Jahanvi no khuni kon - 3 books and stories free download online pdf in Gujarati

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 3

જાન્હવીનો ખૂની કોણ?

ભાગ-3

ચાકુ અને લાલ ડંબેલ્સ


હરમન અને જમાલ અચરજથી જાન્હવીના ડ્રોઅરમાં પડેલા અણીદાર ચાકુ અને કસરત કરવા માટેનું લાલ કલરનું ડંબેલ જોઇ રહ્યા હતાં. હરમને પોતાના રૂમાલથી એ ચાકુ લઇ લીધું અને જમાલે પોતાના રૂમાલથી એ ડંબેલ ઉપાડી લીધું હતું અને સીમા મલ્હોત્રાને દેખાડ્યું હતું.

"આ ડંબેલ અને અણીદાર ચાકુ જાન્હવીના ડ્રોઅરમાં કેમ છે?" હરમને સીમા મલ્હોત્રાને પૂછ્યું હતું.

"જાન્હવી આ ચાકુને લકી ગણતી હતી એટલે એ હંમેશા આ ચાકુ એના ડ્રોઅરમાં રાખતી હતી અને જ્યારે એ ખૂબ જ અપસેટ હોય ત્યારે એ આ ડંબેલ હાથમાં પકડી હાથ ઊંચો નીચો કરી પોતાના મગજને રીલેક્સ કરવાની કોશિષ કરતી હતી પરંતુ ડ્રોઅરમાં બે ડંબેલ અને બે ચાકુ હશે." સીમા મલ્હોત્રાએ હરમનને કહ્યું હતું.

"ના, આ ડ્રોઅરમાં એક જ ચાકુ અને એક જ ડંબેલ છે. આનો મતલબ એવો થયો કે એક ચાકુ અને એક ડંબેલ આ ડ્રોઅરમાંથી ગાયબ છે." હરમને જમાલ સામે જોઇ કહ્યું હતું.

હરમને જમાલને આ બંન્ને વસ્તુ લઇ લેવા અને એના ફીંગર પ્રિન્ટ માટે ઇન્સ્પેક્ટર પરમારને આપવાનું કહ્યું હતું.

"સીમાજી તમને વાંધો ના હોય તો હું સુનીલને બહાર મારી ગાડીમાં લઇ જઇને એકલામાં વાતચીત કરવા માંગુ છું." હરમને સીમા મલ્હોત્રા સામે જોઇ કહ્યું હતું.

સીમાએ માથું હલાવી હા પાડી હતી.

હરમન અને જમાલ સુનીલ સાથે બુટીકની બહાર આવ્યા અને સુનીલને પોતાની ગાડીમાં આગલી સીટ ઉપર બેસાડ્યો હતો અને પોતે ડ્રાઇવીંગ સીટ ઉપર બેઠો હતો. જમાલ પાછળની સીટ પર ગોઠવાયો હતો. હરમને ગાડી અને એ.સી. બંન્ને ચાલુ કર્યા હતાં.

"સુનીલ, મારે તને એક જ સવાલ પૂછવો છે અને એ સવાલ એ છે કે તે બધાંની વાત અંદર બુટીકમાં સાંભળી. આ બધાં સાચું બોલે છે કે ખોટું એ મને જણાવ કારણકે સીમાજી જોડે કેબીનમાં ઊભા ઊભા તું પણ બધાંની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો એ વાત મેં નોટિસ કરી છે." હરમને સુનીલને સીગરેટ આપતા પૂછ્યું હતું.

"જો સાહેબ, સાચું કહું તો આ બધાં અડધું સાચું બોલે છે અને અડધું ખોટું બોલે છે. આ બધાંને જાન્હવીના મોતથી ફાયદો જ થયો છે. જાન્હવી ખૂબ હોંશિયાર અને કામ લેવામાં કડક હતી અને આ વાત કોઇને પણ ગમતી ન હતી. જાન્હવીના કડક સ્વભાવના કારણે આ ત્રણે જણને વધારે કામ કરવું પડતું હતું પણ તકલીફ ત્યારે શરૂ થઇ જ્યારે રાજ સાહેબે દિવ્યાને દુબઇમાં નવા ખોલાતા બુટીકમાં ઇન્ચાર્જ બનાવી હતી. જાન્હવીને એમ લાગતું હતું કે રાજ સાહેબ એને દુબઇ મોકલશે અને દુબઇની બુટીકની બધી જ જવાબદારી એમને જ સોંપશે પરંતુ રાજ સાહેબે એના બદલે દિવ્યાને પસંદ કરી હતી અને એ પછી અહીંના બધાં સમીકરણો અને બધાંના વ્યવહારો બદલાઇ ગયા હતાં. અમારા ત્યાં દિપાલી કરીને એક ફેશન ડીઝાઇનર હતી જે જાન્હવીના સમયથી જ અમારા બુટીકમાં કામ કરતી હતી પરંતુ રાજ સાહેબે લીધેલા દિવ્યાના દુબઇનું બુટીક સંભાળવાના નિર્ણયથી નાખુશ થઇ છ મહિના પહેલા નોકરી છોડી અને જતી રહી હતી અને જાન્હવી મેડમ પણ નોકરી છોડવાની તૈયારીમાં હતાં એવું મેં સાંભળ્યું હતું. હવે રાજ સાહેબ દિવ્યાને દુબઇની બુટીકના ઇન્ચાર્જ કેમ બનાવવા માંગતા હતાં એ તમે સમજી શકો એટલા હોંશિયાર તો તમે છો. જાન્હવીના મરવાથી શીતલ હવે રાજ સાહેબની મુખ્ય ડીઝાઇનર બની જશે અને દિવ્યાના દુબઇ જવાથી મેઘના હેડ સેલ્સગર્લ થઇ જશે અને એના કારણે બંન્નેનો પગાર પણ સારો એવો વધી જશે. જાન્હવીના મરવાથી માત્ર રાજ સાહેબને જ મોટું નુકસાન થશે કારણકે રાજ સાહેબને મોટા ફેશન ડીઝાઇનર બનાવવામાં જાન્હવીની ફેશન સૂઝનો મોટો હાથ છે માટે હું માનું છું ત્યાં સુધી રાજ સાહેબ કોઇપણ સંજોગોમાં જાન્હવીનું ખૂન ના કરી શકે." સુનીલે સીગરેટ સળગાવીને સીગરેટનો કશ મારતા પોતાની વાત હરમનને કહી હતી.

"તારે અને જાન્હવી મેડમ વચ્ચે કેવા સંબંધ હતાં?" હરમને સુનીલને સવાલ પૂછ્યો હતો.

"મારે અને જાન્હવીને જરાય બનતું ન હતું. અમે બંન્ને લગભગ રોજ લડતા હતાં. એ એની જાતને બહુ હોંશિયાર સમજતી હતી એનો મને વાંધો ન હતો પરંતુ મને મૂરખ અને ડફોળ સમજતી હતી પણ છતાંય દર રક્ષાબંધને મને રાખડી બાંધતી હતી અને ઘણીવાર મને પૈસાથી પણ મદદ કરતી હતી. એટલે મને જાન્હવી માટે અંદરખાને ખૂબ માન હતું." સુનીલે હરમનને કહ્યું હતું.

"સુનીલ તારી પાસે દિપાલીનું સરનામું છે?" હરમને સુનીલને પૂછ્યું હતું.

"હા, દિપાલીનું સરનામું મને ખબર છે. લાવો તમને લખી આપું." સુનીલે હરમન સામે જોઇ કહ્યું હતું.

જમાલે સુનીલને ડાયરી આપી હતી અને સુનીલે એમાં દિપાલીનું સરનામું લખી આપ્યું હતું અને ગાડીમાંથી ઉતરી ગયો હતો. હરમને ગાડી આંબાવાડી પોલીસ સ્ટેશન તરફ લઇ લીધી હતી. હરમન પોસ્ટમોર્ટમનો રીપોર્ટ જાણવા માટે ઉત્સુક હતો અને બુટીકમાંથી લાવેલું ડંબેલ અને ચાકુ પણ ફીંગર પ્રિન્ટ માટે ઇન્સ્પેક્ટર પરમારને આપવાના હતાં. હરમને ગાડી આંબાવાડી પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરી હતી અને અંદર જઇ ઇન્સ્પેક્ટર પરમારને મળ્યો હતો.

"પરમાર સાહેબ, આ લાલ ડંબેલ અને ચાકુ જેના પર જાન્હવી સિવાય કોના ફીંગર પ્રિન્ટ છે એ મારે જાણવું છે. આ હું રાજ મલ્હોત્રાના બુટીક ઉપરથી લાવ્યો છું. સીમા મલ્હોત્રાના કહેવા પ્રમાણે બે ડંબેલ અને બે ચાકુ હતાં એટલે એક ડંબેલ અને એક ચાકુ પણ ગુમ છે અને હા, જાન્હવીના પોસ્ટમોર્ટમનો રીપોર્ટ શું આવ્યો? મારે જાણવો છે." હરમને પૂછ્યું હતું.

"પોસ્ટમોર્ટમના રીપોર્ટ પ્રમાણે કોઇ અણીદાર વસ્તુનો પ્રહાર જાન્હવીના માથા પર કરવામાં આવ્યો હતો. મૃત્યુ લગભગ રાતના બે થી ત્રણની વચ્ચે થયું હતું. ઘટનાસ્થળ ઉપર રાજ મલ્હોત્રાના, જાન્હવીના પોતાના તેમજ કોઇ ત્રીજી વ્યક્તિના પણ ફીન્ગર પ્રિન્ટ મળ્યા હતાં. જે વસ્તુનો પ્રહાર જાન્હવી ઉપર કરવામાં આવ્યો હતો એ વસ્તુ કોઇ ચાકુ અથવા લોખંડની કોઇ અણીદાર વસ્તુ હોય એવું ફોરેન્સીક રીપોર્ટ ઉપરથી જાણવા મળે છે પરંતુ આવી વસ્તુ જાન્હવીના ઘરમાંથી અમને મળી ન હતી. બારણું ભલે અંદરથી બંધ હોય પરંતુ જાન્હવીનું ખૂન જ થયું છે, અકસ્માત નથી એ વાત ચોક્કસ છે. ખાલી કોયડો એટલો જ ઉકેલવાનો કે ખૂની ઘરમાંથી બહાર કઇ રીતે નીકળ્યો હશે? જાન્હવીનું ખૂન થયું એ વખતે ફોરેન્સીકવાળાએ જે ફોટોગ્રાફ પાડ્યા એ ફોટોગ્રાફ પણ આ ફાઇલની અંદર છે જે તમે જોઇ શકો છો." ઇન્સ્પેક્ટર પરમારે હરમનને ફાઇલ આપતા કહ્યું હતું.

હરમન અને જમાલ એક પછી એક ફોટોગ્રાફ જોઇ રહ્યા હતાં.

"પરમાર સાહેબ, એવું બને કે જાન્હવી એ ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી પોતાના બેડરૂમમાં ગઇ હોય અને ચક્કર આવવાથી પડી ગઇ હોય અને એના કારણે માથું કોઇ અણીદાર વસ્તુ સાથે ભટકાયું હોય અને એટલે જાન્હવીનું મોત થયું હોય!" હરમને અંદરથી બંધ બારણાંની થીયરીને સમજીને પોતાની વાત રજૂ કરી હતી.

"ના હરમન, એવું બની શકે નહિ કારણકે જો જાન્હવીને ચક્કર આવ્યા હોત અને એ પડી હોત અને કોઇ અણીદાર વસ્તુથી એનું માથું ભટકાયું હોત તો અને જે ઘાવ પડે અને ફોરેન્સીક રીપોર્ટથી જે સત્ય ખબર પડી છે એ ઘા બંન્ને અલગ છે. જાન્હવીના માથામાં જે ઘા છે એ ઘામાં કોઇ લોખંડની અણીદાર વસ્તુના સાત થી આઠ ઘા મારવામાં આવ્યા છે. પહેલા મેં પણ તારા જેવી જ થીયરી વિચારી હતી પરંતુ જાન્હવીના બેડરૂમમાં લોખંડની કોઇ વસ્તુ અમને મળી નથી અને ફોરેન્સીક રીપોર્ટે ખૂન થયાની વાત સાબિત કરી દીધી છે. પણ બારણું અંદરથી બંધ કઇ રીતે હતું એ હજી એક અચરજ પમાડે એવો પ્રશ્ન છે." પરમારે જાન્હવીના ખૂનમાં પોતે કરેલા રીસર્ચને હરમનને સમજાવતા કહ્યું હતું.

"પરમાર સાહેબ, તમે તો ખૂન કેસમાં એક્સપર્ટ લાગો છો. જો તમને વાંધો ના હોય તો આપણે ઘટનાસ્થળ પર સાથે જઇએ? તમે સાથે આવશો તો મને ખૂબ મદદ મળશે." હરમને પરમારને પૂછ્યું હતું.

"હા આમ તો મારે બહુ કામ છે પણ તમે કહો છો તો ચોક્કસ તમારી સાથે આવીશ, કારણકે આ કેસ જેટલો જલ્દી ઉકેલાઇ જાય એટલું જલ્દી મીડીયાવાળા લોહી ઓછું પીવે." પરમારે ખુરશીમાંથી ઊભા થતાં હરમનને કહ્યું હતું.

હરમન, જમાલ અને ઇન્સ્પેક્ટર પરમાર પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા હતાં. બહાર બે રીપોર્ટરોએ ઇન્સ્પેક્ટર પરમાર પાસે આવી જાન્હવીના કેસ વિશે પૂછપરછ કરી હતી.

"જુઓ, આ કેસ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. જેવી અમને વધુ માહિતી મળશે એટલે તમને ચોક્કસ જણાવીશું." આટલું બોલી ઇન્સ્પેક્ટર પરમાર પોલીસ જીપમાં બેસી ગયા હતાં. જમાલ અને હરમન પણ એમની સાથે જીપમાં બેસી ગયા હતાં.

ઇન્સ્પેક્ટર પરમારે જીપ જાન્હવીના ફ્લેટની દિશામાં દોડાઇ મુકી હતી.

"આ પત્રકારો પણ લોહી પી જાય છે. અરે હજી તો ખૂન થયે ત્રણ દિવસ પણ થયા નથી અને આ સાલાઓ સસ્પેન્સ પીક્ચરો જોઇ જોઇને એમ સમજે છે કે પોલીસવાળા એક દિવસમાં ક્રાઇમ સોલ્વ કરી નાંખશે અને ખૂનીને શોધી કાઢશે." પરમારે ગુસ્સો કરતા કહ્યું હતું.

હરમન અને જમાલ પરમારની વાત સાંભળી હસી રહ્યા હતાં. ઇન્સ્પેક્ટર પરમારે જીપ જાન્હવીના ફ્લેટ નીચે ઊભી રાખી હતી.

( ક્રમશઃ......)

(વાચક મિત્રો, જાન્હવીનો ખૂની કોણ? આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું આપના સુધી પહોંચાડી શકું..... લિ.ૐ ગુરુ)



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED