Prayshchit - 28 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 28

પ્રાયશ્ચિત પ્રકરણ-28

" હા નાણાવટી સાહેબ.. હોસ્પિટલ નો પ્રોજેક્ટ આપણે પડતો મૂકીએ છીએ અને જે નવા નવા આઈડિયા મેં તમને આપ્યા એમાંથી જે જે શક્ય હોય તેના ઉપર અમલ ચાલુ કરો. આપણે તો માત્ર લોક સેવા જ કરવી છે તો એ બીજી રીતે પણ થઈ શકે છે. " કેતન બોલ્યો.

" હા હું ચોક્કસ એ દિશામાં કામ ચાલુ કરું છું. દરેક નવા નવા પ્રોજેક્ટ માટેની અલગ-અલગ ફાઈલ બનાવવી પડશે. આ બધું એક ટીમ વર્ક છે એટલે મારે કેટલાક લોકોને પગાર આપીને રોકવા પડશે. મને થોડો સમય આપો એટલે હું એક કાચો ડ્રાફ્ટ બનાવીને તમને બતાવી દઉં. " નાણાવટી બોલ્યા.

" દ્વારકામાં મારા પોતાના કેટલાક કોન્ટેક્ટ છે એટલે ત્યાં સદાવ્રત માટે સારામાં સારું લોકેશન પણ શોધી કાઢું છું. કોઈ જૂની ધર્મશાળા મળી જતી હોય તો એ પણ આપણે ટેક ઓવર કરી શકીએ. આપણે એને રિનોવેટ કરીને ઉપયોગમાં લઈ શકીએ. સમૂહ લગ્નો માટે તો જ્યારે મેરેજ ની સિઝન આવે ત્યારે આપણે અહીંના લોકલ ન્યુઝ પેપરમાં જાહેરાતો આપી દઈશું. " નાણાવટી બોલ્યા.

" ચાલો હવે હું રજા લઉ અને પેલા ટ્રસ્ટના જે પેપર્સ આવી ગયા છે તે મને આપી દો. "

" હા, તમે સારું યાદ કરાવ્યું. " કહીને કેતને કબાટમાંથી રજીસ્ટર કવર કાઢીને નાણાવટી સાહેબને આપી દીધું.

સી.એ. સાથે વાત કરીને કેતન હવે હળવો ફૂલ થઇ ગયો. હોસ્પિટલનો આટલો મોટો પ્રોજેક્ટ એકલા હાથે સંભાળવો એના ગજા બહારની વાત હતી.

એણે આ બાબતની વિગતવાર ચર્ચા પપ્પા સાથે પણ કરી લીધી.

" એ નિર્ણય ખૂબ જ સારો લીધો બેટા. કારણકે ૩૦૦ બેડની આવડી મોટી હોસ્પિટલ બનાવવી એ તારા એકલા નું કામ નથી. હોસ્પિટલ ચાલુ કર્યા પછી પણ લફરાં બહુ હોય છે. ઘણા લોકો ને સાચવવા પણ પડે છે. તારું એ કામ નહીં. અને આપણે સેવા જ કરવી હોય તો અનેક રીતે કરી શકીએ છીએ. "

" હા પપ્પા મેં સી.એ. સાથે એ જ બધી ચર્ચા હવે કરી છે અને એ દિશામાં જ આગળ વધી રહ્યો છું. "

"અને પપ્પા બીજી એક વાત. હું હવે જાનકી વિશે ગંભીરતાથી વિચારી રહ્યો છું. મને એવું લાગે છે કે એનાથી સારું બીજું પાત્ર મને નહીં મળે. " કેતને પપ્પાને પોતાના મનની વાત કરી.

" આ તો તારો સારામાં સારો નિર્ણય છે કેતન ! ચાલો મને એ વાતનો ખૂબ આનંદ છે. આજે જ ઘરમાં બધાંને આ સારા સમાચાર આપું છું. તું પણ હવે ત્યાં એકલો જ રહે છે એટલે વહેલી તકે હવે તારાં લગ્ન માટે વિચારવું પડશે." જગદીશભાઈ બોલ્યા.

" ભલે પપ્પા " અને કેતને ફોન કટ કર્યો.

