પુનર્જન્મ - 40 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ - 40



પુનર્જન્મ 40


બળવંતરાયના ઘરે આજે મિટિંગ હતી. છેલ્લા કેટલાક દિવસોની ઘટનાથી એ વ્યથિત હતા. જમાનાના ખાધેલ ખંધા રાજકારણીને મન સતાનું ખૂબ મહત્વ હતું. અને અજયસિંહનો પ્રચાર, અને એ પણ એમના ગઢ ગણાતા ગામોમાં ? એ બધાની પાછળ અનિકેત હતો. હવે એને અજયસિંહ અને મોનિકાનો પણ સાથ હતો. પોતે વ્યક્તિગત રીતે અનિકેત પર આક્રમણ કરવા નહોતા માંગતા અને મોનિકા કે અજયસિંહની શક્તિ પોતે ઘટાડી શકે એમ ન હતા. હવે એક જ રસ્તો હતો. પોતાની શક્તિ વધારવા નો. અને મોનિકા એટલી આક્રમક નહતી જેટલો અજયસિંહ આક્રમક હતો. માટે આ ચૂંટણી જીતવી બળવંતરાય માટે ખૂબ જરૂરી હતી. અને આજે એ માટે જ મિટિંગ રાખી હતી.
બધા એક બાબતે સહમત હતા કે આ બધાનું મૂળ અનિકેત હતો. ભીમસિંહનું કહેવું હતું કે રોડ પર અકસ્માત ખૂબ થાય છે. અનિકેતને અકસ્માતમાં ઉડાવી દેવો. બળવંતરાય ગમે તેવો હતો પણ હદયના એક ખૂણામાં ક્યાંક દીકરી માટે પ્રેમ હતો. અને એક ડર પણ હતો. એમને ખબર હતી, એમની છોકરી એમના જેટલી જ જીદ્દી છે. એમને સ્નેહાના શબ્દો યાદ આવ્યા...
" અગર જો અનિકેતને કંઈ થયું તો તમારા આંગણામાં તમારી દીકરી જીવતા અગ્નિસ્નાન કરશે. અને સાથે ભસ્મ કરશે તમારી મહોલાત, જેના માટે તમે અનેક પ્રપંચ કર્યા છે. "
બળવંતરાય ધ્રુજી ઉઠ્યા. ના...... અનિકેતને જેલમાં મોકલ્યો એ સ્નેહાને પાછળથી ખબર પડી હતી. એને એક રૂમમાં પૂરી રાખી હતી. પણ જેવી સ્નેહાને ખબર પડી કે અનિકેત જેલમાં છે, એણે આક્રમકતા ધારણ કરી હતી. બળવંતરાયને એ સમય યાદ આવ્યો. ના... ના.... એ પગલું યોગ્ય નથી. એના કરતાં અનિકેત અને અજયસિંહના માણસોમાં એક ધાક બેસાડો. જેથી કોઈ અનિકેત કે અજયસિંહના પડખે ઉભા રહેવા તૈયાર ના થાય.
અને અનિકેત પર હુમલાનું આયોજન થયું. જેમાં અનિકેતને ખૂબ ડરામણી હાલતમાં મુકવાનો હતો.

*** *** *** *** *** *** *** ***

રેડ વાઇનનો ગ્લાસ લઈ સુધીર ફાલ્ગુની સાથે મોનિકાના શયનકક્ષમાં રંગીન સ્વપ્નને મનમાં રમાડતો હતો. મોનિકાનું મોત દિવસો ગણતું હતું. એ ધીમે ધીમે મોનિકાના ગરદન ફરતે પોતાનો ગાળિયો મજબૂત કરી રહ્યું હતું. બસ... પછી આ જાહોજલાલીનો પોતે એક માત્ર માલિક હતો. એના ચહેરા પર હાસ્ય હતું. બસ ત્યાં સુધી થોડું સાચવવાનુ હતું. મોનિકા કોઈ અલગ વસિયત ના બનાવી લે . મોટા ભાગની પ્રોપર્ટીમાં વારસદાર પોતે હતો. એના કાગળો એની પાસે આવી ગયા હતા.
સુધીરના સેલફોન પર રીંગ આવી. સચદેવાનો ફોન હતો. સુધીરને આ સમયે ફોન આવ્યો એ ના ગમ્યું, પણ સચદેવા એ આ સમયે ફોન કર્યો મતલબ જરૂર કોઈ અગત્યનું કામ હશે.
" હેલો, સુધીર હિયર. "
" સોરી સર, પણ કામ અગત્યનું હતું. "
" બોલ. "
" મેડમે એક જમીન લીધી છે, એનું કાલે ભૂમિ પૂજન છે. "
" ઓહ, એ એનો બિઝનેસ છે. ફરગેટ ઇટ. "
" સર, એ જમીન અનિકેતના ગામમાં છે. તમે જવાના છો? "
સુધીર સમજી ગયો કે પાછળનો સવાલ જાણી જોઈને પુછાયો હતો. પતિ તરીકે પોતાને આ વાત મોનિકા એ કરવી જોઈએ અને પોતાની હાજરી પણ ત્યાં હોવી જોઈએ. પણ મોનિકા એ પોતાને નથી કહ્યું એના ઘણા અર્થ નીકળતા હતા.
" કદાચ હું જઈશ. "
" ઓ.કે..સર. બેસ્ટ લક. "
સચદેવાએ ફોન કાપ્યો. પણ એ પાછળ એક વાવાઝોડું મૂકી ગયો. સુધીરનું મગજ ગુસ્સાથી ફાટ ફાટ થતું હતું. એ ઉભો થયો. રેડ વાઇનની બોટલ ઉઠાવી અને મ્હો એ લગાવી.

