આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૪
દિયાને કસમ ખાધી અને કોઇ સમસ્યા ન હોવાની વાત કર્યા પછી બધાં ચૂપ થઇ ગયા હતા. જાણે એમની પાસે કોઇ દલીલ ના બચી હોય એમ સ્તબ્ધ હતા. દિયાન અને હેવાલી મનોમન ખુશ થઇ રહ્યા હતા ત્યારે દિનકરભાઇએ કહ્યું:'ભલે તમારી વાત સાચી હોય કે કોઇ સમસ્યા નથી તો છૂટા પડવાની કોઇ જરૂર જ નથી. અમે વડિલોએ એકબીજાની સંમતિથી તમારા લગ્ન ગોઠવ્યા હતા. હવે છૂટા પડવા માટે બંનેના પરિવારની સંમતિ જરૂરી છે અને એ કોઇ આપવાના નથી. મહેરબાની કરીને તમારું આ ગાંડપણ રહેવા દો...'
દિનકરભાઇના મોટા થતા અવાજથી ગભરાયા વગર દિયાન બોલ્યો:'પપ્પા, આ ચર્ચાનો કોઇ અંત આવવાનો નથી. અમે માનીએ છીએ કે તમે તમારી જગ્યાએ સાચા છો. પણ અમારી ઇચ્છા- લાગણીને તમે અવગણી શકો નહીં...અમે વિચાર કરવા સમય લઇએ છીએ...'
દિયાનનો નિર્ણય સાંભળી બધાં વિચારમાં પડી ગયા. દિયાન ઊભો થયો અને હેવાલીને બોલાવી એક ખૂણામાં લઇ જઇ કંઇક વાત કરી. કોઇ વાત પર સંમત થયા હોય એમ બંનેના ચહેરાના ભાવ કહેતા હતા. સુલુબેન મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યા કે એમની જોડીને સલામત રાખજો. કોઇની નજર લાગી જાય એવી જોડી છે.
દિયાન ફરી પોતાની જગ્યાએ આવીને બધાંને સંબોધીને બોલ્યો:'મેં અને હેવાલીએ તમારી લાગણી જોતાં થોડો ફેરફાર કર્યો છે. અમે એક-બે મહિના સુધી આમ સાથે પણ અલગ રહીશું. ત્યાં વિચારીને પછી અંતિમ નિર્ણય લઇ છૂટા પડીશું. આપણો શહેરના છેવાડે આવેલો 'પ્રકૃતિ' બંગલો ખાલી જ પડ્યો છે. એમાં અલગ- અલગ ભાગમાં રહીશું અને એક-બે મહિના પછી પણ નિર્ણયમાં કોઇ ફેરફાર નહીં થાય તો અમને છૂટા પડતાં કોઇ રોકી શકશે નહીં...'
દિયાન અને હેવાલીનો આ નિર્ણય અત્યારે પરિવારજનોને ગમ્યો. બધાના મનમાં એક જ વિચાર આવ્યો કે અત્યારે તો બંને અલગ થતા અટકી ગયા છે એ રાહતની વાત છે. એક-બે મહિનામાં કોઇને કોઇ રીતે એમને સમજાવી- મનાવી લેવાશે. બધાંના ચહેરા પર રાહતના ભાવ જોઇ દિયાન અને હેવાલીને થયું કે તેમનો વિચાર ગમી ગયો છે.
દિનકરભાઇએ પહેલાં સુલુબેન અને પછી હેવાલીના માતા-પિતા સાથે નજર મિલાવી એમની આંખોથી જ સંમતિ મેળવી કહ્યું:'ઠીક છે, તમે થોડો સમય લો એ જરૂરી છે. અમને વિશ્વાસ છે કે તમારી વચ્ચે કોઇ મનભેદ-મતભેદ હશે તે દૂર થશે અને કોઇ સમસ્યા હશે તો એનું નિવારણ આવશે. અમે તમને સંમતિ આપીએ છીએ અને ફરીથી એક થવાની શુભેચ્છા પાઠવીએ છીએ...'
