TALASH - 24 books and stories free download online pdf in Gujarati

તલાશ - 24

"ભાઈ મેં તો તને સારા ઘરનો ધાર્યો હતો. મારા વરની તબિયત ખરાબ છે એટલે તને બેગ ઉતારી લાવવા કહ્યું તો તું તો બેગ ઉપાડી ને હાલતો થવા માંડ્યો ભાઈ." એમ બોલતી એ યુવતી એની પાસે આવી અને એના હાથમાંથી બેગ આંચકી લીધી. જીતુભા બઘવાઈ સ્ટેચ્યુ થઈ ગયો. કાપો તો લોહી ન નીકળે એવી એની હાલત થઈ ગઈ. એ યુવતી આમ ફરી જશે એવું એણે નહોતું ધાર્યું. શું જવાબ આપવો એ પણ વિચાર એને માંડ આવ્યો અને એ બોલ્યો. "બહેન એવું કઈ નથી તમે દેખાણા નહીં. એટલે હું તમને આજુબાજુ શોધતો હતો તમે ક્યાંય દેખાતા ન હતા." જીતુભાએ નોંધ્યું કે એનો ડ્રાઈવર અને બીજા કેટલાક લોકો એને ઘુરી રહ્યા હતા. ત્યાં જાણે કુદરતે મદદ કરી હોય એમ એ યુવતી બોલી. "હા ભાઈ મારા વરને કેટલી ના કહી છતાં એણે અમદાવાદમાં નશો કર્યો, એને કેટલું સમજાવ્યો હતો કે સગા વહાલા માં નાક ન કપાવો મુંબઈમાં પી ને ડૂબી મરો તો ચાલશે પણ ન માન્યો, અહીં ઉતર્યા કે તરત એને વોમિટ થઈ એટલે હું પાણીની બોટલ ખરીદવા ગઈ હતી. સોરી હો ભાઈ મેં તમને કંઈક વધારે પડતું સંભળાવી દીધું." સાંભળીને બધા પેસેન્જર પાછા પોતપોતાના કામમાં લાગી પડ્યા. હવે શું કરવું વિચરતો જીતુભા પોતાના ડ્રાઈવર તરફ ગયો અને કહ્યું. "અહીંથી થોડીવારમાં નીકળવું છે તો રેટોરની બરાબર બહાર ઉભો રહે, હું આવું છું." પછી એણે એક સિગરેટ સળગાવી એને તરસ લાગી હતી. રેસ્ટોરાંમાં જઈને જોયું તો ભાવસાર ત્યાં બેઠો હતો. "હજી કેટલીવાર લાગશે? જીતુભાએ પૂછ્યું "લગભગ 20 મિનિટ" ભાવસારે જવાબ આપ્યો જીતુભાએ 2 કોલ્ડડ્રિંક મંગાવ્યા અને એક ભાવસારને આપ્યું. કોલ્ડડ્રીંક પીને જીતુભા બહાર નીકળ્યો અને વોશરૂમ તરફ ચાલવા માંડ્યો. વોશરૂમ લગભગ 20 કદમ દૂર હતું "હવે ઓલી યુવતીને ક્યાં ગોતવી? એ મને કેવી રીતે ગોતશે? આ અનોપચંદ અને મોહનલાલ સાવ મૂર્ખ છે. કૈક તો નિશાની આપવી જોઈએ. હમણાં હું ભેરવાઈ જાત." એવું મનમાં વિચરતો જીતુભા વોશરૂમ બાજુ ચાલતો હતો લેડીઝ અને જેન્ટ્સ વોશરૂમનુ પ્રવેશદ્વાર એક જ હતું. ચાર પાંચ ડગલાં ચાલ્યો ત્યાં અન્ય એક યુવતી પણ લગભગ એની સાથે થઈ ગઈ."