જતીન ભટ્ટ (નિજ) રચિત એક હાસ્ય રચના;
દિવાળી અને નવા વર્ષ ના કોમન ડાયલૉગ:
_હવે પહેલા જેવી મજા નથી આવતી,
પહેલા તો બધાની ઘરે જઈએ, ને જાત જાતની મીઠાઈ ઓ ખાઈએ, મઠિયાં સુવાળી ને એવું બધુ ખાઈએ, ઘરે ખાવાની માથાકૂટ જ નઈ કરવાની,
હવે તો કોઈ એકબીજાને ઘેર જતું આવતું જ નથી, તમે જ પહેલા આવજો ને ,પછી જ હુ આવીશ,(હજુ પણ જવાય જ ને, બીજાના ઘરે જતા કીડીઓ ચટકા ભરે છે? જવાનુ, નાસ્તો કરવાનો, મોટાઓનાં આશીર્વાદ લેવાના, ને શુકન પેટે રૂપિયા આપે તે લઈ લેવાના, એમાં સ્ટાઈલો શી મારવાની, કૌસ પુરો)
_આ વખતે તો ચોળાફળી, મઠિયાં, સુવાળી બહાર થી જ લાવ્યા છે, ઘરે કોણ મગજમારી કરે? બધા મદદ કરવા આવે ખરા પણ પાછું એમને આપવું પણ પડેને? સરવાળે સરખું જ પડે એટલે આ વખતે બહાર થી જ નાસ્તા લાવ્યા છે....
_મારે તો આખુ ઘર સાફ કરતા,10 દીવસ નીકળી ગયા ,એ તો સારુ હતુ કે તમારા ભાઈ એ મને મદદ કરી, શું પુછ્યું? ક્યાં છે એમ?દવાખાને ગયા, શરીર બહુ દુખતું હતુ, આવું કામ કરવાની આદત નઈ ને, શું? બે દિવસ પહેલા મારી કોઈ બહેનપણી ને ત્યાં તમે કામ કરતા જોયા હતા?મને તો ખબર જ નથી, પેલી એ પણ કઈ કીધું નથી, હં! એટલે જ એમને કળતર થાય છે, મને પણ એમ જ થયુ કે મારે તો અહિયાં એકજ માળિયુ છે ને એમને આટલી બધી કળતર કેમ થાય છે? આવવા દે તમારા ભાઈને, આજે તો બરાબર ખબર લઉં છું.,....
_આ વખતે ક્યાં જવાના? યુરોપ, વાહ, બહુ સરસ ફરી આવો, પછી ટાંટિયા નઈ ચાલે, એના કરતા ફરીજ આવો...અમે? ના આ વખતે અહીં જ ફરીશું, નજીક ના મંદિરો માં,.... કોરોના માં પાછું કઈ બહાર જવાના?
_અરે વાહ ,નવી ગાડી લીધી?બહુ સરસ, હમણાં આ મોડેલ બહુ ચાલે છે, તમને રાઈટ ટાઈમ ડિલિવરી મળી ગઇ.. બાકી તો બુકિંગ પછી 6 મહિને આવે છે,અમારી પણ આજે જ આવે છે, શું પૂછ્યું? કઈ? ના ના નવી સાયકલ લેવા ગયા છે, આ તો શું કે પેટ્રોલ આપણને પોષાય એમ નથી, ને પાછી કસરત ની કસરત...
_આ લાઈટિંગ મસ્ત લાગે છે, કોની પાસે કરાવી? શું?સ્પેશિયલ ઓર્ડર આપેલો, ના ના સરસ લાગે છે, અમે આ વખતે ઓર્ડર આપવાના હતા પછી તમારા ભાઈ એ કીધું કે દિવાળી માં દીવા જ સારા લાગે એટલે અમે દિવડાનું જ ડેકોરેશન કરીશું..
_અરે વાહ,સરસ રંગોળી છે ને, શું? રૂપિયા આપી ને કરાવી છે? ઓહ, જબરું, બાકી અમે તો તૈયાર ડિઝાઇન વાળી ચારણી લઈ આવેલા છે, તેનાથી રંગોળી કરી લઈશું,બીજું શું! ચાલે હવે, આપણે ક્યાં હરીફાઈ માં ભાગ લેવાનો છે...
_ઓહો, મસ્ત કપડાં લીધા છે ને કંઇ, બ્રાન્ડેડ લાગે છે, શું કીધું ઍક શર્ટ ના સાત હજાર રૂપિયા? અને બુટ ના પણ નવ હજાર રૂપિયા? જબરદસ્ત કહેવાય, અમે? અમે પણ નવા જ લીધા છે, ખાલી ફરક એટલો કે અમે ઢગલા માંથી લીધા, ચાલે હવે, પ્રિન્ટેડ છે ને એટલે ખબર જ ના પડે...
_અરે જોરદાર કલર કરાવ્યો છે ઘરનો, મસ્ત લાગે છે, કયો છે? રોયલ?
બહું મોંઘો આવે નઈ! અમારે તો ગયા વખતનો ચૂનો છે તે હજી એવોને એવો જ છે, ખાલી પોપડીઓ નીકળી ગયેલી છે, પણ તમને એય ખબર નઈ પડે,
કેમ કે એની આગળ અમે ફોટા અને કેલેન્ડર ટિંગાડેલા છે...
તો અમે તો તમારા ઘરે આવી ગયા, હવે તમારો વારો, ચોક્કસ આવજો હાં, પણ ફોન કરી ને આવજો,
આવજો, આવજો, આવજો...
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
Mob.: 94268 61995
yashhealthservices@yahoo.com
રચના ગમી હોય તો આપના FB અને Watsapp પર શેર જરૂર થી કરજો