છેલ્લા બે-ત્રણ દિવસથી કેતન જાનકી વિશે વિચારી રહ્યો હતો. જીવનમાંથી વેદિકાની વિદાય પછી એ જાનકી વિશે થોડો ગંભીર બન્યો હતો. જામનગરમાં એને એવી કોઈ કંપની ન હતી અને ઘરમાં પણ એક પ્રકારનો ખાલીપો એ અનુભવી રહ્યો હતો. ખાસ કરીને જાનકી આવીને રહી ગઈ એ પછી એને એકલતા વધારે સાલતી હતી.

આ બાજુ જગદીશભાઈએ કેતનના જાનકી અંગેના નિર્ણયની ઘરમાં સૌને જાણ કરીને આનંદની વહેંચણી કરી.

" સાંભળો છો ? કેતને જાનકી માટે હા પાડી છે. એટલે હવે આપણે કેતનના લગ્નની તૈયારીઓ શરૂ કરવાની છે. "

સાંજે ઘરે આવીને સોફા ઉપર બેઠક લેતાં જ જયાબેનને બૂમ પાડીને જગદીશભાઈ એ આ વધામણી આપી. જાણી જોઈને એ મોટેથી બોલ્યા જેથી ઘરના બીજા સભ્યો પણ સાંભળી શકે. અને એમની ગણતરી મુજબ તમામ સભ્યો હોલમાં ભેગા થયા.

" ખરેખર પપ્પા ? " સૌથી પહેલો સવાલ શિવાનીએ જ પૂછ્યો.

" હા આજે મને એણે સામેથી ફોન કરીને કહ્યું. "

" લો આ તો સૌથી ખુશીના સમાચાર છે. લગન ભલે ગમે ત્યારે થાય... અત્યારે ઘરમાં મહારાજને કહી દો કે લાપસીનું આધણ મૂકે. " જયાબેન બોલી ઉઠ્યાં.

" મમ્મી હું મુંબઈ જાનકીને ફોન કરી દઉં ? " શિવાનીથી રહેવાયું નહીં એટલે બોલી ઉઠી.

" હવે એ તારી ભાભી થઈ !! જાનકી જાનકી ક્યાં સુધી કરીશ ? " સિદ્ધાર્થ બોલ્યો.

" લગન થાય ત્યાં સુધી !!" કહીને હસતી હસતી એ એના બેડરૂમમાં દોડી ગઈ.

" જાનકી તમને જાનકી કહું કે ભાભી ?" શિવાનીએ જાનકીને મોબાઈલ લગાવીને સવાલ પૂછ્યો.

" કેમ બેનબા આજે આવો સવાલ પૂછો છો ? " જાનકીએ પણ સામે એવા જ રમતિયાળ સુરમાં જવાબ આપ્યો.

" કારણ કે જાનકી દેવી હવે મારાં ભાભી થવાનાં છે. " કહીને શિવાની હસી પડી.

" વૉટ !!!"

" જી હા જાનકી... કેતનભાઈનો ફોન પપ્પા ઉપર આજે આવી ગયો. અને જાનકીદેવી ઉપર મહોર મારી દીધી. મમ્મી પપ્પાએ પણ અત્યારે લગ્નની તૈયારીઓ શરૂ કરવાની વાત કરી એટલે હું તમને વધાઈ આપવા આવી ! કોન્ગ્રેચ્યુલેશન ભાભી !! "

"થેન્ક્યુ શિવાની !! આજે મારો આનંદ હું તને બતાવી શકતી નથી.! મારું દિલ અત્યારે લાગણીઓથી ઉભરાઈ રહ્યું છે. તું મારી સામે હોત તો હું તને ઊંચકી લેત !! મને તો અત્યારે રડવાનું મન થાય છે " બોલતાં બોલતાં જાનકીના ગળે ડૂમો ભરાઈ ગયો ! શિવાનીએ ફોન કટ કરી દીધો.

જાનકીએ લાગણીઓના આવેશમાં થોડુંક રડી લીધું. કેટલાં વર્ષોની ઈચ્છા પૂરી થઈ. છેવટે મનનો માણીગર મળી જ ગયો. કેતનને એ દિલથી ચાહતી હતી. તે દિવસે સામે ચાલીને કેતન માટુંગા જમવા આવ્યો ત્યારે જ એને થોડો એહસાસ તો થઇ જ ગયો હતો કે કેતન મારા માટે ગંભીર છે.

એ ઊભી થઈ. વોશબેસિન પાસે જઈ એણે મોં ધોઈ લીધું. થોડી ફ્રેશ થઈ ગઈ અને ડ્રોઇંગરૂમમાં જઈને મમ્મીની જોડે બેસી ગઈ.

" મમ્મી કેતનની હા આવી ગઈ " કહેતાં કહેતાં ફરી પાછી એની આંખો ઉભરાઈ ગઈ.

" અરે પણ ગાંડી...એમાં રડે છે શું કામ ? આ તો ખુશીના સમાચાર છે " કીર્તિબેન બોલ્યાં.

" હા મમ્મી.. પણ દિલ આજે કાબૂમાં નથી. " જાનકી બોલી.

" સાવ ગાંડી છે તું !! ચાલો તેં ખૂબ સારા સમાચાર આપ્યા !! હવે આપણે લગ્નની તૈયારીઓમાં લાગી જવું પડશે. તારા પપ્પા બહાર ગયા છે. આવતા જ હશે. એ કાલે વેવાઈ સાથે વાત કરી લેશે ! લગન ક્યારે લેવાના છે એ બધી ચર્ચા હવે કરવી પડશે ને ? " કીર્તિબેને કહ્યું.

'સમાચાર તો મળી ગયા પણ હવે મારે કેતનને સામેથી ફોન કરવો પડશે કે કેતનનો ફોન મારી ઉપર આવશે ?' -- જાનકી પોતાના બેડરૂમમાં જઈને વિચારોમાં પડી ગઈ.

અને એ જ વિચારોમાં રાત્રે કેતન પણ ડૂબેલો હતો. પપ્પાને તો પોતે કહી દીધું પરંતુ હજુ જાનકીને મેં જાણ કરી નથી. મારે મારો નિર્ણય જાનકીને તો જણાવવો જ પડે. પપ્પાને વાત કરી છે એટલે શિવાની જાનકીને કહ્યા વગર રહેવાની નથી. એ પહેલા હું જ એને જાણ કરી દઉં.

" જાનકી કેતન બોલું. ! " કેતને જાનકીને ફોન લગાવ્યો.

" બોલો મારા સાહેબ !! આખા ગામને કંકોત્રીઓ વહેંચી દીધી અને કન્યાને જ છેલ્લી આપવાની મિસ્ટર ? " જાનકીએ મોં ફુલાવીને કહ્યું.

" અરે આખા ગામને કેવી રીતે ખબર પડે જાનકી ? હજુ તો મેં માત્ર પપ્પાને જ વાત કરી છે ! " કેતન બોલ્યો.

" હા એ જે હોય તે !! મને તો મારી સુરતની એક ફ્રેન્ડે ફોન કરીને પૂછ્યું કે કેતન સાથે તારાં લગ્ન થવાનાં છે એ સાચી વાત છે ? " જાનકીએ કેતનને ખીજવવાનું ચાલુ રાખ્યું.

" તો તો એ શિવાની જ હોય !! " કેતન હવે સમજી ગયો કે શિવાનીએ જાનકીને મારા કરતાં પણ પહેલાં વધામણી આપી દીધી છે.

" બિલકુલ સાચું. શિવાની મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એ મને કહ્યા વગર રહે જ નહીં. પણ તમારે સૌથી પહેલાં મને ના કહેવું જોઈએ ? આ તો કન્યાનાં લગ્ન લેવાય છે અને કન્યાને જાણ જ નથી !!" જાનકી બોલી.

" સોરી બાબા... મારા મનમાં એવું કંઈ છે જ નહીં !! આ તો પપ્પા સાથે ફોન ઉપર વાત ચાલતી હતી એટલે મારાથી કહેવાઈ ગયું કે જાનકી સાથે જ લગ્ન કરવાનો નિર્ણય મેં લઈ લીધો છે. એટલે પપ્પાએ ઘરમાં જાહેરાત કરી દીધી. બસ. મેં કંઈ આ વાત માટે સ્પેશિયલ ફોન નહોતો કર્યો. "

" રિલેક્સ કેતન ! હું તો મજાક કરું છું. તમારા આ નિર્ણયથી હું આજે કેટલી બધી ખુશ છું એ તમને કહી શકતી નથી. તમને ખબર છે ? શિવાનીએ જેવો મને ફોન કર્યો કે ખુશીના માર્યા હું લગભગ રડી પડી. " જાનકી બોલી.

" સાવ પાગલ છે તું !! એમાં રડવાનું થોડું હોય !!" કેતને કહ્યું.