ફાલ્ગુની સમજી ગઈ કે કંઈક ખોટું થયું છે. એ ઉભી થઇ અને સુધીરની પાસે ગઈ. સુધીરના ગુલાબી ગાલ પર પોતાનો કોમળ હાથ ફેરવ્યો. સુધીર એની તરફ ફર્યો. એક જોરદાર થપ્પડ ફાલ્ગુનીના ગાલ પર પડી. ફાલ્ગુની બેડ પર પટકાઈ. ફાલ્ગુનીના ચહેરા પર એક હાસ્ય હતું. પિશાચી હાસ્ય..... સુધીરે મોનિકાનો ગુસ્સો ફાલ્ગુની પર ઉતાર્યો. વેદનાની સાથે ફાલ્ગુની એ, એ ગુસ્સો સ્વીકાર્યો. સુધીરનો ગુસ્સો હળવો થયો. આમ ગુસ્સે થવાથી કામ થવાનું નથી. બસ બે દિવસ. પછી એ ફોરેન જશે. અને પાછી આવે પછી મહત્તમ એક મહિનો. એક મહિના પછી પોતે આઝાદ થવાનો હતો...

*** *** *** *** *** *** *** ***

મોનિકા સવારે ખૂબ સરસ તૈયાર થઈ હતી. આજે એ ખૂબ ખુશ હતી. ગામવાળા માટે આ કોઈ અનોખો અવસર હતો. પહેલી વાર કોઈ પણ જાતના ભેદભાવ વગર બધાને આમંત્રણ હતું. અને એ પણ એ વ્યક્તિના ઘરે, જેને હંમેશા ફિલ્મ કે ટી.વી.માં જોઈ હતી. એક સેલિબ્રિટીના મહેમાન બનવું એ ગામના સામાન્ય વ્યક્તિ માટે ગૌરવની વાત હતી. પૂજામાં મોનિકાએ જેટલા પોતાના માતા પિતાને યાદ કર્યા, એટલા જ અનિકેતના માતા પિતાને યાદ કર્યા હતા. દરેક જગ્યાએ એ અનિકેતને આગળ કરતી હતી..
ગામના દરેક વ્યક્તિને એણે આગ્રહ કરીને જમાડ્યા અને જે નહોતા આવી શક્યા, એમના માટે ઘરે જમવાનું મોકલાવ્યું.
*** *** *** *** *** *** *** ***
સાંજનું જમી, બધા સાથે બેઠા હતા. ભૂમિ પૂજનનો કાર્યક્રમ સરસ રીતે પૂર્ણ થયો હતો. કાલે સાંજે મોનિકાની ફલાઇટ હતી. અનિકેતના મોબાઈલમાં રીંગ વાગી. બાબુનો ફોન હતો.
" અનિકેત, કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ક્યારે મળીશ ? "
" કાલે સાંજ સુધી હું બિઝી છું. "
" પરમ દિવસે ? "
" ઓ.કે. પરમ દિવસે સવારે દસ વાગે. "
અનિકેત વિચારોના વમળમાં ખોવાઈ ગયો. મોનિકા એને જોઈ રહી. ભાઈના ચહેરા પર કંઈક ઊંડા વિચારોના ભાવ હતા.
" એનીકેત, શું વિચારે છે. "
" મોનિકા, કાલે તું જઈશ ? "
" ઈચ્છા નથી, પણ જવું પડશે. "
" મારી એક ઇચ્છા પૂરી કરીશ. ? "
મોનિકા એક પળ અનિકેતને જોઇ રહી .
" બોલ. "
" વૃંદા..... "
" બોલ, વૃંદાનું શું કરવું છે ? "

(ક્રમશ:)

11 ઓક્ટોબર 2020