Prayshchit - 33 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 33

પ્રાયશ્ચિત પ્રકરણ 33

બીજા દિવસે કેતનને મનમાં એક વિચાર આવ્યો અને એણે તરત જ એના મેનેજર જયેશ ઝવેરીને ફોન કર્યો.

" જયેશભાઈ તમે આજે હોસ્પિટલમાં ચક્કર મારો અને જેટલા પણ ડોક્ટરો આપણી હૉસ્પિટલમાં સેવાઓ આપતા હતા તે બધાને ફોન કરી આવતીકાલે હોસ્પિટલમાં જ મારી સાથે મિટિંગ ગોઠવો. "

" ભલે શેઠ. ૮ ડોક્ટર્સ વીઝીટીંગ છે અને બે ડોક્ટર રેસિડેન્ટ છે જે અનુક્રમે દિવસે અને રાત્રે સેવા આપે છે. હું આજે જ આ તમામને જણાવી દઉં છું અને કાલે મીટીંગ પણ ગોઠવી દઉં છું. " જયેશે કહ્યું.

અને બીજા દિવસે સવારે ૧૦ વાગ્યે હોસ્પિટલમાં મીટીંગ ગોઠવાઈ. બધા ડોક્ટરો હાજર હતા અને કેતન પણ સમયસર પહોંચી ગયો. હોસ્પિટલમાં પહેલા માળે જે ખુલ્લી જગ્યા હતી ત્યાં જયેશ ઝવેરીએ બધાને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરી દીધી હતી.

" આપણે આજે પહેલીવાર મળી રહ્યા છીએ. તમને બધાને જાણ થઈ જ હશે કે મેં આ હોસ્પિટલ ટેક ઓવર કરી છે. અને કામ સમયસર પૂરું થઈ જશે તો ત્રણેક મહિના પછી દશેરાના દિવસે જ નવી લેટેસ્ટ ડિઝાઇનની હોસ્પિટલ નું ઉદ્ઘાટન કરવાનો મારો વિચાર છે. "

તમામ શ્રોતા ડોક્ટરોએ તાળીઓથી કેતનની વાત વધાવી લીધી.

" હવે આજની મીટીંગ શાના માટે બોલાવી છે એના ઉપર જ હું આવું છું કારણ કે તમારો બધાનો સમય કિંમતી છે. તમે લોકો વર્ષોથી આ હોસ્પિટલમાં સેવાઓ આપો છો. એટલે હોસ્પિટલની જરૂરિયાત વિશે તમે લોકો જ વધુ જાણો છો. મારે તમારી પાસેથી સૂચનો જોઈએ છે. "

"આ હોસ્પિટલમાં શું ફેરફાર કરી શકાય, કઈ વસ્તુઓ ખૂટે છે કે જેથી હવે પછી એની વ્યવસ્થા થઈ શકે, કોઈ સાધનોની જરૂર હોય તો એ પણ મને સજેસ્ટ કરો. જુના મશીનો કે ઇક્વિપમેન્ટ બદલવાની જરૂર હોય તો એ પણ મને જણાવી શકો છો. ઓપરેશન થિયેટર પણ આપણે લેટેસ્ટ બનાવવું છે. લેબમાં પણ તમામ ટેસ્ટ થઈ શકે એવું આપણે કરવું છે. જો શક્ય હોય તો ઇમેજિંગ સેન્ટર પણ આપણે આ હોસ્પિટલમાં જ ચાલુ કરવું છે જેથી દર્દીને બહાર ન મોકલવા પડે. "

કેતનની આવી રચનાત્મક વાતો સાંભળીને તમામ ડોક્ટરો ઉભા થઈ ગયા અને ક્યાંય સુધી તાળીયો પાડી. એમની કલ્પના બહારની વાતો કેતને કરી.

" સાહેબ તમે ખરેખર આજે એટલી બધી સુંદર વાત કરી છે કે અમે આ હોસ્પિટલ સાથે જોડાયેલા છીએ એનો અમને ગર્વ થાય છે. અમને થોડોક સમય આપો. અમે બધા ચર્ચા કરીને ચાર પાંચ દિવસમાં જ એક લિસ્ટ આપને આપી દઈશું. કયો વિભાગ કયા ફ્લોર ઉપર હોવો જોઈએ એ પણ અમે દિશા સુચન કરીશું. " ઓર્થોપેડિક વિભાગ સંભાળતા સૌથી સિનિયર ડોક્ટર શાહ સાહેબે ઊભા થઇને કહ્યું.

" જી.. મારે કોઈ જ ઉતાવળ નથી. ટેક યોર ટાઈમ ! દશેક દિવસમાં આપી દેશો તો પણ ચાલશે. મારા મેનેજર આ જયેશ ઝવેરીને તમે પહોંચાડી દેજો. કારણકે હોસ્પિટલનું આખું રીનોવેશન જયેશભાઈ જ કરવાના છે. " કેતન બોલ્યો.

એ પછી બધાંને આઇસ્ક્રીમ સર્વ થયો અને અંદરો અંદર કેતન ની પ્રશંસા કરતા સૌ છુટા પડ્યા. સૌથી વધુ આનંદ જયેશ ઝવેરીને થયો કારણકે કેતને આટલા મોટા ડોક્ટરો આગળ એનાં માનપાન વધારી દીધાં. એ જાણે કે આટલી મોટી હોસ્પિટલનો સર્વેસર્વા બની ગયો !

પાંચેક દિવસ પછી જયેશ ઝવેરીનો કેતન ઉપર ફોન આવી ગયો.

" સાહેબ ડોક્ટરોનાં સૂચન આવી ગયાં છે. અને જે જે નવાં ઇક્વિપમેન્ટ હોસ્પિટલ માટે આપણે લેવાનાં છે તેનું લીસ્ટ કિંમત સાથે મારી પાસે આવી ગયું છે. તમે કહો ત્યારે મળવા આવું. "

" હું તો ઘરે જ છું જયેશભાઈ. આવી જાઓ. "

એકાદ કલાકમાં જયેશ ઝવેરી કેતનના ઘરે પહોંચી ગયો.

" આ લીસ્ટ છે શેઠ. ઇમેજિંગ સેન્ટર ઊભું કરવું હોય તો એમઆરઆઈ અને સીટી સ્કેન મશીન ખાસ વસાવવાં પડે. એમઆરઆઈ મશીન દોઢ ટન નું સિમેન્સ કંપનીનું લગભગ ૨ કરોડ આસપાસ આવે છે અને સીટી સ્કેન ૮૦ લાખથી ૧ કરોડ વચ્ચે કિંમત છે. સોનોગ્રાફી મશીન ૪ લાખ આસપાસ આવે છે. એક્સ રે મશીન વગેરે નો ખર્ચ ૧૦ લાખ સુધીનો છે. એટલે ટૂંકમાં ૩ કરોડનું બજેટ ઇમેજિંગ સેન્ટર માટે અલગ રાખવું પડે."


" ઓપરેશન થિયેટરને લેટેસ્ટ બનાવવા માટે એમણે જે સૂચન કર્યું એ પ્રમાણે ૧૫ લાખનો બીજો ખર્ચ છે. એ જ પ્રમાણે અત્યારે જે પેથોલોજી લેબ છે એને અદ્યતન બનાવવા માટે બીજા દસેક લાખ નાખવા પડે. કેટલીક બેડ પણ બદલવા જેવી છે. એટલે બધું થઈને ખર્ચો સાડા ત્રણ કરોડનો ગણાય. "

" હા તો આપણને કોઈ જ વાંધો નથી. ડોક્ટર્સ સાથે ચર્ચા કરીને તમે જે તે કંપનીમાં ઓર્ડર આપી દો. કારણ કે એ વિષય આપણો નથી. એ લોકોને જ ખબર પડે કે આ બધાં સાધનો ક્યાંથી મંગાવવાના હોય."

" શેઠ મારે બે ત્રણ આસિસ્ટન્ટની જરૂર પડશે. કારણકે હોસ્પિટલના રીનોવેશન અને ઇક્વિપમેન્ટ વગેરે માટે અલગ અલગ ફાઈલો બનાવવી પડશે. એના રેકોર્ડ રાખવા પડશે. એટલે એક માણસ એ બધું જોશે. રીનોવેશન ચાલતું હોય ત્યારે દેખરેખ માટે એક સુપરવાઇઝર જોઈશે. હોસ્પિટલ ચાલુ થાય એટલે એના માટે પણ મેન્ટેનન્સ અને સ્ટાફના સેલેરી વગેરે માટે એક એકાઉન્ટ પણ જોઇશે. નાણાવટી સાહેબનો એકાઉન્ટ આખા ટ્રસ્ટનો હિસાબ રાખશે જ્યારે આપણો એકાઉન્ટન્ટ બિલ પેમેન્ટ સેલેરી વગેરે સંભાળશે. " જયેશ ઝવેરીએ કહ્યું.

" અરે જયેશભાઈ તમે મેનેજર છો. આવી બધી બાબતો માટે મારી પરમિશન થોડી લેવાની હોય ? તમને જે યોગ્ય લાગે તે નિર્ણય તમે સ્વતંત્રપણે લઈ શકો છો. " કેતને હસીને કહ્યું.

" જી શેઠ... પણ મારી પૂછવાની ફરજ છે. અને બીજું ડોક્ટરોએ હોસ્પિટલની નવી ડિઝાઈન પણ બનાવી આપી છે કે કયા ફ્લોર ઉપર શું શું બનાવવું. અત્યારે જે વિભાગો છે તે થોડા આડાઅવળા છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક તરફ રિસેપ્શન અને કેસ કાઢવાની ૨ વિન્ડો રહેશે. જ્યારે બીજી તરફ ઇમેજિંગ સેન્ટર અને પેથોલોજી લેબ રહેશે."

"પહેલા માળે જુદા જુદા ડોક્ટરોની ઓપીડી ચેમ્બર અને સ્ત્રીઓનો વોર્ડ રહેશે. ત્રીજા અને ચોથા માળે બાકીના તમામ વોર્ડ અને આઇસીયુ રહેશે. ચોથા માળે અડધા ભાગમાં કેન્ટીનની વ્યવસ્થા પણ રહેશે. આર્કિટેક્ટના સૂચન પ્રમાણે આપણે લિફ્ટ પણ સારામાં સારી કંપનીની બદલવી પડશે. " જયેશ ઝવેરીએ કેતનને નવી હોસ્પિટલની સંપૂર્ણ બ્લૂ પ્રિન્ટ સમજાવી દીધી.

" બહુ સરસ. આપણી હોસ્પિટલ જામનગરની સૌથી સારામાં સારી હોસ્પિટલ બને એ જ આપણું લક્ષ્ય છે. અને પૈસા કમાવાની કોઈ જ ભાવના નથી. લોકોને સારામાં સારી ફેસીલીટી મળે અને તમામ પ્રકારની સારવાર મળે એ જ આપણો હેતુ છે. " કેતને કહ્યું.

" અને હા ફાયર સેફટીનું પ્રોવિઝન આપણે કરવાનું છે અને એસી પ્લાન્ટ પણ નખાવી દેવાનો છે. આ બાબતની પણ તમે આર્કિટેક સાથે ચર્ચા કરી લેજો. એક એમ્બ્યુલન્સ પણ આપણે ખરીદી લઈશું. તમે ડોક્ટર્સ સાથે આ બાબતની વાત કરી લેજો. " કેતને કહ્યું.

" ભલે શેઠ. તમારાં તમામ સૂચનો હું નોંધી લઉં છું. અને નવો સ્ટાફ લેવા માટે અહીંના લોકલ ન્યુઝ પેપરમાં કાલે સવારે જ જાહેરાત આપી દઉં છું જેથી ૩ ૪ ચુનંદા યુવાનોને એપોઇન્ટમેન્ટ આપી દઉં. હવે મારે દોડવું પડશે. હોસ્પિટલોમાં ટિફિન સેવા માટે પણ અમુક સ્ટાફ ની જરુર પડશે અને હોલ નક્કી થઈ જાય એટલે રસોઈ માટે કેટલીક બહેનોની પણ ભરતી કરવી પડશે. " જયેશ ઝવેરી બોલ્યો.

" હા જયેશભાઈ એ કામ પણ તમારે કરવું પડશે. એ બહાને ગરીબ બહેનોને રોજી મળશે. આપણે એમાં ફિક્સ મેનુ જ રાખવાનું છે. પ્લાસ્ટિકના કે થર્મોકોલ ના ડિસ્પોઝેબલ બોક્સમાં મેથીનાં ૫ થેપલાં, બટેટાની સુકીભાજી અને દહીં - આ ત્રણ વસ્તુ કાયમ માટે ફિક્સ રહેશે. જેનું બહારગામથી આવતા દર્દીઓના સગાંને ફ્રી વિતરણ થશે. "

" જી શેઠ એ બહુ સારો આઈડિયા છે. "

" જયેશભાઈ આઈડિયા તો મને બીજો પણ એક આવે છે. આપણે બહેનોને રોજીરોટી જ આપવી છે તો એ ઘરે થેપલાં બનાવીને પણ હોલ ઉપર પહોંચાડી દે. આપણે એક કિંમત નક્કી કરીએ. થેપલા તો ગુજરાતની ઓળખ છે. બહેનો ઘરે બેઠાં પણ આ પ્રવૃત્તિ કરી શકે. હોલ ઉપર માત્ર બટેટાની સુકી ભાજી જ બનાવવાની રહે અને ૧૦૦ ગ્રામ મસ્તી દહીં અમૂલ માંથી સીધું જ ખરીદી લઇએ. આપણે બધું પેક કરીને માત્ર વિતરણ જ કરીએ."

" વાહ શેઠ વાહ !! શું કમાલ નો આઈડિયા આપ્યો છે તમે !! અરે આખું જામનગર થેપલાં બનાવવા તૈયાર થઈ જશે. "

" વાંધો નહીં.... વધારે થેપલાં આવશે તો ગરીબ ભૂખ્યા લોકોને ભોજન જમાડીશું. એ બહાને એક સદાવ્રત ચાલુ થઇ જશે " કેતને હસીને કહ્યું.


" શેઠ તમારી સાથે જોડાઈને મને પણ હવે આ બધાં કાર્યોમાં એટલો બધો આનંદ આવે છે કે હું તમને કહી શકતો નથી. હોસ્પિટલની સેવાઓ... મફત ભોજનની સેવાઓ.. ખરેખર મારુ કિસ્મત પણ ખુલી ગયું છે. " જયેશ ઝવેરી લાગણીશીલ થઈ ગયો.

" જયેશભાઈ આ જગતમાં બધું ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે. ઈશ્વર જ એના સેવા કાર્યોમાં જોડવાનો આપણને મોકો આપે છે. એનું છે અને એના માટે વાપરવાનું છે. સ્વામી વિવેકાનંદના વિચારો મેં પચાવેલા છે એટલે કર્તા તરીકેનું મને કોઈ અભિમાન નથી. "

" મારે તો ૩૦૦ બેડની વિશાળ હોસ્પિટલ બનાવવી જ હતી પણ ઈશ્વરે મને એ પ્રોજેક્ટ માંથી દૂર કરી દીધો. જે થાય છે તે સારા માટે જ થાય છે એમ વિચારીને હું ચાલુ છું. "

" શેઠ તમારી પાસેથી મારે ઘણું શીખવા જેવું છે. આ દુનિયામાં કરોડો રૂપિયા લાખો માણસો પાસે હશે પણ આવી સમજણ અને આવી ઉદારતા બહુ ઓછા લોકો પાસે હોય છે. " જયેશ કેતનના વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયો હતો.

" આપણી ઓફીસ હવે જલ્દી તૈયાર થઈ જવી જોઈએ. તમે બિલ્ડરને કહો પ્રાયોરિટી આપીને આપણું કામ પહેલાં પૂરું કરે. જેથી વધારે સ્ટાફની ભરતી પણ આપણે કરી શકીએ. "

" જી શેઠ... હું ગઈ કાલે પણ ચક્કર મારી આવ્યો હતો. આમ તો ત્રણ મહિનાની વાત થયેલી હતી પરંતુ કમ સે કમ બે મહિના તો લાગશે જ કારણકે ફર્નિચર પણ કરાવવું પડશે. "

" તમે ફર્નિચરની વાત કરી તો મને યાદ આવ્યું કે પ્રતાપ અંકલ કોઈ સરસ ફર્નિચરવાળા ને ઓળખે છે. લેટેસ્ટ ડિઝાઇનનું ઓફીસ ફર્નિચર એ ઝડપથી બનાવી આપશે. " કેતને કહ્યું.

" તો તો બહુ સારું. મને તમે પ્રતાપભાઈ નો નંબર આપી દો. તેમની સાથે વાતચીત કરીને હું ફર્નિચરવાળાને કાલે જ મળી લઉં છું અને એને ઓફિસ પણ બતાવી દઉં છું. જેથી અંદરનું માપ લઈને અમુક ફર્નિચર એ એમની ફેક્ટરીમાં તૈયાર કરી શકે. જે લાવીને ફીટ કરી દેવાનું કે ગોઠવી દેવાનું જ હોય !! "

" હા તમે પ્રતાપ અંકલનો નંબર સેવ કરી લો. " કહીને કેતને પ્રતાપભાઈ વાઘાણી નો નંબર જયેશને આપ્યો.

" આમ તો અહીંના ઘણા ફર્નિચરવાળા ને હું ઓળખું જ છું છતાં પ્રતાપભાઈ કહેશે એટલે ભાવમાં થોડો ફરક પડશે." જયેશ ઝવેરી બોલ્યો અને એણે રજા લીધી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED