Featured Books
શ્રેણી
શેયર કરો

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 4

જાન્હવીનો ખૂની કોણ?

ભાગ-4

અજ્ઞાત વ્યક્તિ


ઇન્સ્પેક્ટર પરમારે જાન્હવી જે ફ્લેટમાં રહેતી હતી એ ફ્લેટના બીલ્ડીંગમાં પ્રવેશ કરી જીપ પાર્કીંગમાં પાર્ક કરી અને ફ્લેટના સિક્યોરીટી ગાર્ડને સાથે લીફ્ટમાં લઇ તેઓ જાન્હવીના ફ્લેટ પાસે પહોંચ્યા હતાં. ઇન્સ્પેક્ટર પરમારે જાન્હવીનો ફ્લેટ ખોલ્યો અને ચારે જણ ફ્લેટમાં પ્રવેશ્યા હતાં.

"હરમન, આ જાન્હવીનો બેડરૂમ છે અને અહીંયા લાશ જાન્હવીની પડી હતી જ્યારે હું પહેલી વખત રૂમમાં પ્રવેશ્યો હતો ત્યારે. હું કહેતો હતો એ મુજબ આખા રૂમમાં ક્યાંય કોઇ લોખંડની વસ્તુ નથી જેનાથી એનું માથું ટકરાઇ શકે અને મોત થઇ જાય." ઇન્સ્પેક્ટર પરમારે હરમનને જાન્હવીના બેડરૂમમાં પ્રવેશતા કહ્યું હતું.

"જાન્હવીનું જે દિવસે ખૂન થયું એ દિવસે સિક્યોરીટી ગાર્ડ તરીકે તમે હાજર હતાં? શું નામ તમારું?" હરમને સિક્યોરીટી ગાર્ડ તરફ જોઇ પૂછ્યું હતું.

"સાહેબ, મારું નામ શ્યામસિંહ છે. જે દિવસે જાન્હવી મેડમનું ખૂન થયું એ દિવસે હું જ ડ્યુટી પર હતો. મને સવારે દસ વાગે જાન્હવીબેનના પાડોશી સંગીતાબેન શર્માએ બોલાવ્યો હતો અને કહ્યું હતું કે જાન્હવી મેડમનું દૂધ બહાર પડ્યું છે અને એ બેલ મારવા છતાં દરવાજો ખોલતા નથી. હું જાન્હવી મેડમને છેલ્લા પાંચ વર્ષથી જોતો આવ્યો છું. એ સવારે સાડા આઠે જ્યારે હું ડ્યુટી પર આવું ત્યારે ઓફિસ જવા નીકળી જતા હોય છે. રવિવાર સિવાય એમનો આ નિત્ય ક્રમ મને ખબર હોવાના કારણે મેં શંકાના આધારે સીધો પોલીસ સ્ટેશને ફોન જોડ્યો હતો. આ બાબતમાં મને બસ આટલી જ ખબર છે પરંતુ એ દિવસે રાત્રે પણ હું જ ડ્યુટી પર રોકાયો હતો અને રાત્રે મેં અમારા ફ્લેટમાંથી કોઇને ભાગતું જોયું હતું. હું દોડીને પાછળ ગયો પરંતુ એ અજ્ઞાત વ્યક્તિ ગાડીમાં બેસી ભાગી ગયું હતું." સિક્યોરીટી ગાર્ડે હરમનને પોતાની પાસે હતી એ બધી માહિતી આપી હતી.

"આ વાત તે જાન્હવીનું જે દિવસે ખૂન થયું એ દિવસે તે જે બયાન આપ્યું હતું એ બયાનમાં લખાવ્યું કેમ નથી?" ઇન્સ્પેક્ટર પરમારે સિક્યોરીટી ગાર્ડને ગુસ્સો કરતા કહ્યું હતું.

"સાહેબ, જાન્હવી મેડમની લાશ જોઇ મને ખૂબ ઝાટકો લાગ્યો હતો. મેં જિંદગીમાં પહેલીવાર લાશ જોઇ હતી એટલે હું ખૂબ ડરી ગયો હતો. માટે એ દિવસે કદાચ લખાવવાનું રહી ગયું હશે અને સાહેબ આટલા બધાં ફ્લેટમાં ઘણી યુવાન છોકરીઓ રહે છે માટે એમના ઘણાં મિત્રો આવી રીતે આવતા રહેતા હોય છે. મહિનામાં બે-ત્રણ વાર આવી ઘટના બનતી હોય છે પરંતુ જે રીતે એ અજ્ઞાત વ્યક્તિ ભાગી હતી એવી રીતે કોઇ ભાગતું નથી." શ્યામસિંહે ઇન્સ્પેક્ટર પરમારને જવાબ આપતા કહ્યું હતું.