જીતુભા" હળવેકથી એ યુવતી બોલી. જીતુભા ચોંકી ગયો. એ એ યુવતી સામે જોવા જતો હતો ત્યાં એ યુવતી બોલી ઉઠી. "મારી સામે ન જોતો ચુપચાપ ચાલ્યા કર, રેસ્ટોરાંની બહાર પાનની દુકાન છે ત્યાં કાળુ ટી શર્ટ અને જીન્સ પહેરીને જે બેવડો ઉભો છે એના હાથમાંથી બેગ લઈ લે. જલ્દી કર એ સિગરેટ ખરીદે છે. પછી સિગરેટ સળગાવવા બેગ નીચે મુકશે. તું બેગ લઈને નીકળી જજે. હું મારું ફોડી લઇશ." એટલું બોલી એ યુવતી વોશરૂમમાં ઘુસી ગઈ. જીતુભા તરત જ પાછો ફર્યો અને પાનવાળાની દુકાન તરફ ભાગ્યો પાનની દુકાન રેસ્ટોરાંને અડીને જ હતી અને એનો ડ્રાઈવર ત્યાંજ ઉભો હતો. જીતુભાએ પાનની દુકાને પહોંચી એક પેકેટ સિગારેટનું માગ્યું. પેલો કાળું ટીશર્ટ પહેરેલો બેવડો એ જ હતો જે બસમાં જીતુભાની સામે બેઠો હતો અને સાથે હતી એ યુવતી સાથે સતત અટકચાળા કરતો હતો. પાનવાળાએ એના હાથમાં સિગારેટ આપી એણે ત્યાં પડેલું લાઇટર ઉઠાવ્યું અને બેગ નીચે મૂકી સિગરેટ સળગાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. પણ હવે કુદરત જીતુભાનો સાથ આપી રહી હતી પવન ફૂંકાતો હોવાથી એ સિગરેટ સળગાવવા પાછળ ફર્યો એજ વખતે એનો મોબાઇલ રણક્યો. જીતુભાએ સામે ઉભેલા ડ્રાઈવરને ઇશારાથી એ બેગ બતાવી એક ક્રાઈમ બ્રાન્ચનો ઓફિસર પોતાની મદદ માંગે છે એવા અભિમાનથી ડ્રાઈવરે ચીલઝડપે બેગ ઉપાડી અને જીતુભાની સામે જોયું. જીતુભાએ ટેક્સી તરફ ઈશારો કર્યો એટલે ડ્રાઈવર બેગ લઈને ટેક્સી તરફ ભાગ્યો પેલો કાળા ટીશર્ટ વાળો હજી ઊંધો ફરીને જ ઊભો ઊભો ફોનમાં વાત કરતો હતો. જીતુભાએ સિગરેટનું પેકેટ લઈ પૈસા ચૂકવીને ફરીથી વોશરૂમ તરફ આગળ વધ્યો. પેલી યુવતી વોશરૃમમાંથી બહાર આવી રહી હતી જીતુભાને ખાલી હાથે જોઈ એને નવાઈ લાગી. પણ જીતુભાએ જમણા હાથનો અંગુઠો દેખાડી થમ્સઅપ કર્યું. એ સમજી ગઈ અને મુસ્કુરાઇ ને પેલા કાળા ટીશર્ટ વાળા તરફ આગળ વધી મનમાં એ વિચારતી હતી કે "હું તો આને બાઘો સમજતી હતી, ઓલી બાઈની બેગ લઈને ભાગતો હતો. પણ આ તો હોશિયાર નીકળ્યો." 2 મિનિટ પછી જીતુભા વોશરૃમમાંથી બહાર આવ્યો કે એને એક બુમ સંભળાઈ. "રા... મારી બેગ ક્યાં ગઈ. બોલ હરામખોર" કાળા ટીશર્ટ વાળો અમીચંદ સલમા પર રાડો નાખી રહ્યો હતો.