સુલુબેનનું મન માનતું ન હતું પણ અત્યારે બીજો કોઇ રસ્તો ન હતો. બધાંએ પોતપોતાની રીતે દિયાન અને હેવાલીને પછીથી સમજાવવાનું નક્કી કરી કેટલાક સલાહ- સૂચનો આપ્યા. એ સાથે અલગ થતા અટકી શકે એ માટે બંગલામાં અલગ રહેવા સંમતિ આપી દીધી.
બધાં વિખેરાયા પછી સુલુબેન ચિંતાગ્રસ્ત થતાં બોલ્યા:'દિનકર, આપણે સંમતિ આપવામાં ઉતાવળ કરી દીધી. મને લાગતું નથી કે બંને પાછા ભેગા થશે. એમની વાતોએ આપણાને લાજવાબ કરી દીધા...'
'સુલુ, સમય બધું સારું કરે છે. કેટલાક દુ:ખ- દર્દની દવા સમય કરે છે એવી કોઇ કરી શકતું નથી. આપણે એમનું ભલું જ ચાહીએ છીએ. એ બંને પણ પોતાનું બૂરું ચાહતા નહીં હોય...' દિનકરભાઇ પત્ની સાથે જાણે પોતાના મનને સમજાવી રહ્યા.
બેઠક પૂરી થયા પછી દિયાન અને હેવાલી તરત જ 'પ્રકૃતિ' બંગલા પર જવા માટે પોતપોતાની અલગ કારમાં નીકળી ગયા હતા. સામાન પછીથી લઇ જવાનું કહી દીધું હતું. બંને હવે કોઇ વિલંબ કરવા માગતા ન હતા. બંને પોતાના ભવિષ્ય માટે- બલ્કે એમના ભૂત-કાળને જીવવા જતા હોવાથી ખુશ હતા!
'પ્રકૃતિ' બંગલા પર પહોંચીને બંનેએ પોતાની જગ્યા વહેંચી લીધી. દિયાને નીચે અને હેવાલીએ ઉપરના પહેલા માળે રહેવાનું નક્કી કરી લીધું હતું. બંનેએ એકબીજાના જીવનમાં કોઇ પ્રકારની દખલ ન કરવાનું પણ નક્કી કર્યું હતું.
'દિયાન, આપણી અપેક્ષા પ્રમાણે જ બધું રહ્યું. આપણાને ખબર જ હતી કે અલગ થવા કોઇ સંમતિ આપવાનું નથી. ભાગીને લગ્ન કરતાં છોકરા-છોકરીની જેમ દંપતી ભાગીને છૂટા થઇ શકતા નથી! આ વચ્ચેનો વિચારેલો રસ્તો સારો રહ્યો...' પરિવારજનો સાથેની બેઠક અંગે હેવાલીએ પોતાના વિચાર વ્યક્ત કર્યા.
'હા હેવાલી! એક રીતે સરળતાથી હાલ પુરતી મગજમારી ટળી ગઇ છે. આપણે છૂટા થવામાં સફળ તો થઇ જ ગયા છે! હવે રાતની રાહ જોવાની!' દિયાન પણ મનથી હળવાશ અનુભવતા બોલ્યો.
રાત પડી ચૂકી હતી. બંનેને રાતનો જ ઇંતજાર હતો. બંનેના જીવનમાં જાણે એક નવી સવાર થવા જઇ રહી હતી. 'પ્રકૃતિ' બંગલો શહેરથી દૂર હતો. રાતનું વાતાવરણ જામી રહ્યું હતું. પવનથી ધ્રૂજતી વૃક્ષોની ડાળીઓના પાંદડાનો અવાજ અને જીવજંતુના અવાજો સાથે ક્યાંક દૂરથી કૂતરાના રડવાનો આવતો અવાજ એમાં ભય ઊભો કરતો હતો. બહાર અંધારું ઘોર હતું. ત્યારે બે પડછાયા 'પ્રકૃતિ' બંગલાના દરવાજા પાસે દેખાયા.
ક્રમશ: