તલાશ - 26 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ - 26

હોટેલ સનરાઈઝ 302 નંબરના રૂમમાં સુરેન્દ્રસિંહ ઝાલા તૈયાર થઈને બેડ પર બેઠા હતા. ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથેની એની સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થયેલી મીટીંગ ચા- નાસ્તા સાથે પુરી થવાની હતી. પણ એ ડિનર ડિપ્લોમસી પછી પણ પુરી ન થઇ અને છેક મોડી રાત્રે કે કહોને વહેલી સવારે 3 વાગ્યે પૂરી થઈ હતી. આમ તો એ અધિકારીઓમાં એક પાંડુરંગ મોરે તો એનો મિત્ર હતો. અને એણે એના ઉપરી અધિકારીને સુરેન્દ્રસિંહનું નામ સૂચવ્યું હતું. એ ઉપરી અધિકારી ગુરમીત ચઢ્ઢા એમની પાસે કૈક ખાનગી રાહે તપાસ કરાવવા માંગતો હતો 2-3 વાર અલગ અલગ ફોનથી વાત કરીને એમણે સુરેન્દ્રસિંહ ને મળવા બોલાવ્યા હતા. એ બંને એ જે વાત કહી હતી અને જે ડોક્યુમેન્ટ બતાવ્યા હતા એનાથી સુરેન્દ્રસિંહ ચોંકી ઉઠ્યા હતા. અબજો રૂપિયાના સોદાઓની વાત હતી અને.એ વિશેના પુરાવા શોધવાનું કામ એ લોકો સુરેન્દ્રસિંહને આપવા માંગતા હતા.લગભગ 12 વાગ્યા સુધી તો સુરેન્દ્રસિંહે એ ડોક્યુમેન્ટ ચેક કરવામાં વિતાવ્યો હતો. આમાં મિલિટરીને સપ્લાય કરાતા હથિયારોના કેટલાક પાર્ટ'સ કે જે ખાનગી ઉદ્યોગપતિઓ પાસેથી મેન્યુફેક્ચર કરાવવામાં આવે છે. એના કરોડો રૂપિયાના સોદા વિશેની વાત હતી. અને સૌથી મોટી વાત એ હતી કે આ સોદા વિશે આર્મી ચીફ કે સંરક્ષણ મંત્રાલય તરફથી ગૃહમંત્રાલયને કઈ જણાવવામાં આવ્યું ન હતું. પણ પછી જે વાત એ બંને ઓફિસરે કરી હતી એનાથી સુરેન્દ્રસિંહ જેવા કઠણ કાળજાનો માણસ પણ હલબલી ગયા હતા. એ લોકોને સોદાને ઉજાગર કરવામાં નહીં પણ એ સોદા વિશે વધુ તપાસ કરીને બ્લેકમેલ કરી લાખો રૂપિયા બનાવવામાં રસ હતો. નખશીખ પર્યન્ત ઈમાનદાર એવા સુરેન્દ્રસિંહે સપનામાં પણ વિચાર્યું નહોતું કે એનો મિત્ર પાંડુરંગ મોરે આવી હરામની કમાઈ ખાવા માટે એનો ઇસ્તેમાલ કરવા માંગે છે. એને સખ્ખત ગુસ્સો આવતો હતો પણ અત્યારે કઈ બોલવું મુર્ખામી હશે એટલો તો સમજ એમને હતી. 3 વાગ્યા સુધી બધા મુદ્દાની ચર્ચા કર્યા બાદ એ લોકો છૂટા પડ્યા હતા.પછી સુરેન્દ્રસિંહને નીંદર આવી ન હતી. એ આગળ શું કરવું એ વિચારતો હતો જો પોતે આ તપાસની ના કહે તો બંને ઓફિસર બીજા કોઈને આ તપાસ કરવાનું કહેશે. કદાચ પોતાને ક્યાંક ફસાવી પણ દે. હવે આવા મોટા અધિકારીઓ ને નારાજ કરી એની સાથે દુશ્મનાવટ વહોરી લેવી એ મૂર્ખતા હતી. "હું 2-4 દિવસમાં કંઈક વર્કઆઉટ કરીને ફોન કરું" કહીને એ લોકોને વિદાય કર્યા હતા. આગળ શું કરવું. જો જીતુને કહીશ તો એ ઉશ્કેરાઈ જશે ગરમ લોહી છે. આ વિશે વિચાર કરતા કરતા એમણે રાત પસાર કરી હવે એ મુંબઈ જવા નીકળવાના હતા. ત્યાં મોરેનો ફોન આવ્યો. "હું 3 દિવસ પછી ફોન કરું છું ક્યાંથી શરૂ કરવું એ જણાવું છું. હા હા હું કામ કરીશ. ફક્ત કરીશ નહીં પૂરું કરીશ" કહીને એમણે ફોન કટ્ટ કર્યો ત્યાં ઈન્ટરકોમ માં રિસેપશન પરથી મેસેજ આવ્યો "સાહેબ તમારી ટેક્સી આવી ગઈ છે." એક નજર અરીસામાં નાખી પોતાનું પ્રતિબિંબ નિહાળ્યું. ભરાવદાર વળ ચડાવેલ મૂછો અને ક્લીન શેવ રુવાબદાર ચહેરો.તેલ નાખી ને ઉભા ઓળવેલા વાળ. વ્હાઇટ શર્ટ ઉપર ડાર્ક બ્લુ બ્લેઝર.અને પગમાં ચમચમતા બુટ.પોતાના પ્રતિબિંબને નીરખીને એ ટટ્ટાર ચાલે રૂમની બહાર આવ્યા.

xxx

મોહનલાલે અજીબ ઉત્તેજનાથી અનોપચંદને ફોન લગાવ્યો."શેઠજી" ફોન ઉંચકતા જ એણે કહ્યું."આ જીતુભા તો હીરો છે હીરો, તમે જલ્દી તમે હોસ્પિટલ પર આવો આગળનું પ્લાનિંગ કરવાનું છે." લગભગ 20 મીટ બાદ અનોપચંદ ત્યાં પહોંચ્યો હતો. દરમિયાનમાં મોહનલાલે જીતુભાને મનસુખ જીરાવાળાના મોત અને એની પાસેથી મળેલા ડોક્યુમેન્ટ વિશે બધું ટૂંકમાં જણાવી દીધું હતું..અનોપચંદ સાથે ગઈકાલે સાંજે જ આ વિશે વાત થઈ ગઈ હતી. અનોપચંદે આવીને એ ડોક્યુમેન્ટ ફરીથી જોયા ત્યાર બાદ એક વાર અમીચંદને જોયો પછી મોહનલાલને પૂછ્યું. "શું કરવા જેવું લાગે છે. મોહનલાલ?"

"આ તો આપણા કબ્જામાં છે." અમીચંદ તરફ આંગળી ચીંધતા મોહનલાલે કહ્યું. "આની બદલે આપણા કોઈ માણસને ત્યાં મોકલીએ અને પછી." અનોપચંદે જીતુભા સામે જોઈ અને પૂછ્યું "તારો શું મત છે?"

"મને તો લાગે છે કે આપણો કોઈ માણસ આની જગ્યાએ મોકલવો એ મૂર્ખતા છે. જો આ લોકો મળવા માટેના માણસનો ફોટો મોકલ્યો હોય અને એ ફોટો પહોંચાડનાર મરી ગયો હોય.અને અહીં મુંબઈમાં રહેલા એના સાથીઓને એના મોત વિશે ખબર હોય તો મારા હિસાબે એ લોકો જરૂર બીજા ફોટાનો બંદોબસ્ત કોઈ પણ હાલમાં કરે."

"પણ એમને મનસુખના મોત વિશે ખબર ન હોય તો?" મોહનલાલે જીતુભાને પૂછ્યું.

"કેવી વાત કરો છો મોહનલાલ? જો આજે લંચમાં અમીચંદ બાંદ્રામાં આવેલી હોટલ મુન વોકમાં મુંબઈની પાર્ટીને મળવાનો હોય અને મુંબઈની પાર્ટી એને ઓળખતી ન હોય તો મનસુખ જીરાવાળાએ એટલીસ્ટ મોડી રાત સુધી એને ફોટો પહોંચાડવો પડે કે એ લોકો મનસુખ પાસેથી ફોટો કલેક્ટ કરી લે. હવે જો મનસુખ મરી ગયો હોય તો એનો કોન્ટેક્ટ તો ન જ થાય. એટલે એ લોકો અમદાવાદથી કોઈક રીતે અમીચંદનો બીજો ફોટો મંગાવવાનો બંદોબસ્ત કરી જ રાખ્યો હોય. જે લોકો તમારા કહેવા મુજબનું આવું ષડયંત્ર કરી સકતા હોય એ મૂર્ખ તો ન જ હોય."

"તો હવે શું કરવું જોઈએ?" અનોપચંદ પૂછ્યું.

"આને જ કોઈક રીતે તૈયાર કરીને મોકલવો પડે અને એના પર વોચ રાખવા માટે આપણા માણસો તૈનાત રહે. બીજું કઈ ન કરાય."

"પણ એ ત્યાંથી ભાગી જાય કે મુંબઈની પાર્ટીને ચેતવી દેતો?" મોહનલાલે પૂછ્યું.

"એ જોખમ આપણે ઉપાડવું પડે અને એ ભાગે નહીં એ માટે કંઈક ફિલ્મી વિચારવું પડે" જીતુભાએ જવાબ આપ્યો.

દસ મિનિટની ચર્ચા પછી અનોપચંદે કહ્યું. "ઠીક છે. જીતુ હવે તું ઘરે જા અને આરામ કર.જરૂર પડશે.તો તને સવાઅગિયારે ફોન કરીશ તો સાડાબાર સુધીમાં પહોંચી જજે. અને આ લેતો જા કહી પોતાના ડ્રાઈવર પાસે એક બોક્સ પોતાની કારમાંથી મંગાવ્યું અને જીતુભાને આપ્યું જીતુભા એ એ બોક્સ ખોલ્યું એમાં એક અત્યંત મોંઘી ઘડિયાળ હતી. "આને હંમેશા પહેરી રાખજે. ખાસ વિધિ કરાવેલ ઘડિયાળ તને મુશ્કેલીઓમાંથી બચાવશે."

"મને મારી જાત પર ભરોસો છે. મને તમારા આ યાંત્રિક ઉપકરણોની જરૂર નથી. ખાસ વિધિ એટલે કે ટ્રાન્સમીટર હશે એમાં.જેથી હું મુશ્કેલીમાં તમારો કોન્ટેક્ટ કરી શકું."

"પણ અમે કઈ મુશ્કેલીમાં હોઈએ અને અમારે તારી જરૂર પડે ત્યારે તો કામ આવેને. એટલા ખાતર પહેરી લે મારા સ્ટાફના માંડ 200 જણા ને આ મળ્યું છે."

xxx

જીતુભા ઘરે પહોંચ્યો ત્યારે સવા નવ વાગ્યા હતા. ઘરે સોનલ એકલી જ હતી મોહિની પોતાના ઘરે ગઈ હતી. પછી બાઈક પર સોનલને પીક કરીને બંનેને 11 વાગ્યે કોલેજ પહોંચવાનું હતું. જીતુભાએ ફોનમાં જોયું તો મામાના 2 મિસ્ડકોલ હતા. અને એક મેસેજ હતો કે હું મુંબઈ લગભગ 12 વાગ્યે પહોંચીશ. જીતુભાએ વળતો મેસેજ મુક્યો કે સોનલ કોલેજમાં હશે. અને હું કદાચ બહાર જઈશ તો સામે બક્ષી સાહેબના ઘરમાં ચાવી હશે. આમ તો ઘરના દરેક સભ્ય પાસે ચાવી રહેતી પણ કોઈકવાર એ ચાવી હાથવગી ન હોય તો બક્ષી સાહેબના ઘરમાં રહેલી ચાવીનો ઉપયોગ થતો.પછી જીતુભાએ સવા અગિયારનું એલાર્મ મૂકીને લંબાવ્યું.ત્યાં સોનલ એના રૂમમાં આવી અને પૂછ્યું. "ભઈલા ચા પીવી છે? કઈ નાસ્તો બનાવી દઉ? જીતુભાને થાક ઘેરી વળ્યો હતો. પણ એનું મગજ હજી બરાબર કામ કરતું હતું

"બોલો સોનલબા શું કામ હતું તમારે? આ જીતુડા પરથી ભઈલા પર આવી ગયા છો એટલે જલ્દી કામ બોલો મને આખી રાતનો ઉજાગરો છે."

"આ તું સોનલબા કહે છે એ તારા મોઢામાં શોભતું નથી અને આ તમારે જેવા માનયુક્ત વચનો દર્શાવેછે કે તું બહુ ગુસ્સામાં છો જીતુડા, હું માં વગરની એટલે ... એટલે મારું તો કોઈ નહીં મારા મનની વાત સાંભળનાર કોઈ નહીં એએએ " બોલતા સોનલે પોક મુકી.

"હવે રહેવા દે તારા નાટક સોનકી 'આ માં વગરની' વાળી વાતથી મામા અને માં ને ઈમોશનલ કરજે મને નહીં. હવે ફટાફટ કામ બોલ મારે સવા અગિયાર વાગે ઉઠીને નોકરીએ જવાનું છે."

"તે ક્યારે નોકરી ચાલુ કરી જીતુડા "

"એ બધું નિરાંતે સાંજે કહીશ, તારું કામ બોલ."

"મારું કામ નિરાંતવાળું છે. નવરો થા એટલે કહે જે "

"ઠીક છે તો સાંજે હું ને મામા બને સાંભળશું."

"સુંઉઉઉ બાપુ સાંજે આવી જશે. તો તો અત્યારે જ સાંભળ."

"એ તો હમણાં 12 વાગ્યે આવી જશે. અને પ્લીઝ મને સુવા દે"

"પણ બાપુ આવે એ પહેલાં મારે તને જણાવવું હતું કે."

"શું જણાવવું હતું. બોલ"

“મારા આગળના ભવિષ્ય વિશે કે મારા જીવન સાથી વિશે. પણ તું જીતુડા ઘણીવાર ભાઈની જગ્યાએ મારકણો આખલો બની જાય છે. તારી જગ્યાએ મારો સગો ભાઈઈઈઈ ..." સોનલનું વાક્ય અધૂરું રહ્યું. જીતુભાએ જે ઝનૂનથી એનો ચોટલો ખેંચ્યો હતો એથી સોનલને લાગ્યું કે 2 મિનિટમાં એના વાળ એના માથામાંથી નીકળી જશે. એના મોંમાંથી શબ્દ નીકળતા ન હતા.જીતુભા તરફ દયામણા મોઢે જોઇને એણે વગર બોલ્યે 2 હાથ જોડ્યા.જીતુભાએ એનો ચોટલો છોડી દીધો.

"રાક્ષસ છો તું આટલા જોરથી વાળ ખેંચતું હશે કોઈ?" એણે આંખમાં આંસુ સાથે પૂછ્યું

"હવે ફરી વખત સગોભાઈ વાળી વાત કરીશ તો રોડ પર ઉભાડીને તારા વાળ ખેંચીને તને ટકલી કરી દઈશ. યાદ રાખજે" જીતુભાએ કહ્યું પછી રડમસ અવાજે ઉમેર્યું. "મેં તારા માટે શું નથી કર્યું કે જે સગા ભાઈએ કર્યું હોત બોલ તારી અનેક ભૂલો મામાથી અને માંથી છુપાવી છે. તને ગમતી વસ્તુ તારા માંગ્યા પહેલા લાવી આપી છે. તારી ઈચ્છા વિરુદ્ધ કોઈ તને છેડી ન શકે એટલે સુધીની તાલીમ અપાવી છે. બોલ ભાઈની ફરજ ક્યાં હું ચુક્યો છું. એ બતાવ??

"જેમ બાપુ અને ફઈબા પાસે કોઈ વાત મનાવવા માટે 'હું માં વગરની' વાક્ય કામ કરે છે. એજ રીતે તારી ઊંઘ ઉડાડવા માટેનું રામબાણ એ જ હતું 'મારો સગોભાઈ'. હા હા હા." સોનલે અટ્ટહાસ્ય કરતા કહ્યું.

"હું તારું ગળું દબાવી દઈશ." જીતુભાએ દાંત પીસતાં કહ્યું.

"હવે જોયો મોટો ગળા દબાવવાવાળો. મારુ ગળું પકડવા આવીશ તો 2-4 કરાટેની ચોપ ખાઇશ તું. તો મરી જાય તોય મારા પર હાથ ઉપાડવાનો નથી. હા હા હા." સોનલે ફરી અટ્ટહાસ્ય કરતા કહ્યું અને ઉમેર્યું "હવે તારી નીંદર ઉડી ગઈ હોય તો વાત કરું."

"સાંજે ઘરે આવું એટલે મામા સાથે વાત કરીને તને કોક ગામડામાં બીજવર સાથે પરણાવવાનું પાકું કરી નાખીશ યાદ રાખજે." જીતુભાએ હસતા હસતા કહ્યું.

"જીતુ એ જ વિષયમાં વાત કરવી છે.પ્લીઝ"

"રાત્રે હું ઘરે આવું પછી આપણે લટાર મારવા જશું. જમીને ત્યારે નિરાંતે વાત કરશું. હવે મને ઊંઘવા દે મારી માં. મારે સવા અગિયાર વાગ્યે ઉઠવાનું છે."

"ઠીક છે. ઘોરી લે અઘોરી ભલે તારી બહેન ને કોઈ બીજવર પોતાની ઉંમરથી ડબલ ઉંમરના બુઢ્ઢાને પરણવું પડે." કહીને સોનલ પગ પછાડતા રૂમની બહાર ચાલી.

"તારી મરજી પૂછ્યા વગર અમે છોકરો જોવા પણ નથી જવાના પાગલ, પ્લીઝ મને સુવા દે સાંજે વાત કરીશું. હવે જરા મારી સામે જોઈને હસીને જા રૂમની બહાર." જીતુભા એ રડમસ અવાજે કહ્યું. સોનલ એની સામે સહેજ મુસ્કુરાઈ અને પછી જીતુભાનાં રૂમની બહાર નીકળી

xxx

જીતુભા અને સોનલ વાતો કરતા હતા ત્યારે જ નાઝનીન અને જોષીજી દિલ્હીના એ મેરેજ હોલ પર પહોંચ્યા હતા જ્યાં સરલાબેનની કઝીનના લગ્ન હતા અત્યારે 10 વાગ્યે ચૂંદડી ઓઢાડવાની વિધિ હતી. જસ્ટ 3-4 મિનિટ પહેલાં સરલાબેન પહોંચ્યા હતા ફોઈ અને ફુવા એમને જોઈ બહુ આનંદિત થયા હતા. સરલાબેનના બાપુ તો નાદુરસ્ત તબિયતને લીધે આવવાના ન હતા. એમણે સરલાબેનને આવકાર્ય સરલાબેન પોતાની બહેનને મળવા અંદર ગયા. ગિરધારી હાથમાં સરલાબેન ની બેગ લઈને ઉભો હતો"આ સરલાબેનની બેગ ક્યાં રાખું?" ગિરધારીએ સરલાબેનના ફુવાને પૂછ્યું.

"અહીજ રાખી દો ભાઈ. અને તમને કેટલા રૂપિયા આપવાના છે?” સરલાબેનના ફુવા એ ખીસ્સામાં હાથ નાખતા પૂછ્યું.

"રૂપિયા તો બહેને પહેલા જ આપી દીધા છે. હું અહીં છું મારે એમની સાથે રાજસ્થાન એમના ઘર સુધી જવાનું છે." ગિરધારીએ કહ્યું.

"તો તો ભાઈ બહુ સારું એમને સાચવીને લઇ જજે. અને જમવાનું અમારા બધા ડ્રાઈવર સાથે અહીંયા જ રાખજે અને રાત્રે સુવા માટેની વ્યવસ્થા કૈક ગોઠવી દઈશ." રૂપિયાવાળા પણ દિલદાર ફુવા એ કહ્યું.

"ભલે અને મારા જેવું કોઈને લેવા મુકવાનું કામ હોય તો ચોક્કસ કહેજો બહાર સુમો છે એમાં જ હું બેઠો છું. રાધે રાધે" કહી ગિરધારી હોલની બહાર આવ્યો, ત્યાં સામે એક ચમચમાતી મોંઘી કાર આવીને ઉભી રહી એમાંથી એક પુરુષ અને એક યુવતી બહાર નીકળ્યા યુવતીએ કંઈક જોરથી એ પુરુષને હગ કર્યું. પુરુષ જરા સંકોચાયો પછી એને પણ 2 હાથ પેલી યુવતી ની પીઠ પર વીટી દીધા એકાદ મિનિટ પછી બને છૂટા પડ્યા પછી યુવતી કાર ચાલુ કરીને ત્યાંથી નીકળી ગઈ. એ નાઝનીન અને જોષીજી હતા. ગિરધારી વિસ્ફારિત નેત્રે એની સામે જોતો રહ્યો. જોષીજી જરાક સરમાયાને સમજાયું કે આ યુવાને નીના અને મેં હગ કર્યું એ જોયું છે. એટલામાં પાછળથી સરલાબેનનો અવાજ આવ્યો." અરે તમે આવી ગયા બહુ સરસ. અરે ગિરધારી ભાઈ મિસ્ટર જોશીના હાથમાંથી થેલો લઈને સામેની રૂમમાં મૂકી દેશો? પ્લીઝ." જનક જોશીએ કૈક અચકાતા ગિરધારીના હાથમાં થેલો આપ્યો. "તમે કેવી રીતે આવ્યા? સાચું કહેજો."સરલાબેને પૂછ્યું.

"ટેક્સીમાં" જોષી બોલ્યા. ગિરધારી એ આશ્ચર્યથી પાછળ ફરીને જોયું અને પછી રૂમમાં થેલો મૂકી બહાર આવ્યો

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર