Featured Books
શ્રેણી
શેયર કરો

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 5

જાન્હવીનો ખૂની કોણ?

ભાગ-5

હીરાની અંગૂઠી


હરમન અને જમાલ નવરંગપુરા વિસ્તારમાં આવેલા સનરાઇઝ ફ્લેટના બીલ્ડીંગમાં દાખલ થયા હતાં અને લીફ્ટ દ્વારા ચોથા માળે પહોંચ્યા હતાં. તેઓ દિપાલીના ફ્લેટ નં. 404 પાસે પહોંચ્યા ત્યારે એક યુવતી એ ફ્લેટ લોક કરી રહી હતી. પહેરવેશ ઉપરથી એ ફેશન ડીઝાઇનર જેવી લાગતી હતી.

"મારે મીસ. દિપાલીને મળવું છે. તમે જ મીસ. દિપાલી છો?" હરમને યુવતીને પૂછ્યું હતું.

"હા, હું જ દિપાલી છું. તમારે શું કામ હતું?" દિપાલીએ પૂછ્યું હતું.

"હું જાન્હવીના ખૂન કેસની તપાસ કરી રહ્યો છું અને સીમા મલ્હોત્રાએ આ કેસની તપાસ માટે મને એપોઇન્ટ કર્યો છે. મારું નામ જાસૂસ હરમન છે અને આ મારો આસીસ્ટન્ટ જમાલ છે." હરમને દિપાલીને કહ્યું હતું.

"હા ચોક્કસ, તમે અંદર આવો. આપણે મારા ઘરમાં બેસીને વાત કરીએ." દિપાલીએ ઘરનો દરવાજો ખોલતા કહ્યું હતું.

દિપાલીની બરાબર સામેના સોફામાં હરમન અને જમાલ ગોઠવાયા હતાં. જમાલે પોતાના પોકેટમાંથી ડાયરી બહાર કાઢી હતી.

"દિપાલીજી, તમારા અને જાન્હવી વચ્ચે સંબંધો કેવા હતાં? અને મને જાણ થઇ છે કે તમને દુબઇ બુટીકનું કામ ના સોંપવામાં આવ્યું એટલે તમે નોકરી છોડી દીધી. આ વાત સાચી છે?" હરમને દિપાલીને પૂછ્યું હતું.

દિપાલીએ સીગરેટ કાઢી અને સળગાવી હતી અને હરમન સામે જોઇ બોલી હતી.

"જુઓ મી. હરમન, મારે અને જાન્હવી વચ્ચે ખૂબ મતભેદ હતાં. પરંતુ એ મતભેદ અમારા કામને લઇને નહિ પરંતુ જાન્હવીના પર્સનલ કામને લઇને હતાં. જાન્હવી રાજ મલ્હોત્રાની જાણ બહાર પોતે ડિઝાઇન કરેલા ડ્રેસ ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર ખૂબ ધનિક લોકોને વેચતી હતી. જે મારી દૃષ્ટિએ બોસ અને નોકરી સાથે કરેલી બેઇમાની કહેવાય. હું એને ઘણીવાર આ બાબતે સમજાવતી હતી કે એ આવું ના કરે પરંતુ એ મને એવું કહેતી હતી કે મારા જેટલી આવડત તારામાં નથી એટલે તું ઇર્ષ્યા કરે છે અને હું પૈસા કમાઉ છું એ જોઇ તને ઝેર આવે છે. છ મહિના પહેલા જાન્હવીએ જયપુરના એક રાજવી પરિવાર માટે ડ્રેસ ડિઝાઇન કર્યા હતાં જેની જાણ રાજ મલ્હોત્રાને થઇ ગઇ હતી એટલે રાજ મલ્હોત્રા મને જાન્હવીએ ભૂતકાળમાં એમની જાણ બહાર કરેલા કામ વિશે પૂછપરછ કરતા રહેતા હતાં પરંતુ મેં જાન્હવીના વિરૂદ્ધમાં રાજ મલ્હોત્રાને કોઇપણ માહિતી આપી ન હતી. પરંતુ રોજબરોજના એમના સવાલોથી હું કંટાળી ગઇ હતી અને એટલે મેં નોકરી છોડી હતી. જાન્હવીના હાથમાં રહેલી ડાયમંડની વીંટીની કિંમત બે કરોડ રૂપિયા હતી જે એણે દોઢ વર્ષ પહેલા ખરીદી હતી. હવે તમે જ વિચારો કે જાન્હવી જેવી નોકરી કરતી ફેશન ડીઝાઇનર બે કરોડની રીંગ પોતાના પૈસાથી કઇ રીતે ખરીદી શકે? રાજ મલ્હોત્રા ફેશન ડીઝાઇનરની સાથે સાથે બીઝનેસમેન છે. એમને જાન્હવીની આ બધી હરકતોની ખબર ધીરે ધીરે પડવા લાગી હતી અને કદાચ એટલેજ જાન્હવીનું ખૂન થયું હોય એવું મારું માનવું છે." દિપાલીએ હરમનને કહ્યું હતું.

"જાન્હવી એ વીંટી કાયમ પોતાની આંગળી પર પહેરી રાખતી હતી? વીંટી પડી જાય કે ચોરાઇ જાય એવો ડર એને લાગતો ન હતો? તમને એવું લાગે છે કે રાજ મલ્હોત્રાએ જાન્હવીનું ખૂન કર્યું છે?" હરમનને દિપાલીને પૂછ્યું હતું.

"હું તો માત્ર મારી શંકા તમને કહી રહી છું અને રહી વાત વીંટીની તો જાન્હવી ખૂબ અંધશ્રદ્ધાળુ હતી. ડ્રોઅરમાં બે ડંબેલ્સ, બે ચાકુ રાખવા, હીરાની વીંટી આંગળી ઉપર પહેરી રાખવી, ગળામાં લાલ કે પીંક સ્કાફ જ પહેરવો, કોફીના કપ જમણા હાથેથી જ લેવો, સવારે ભાત ન ખાવા આવી અલગ-અલગ અનેક પ્રકારની અંધશ્રદ્ધાથી એ પીડાતી હતી અથવા તો એ માનતી હતી. તમને જે યોગ્ય લાગે એ તમે માની શકો છો." દિપાલીએ છત તરફ જોઇ કહ્યું હતું.

"જાન્હવીની કોઇની જોડે મિત્રતા અથવા એ કોઇની સાથે પ્રેમમાં હોય એવી કોઇ માહિતી તમારી પાસે છે ખરી?" હરમને દિપાલીને પૂછ્યું હતું.

"જાન્હવી ખૂબ જ મહત્વાકાંક્ષી અને પૈસા પાછળ દોડનાર હતી. એને કામ અને પૈસા આ બે સિવાય ત્રીજી કોઇપણ બાબતમાં રસ હતો જ નહિ અને એ જ એની સફળતાનું મૂળભૂત રહસ્ય હતું. એ ક્યારેય પણ એના જીવનમાં કોઇ પાર્ટીમાં ગઇ નથી કે કોઇ વેકેશન માટે કે પછી ટ્રેકીંગ માટે ગઇ નથી. જીવનની ઘણીબધી મજાઓથી એ વંચિત રહી ગઇ એવું મને લાગે છે. પ્રેમ કરવો, લગ્ન કરવા આ બધું એને સમયની બરબાદી લાગતી હતી." દિપાલીએ હસતાં હસતાં હરમનને કહ્યું હતું.

"આપ અત્યારે શું કરો છો?" હરમને દિપાલીને પૂછ્યું હતું.

"હું અત્યારે અહીં મારા ઘરેથી જ ફેશન ડીઝાઇનીંગનું કામ કરી રહી છું અને ઇન્ડિયા બહાર જવા માટે પ્રયત્ન કરી રહી છું." દિપાલીએ બીજી સીગરેટ સળગાવતા હરમનને કહ્યું હતું.

"દિપાલીજી, જાન્હવીનું કોઇ ખાસ મિત્ર હતું?" હરમને ફરી આ સવાલ દિપાલીને પૂછ્યો હતો.

"એનું કોઇ ખાસ મિત્ર હોય એવું મને લાગતું નથી કારણકે જાન્હવી કોઇને પોતાની નજીક આવવા દેતી ન હતી. હા, થોડું ઘણું એ મારી સાથે સારા મૂડમાં હોય ત્યારે વાતચીત કરી લેતી હતી. જાન્હવી અને એની જુડવા બહેન જે દુબઇમાં રહે છે એની સાથે પણ જાન્હવીને કોઇ ખાસ સંબંધ ન હતાં અને એના માતા-પિતાના મૃત્યુ બાદ એ એકલી જ એના ફ્લેટમાં રહેતી હતી અને એણે પોતાની જાતને કામમાં ઓતપ્રોત કરી દીધી હતી." દિપાલીએ છત તરફ જોતાં કહ્યું હતું.

"સારું દિપાલીજી, અમે રજા લઇએ. તમે સહકાર આપ્યો એ બદલ ખૂબ આભાર." હરમન દિપાલીના ઘરમાંથી બહાર નીકળતા બોલ્યો હતો.

ફ્લેટમાં નીચે આવી હરમન ગાડીમાં બેઠો અને જમાલ એની બરાબર બાજુની સીટમાં બેસી ગયો હતો.

"આપણે પોલીસ સ્ટેશન જઇ જાન્હવીના મૃત્યુ વખતે એની આસપાસ મળેલી ચીજવસ્તુઓ ચકાસવી પડશે." આટલું બોલીને હરમને ગાડી પોલીસ સ્ટેશન તરફ લીધી હતી.

હરમન અને જમાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ઇન્સ્પેક્ટર પરમાર એમની કેબીનમાં કોઇની સાથે વાત કરી રહ્યા હતાં. ઇન્સ્પેક્ટર પરમારે વાત પૂરી કર્યા બાદ હરમન અને જમાલને ઇશારાથી પોતાની કેબીનમાં બોલાવ્યા હતાં.

"પરમાર સાહેબ, જાન્હવીની ડેડબોડી પાસે મળેલી વસ્તુઓ મારે એકવાર જોવી છે." હરમને ઇન્સ્પેક્ટર પરમારને કહ્યું હતું.

પરમારે બેલ મારી હવાલદાર પાસે જાન્હવીના કેસની ફાઇલ અને ડેડબોડી પાસેથી મળેલી વસ્તુઓ મંગાવી હતી. હરમને વારાફરતી વસ્તુઓ જોવાનું ચાલુ કર્યું અને જમાલે એના ફોટા પાડવાનું શરૂ કર્યું હતું.

પહેલી કોથળીની અંદર સીગરેટનો એક ટુકડો હતો જે ડસ્ટબીનમાંથી મળ્યો હતો. બીજી વસ્તુ, ગુલાબી કલરનો સ્કાફ હતો જે જાન્હવીનો ન હતો એવું ફોરેન્સીક રીપોર્ટ ઉપરથી સાબિત થયું હતું. ત્રીજી વસ્તુ, ગુલાબી નાનો કોઇ વસ્તુનો ટુકડો હતો અને ચોથી વસ્તુ, સોનાની પતલી ગોળ રીંગ હતી.

"પરમાર સાહેબ, આ ચાર વસ્તુઓ જાન્હવીની નથી તો પછી કોની છે? તમે તપાસ કરી?" હરમને પરમારને પૂછ્યું હતું.

"જો હરમન, આ ચાર વસ્તુઓથી ખૂનની કોઇ બાબત સાબિત થતી નથી. માટે બની શકે કે આ વસ્તુ જાન્હવીની ભલે ના હોય પરંતુ બની શકે કે એ વસ્તુ ખૂનીની હોય પણ આના ઉપરથી આપણને કોઇ માહિતી મળે અથવા ખૂનીનો પત્તો લાગે એવું મને લાગતું નથી." ઇન્સ્પેક્ટર પરમારે કહ્યું હતું.

"પરમાર સાહેબ, જાન્હવી જ્યારે મૃત્યુ પામી ત્યારે એના હાથમાં ડાયમંડની રીંગ હતી? જે એ કાયમ પહેરી રાખતી હતી." હરમને જાન્હવીની ડેડબોડીના ફોટો જોતા જોતા કહ્યું હતું.

"ના હરમન, એવી કોઇ રીંગ મને મળી ન હતી પરંતુ એના ડાબા હાથની ત્રીજી આંગળી પર રીંગ પહેર્યાનું નિશાન ચોક્કસ હતું. એટલે બની શકે કે એણે રીંગ ઉતારીને ક્યાંક મુકી દીધી હોય અથવા તો ખોવાઇ ગઇ હોય." ઇન્સ્પેક્ટર પરમારે બેફીકરાઇથી જવાબ આપ્યો હતો.

"પરમાર સાહેબ, તમને જાણીને નવાઇ લાગશે કે એ રીંગની કિંમત બે કરોડ રૂપિયા હતી અને એ બે કરોડના ડાયમંડની રીંગ ખોવાઇ જાય અને એ પણ જાન્હવી જેવી અંધશ્રદ્ધાળુ વ્યક્તિના હાથમાંથી! એ શક્ય જ નથી. જાન્હવીની જુડવા બહેન એના પતિ સાથે દુબઇમાં રહે છે. મને લાગે છે કે જાન્હવીના મૃત્યુ બાબતે આપણે એને જાણ કરવી જોઇએ અને આ કેસની ઇન્ક્વાયરી માટે આપણે એને દુબઇથી ઇન્ડિયા બે દિવસમાં બોલાવવી જોઇએ." હરમને કહ્યું હતું.

હરમનની વાત સાંભળી પરમારની આંખો પહોળી થઇ ગઇ હતી.

"બે કરોડની ડાયમંડની વીંટી અને એ પણ નોકરી કરતી છોકરીના હાથમાં કઇ રીતે હોઇ શકે? તારી કોઇ ભૂલ થાય છે અને એની બહેનને બોલાવવાથી શું ફાયદો? એની બહેનને ખબર પડી જ ગઇ હશે કે જાન્હવીનું ખૂન થયું છે છતાં પણ એ ઇન્ડિયા આવી નથી." પરમારે હરમન સામે જોઇ કહ્યું હતું.

"ના, તમે જાન્હવીના બેડરૂમમાં એની એક ફોટોફ્રેમ લગાડેલી હતી. એ ફોટોફ્રેમમાં ડાયમંડની રીંગ દેખાય છે. એ ફોટો જાન્હવીના મૃત્યુના પાંચ દિવસ પહેલા જાન્હવીએ પડાવ્યો હતો કારણકે ફોટોગ્રાફની નીચે તારીખ લખી હતી અને એ તારીખ જાન્હવીના મૃત્યુના પાંચ દિવસ પહેલાની હતી. એ વખતે એના હાથમાં રીંગ હતી અને હા આ લીસ્ટમાં જેમના નામ લખ્યા છે એ લોકોને અહીં પોલીસ સ્ટેશને બોલાવવા જેથી વારાફરતી બધાંની પૂછપરછ તમારી હાજરીમાં હું કરી શકું જેથી કોઇ જવાબ આપવામાં આનાકાની ના કરે કારણકે અત્યાર સુધી મેં બહુ સરળ અને સીધા સવાલ પૂછ્યા હતાં એટલે બધાંએ આરામથી જવાબ આપી દીધો પણ હવેના સવાલો તમારી હાજરીમાં જ પૂછી શકાશે અને આ બધાંને તમે બે દિવસ પછી પોલીસ સ્ટેશનમાં બોલાવજો જેથી હું મારી સંપૂર્ણ તપાસ પૂરી કરી શકું." હરમને પરમારને લીસ્ટ આપતા કહ્યું હતું.

"મી. રાજ મલ્હોત્રાને જામીન મળી ગઇ છે અને તે મને જે લીસ્ટ આપ્યું છે એ લીસ્ટ પ્રમાણે હું બધાંને બોલાવી લઉં છું." ઇન્સ્પેક્ટરે પરમારે હરમનને કહ્યું હતું.

હરમન વિચારમાં પડી ગયો હતો.

"હરમન, શું થયું? શું વિચારે છે?" ઇન્સ્પેક્ટર પરમારે હરમનના વિચારોની તંદ્રા તોડી હતી.

"ના પરમાર સાહેબ, કશું નહિ. તમે લીસ્ટ આપોને, મારે એક નામ એડ કરવું છે." હરમને પરમાર પાસેથી લીસ્ટ માંગી એક નામ ઉમેર્યું હતું.

હરમને ઉમેરેલું છેલ્લું નામ વાંચી પરમારને થોડો આંચકો લાગ્યો હતો.

હરમન અને જમાલ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા અને ગાડીમાં બેસી ગયા હતાં. જમાલ ડ્રાઇવર સીટ પર બેઠો અને હરમન એની બાજુમાં બેસી હજી વિચારી રહ્યો હતો.

"મી. રાજ મલ્હોત્રાને જામીન મળી ગઇ પણ સીમા મલ્હોત્રાએ આપણને ફોન કર્યો નહિ. એમને જામીન મળી જશે એ તો આપણને ખબર હતી પણ એમણે આપણને જાણ કરવી જોઇએ. આપણે એમના કેસની તપાસ કરી રહ્યા છીએ. એટલે આપણને જાણ કરવું એમની ફરજમાં આવે છે." હરમને ગુસ્સે થતા કહ્યું હતું.

હરમને જમાલને ગાડી ઘર તરફ લઇ લેવા કહ્યું હતું.

ક્રમશઃ......

(વાચક મિત્રો, જાન્હવીનો ખૂની કોણ? આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું આપના સુધી પહોંચાડી શકું.... લિ. ૐ ગુરુ.....)