Featured Books
શ્રેણી
શેયર કરો

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 1

જાન્હવીનો ખૂની કોણ?

(પ્રતિલિપિ વાર્તા સમ્રાટ)

ભાગ-1

જાન્હવીનું ખૂન


"અમદાવાદના જાણીતા ફેશન ડીઝાઇનર રાજ મલ્હોત્રાને ખૂનના આરોપમાં ગીરફ્તાર કરવામાં આવ્યા છે." હરમન છાપાના છેલ્લા પેજ પર આવેલા સમાચારને વાંચી રહ્યો હતો.

"જમાલ, આ ફેશન ડીઝાઇનર રાજ મલ્હોત્રા ખૂનના આરોપમાં ગીરફ્તાર થયા એ સમાચાર તે વાંચ્યા? આ ફેશન ડીઝાઇનર અમદાવાદમાં ખૂબ પ્રખ્યાત છે. આ કેસ ચારેબાજુ ચકચાર જગાવે એવો છે." હરમને જમાલને છાપું પકડાવતા કહ્યું હતું.

"હા, એ સમાચાર તો મેં સવારે જ વાંચી લીધા હતાં અને હા કોઇ સીમાબેનનો તમને મળવા માટે ફોન આવ્યો હતો માટે તમારી બપોરની સાડાબારની મળવાની એપોઇન્ટમેન્ટ આપી છે, તો બોસ તમે ક્યાંય જવાના નથીને?" જમાલે છાપું ગડી વાળીને ટેબલ ઉપર મુકતા કહ્યું હતું.

"ના, હું ક્યાંય જવાનો નથી. ઓફિસમાં જ છું." હરમને જમાલને કહ્યું હતું.

બપોરે સાડાબાર વાગે સીમા હરમનની ઓફિસે આવી હતી. સીમાના હાથમાં આજનું છાપું હતું. સીમાએ હરમનની સામેની ખુરશી પર બેસીને હરમનને છાપું આપતા કહ્યું હતું.

"મારા પતિ રાજ મલ્હોત્રાને ખૂનના ખોટા આરોપસર પોલીસે ગીરફ્તાર કર્યા છે. ઇન્સ્પેક્ટર ચૌહાણે મને તમારો નંબર આપ્યો હતો. તેઓ અમારા ફેમીલી ફ્રેન્ડ છે. એમણે મને તમને મારા પતિના આ કેસ બાબતે મળવાનું કહ્યું છે." સીમાએ હરમનને કહ્યું હતું.

"સીમાજી, તમે મને આખા કેસ વિશે તમારી પાસે જે માહિતી હોય તે મને આપો, પછી હું નક્કી કરીશ કે આ કેસ હું લઉં કે ના લઉં." હરમને સીમાને કહ્યું હતું.

"મારા પતિ રાજ મલ્હોત્રા અમદાવાદના એક જાણીતા ફેશન ડીઝાઇનર છે. ફેશન એન્ડ ફેશનના નામે એમણે બનાવેલા બ્રાન્ડેડ કપડાં ખૂબ જ ફેમસ છે અને આ જ નામનું અમારું બુટીક સી.જી.રોડ પર આવેલું છે. એમના બુટીકમાં કામ કરનાર એક ફેશન ડીઝાઇનર જાન્હવી મહેતાનું ખૂન અથવા અકસ્માત એના ઘરમાં થયો હતો. જાન્હવી ગુલમહોર ફ્લેટમાં રહેતી હતી. જે ફ્લેટ આંબાવાડીમાં આવેલો છે. જે દિવસે જાન્હવીનું ખૂન કે અકસ્માત થયો એ દિવસે રાત્રે મારા પતિ રાજ એને મળવા એના ઘરે ગયા હતાં, કારણકે જાન્હવી નોકરી છોડવા ઇચ્છતી હતી અને રાજ એ નોકરી છોડે નહિ એવું ઇચ્છતા હતાં કારણકે જાન્હવી દસ વર્ષથી રાજના હાથ નીચે ટ્રેઇન થઇ તૈયાર થઇ હતી. રાજને દુબઇની અંદર પોતાનું બુટીક ખોલવું હતું એટલે એને દુબઇ વારંવાર જવું પડે એમ હતું. એ સમય દરમિયાન અહીંયાનું બુટીક જાન્હવી સિવાય કોઇ સંભાળી શકે એવું હતું નહિ એટલે એને નોકરી ન છોડવા સમજાવવા ગયા હતાં અને એ જ રાત્રે જાન્હવીનું ખૂન થયું હતું. જાન્હવીની લાશ એના બેડરૂમમાંથી મળી હતી. એના માથા પર કોઇ ભારે વસ્તુનો માર વાગવાથી એનું મૃત્યુ થયું હતું. એની પાડોશણ સંગીતા શર્માએ રાજને એના ઘરમાંથી બહાર જતાં જોયો હતો. બસ, આ વાત ઉપર પોલીસે રાજને ગીરફ્તાર કરી લીધો છે અને એના ઉપર જાન્હવીના ખૂનનો આરોપ મુક્યો છે." સીમા મલ્હોત્રાએ પોતાના પતિ સાથે થયેલી ઘટના જણાવી હતી.

"ખૂન કે અકસ્માત આવું તમે વારંવાર બોલી રહ્યા છો એની પાછળનું કારણ શું?" હરમને પૂછ્યું હતું.

"સવારે જ્યારે જાન્હવીના ત્યાં દૂધ આપવાવાળો ભાઇ આવ્યો ત્યારે એણે ખૂબ બેલ માર્યા પરંતુ દરવાજો કોઇએ ખોલ્યો નહિ. દરવાજો અંદરથી લોક હતો. નવાઇની વાત એ છે કે રાજ જ્યારે જાન્હવીને મળીને બહાર આવ્યો ત્યારે જાન્હવીએ પોતે દરવાજો બંધ કર્યો હતો એવું રાજનું કહેવું હતું. સવારે અગિયાર વાગે એની પાડોશી સંગીતા શર્માએ પોલીસને ફોન કર્યો હતો અને પોલીસે આવીને દરવાજો તોડ્યો હતો એટલે એ વાત સાબિત થાય છે કે જ્યારે મારા પતિ જાન્હવીને મળીને નીકળ્યા ત્યારે જાન્હવી જીવતી હતી. પરંતુ મારા પતિ સેલીબ્રિટી હોવાના કારણે આ કેસ છાપે ચડી ગયો અને પોલીસે એમને શંકાના આધારે ગીરફ્તાર કરી લીધા છે. અમારા વકીલ એમને કોર્ટમાં આજે જામીન ઉપર તો છોડાવી દેશે પણ હું ઇચ્છું છું કે આપ આ કેસની તપાસ કરી ખૂનીને શોધી કાઢો અને એના માટે આપે જે પણ ફી લેવી હોય એ આપવા માટે હું તૈયાર છું." સીમાએ હરમનને કહ્યું હતું.

"સારું, મી. રાજ મલ્હોત્રાને કયા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે?" હરમને પૂછ્યું હતું.

"મારા પતિને આંબાવાડી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે અને ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર ઇન્ચાર્જ છે." સીમાએ હરમનને કહ્યું હતું.

( ક્રમશઃ........)

(વાચક મિત્રો, જાન્હવીનો ખૂની કોણ? આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું આપના સુધી પહોંચાડી શકું. લિ.ૐ ગુરુ....)