"હવે આ અજ્ઞાત વ્યક્તિનું કોકોડું નવું આવ્યું." ઇન્સ્પેક્ટર પરમાર હરમન સામે જોઇ બોલ્યો હતો.

હરમન અને જમાલ આખા ઘરમાં આંટો મારી ઘરનું અવલોકન કરી રહ્યા હતાં. હરમન ગેલેરીમાં ગયો અને ઇન્સ્પેક્ટર પરમારને બૂમ પાડી હતી.

"જુઓ પરમાર સાહેબ, જાન્હવી અને સંગીતા શર્માના ફ્લેટ વચ્ચે આ મોટો બીમ છે. કોઇપણ વ્યક્તિ સંગીતા શર્માના ફ્લેટની ગેલેરીમાંથી આ બીમ ઉપર ચાલીને જાન્હવીની ગેલેરીમાં આવી શકે એમ છે અને આ ગેલેરીના દરવાજાના માધ્યમથી ઘરમાં પ્રવેશ કરી શકે." હરમને ઇન્સ્પેક્ટર પરમાર સામે જોઇ કહ્યું હતું.

"અરે હરમન, આ તો ખૂબ નાનો બીમ છે. આમાં ચાલતી વખતે જરા પણ પગ ચૂકી જાય તો માણસ સીધો ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાય અને ઉપર પહોંચી જાય." ઇન્સ્પેક્ટર પરમારે હરમનને કહ્યું હતું.

"મને લાગે છે કે આપણે એમના પાડોશી સંગીતા શર્માના ત્યાં જઇ આપણે એમની ગેલેરી જોઇએ અને મારે કેટલાંક સવાલો એમને જાન્હવી બાબતે પૂછવા છે તો એ પણ પૂછી લઇએ." હરમને ઇન્સ્પેક્ટર પરમાર સામે જોઇ કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમાર, જમાલ અને હરમન સંગીતા શર્માના ફ્લેટ પાસે પહોંચ્યા હતાં. સંગીતા શર્માનો ફ્લેટ ખુલ્લો હતો અને એ સોફા પર બેસી છાપું વાંચી રહી હતી. એની ઉંમર ત્રીસ વર્ષની આસપાસની લાગી રહી હતી.

"સંગીતાજી, જાન્હવીના ખૂન કેસની બાબતમાં અમારે તમને કેટલાંક સવાલો પૂછવા છે." ઇન્સ્પેક્ટર પરમારે સંગીતા શર્માની સામે જોઇ કહ્યું હતું.

"હા, અંદર આવો... બેસો... પરંતુ હું જેટલું જાણતી હતી એટલું તો મેં આપને એ દિવસે જ જણાવી દીધું હતું. છતાંય તમારે કશું પૂછવું હોય તો મને વાંધો નથી." સંગીતા શર્માએ ખૂબ નિખાલસતાથી કહ્યું હતું.

"સંગીતાજી, તમારે અને જાન્હવી વચ્ચે સંબંધો કેવા હતાં? જાન્હવીનું ખૂન થયું એ રાત્રે તમે ક્યાં હતાં અને શું કરતા હતાં?" હરમને સંગીતા સામે જોઇ પૂછ્યું હતું.

"જે દિવસે જાન્હવીનું ખૂન થયું એ દિવસે મારો જન્મદિવસ હતો. હું બહાર પાર્ટી કરી રાત્રે દસ વાગે ઘરે પાછી આવી હતી. મને ઊંઘ આવતી ન હતી એટલે હું ફ્લેટની બહાર મારા અને જાન્હવીના ફ્લેટની બહાર રહેલી ગેલેરીમાં આંટા મારી રહી હતી ત્યારે જાન્હવીના ફ્લેટની અંદરથી ઝઘડાનો અવાજ સંભળાતો હતો. એક અવાજ જાન્હવીનો હતો અને બીજો અવાજ કોઇ પુરૂષનો હતો. હું લગભગ સાડાબાર સુધી ત્યાં આંટા મારતી હતી. રાત્રે સાડાબારે મેં મી. રાજ મલ્હોત્રાને ગુસ્સામાં જાન્હવીના ઘરની બહાર નીકળતા જોયા હતાં અને જાન્હવીને પણ મેં દરવાજો બંધ કરવા માટે આવતી જોઇ ન હતી કારણકે રાજ મલ્હોત્રાએ દરવાજો ખેંચીને બંધ કરી દીધો હતો અને મારી સામે નજર કરી અને નીકળી ગયા હતાં." સંગીતા શર્માએ હરમનને કહ્યું હતું.

"એ રાજ મલ્હોત્રા જ હતાં? એની તમને ખાતરી છે." હરમને સંગીતાને પૂછ્યું હતું.

"હા, હું પણ એક ફેશન ડીઝાઇનર છું અને મી. રાજ મલ્હોત્રાને ફેશનને લગતા ઘણાં પ્રોગ્રામોમાં મળેલી છું. માટે એમને ચહેરાથી ઓળખું છું." સંગીતાએ હરમનને કહ્યું હતું.

"સંગીતાજી, તમે આ વાત પોલીસને તમારા બયાનમાં તો લખાવી ન હતી કે તમે ફેશન ડીઝાઇનર છો અને રાજ મલ્હોત્રાને પહેલેથી ઓળખો છો." ઇન્સ્પેક્ટર પરમારે સંગીતાને પૂછ્યું હતું.

"હું શું કામ કરું છું એવું પોલીસે પૂછ્યું ન હતું અને રાજ મલ્હોત્રા સાથે મારે માત્ર હાય...હેલો...ના સંબંધ હતાં. એથી વિશેષ પરિચય હતો નહિ અને એટલે તો એ દિવસે મેં પોલીસને ચોખ્ખું કહ્યું હતું કે મેં રાજ મલ્હોત્રાને જાન્હવીના ઘરમાંથી બહાર નીકળતા જોયા હતાં." સંગીતાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું.

"રાજ મલ્હોત્રાના ગયા પછી એમના ઘરમાં કોઇ આવ્યું હોય એના વિશે તમને કશું ખબર છે? મારે તમારા ઘરની એ ગેલેરી જોવી છે જ્યાંથી જાન્હવીના ઘરની ગેલેરી દેખાય છે." હરમને સંગીતા શર્માને કહ્યું હતું.

સંગીતા શર્મા હરમનને ડ્રોઇંગરૂમની ગેલેરીમાં લઇ ગઇ હતી જ્યાંથી જાન્હવીની ગેલેરી અને વચ્ચેનો બીમ હરમન જોઇ રહ્યો હતો. હરમનના મનમાં કેસની કડીઓ જોડાવા લાગી હતી.

"હા, તમે મને પૂછ્યું કે બીજા કોઇ વ્યક્તિને જાન્હવીના ઘરમાં જતા જોયા હતાં તો એનો જવાબ ના છે કારણકે મી. રાજ મલ્હોત્રાના ગયા બાદ હું પણ મારા ઘરમાં બેડરૂમમાં જઇ સુઇ ગઇ હતી." સંગીતા શર્માએ કહ્યું હતું.

"તમારી ગેલેરી તમે ખૂબ સ્વચ્છ રાખો છો. લાગે છે કે તમને ગેલેરીમાં બેસવાનો શોખ છે. આ તો આ ગેલેરીમાં લગાડેલો હીંચકો જોઇ હું પૂછી રહ્યો છું." હરમને સંગીતા શર્માને હસતાં હસતાં પૂછ્યું હતું.

"હા, ઘણીવાર હું ખૂબ ડીપ્રેસ હોઉં ત્યારે ગેલેરીમાં કોફી પીતા પીતા કલાકો બેસું છું. ત્યાં બેસી હું મારી મનપસંદ ચોપડીઓ પણ વાંચતી હોઉં છું." સંગીતા શર્માએ હરમનને કહ્યું હતું.

"સારું, થેન્ક યુ સંગીતાજી.... તમે અમને માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર." હરમને સંગીતા સામે જોઇ કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમાર, જમાલ અને હરમન ત્રણે ફ્લેટની નીચે ઉતરી ઇન્સ્પેક્ટર પરમારની જીપમાં ગોઠવાયા હતાં.

"સંગીતાએ એવી તો શું માહિતી આપી દીધી કે તું એનો આભાર માનતો હતો અને સંગીતાના ઘરની ગેલેરીને તું આટલું બધું નિરીક્ષણ શું કરવા કરી રહ્યો હતો." ઇન્સ્પેક્ટર પરમારે નવાઇ સાથે પૂછ્યું હતું.

"જુઓ પરમાર સાહેબ, પોસ્ટમોર્ટમના રીપોર્ટ પ્રમાણે ખૂન રાત્રે બે થી ત્રણની વચ્ચે થયું છે અને સંગીતા શર્માએ મી. રાજ મલ્હોત્રાને રાત્રે સાડાબારે ઘરની બહાર નીકળતા જોયા હતાં. એનો મતલબ સ્પષ્ટ છે કે જ્યારે મી. રાજ મલ્હોત્રા જાન્હવીના ઘરમાંથી નીકળ્યા ત્યારે જાન્હવી જીવતી હતી અને એ વાત પણ ચોક્કસ છે કે મી. રાજ મલ્હોત્રાના ગયા પછી કોઇ અજ્ઞાત વ્યક્તિએ આવીને જાન્હવીનું ખૂન કર્યું છે. એટલે મી. રાજ મલ્હોત્રા ખૂની નથી. હવે ખૂન કોણે કર્યું એ આપણે શોધવું રહ્યું. મારા અસીલ મી. રાજ મલ્હોત્રાને આજે જામીન મળી જશે અને પોસ્ટમોર્ટમના રીપોર્ટ ઉપરથી એ નિર્દોષ પણ છુટી જશે. માટે હું સંગીતા શર્માનો આભાર માની રહ્યો હતો." હરમને ઇન્સ્પેક્ટર પરમારને હસતાં હસતાં કહ્યું હતું.

"હરમન, તો પછી તું ગેલેરીનું નિરીક્ષણ આટલી બારીકાઇથી કેમ કરી રહ્યો હતો?" ઇન્સ્પેક્ટર પરમારે હરમન સામે પોતાનો સવાલ ફરીવાર દોહરાવ્યો હતો.

"જાન્હવીની ગેલેરી પરથી લાગતું હતું કે આ ગેલેરીનો કોઇ વપરાશ થતો નથી. જ્યારે સંગીતા શર્માની ગેલેરી ખૂબ સ્વચ્છ અને સુઘડ હતી. એક વાત તો ચોક્કસ તમને કહી દઉં કે ખૂની સંગીતા શર્માના ફ્લેટમાં દાખલ થયો, એની ગેલેરીમાંથી જાન્હવીની ગેલેરીમાં ગયો, જાન્હવીની ગેલેરીમાંથી એના ઘરમાં દાખલ થયો, કોઇ બહારથી ના આવી જાય એ માટે ઘરનો મુખ્ય દરવાજો લોક કર્યો અને જાન્હવીનું ખૂન કરી નાંખ્યું ત્યારબાદ મુખ્ય દરવાજો ખોલવાનું એ ભૂલી ગયો અને સીધો જાન્હવીની ગેલેરીમાંથી પાછો સંગીતાની ગેલેરીમાં થઇ અને સંગીતાના ઘરના દરવાજેથી બહાર નીકળી ગયો." હરમને ઇન્સ્પેક્ટર પરમારને પોતાની થીયરી રજૂ કરતા કહ્યું હતું.

"હરમન તું સવારના ભાંગ પીને આવ્યો છે? સંગીતા શર્મા કાતિલને એવું કહે કે આવો વેલકમ, મારી ડેન્જર ગેલેરીમાંથી બીમ ઉપર ચાલી તમે જાન્હવીની ગેલેરીમાં જાઓ, જાન્હવીનું ખૂન કરો, પાછા આવો, આપણે સાથે કોફી પીઇએ અને તમે તમારા ઘરે જાઓ. શું વાહિયાત વાત કરે છે. સંગીતા શર્મા પોતાના ઘરમાં કોઇને દાખલ થોડી થવા દે." ઇન્સ્પેક્ટર પરમારે હરમનને કહ્યું હતું.

જમાલ આ વાત સાંભળી હસવા લાગ્યો હતો. જમાલને હસતો જોઇ હરમને જમાલને આંખ કાઢી એટલે જમાલ ચૂપ થઇ ગયો હતો.

"પરમાર સાહેબ, મારી વાત સાંભળો. બની શકે કે સંગીતાના ફ્લેટની કોઇ ડુપ્લીકેટ ચાવી બનાવી હોય અને એ ચાવીનો ઉપયોગ કરી એ સંગીતાના ઘરમાં દાખલ થયો હોય અને એવું પણ બની શકે કે કદાચ સંગીતા શર્માએ જાન્હવીનું ખૂન કર્યું હોય." હરમન પોતાના મનમાં ચાલતી અલગ-અલગ થીયરી ઇન્સ્પેક્ટર પરમારને સમજાવી રહ્યો હતો.

"હરમન, તારી થીયરી એ થીયરી જ છે. કોર્ટમાં જજ પુરાવો મારી પાસે માંગશે ત્યારે મારે જજ સાહેબને પુરાવો આપવો પડશે, તારી થીયરી નહિ." ઇન્સ્પેક્ટર પરમારે હરમનને હસતાં હસતાં કહ્યું હતું અને જમાલ પણ એનો સાથ આપી રહ્યો હતો.

હરમન, ઇન્સ્પેક્ટર પરમાર અને જમાલ પાછા પોલીસ સ્ટેશન આવ્યા. હરમન અને જમાલ પોતાની ગાડીમાં આવીને બેસી ગયા હતાં.

"જમાલ, પહેલા રાજ મલ્હોત્રાના બુટીકમાં કામ કરતી દિપાલીનું સરનામું બોલ. આપણે એના ઘરે જવું પડશે અને વારે ઘડીએ મારી વાતો પર હસવાનું બંધ કરી કેસ ઉપર ધ્યાન આપ." હરમને જમાલને કહ્યું હતું.

ક્રમશઃ........

(વાચક મિત્રો, જાન્હવીનો ખૂની કોણ? આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું આપના સુધી પહોંચાડી શકું..... લિ. ૐ ગુરુ ....)