમણાં જ મારી બેગ લઈ આવ.” માસીએ થોડી એક્સાઈટમેંટ સાથે કહ્યું...

“પર્લ તને ખબર છે ડાર્લિંગ, તારા માટે શાલુદાદી શું લઇ આવી છે?”

પર્લે ખાસ કંઈ ઉત્સાહ દેખાડ્યા વગર માત્ર માથું હલાવીને ના પાડી.

ત્યાં તો અંતરા બેગ લઈને હોલમાં આવી ગઈ.

“આંખ બંધ કર તો પર્લ...” કહીને શાલુ દાદીએ પર્લ માટે લાવેલી બઘી ગિફ્ટ તેની સામે મૂકી.

“સરપ્રાઈઝ...! હવે આંખ ખોલ પર્લ...”

પર્લે આંખ ખોલી તેની સામે સોફ્ટ ટોયસમાં મો... ટી સ્નો વ્હાઇટ ડોલ ઊભી હતી... તેની બાજુમાં જિરાફ અને પેંગ્વિન પણ ઊભાં હતાં... તેની બાજુમાં મોટું પર્પલ કલરનું ચોકલેટનું બોક્સ પડ્યું હતું... તેની બાજુમાં સ્ટીકોન્સવાળી ફેન્સી બેગ... છ અલગ અલગ કલરની નેઇલ પોલિશ... કલરફૂલ રબર બેન્ડ અને બાર્બી ડોલનો કંપાસ બોક્સ... આ બધુ જોઇને પર્લ એકદમ ખુશ થઈ ગઈ... એકેએક ચીજો હાથમા લઇને જોવા લાગી.

“શાલુદાદી, આ બધું મારા માટે?” પર્લે એક્સાઈટેડ થઈને દાદીને પૂછયું...

“યસ ડાર્લિંગ, આ બધ્ધુ જ માત્ર તારા માટે...” શાલુદાદીની આંખોમાં આપીને મેળવેલી ખુશીનો અનેરો આનંદ દેખાતો હતો...

“થેંક યુ શાલુદાદી...” કહીને પર્લ થોડી શરમાઇ ગઇ.

“અરે, દાદીને થોડી થેંક યુ કહેવાય? મને તો ગાલ પર્ કિસી દે એટલે હું માનું કે તને આ બધ્ધી જ ગીફ્ટસ ગમી.” પર્લે તરત જ શાલુદાદીના ગાલ પર કિસી આપી દીધી અને સ્નો વ્હાઈટ ડોલ લઈને દાદાને બતાવવા તેમના રૂમ તરફ દોડી ગઇ.

“આટલું બધું લઇ આવવાની શું જરૂર હતી શાલુ? માલિની બેને મલાવો કર્યો.

“મેં તને આપ્યું છે? નહિ ને! મે મારી દીકરીને આપ્યું છે, એમાં તને શું પ્રોબ્લેમ છે? લે, તારા માટે આ શોલ અને સોફ્ટ ચપ્પલ લાવી છું...કહીને શાલુએ માલિનીના હાથમાં બંને ચીજો થમાવી દીધી. માલિનીબેન કંઈ બોલ્યાં જ નહિ, કારણકે તેમને ખબર હતી કે એ જેવું કંઈ બોલશે, એવો શાલુ પાસે એનો જવાબ તૈયાર જ હશે! ને શાલુ સાથે જીભાજોડી કરવાની હિંમત માલિનીમાં નહોતી... એટલે એ ચૂપ જ રહી.

“અંતરા, લે... આ પર્સ, મેકઅપ કીટ અને ટી શર્ટ તારા માટે છે... મને કંઇ જ સાંભળવું નથી... ચુપચાપ લઇ લે.. પ્રેમથી લાવી છું તારા માટે...” શાલુએ કંઈ બોલવાનો મોકો જ ન આપ્યો...

“વિનીત, તારા માટે જેકેટ, ગોગલ્સ અને ટી શર્ટ છે...અને બનેવીલાલ માટે સ્વેટર અને હાથના રૂમાલ લાવી છું..આ બદામ અને કેશર ભગવાન માટે છે...” શાલુએ બધા માટે લાવેલી ચીજો વારાફરતી બધાને આપી દીધી.

“આટલું બધું થોડી લઇ અવાય?? અમે તને કઈ નથી આપી શકતાં... દર વખતે તું જાય ત્યારે તને પૂછીએ કે તારા માટે શું લઇ આવીએ? તો તારો એક જ જવાબ હોય... 'મારે ત્યાં બધું જ મળે છે.’ અને અમારા માટે તું આટલો બધો સામાન લઇ આવે?? ના, ના. હુ આટલું બધું નહિ લઉં... તું પાછુ લઇ જા.” માલિની બેને શાલુને ઠપકારતાં કહ્યું...

“શું છે આટલું બધું? આ વખતે હું સાત વર્ષે આવી છું, તો બધા માટે કઈક ને કઈક તો લઇને જ આવું ને!”

“અને હું અહીંથી કોઈ વસ્તુ નથી લઇ જતી, કારણ કે ત્યાં બધું જ મળે છે... અહીં કરતાં સારી ક્વોલિટીનું મળે છે, પણ હું અહીં જેટલા દિવસ રહું એટલા દિવસ બધી ભાવતી ચીજો ખાઉં છું ને! અથાણાં- મસાલા લઇ જાઉં છું... મને ભાવતી બઘી આઈટમ લઇ જાઉ છું ને! એના તું પૈસા લે છે? નથી લેતી ને! તો પછી? મેં ક્યારેય કહ્યું કે આ બધાના પૈસા લે તો જ હું લઇ જાઉં? મને તો મારી દીકરી પર્લ ખુશ થઈ એટલે સૌથી વધુ ખુશી મળી છે...” શાલુએ રાજીપો વ્યક્ત કર્યો..

“સાચ્ચે માસી, અમે લોકોએ પણ કેટલા સમય પછી પર્લના ચહેરા પર આવી ખુશી જોઇ છે!” અંતરાની આંખમાં રીતસરના આંસુ હતા...

માલિની બેન અંતરા અને શાલુની વાત પરથી સમજી ગયાં કે અંતરા અને વિનીતે શાલુને પર્લ વિશે બધી વાત કરી છે...

“બસ, હવે તો ગમે તે થાય... હું જાઉં ને એ પહેલાં મારે પર્લને પાછી હસતી બોલતી કરીને જવી છે...” શાલુમાસીની આ વાતથી ઘરમા ખુશીની લહેરખી ફરી વળી. બધાંનાં મનમાં આશ જાગી હતી કે પર્લ ફરી હસતી, બોલતી, ઊછળતી- કૂદતી થઇ જશે...

*** *** ***

શાલુને ઘરે આવ્યે અઠવાડિયું થઇ ગયું હતું. પહેલાં તો પર્લ શાલુદાદી સાથે વાત કરતાં અચકાતી હતી, પણ શાલુદાદી તરફથી મળેલી ગિફ્ટસ બાદ અને શાલુદાદીના પ્રેમાળ સ્વભાવને કારણે પર્લ શાલુ દાદી સાથે વધુ હળવા-ભળવા માંડી.

આજે માધવદાસના ફ્રેન્ડ હસમુખને હાર્ટએટેક આવી ગયો એટલે માધવદાસ અને માલિની તેમની તબિયત જોવા હોસ્પિટલ દોડ્યાં. વિનીત ઓફિસે નીકળી ગયો હતો અને અંતરાને ઘરનો સામાન લેવા માર્કેટ જવું હતું.

“પાક્કું માસી હું જઇ આવું માર્કેટ? પર્લ ઊઠશે ને તો મને અને દાદા- દાદીને નહિ જુએ તો ખૂબ જ રડશે...” શાલુ માસી ક્યારની અંતરાને જવા માટે કહી રહી હતી, પણ અંતરાનું મન માનતું નહોતું...

“અરે, અંતરા બેટા... તું મારા પર ભરોસો રાખ... એવું કંઈ જ નહિ થાય... આમ પણ પર્લ હવે મારી સાથે થોડી ખૂલી ગઇ છે... નહિ રડે એ... અને જો એ ઉઠી ગઇ તો તું ચિંતા ન કરતી.. હું એને નાસ્તો પાણી કરાવી દઇશ... તું બિન્દાસ્ત જા.”

“પણ માસી... એવી કોઈ ઉતાવળ નથી. હું સાંજે જઈને બધો સામાન લઈ આવીશ..” અંતરાએ પર્લને છોડીને ન જવા માટે થોડું બહાનું કાઢ્યું.

“સાંજે કેવી રીતે જઇશ? આપણે તો માર્કેટ જવું છે ને શોપિંગ કરવા?” માસીએ સામે અંતરાને સવાલ કર્યો.

માસી અંતરાની ગૂંચવણ પારખી ગઇ એટલે કહ્યું,

“મારા પર ભરોસો રાખ... જઈ આવ જા. જલદી આવી જજે પાછી.” માસીએ અંતરાને ધરપત આપતાં કહ્યું.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED