ડાયરી ને થાય આજે અકળામણ,
જગ્યા મારી મોબાઈલે કેમ લીધી?
હું એવી તે કેવી નબળી,
હારી ગઇ સ્પર્ધા મોબાઇલ સામે,
અને એ સવાયો નીકળ્યો મારાથી!
હા, હું ડાયરી, ભલે નિર્જીવ હતી પણ અંદરથી મૃત પામેલા મનુષ્ય ને મેં જ હિંમત આપી છે કપરી પરિસ્થિતિમાં ખુદને ટકાવવી રાખવા અને આ રીતે તેમને ફરી જીવંત કર્યાં છે મેં અને આજે એ જ લોકો મોબાઈલ આવ્યા પછી મને ભૂલી ગયા છે, તેમની પાસે હવે મારી સામે જોવાની પણ ફૂરસદ નથી.પહેલા આ જ લોકો હતા જે મને કાયમ એમની સાથે રાખતા અને એમની સાથે મને બધે ફેરવતા.જે પ્રિયજનનુ સરનામું હું વર્ષો સુધી સાચવી રાખતી આજે એ જ સ્થાન મોબાઈલે લઈ લીધું.
એક આખો જમાનો મારો એવો હતો કે હું કોઈની યાદશક્તિ બની રહેતી.કોઈ અગત્યનું કામ ભૂલી ન જવાય એથી મારામાં એ નોંધી લેતા અને આ જ બધું હવે મોબાઇલ આવી ગયો તો એમાં સમાઈ ગયું છે અને સૌ એમાં એવા વ્યસ્ત થઈ ગયા છે કોઈને સમય નથી એમના જૂના સહયોગી તરફ જોવાનો.કોઈને હવે ઈચ્છા નથી થતી કે લાવ હું જૂની ડાયરી જોઉં, અને જૂની યાદોને તાજી કરું.
અત્યારની પેઢીને હું કોણ છું અને મારું મહત્વ શું છે તેની જાણ નથી. આધુનિક પેઢીને ખબર જ નથી કે જો હતાશા હોય તો શું કરવું,તેમને તો એવું જ છે કે મોબાઇલ દરેક પ્રશ્નનું સમાધાન લાવી દેશે પણ તેઓ એટલા નાદાન છે કે એ કદાચ આંખ આડા કાન કરે છે, હતાશા ને દૂર કરવા મોબાઇલનો ઉપયોગ વધારી દે છે. આજની પેઢી મા-બાપને કંઈ વાત કે સમસ્યા કહેવાનું ટાળે છે.પણ એમને કદાચ એ વાતની ખબર નથી કે એમની સમસ્યા, હતાશા મારી અંદર લખી દે તો શું સુકૂન મળે છે. ભલે આજની પેઢી કોઈને કશું કહે નહિ, એકલવાયું જીવન જીવે પણ જ્યારે કોઈ તકલીફ આવે છે તો એમને એ ખબર હોવી જોઈએ કે જ્યારે એ લોકો માનસિક રીતે હેરાની અનુભવી રહ્યા હોય ત્યારે શું કરવું. હા, મને આજે એમની પર ગર્વ છે જે હજુ પણ નિયમિત મારો સહારો લે છે, રોજ એમના દિવસની દરેક વાત મને કરે છે અને એ ક્યારેય એવું વિચારતા નથી કે આ બધી વાતો જો હું ડાયરીમાં લખીશ તો એને ક્યારેય ખોટું કે ખરાબ લાગશે.
કોઈને પ્રેમ થયાની જાણ પણ સૌથી પહેલા મને જ થાય છે.જેને પ્રેમ થાય છે, કોઈ વ્યક્તિ એને ગમવા લાગે છે ત્યારે આ વાત બીજાને પછી ખબર પડે છે, પણ એ દરેક ઘટનાનું વર્ણન મારી સામે કરે છે. મને ખબર હોય છે કે ક્યારે કોની જોડે પ્રેમ થયો,ક્યારે અને ક્યાં કોફીનો પ્રોગ્રામ યોજાયો છે અને પછી કોણ શું અનુભવી રહ્યા છે એ બધી જ ઘટનાની હું સાબિતી છું.હજુ પણ જુજ લોકો એવા છે કે જે મને એમના પ્રેમની સાક્ષી બનાવે છે. હવે ભલે મને કોઈ એમના પ્રેમની વાત ન કરે પણ મને હજી એ જ આશા છે કે પ્રેમમાં લોકો હજુ પણ પડતા હશે અને એ વાતના સાક્ષી હવે એમના મિત્ર, કે એમના મોબાઈલની રીંગ ટોન બનતા હશે.
પહેલા જો કોઈના પ્રેમની સાક્ષી બનતી હતી તો એમના વિરહના સમયનો સહારો પણ બનતી હતી.મને જાણ રહેતી કે કોના પ્રેમસંબંધ કેવી રીતે ટૂટી ગયા અને ભલે હું એમના આંસુઓ ન લૂંછી શકતી હોઉં પણ એમની વેદના મારી અંદર લખીને એમને સુકૂન મળે છે એ વાત નો મને આનંદ છે અને એમના આંસુઓ ન લૂંછી શકવાનો રંજ પણ!
તું પણ વિચાતી હોઈશ "ડાયરી" કે આ મનુષ્ય કેટલા સ્વાર્થી છે,
જ્યારે મારી જરૂર હોય ત્યારે જ એ યાદ મને કરે છે,
પણ શું કરે જ્યારે કોઇનો સહારો ન હોય ત્યારે "તું " જ બધાનો સહારો બને છે!!
અત્યારે મારું મહત્વ ફક્ત હવે દિવાળી અને ચોપડા પૂજન સુધી જ સીમિત રહી ગયું અને પછી હું આખું વર્ષ ભૂલાતી જઉ છું.
On This Note: ગણશો નહીં મને નકામી,
લોકોના કેટલાય રહસ્ય છૂપાવીને બેઠી છું હું,
ખોલો જો કોઈની ડાયરી,
તો ખોલશો દિલ મક્કમ કરીને,
કારણ લખી હોય છે એમાં દર્દની વસિયત,
અને એ જ એની દવા હોય છે!