" એ તમે પુરુષો ક્યારેય ના સમજી શકો ! સ્ત્રીઓના જીવનમાં કાયમ માટે કોઈની સાથે મન વચન અને કર્મથી બંધાઈ જવું એ પ્રસંગનું કેટલું મહત્વ છે એ હું તમને કેમ કરીને સમજાવું !! "

" લગ્નનાં સપનાં જોતી કોઈ કોડભરી કન્યાને લગ્ન માટે કોઇ ખૂબસૂરત યુવાન પસંદ કરે એ સમાચાર જ એના દિલના તાર ઝણઝણાવી દેતા હોય છે મારા સાહેબ " જાનકી હજુ પણ લાગણીઓ ના આવેશમાં હતી.

" હજુ તો મુરતિયાએ હા પાડી છે ત્યારે તારા આવા હાલ છે તો ખરેખર તારાં લગ્ન થશે ત્યારે તારી હાલત શું થશે ? " કેતન હસીને બોલ્યો.

" એ તો તમે રૂબરૂમાં જ જોઈ લેજો ને" જાનકી પણ હસી પડી.

અને એ રાત્રે તો મોડે સુધી એ બંનેની આવી વાતો ચાલતી રહી. કેતન પોતે પણ જાનકી સાથેના ભાવિ લગ્નથી ખૂબ જ ખુશ હતો. એને પહેલેથી જ એ જાણતો હતો અને દેખાવમાં પણ એ ખૂબસૂરત હતી.

બીજા દિવસે સવારે વળી પાછો કેતન ઉપર મમ્મી જયાબેન નો ફોન આવ્યો.

" કેતન રાત્રે તારા પપ્પાએ વાત કરી ત્યારે ઘરમાં બધાંને ખુશી થઇ છે. મને પણ બહુ જ આનંદ થયો છે. તેં ખૂબ જ યોગ્ય નિર્ણય લીધો છે બેટા ! મારા આશીર્વાદ છે તને ! લે હવે સિદ્ધાર્થને આપુ !! " કહીને જયાબેને મોબાઈલ સિદ્ધાર્થને આપ્યો.

"કેતન કોન્ગ્રેચ્યુલેશન. એકદમ રાઈટ ડિસિઝન ! બસ આ સંબંધમાં મારા પણ આશીર્વાદ છે. રેવતી પણ વાત કરવા માગે છે. " અને ફોન સિદ્ધાર્થે રેવતી ને આપ્યો.

" કેતનભાઇ દિલથી અભિનંદન ! બસ હવે જલ્દી જલ્દી મારી દેરાણીને લઈ આવો એટલે હું પણ જેઠાણી થઈને હુકમ ચલાવું !!" રેવતી હસતાં હસતાં બોલી.

" અરે ભાભી.. તમે જેઠાણી છો અને જેઠાણી જ રહેવાનાં છો. એનીવેઝ થેંક યુ ! બસ અમારે તો તમારા આશીર્વાદ જ જોઈએ છે !! "

" આશીર્વાદ તો વડીલોના હોય કેતનભાઇ અમારી તો માત્ર શુભેચ્છાઓ જ હોય ! લો આ શિવાની બાકી રહી ગઈ હવે એની સાથે વાત કરો !! " કહીને ફોન રેવતીએ શિવાનીને આપ્યો.

અને શિવાની મોબાઇલ લઇને પોતાના બેડરૂમમાં દોડી ગઈ.

" ભાઈ ખુબ ખુબ અભિનંદન. કાલે મેં સૌથી પહેલા સમાચાર જાનકીભાભી ને જ આપ્યા. એ તો બિચારાં ખુશીનાં માર્યાં રડી જ પડ્યાં. ભાઈ તમે ખરેખર બહુ જ લકી છો !! આવી ભાભી ભાગ્યશાળીને જ મળે !! જાનકી સાથેના તમારા આ નિર્ણયથી આખા ઘરમાં સૌથી વધારે હું ખુશ છું. "

" મને બધી જ ખબર છે શિવાની ! રાત્રે જ જાનકીનો ફોન આવી ગયેલો. બસ તું ખુશ એટલે હું પણ ખુશ !! " કેતન બોલ્યો અને ફોન કટ કર્યો.

સવાર-સવારમાં જ ઘરના તમામ સભ્યોએ કેતનને ફોન કરીને આ રીતે ખુશી વ્યક્ત કરી અને જાનકી સાથેના લગ્નના નિર્ણયને વધાવી લીધો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED