Featured Books
શ્રેણી
શેયર કરો

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 6

જાન્હવીનો ખૂની કોણ?

ભાગ-6

ફોટોગ્રાફનો ભેદ


હરમન અને જમાલ હરમનના ઘરે આવ્યા. હરમને પોતાના ઘરમાં એક રૂમમાં જ પોતાની ઓફિસ બનાવેલી હતી. ઓફિસમાં દાખલ થયા બાદ હરમને ગ્રીન બોર્ડ સામે ઊભો રહી પોલીસ સ્ટેશનથી લાવેલા જાન્હવીના મૃતદેહના અલગ-અલગ એન્ગલથી પાડેલા ફોટોગ્રાફ લગાડ્યા તેમજ એ બોર્ડ ઉપર એણે પહેલા લગાડેલી આ કેસની વિગતો સમજવા લગાડેલી કાપલીઓને અલગ-અલગ ફોટાઓ તેમજ જમાલની ડાયરીમાં લખેલી વિગતો સાથે એની સરખામણી કરવા લાગ્યો હતો જેથી એ આ ખૂન કેસની બધી કડીઓ સમજી અને ગોઠવી શકે. ત્યાં સુધીમાં જમાલ કોફી બનાવીને લઇ આવ્યો હતો.

"જમાલ, આ બે દિવસમાં આ કેસના દરેક મુદ્દાઓ સમજી આ કેસની બધી કડીઓને એક પછી એક જોડવી પડશે તો જ આ ખૂનનો મામલો ઉકેલાશે." હરમને કોફી પીતા પીતા જમાલને કહ્યું હતું.

"બોસ, મને લાગે છે કે આપણે જેટલા લોકોના બયાન લીધા એ બધાં જાન્હવીથી કોઇને કોઇ રીતે નારાજ હતાં. માટે એ દરેક પાસે જાન્હવીને મારવાનું કોઇને કોઇ કારણ એ બધાંની પોતાની દૃષ્ટિએ ચોક્કસ હતું." જમાલે હરમનને કહ્યું હતું.

"એ વાત તો બરાબર છે પરંતુ ઘરનો દરવાજો અંદરથી લોક હતો. આ સંજોગોમાં કોઇ માણસ પ્રવેશ કરી શકે નહિ. સંગીતા શર્માની ગેલેરીમાંથી જ દાખલ થઇ આ ખૂન કરવામાં આવ્યું છે એ વાત તો ચોક્કસ છે. જાન્હવીની જુડવા બહેન છે એ બાબત પણ આપણને રાજ અને સીમા બંન્નેમાંથી કોઇએ કીધી ન હતી તેમજ એમના સ્ટાફ મેમ્બર તરફથી પણ આવી કોઇ વાત જાણવા મળી ન હતી. તું એક કામ કર ઇન્સ્પેક્ટર પરમારની મદદથી જે દિવસે જાન્હવીનું ખૂન થયું એ દિવસે અથવા એના આગલા દિવસે જાન્હવીની બહેન અને બનેવી દુબઇથી ઇન્ડિયા આવ્યા હતાં કે નહિ એની તપાસ કર અને સંગીતા શર્માની માહિતી ફ્લેટના સિક્યોરીટી ગાર્ડ તેમજ ફ્લેટના બીજા સભ્યો પાસેથી જાણવાની કોશિષ કર. જેથી આપણને સંગીતા શર્માના આ કેસમાં ઇન્વોલ્વમેન્ટ છે કે નહિ એની ખબર પડે." હરમન ગ્રીન બોર્ડ તરફ જોતાં જોતાં જમાલને સૂચના આપી રહ્યો હતો.

અચાનક હરમનની નજર બે અલગ-અલગ ફોટાઓ ઉપર પડી. એણે હાથમાં મેગ્નીફાઇંગ ગ્લાસથી બંન્ને ફોટાને જોયા હતાં.

"Oh my God! આ બંન્ને ફોટોગ્રાફમાં તો ભેદ છે." હરમનના મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા હતાં.

"બોસ, તમારા જેવા નાસ્તિકના મોઢામાંથી ભગવાનનું નામ. કોઇ ગુથ્થી તમને ઉકલી લાગે છે." જમાલે હસતાં હસતાં હરમનને કહ્યું હતું.

"મેં તને જે સૂચના આપી એ કામ સાંજ સુધીમાં કોઇપણ હિસાબે પતાવી અહીં આવી જા. ત્યાં સુધી મારે બે કામ માટે જવું પડશે જે હું કરીને આવું છું. હું પાછો ના આવ્યો હોઉં તો તું મારી રાહ જોજે." આટલું કહી હરમન ઓફિસમાંથી બહાર નીકળી ગયો હતો.

રાત્રે અગિયાર વાગે હરમન ઓફિસમાં પાછો આવ્યો હતો ત્યારે જમાલ એની રાહ જોઇને બેઠો હતો. હરમન ખુરશીમાં બેઠો અને જમાલ સામે જોયું હતું.

"મેં આજે ઇન્સ્પેક્ટર પરમારની મદદથી જાન્હવીના મર્ડરના દિવસે અને આગલા દિવસે દુબઇથી આવનાર ફ્લાઇટોનું લીસ્ટ ચેક કર્યું. જેમાં અમારે બે નામ શોધવાના હતાં. જાન્હવીની બહેનનું નામ ધ્વનિ પારેખ છે અને એના પતિનું નામ પ્રકાશ પારેખ છે. આ બંન્ને જાન્હવીના ખૂનના આગલા દિવસે અમદાવાદમાં આવ્યા હતાં. જાન્હવીની ફોન રેકોર્ડ ઉપરથી એ ખબર પડી કે જે દિવસે તેઓ દુબઇથી અમદાવાદ આવ્યા એ દિવસે તેમને જાન્હવી જોડે ફોનથી વાત થઇ હતી. જાન્હવી જે ફ્લેટમાં રહેતી હતી એ ફ્લેટના ચેરમેન અને સેક્રેટરી જોડે વાત કરતા ખબર પડી કે જાન્હવી અને એની બહેન વચ્ચે પિતાની પ્રોપર્ટીને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો. અંદાજિત પંદર કરોડની જમીનો અને જાન્હવી જે ફ્લેટમાં રહેતી હતી એ ફ્લેટ માટે બંન્ને બહેનો કોર્ટમાં ગઇ હતી. હવે સંગીતા શર્માની વાત કરીએ તો સંગીતા શર્મા એક નિષ્ફળ ફેશન ડીઝાઇનર છે. એ પોતે જે ફ્લેટમાં રહે છે એ ફ્લેટ એના મોટાભાઇનો છે. જે એને ખાલી કરવા માટે છેલ્લા છ મહિનાથી કહી રહ્યો છે અને સિક્યોરીટી ગાર્ડના કહેવા પ્રમાણએ સંગીતા શર્માને ડ્રગ્સની આદત છે. તમે સોંપેલું આજનું કામ મેં પૂરું કરી દીધું." જમાલે પૂરી માહિતી હરમનને આપતા કહ્યું હતું.

"વાહ જમાલ, તે ખૂબ સારું કામ કર્યું. હવે તું ઘરે જા અને કાલે બપોરે બાર વાગે શાંતિથી ઓફિસ આવજે ત્યાં સુધી મારે હજી એક કામ પતાવવાનું છે જે હું કાલે પતાવી દઇશ. પરમ દિવસે પોલીસ સ્ટેશનમાં આપણને જે લોકો પર શંકા છે એ લોકોને બોલાવ્યા છે. એ બધાંના બયાન ફરીવાર આપણે લેવાના છે." હરમને જમાલને કહ્યું હતું.

જમાલના ગયા બાદ હરમન સવારના ચાર વાગ્યા સુધી જાન્હવીના ખૂનની બધી કડીઓને અને પરમ દિવસે પોલીસ સ્ટેશનમાં બોલાવેલા દરેક લોકોને પૂછવાના સવાલો લખી રહ્યો હતો.

બીજા દિવસે સવારના આઠ વાગે જાન્હવીના ખૂન કેસની તપાસ બાબતે એ ગયો હતો અને રાત્રે મોડો બાર વાગે પાછો આવ્યો હતો. જમાલ બપોરના બાર વાગ્યાથી હરમનની રાહ જોતો ઓફિસમાં જ બેસી રહ્યો હતો.

"બોસ, બપોરના બાર વાગ્યાથી તમારી રાહ જોઉં છું. તમે મારો ફોન પણ ઉપાડતા ન હતાં અને મારા મેસેજનો જવાબ પણ આપતા ન હતાં. તમે જે કામ માટે ગયા હતાં એ કામ થઇ ગયું ખરું?" જમાલે હરમનને પૂછ્યું હતું પણ શું કામ હતું એ પૂછ્યું નહિ કારણકે એને ખબર હતી કે હરમન કશું કહેશે નહિ.

"હા, જે કામ માટે ગયો હતો એ લગભગ પતી ગયું છે. હવે કાલે સવારે પોલીસ સ્ટેશનમાં બધાં જ પાસેથી જવાબો કઢાવવા પડશે. જાન્હવીના ખૂનનો આ કેસ ખૂબ રસપ્રદ અને આંટીઘૂંટીઓથી ઘેરાયેલો છે. હવે તું ઘરે જા અને કાલે સવારે આઠ વાગે આવી જજે. તું આવીશ એટલે આપણે પોલીસ સ્ટેશને જવા નીકળીશું." હરમને જમાલને કહ્યું હતું.

"જો જમાલ, આ સરનામું લે. તું મારી ગાડી લઇ આ સરનામે પહોંચી જા અને હું તને જ્યારે ફોન કરું ત્યારે આ અડ્રેસ ઉપર જે વ્યક્તિ બેઠેલી છે એ વ્યક્તિને લઇને સીધો પોલીસ સ્ટેશને આવી જજે." હરમને જમાલને સૂચના અને સરનામું આપતા કહ્યું હતું.

બીજા દિવસે સવારે સાડાઆઠ વાગે હરમન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઇન્સ્પેક્ટર પરમાર સવારે સાત વાગે પોલીસ સ્ટેશન આવી ગયા હતાં. હરમને એમના મોઢા પર ચિંતાના વાદળો ઘેરાયેલા જોયા હતાં.

"પરમાર સાહેબ, તમારા ચહેરાના હાવભાવ બદલાયેલા છે. તમે પરેશાન દેખાઇ રહ્યા છો. કામને લીધે છે આ પરેશાની કે પછી કોઇ પર્સનલ કારણ છે?" ઇન્સ્પેક્ટર પરમારને હરમને પૂછ્યું હતું.

"આ મીડીયાવાળા હાથ ધોઇને જાન્હવીના ખૂન કેસની પાછળ પડી ગયા છે અને એમાં ઉપરથી એનો બનેવી પ્રકાશ પારેખ છાપામાં ઇન્ટરવ્યુ આપે છે કે અમદાવાદની પોલીસ એમના જેવા દુબઇ રહેતા ધંધાદારી વ્યક્તિને ફોન કરી જાન્હવીના ખૂન માટે તરત આવવાની ફરજ પાડે છે. પોલીસ પોતે તો કશું કરી શકતી નથી અને અમારા જેવા સીધા નાગરિકોને હેરાન કરી રહી છે." ઇન્સ્પેક્ટર પરમારે ગુસ્સે થતાં કહ્યું હતું.

"પરમાર સાહેબ, આ કેસ આપણે ધારીએ અને સમજીએ છીએ એની કરતા ખૂબ અલગ અને ઊંડો છે. રાજ મલ્હોત્રાની ગીરફ્તારીના દિવસથી જ આ કેસ હાઇપ્રોફાઇલ બની ગયો છે માટે મીડીયાવાળા તો આવા કેસમાં એમની રોટલી શેકવાની કોશિષ તો કરવાના જ છે. તમે એ ચિંતા છોડો અને આપણા બંન્ને માટે ચા મંગાવો કારણકે આજનો આખો દિવસ જાન્હવીના ખૂન કેસની બાબતે પૂછપરછમાં જ જશે." હરમને ઇન્સ્પેક્ટર પરમારને હસતાં હસતાં કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમારે ચા અને ભજીયા મંગાવ્યા હતાં. બંન્ને જણાએ નાસ્તો કર્યો ત્યાં સુધીમાં નવ વાગી ગયા હતાં. જાન્હવી સાથે જોડાયેલા જે લોકોનું લીસ્ટ ઇન્સ્પેક્ટર પરમારને હરમને આપ્યું હતું એ બધાં વારાફરતી પોલીસ સ્ટેશનમાં આવવા લાગ્યા હતાં.

ઇન્સ્પેક્ટર પરમાર અને હરમન એમની કેબીનમાં બેઠાં હતાં.

"હવાલદાર રામસીંગ, હું નામ બોલું એ પ્રમાણે તું વારાફરતી બધાંને અંદર મોકલજે. સૌપ્રથમ મેઘનાને અંદર મોકલ." ઇન્સપેક્ટર પરમારે હવાલદારને સૂચના આપતા કહ્યું હતું.

મેઘના અંદર આવી ઇન્સ્પેક્ટર પરમાર સામે મુકેલી ખાલી ખુરશીમાં બેસી ગઇ હતી. હરમને મોઘના સામે જોયું હતું.

"મેઘનાજી, જાન્હવીનું ખૂન જે રાત્રે થયું એ દિવસે તમે ક્યાં હતાં?" હરમને મેઘનાને પૂછ્યું હતું.

"જાન્હવીનું ખૂન થયું એ રાત્રે હું મારા ભાઇના ત્યાં હતી કારણકે મારા ભત્રીજાની વર્ષગાંઠ હતી. મારા ભાઇએ પાર્ટી આપી હતી. હું અને મારા પતિ એ પાર્ટીમાં હાજર હતાં. રાત્રે ખૂબ મોડું થઇ ગયું હતું એટલે હું અને મારા પતિ મારા ભાઇના ઘરે સૂઇ ગયા હતાં. તમારે સબુત જોઇતું હોય તો એ દિવસે વીડિયો રેકોર્ડીંગ અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી અને પાર્ટીમાં હાજર પચાસ જણ અમે ત્યાં હતાં એની સાબિતી આપી શકે એમ છે. હું એક કીડીને પણ મારી ના શકું, મી. હરમન અને તમે મને જાન્હવીની ખૂની સમજીને મને અહીં પૂછપરછ માટે બોલાવી છે. તમે આ સારું કર્યું નથી." મેઘના ગુસ્સામાં બોલી હતી.

"મેઘનાજી, તમને તકલીફ પડી એ બદલ I am sorry પરંતુ તમે પણ ઇચ્છતા જ હશો કે જાન્હવીનું ખૂન કરનાર વ્યક્તિ પકડાઇ જાય માટે તમને બધાંને અહીં તકલીફ આપી છે. હવે તમે જઇ શકો છો." હરમને મેઘના સામે જોઇ કહ્યું હતું.

મેઘનાના ગયા બાદ હરમને એના નામ પર આડી લીટી કરી અને ચોકડીનું નિશાન મારી દીધું હતું.

મેઘનાના ગયા બાદ ઇન્સ્પેક્ટર પરમારે શીતલને અંદર બોલાવી હતી. હરમન પણ એના સવાલો સાથે તૈયાર બેઠો હતો.

"શીતલજી, જાન્હવીએ તમને એનું એક ચાકુ અને ડંબેલ્સ ભેટ આપ્યા હતાં ખરા અને જાન્હવીનું ખૂન થયું એ દિવસે તમે ક્યાં હતાં?" હરમને શીતલને પૂછ્યું હતું.

"જાન્હવીનું ખૂન થયું એ દિવસે રાત્રે મારી મમ્મીની તબિયત ખરાબ થઇ ગઇ હતી અને અમે એને અમદાવાદની સાલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. આખી રાત એને I.C.U.માં રાખવામાં આવી હતી અને હું આખી રાત I.C.U.ની બહાર જ બેઠી હતી. મારી સાથે મારો નાનો ભાઇ અને એની પત્ની પણ હતાં અને હા, જાન્હવી કોઇને પોતાનું ચાકુ અને ડંબેલ્સ કોઇપણ કિંમતે ન આપે કારણકે એ ડંબેલ્સ અને ચાકુને ખૂબ લકી માનતી હતી." શીતલે શાંતિથી પોતાનો જવાબ આપ્યો હતો.

"સારું શીતલજી, તમે જઇ શકો છો." હરમને કહ્યું હતું.

શીતલના ગયા બાદ હરમને એના નામ પર આડી લીટી કરી અને ચોકડીનું નિશાન માર્યું હતું.

શીતલના ગયા બાદ દિવ્યા રૂમમાં દાખલ થઇ હતી. દિવ્યા કોઇની સાથે આંખ મીલાવી રહી ન હતી.

"દિવ્યાજી, જે દિવસે જાન્હવીનું ખૂન થયું એ રાત્રે તમે ક્યાં હતાં?" હરમને દિવ્યાને પૂછ્યું હતું.

"એ રાત્રે હું મારા ઘરમાં હતી. હું P.G. તરીકે બોપલમાં રહું છું અને એ રાત્રે હું મારા ઘરે સૂઇ ગઇ હતી." દિવ્યાએ કહ્યું હતું.

"દિવ્યાજી, તમારા મકાનમાલિકના કહેવા પ્રમાણે એ દિવસે રાત્રે ચાર વાગે તમે ઘરે પાછા આવ્યા હતાં અને તમે કહો છો કે તમે સૂઇ ગયા હતાં. હવે તમારી વાત સાચી માનવી કે તમારા મકાનમાલિકની?" હરમને દિવ્યાને પૂછ્યું હતું.

"મારા મકાનમાલિકની ભૂલ થાય છે. હું એના આગલા દિવસે રાત્રે ચાર વાગે પાછી આવી હતી. જે દિવસે ખૂન થયું એ દિવસે તો હું મારા ઘરે જ સૂઇ ગઇ હતી. મારા મકાનમાલિકને અનિંદ્રાનો રોગ છે એટલે એ આખી રાત એ જાગતા હોય છે. ઘણીવાર એમને તારીખ અને સમયનું ભાન બરાબર રહેતું નથી. મારી વાતની ખાતરી કરવા તમે એમના પત્નીને પૂછી શકો છો." દિવ્યાએ હરમનને કહ્યું હતું.

"તમારી વાત સાચી છે, દિવ્યાજી પરંતુ જે દિવસે જાન્હવીનું ખૂન થયું એ દિવસે તમે ચાર વાગે સવારે આવ્યા હતાં અને આ વાતની ખાતરી તમારા મકાનમાલિકના પત્નીએ જ કરી હતી. તમારા મકાનમાલિકની તબિયત ખરાબ હોવાના કારણે એમના પત્ની પણ જાગતા હતાં અને એમણે જ તમને ચાર વાગે ઘરમાં દાખલ થતાં જોયા હતાં. હવે તમારે શું કહેવું છે?" હરમને દિવ્યાને પૂછ્યું હતું.

દિવ્યા હરમનની વાત સાંભળી વિચારમાં પડી ગઇ હતી. પોતાની જાતને બરાબર સંભાળી પછી દિવ્યા બોલી હતી.

"જુઓ મી. હરમન, મારા મકાનમાલિકની ભૂલ થતી હોય એવું બની શકે છે. તમે જે વાત કહી રહ્યા છો એ વાત મારા મકાનમાલિકના પત્ની મારી સામે આવીને કહે તો મને ખબર પડે. હું એમની વાત માનવા તૈયાર નથી." દિવ્યાએ હરમનની વાતને નકારતા કહ્યું હતું.

"દિવ્યાજી, એક કામ કરો, તમે બહાર બેસો પરંતુ અમે ના કહીએ ત્યાં સુધી તમે પોલીસ સ્ટેશન છોડતા નથી. અમે તમારા મકાનમાલિકને બોલાવીએ છીએ." હરમને કડક શબ્દોમાં સૂચના આપતા દિવ્યાને કહ્યું હતું.

"હરમન બપોરના એક વાગવા આવ્યો છે. પહેલા આપણે લંચ કરી લઇએ પછી બાકીના લોકો જોડે પૂછપરછ કરીએ." ઇન્સ્પેક્ટર પરમારે હરમન સામે જોઇ કહ્યું હતું.

ક્રમશઃ......

(વાચક મિત્રો, જાન્હવીનો ખૂની કોણ? આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું આપના સુધી પહોંચાડી શકું... લિ. ૐ ગુરુ....)