"મને શું ખબર બેગ તો તમારી પાસે હતી. અને હું તો બાથરૂમ ગઈ હતી."

"નખરા ન કર મને બધી ખબર પડે છે નક્કી તે તારા કોઈ યાર ને બોલાવ્યો હશે, સાચું બોલ નહીં તો તારી ખેર નથી." જીતુભાએ પોતાની ટેક્સી તરફ જોયું. ડ્રાઈવર ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો અને ટેક્સીનું એન્જિન ચાલુ હતું. "આ બાઈની મદદ કરવી કે નીકળી જવું" અસમંજસમાં ઉભેલા જીતુભાને અંતરમનથી એક આદેશ મળ્યો "અનોપચંદે અને પેલી યુવતીએ ભલે કહ્યું કે હું મારુ ફોડી લઈશ પણ પાંચ મિનિટ ઉભો રહે કદાચ એ યુવતીને તારી મદદની જરૂર પડશે. આમેય એ 'અનોપચંદ એન્ડ કુ' માટે કામ કરે છે. તેણે પાનવાળાના ગલ્લા તરફ ચાલવા માંડ્યું. ધીરે ધીરે ત્યાં પેસેન્જર જમા થવા લાગ્યા હતા એ ટોળામાં ઉભો રહ્યો. અમીચંદ હજી બેફામ ગાળો ભાંડી રહ્યો હતો. "સા .. કુતરી જલ્દી બેગ હાજર કર નહીં તો..."

"પણ મેં કહ્યુંને તમને કે હું બાથરૂમમાં હતી અને બેગ તો તમારી પાસે જ હતી." સલમાનો અવાજ ઢીલો થઈ રહ્યો હતો. એ ચારે બાજુ નજર ફેરવી અને અબ્દુલ-મક્સુદ ને શોધી રહી હતી. પણ એ લોકો દેખાતા ન હતા. "મુરખાઓ, મને અહીં ફસાવી દીધી એ લોકો તો મારી બસ પહેલા અહીં પહોંચવાના હતાં. દુમાર ચોકડી પર તો બેસીને મસ્ત ચા નાસ્તો કરતા હતા. હજી કેમ ન પહોંચ્યા. પણ સારું છે જીતુભા નીકળી ગયો એ નવો માણસ છે કંપનીમાં. હવે પડશે એવા દેવાશે" એણે જીતુભાને ઓછો આંક્યો હતો. "સટ્ટાક" અચાનક એક ઝનનટેદાર લાફો અમિચંદે સલમાના ગાલ પર ઝડી દીધો. "ઓઈમાં" સલમાના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ. એ આવી પરિસ્થિતિ માટે આટલી જલ્દી તૈયાર ન હતી. "બોલ રા.. ક્યાં છે તારો યાર. બોલાવ એને નહીં તો તારા ટુકડા કરી નાખીશ." એનું આ રૌદ્ર રૂપ જોઈને પેસેન્જરો વિખેરાવા મળ્યા અને ગણગણ કરવા લાગ્યા " કોક 'ધંધાવાળી' લાગેછે." જીતુભાનાં કાનમાં આ શબ્દો ગયા એનું લોહી ઉછાળા મારવા લાગ્યું. એ અમીચંદને પડકારવા જતો હતો પણ એને અનોપચંદે કરેલ વ્યવસ્થા જોવી હતી. સલમાની નજર પોતાના પર ન પડે એમ એ એકબાજુ સરક્યો. ત્યાં ભાવસાર અને એટેન્ડન્ટે રાડ પડી "ચલો બસ ઉપડે છે. બચેલા પેસેન્જરો પણ બસ ભણી વળ્યા.

"જુઓ બસ ઉપડી રહી છે. કદાચ બસમાં જ બેગ હશે કે કોક લઈ ગયું હશે તો હજી બસમાંથી મળી જશે." સલમાએ ડૂસકું રોકતા રોકતા કહ્યું.

“બધું મારી નજર માંજ છે અહીંથી એક મેટાડોર અને બસ ઉપડી ત્યાં સુધી બેગ મારા હાથમાં હતી, મેં સિગરેટ સળગાવી અને પાછળ ફર્યો ત્યારે બેગ ઉપડી ગઈ. હું કઈ ન જાણું તું બેગ મને પાંચ મિનિટમાં પછી નહીં આપે તો કોક કોઠાની રોનક બની જઈશ, તારા વર છોકરાને ભૂલી જજે.કુતરી." દાંત પીસતાં અમીચંદ બોલ્યો અને આગળ વધીને સલમાનો ડાબો હાથ પોતાના હાથમાં લઈને મરડી નાખ્યો. "ઓઈરે" સલમાંથી ફરી ચીસ પડાઈ ગઈ.

"ચિલ્લાઈ લે જેટલું ચીલ્લાવવું હોય એટલું, હું તને છોડવાનો નથી. " ત્યાં ભાવસારે ડ્રાઈવર સીટ પરથી રાડ નાખી બસ ઉપડે છે, અને બસ સ્ટાર્ટ કરી. તમાશો જોવા ઉભેલા છેલ્લા 2-3 જણા દોડીને બસમાં ચડી ગયા. ત્યાં હવે પેટ્રોલપંપના કર્મચારીઓ પાનવાળો અને રેસ્ટોરાંનો સ્ટાફ સિવાય જસ્ટ આવેલી એક બસમાંથી ઉતરતા મુસાફરો એટલા જ હતા.

"રા... હું હમણાં જ ટેક્સી બોલવું છું એને આવતા 10 મિનિટ થશે. તારે આખી જિંદગી કોકના પડખા ગરમ ન કરવા હોય તો બોલી નાખ બેગ ક્યાં છે." સલમાના વાળ ખેંચતા અમીચંદ બરાડ્યો. સલમા હવે રડી રહી હતી. એ ફસાઈ ચુકી હતી અબ્દુલ -મકસુદનો કોઈ પત્તો ન હતો જીતુભા નીકળી ગયો હતો. પોતાની 100% ફુલપ્રુફ યોજનાનો આમ ફિયાસ્કો થી જશે. એવી એને કલ્પના પણ નહોતી. બેગ ગાયબ થાય ને રાડારાડ ચાલુ થાય, ત્યાં અબ્દુલ અને મકસુદ આવીને અમીચંદને પડકારવાના હતા. અને આમ કોઈની પત્નીને લઈને ફરવા નીકળેલા માણસનો બાકીના પેસેન્જર સાથ નહીં આપે એવી એને ખાતરી હતી. "પણ આ બેય ડોબા ક્યાં મરી ગયા."

"બોલ જલ્દી મને લાગે છે કે તારી પોતાની ઇચ્છા છે કોઠે બેસવાની" ફરીથી એક લાફો મારતા અમિચંદે કહ્યું.

"શેઠજી હું ખરું કહું છું એ બેગમાં શુ હતું એ પણ મને ખબર નથી. તમે કહ્યું હતું કે એમાં કૈક અગત્યનું છે. પણ એ બેગ ક્યાં છે મને ખબર નથી. અને હવે જો હાથ ઉપડ્યો તો હું રાડો નાખી ને લોકો ભેગા કરીશ." સલમાએ કૈક સવસ્થ થવાનો પ્રયાસ કરતા કહ્યું પણ, એને પોતે જ પોતાનો અવાજ બોદો લાગ્યો.

"હા તો નાખ રાડ અને બોલાવ લોકોને હું પણ જોઉં છું કોણ તારી મદદે આવે છે. તારો યાર તો નીકળી ગયો બેગ લઈને. પણ તું આખી જીન્દગી પસ્તાવાની છો જો સામે ઊભી એ ટેક્સી ખાલી જ લાગે છે" કહીને અમીચંદ સલમાના વાળ ખેંચીને એ ટેક્સી (જીતુભાની) તરફ લગભગ ઘસડતાં કહ્યું. સલમાની ચીસો લગાતાર ચાલુ હતી એ પોતાનો હાથ અને વાળ છોડાવવાની મથામણ કરતી હતી. પણ અમીચંદની અમાનુષી તાકાત પાસે એનું કઈ ચાલતું ન હતું. પોતાની બરબાદી હવે નક્કી છે એવું મનોમન સલમાએ વિચાર આવવા લાગ્યા હતા. નવી બસમાંથી ઉતરતા લોકો પણ એકાદ ક્ષણ એની સામે જોઈને પછી પોતપોતાના કામમાં લાગી જતા હતા. ટેક્સીની પાસે પહોંચી અમિચંદે ડ્રાઈવરને કહ્યું "મુંબઈ ચલો "

"ટેક્સી ખાલી નહીં હે"

"ડબ્બ્લ પૈસા દુંગા. જલ્દી દરવાજા ખોલ xxx" ટેક્સીવાળો એની સામે જોતો હતો એટલે કે એની બરાબર પાછળ આવીને ઉભેલા જીતુભાની સામે. જીતુભાએ આંખથી ઈશારો કર્યો અને શાંત રહેવા જણાવ્યું.

"મુંબઈમાં તારી હાલત.... ઓઓઓઓ " અમીચંદના બાકીના શબ્દો એક રાડમાં પરિવર્તિત થઈ ગયા. એક કચકચાવીને પડેલી લાતથી એ ટેક્સીમાં ભટકાયો હતો, અને એના હાથમાંથી સલમાનું કાંડુ છૂટી ગયું હતું. સાથે જ એના હાથમાં રહેલા સલમાના વાળને કારણે સલમા પણ ખેંચાઈ અને એન ઉપર પડી હતી. 10 સેકન્ડ પછી અમીચંદ સ્વસ્થ થયો. સલમાના વાળ એણે છોડી દીધા અને એ જીતુભા તરફ ફર્યો "કોણ છો તું ભે...." એનું વાક્ય અધૂરું રહ્યું કેમ કે જીતુભાના હાથનો લોંખડી ફટકો એના ડાબા ગાલ પર પડ્યો હતો. અમીચંદને લાગ્યું કે કોકે 10 કિલોનું વજનિયું એના મોઢા પર માર્યું છે. એના પેઢામાંથી અને હોઠના ખૂણેથી લોહી વહેવાનું શરૂ થયું હતો. સલમા હવે આઝાદ હતી. "થેંક્યુ.” એ આગળ કંઈ બોલે એ પહેલા જીતુભાએ આંખના ઇશારાથી એને રોકી હતી. અને એક અવળા હાથની ઝાપટ અમીચંદના જમણા ગાલ પર લગાવી દીધી. પછી સલમાને પૂછ્યું." કોણ છે આ? અને તને શુ કામ મારે છે?"

સલમા કઈ જવાબ આપે એ પહેલા સ્વસ્થ થવા મથતા અમિચંદે કહ્યું "જુઓ ભાઈ આ અમારી ઓફિસના અગત્યના ડોક્યુમેન્ટનો મામલો છે. આ મારી સેક્રેટરી છે. મારી બેગ હમણાં જ 5 મિનિટ પહેલા ચોરાઈ ગઈ અને મને ખાતરી છે કે આ રા.. એના કોઈ યાર દ્વારા ચોરી કરાવી છે.”

"તે પોલીસ કમ્પ્લેઇન કરી.? એટલીસ્ટ પોલીસને જાણ કરી.? ખબર છે તને એક સ્ત્રી પર આમ હાથ ઉપાડવાની કેટલી સજા થાય છે? અને તું તો આને વેચી નાખવાની ધમકી આપતો હતો. મેં બરાબર સાંભળ્યું છે અને રેકોર્ડ પણ કર્યું છે. ઓછામાં ઓછા 7 વર્ષ તો તું આ ગુનામાં અંદર જઈશ." અમીચંદને લાગ્યું કે આ કોઈ પોલીસ ઓફિસર છે. એને કંઈક ખવડાવી દઉં તો હજી છટકી શકાશે. એણે કહ્યું" જુઓ સાહેબ આ મામલો અહીં જ રફાદફા કરો. આપણે બંને સમજી લઈએ. આ ટેક્સી તમારી છે, તો મને મુંબઈ સુધી લિફ્ટ આપો હું તમને ખુશ કરી દઈશ?"

"એમ, ઓકે કેટલા રૂપિયા છે તારી પાસે? જીતુભાએ પૂછ્યું અને સલમાને ફાળ પડી. "ઓ બાપરે આ તો કોઈક ફૂટેલો ઓફિસર છે. આ મોહન લાલજી ને આવો જ માણસ મળ્યો? અબ્દુલ અને મકસુદ હવે 2 મિનિટમાં નહીં આવે તો હું જિંદગીભર એમને ને મારા દીકરાને નહીં મળી શકું."

"સાહેબ રૂપિયા તો લગભગ 30000 જેટલા છે ખીસામાં." અમિચંદે કહ્યું.

"ઠીક છે લાવ, બાકીના?' જીતુભાએ હાથ લંબાવતા પૂછ્યું. "

બાકીના એટલે? અમિચંદે પૂછ્યું જવાબમાં જીતુભાએ એક મુક્કો એના પેટમાં માર્યો. અને કહ્યું "આ ઓરત તારા પર કેસ ન કરે એના હરામખોર. છેલ્લા 2 મહિનાથી મારા માણસો તારી પાછળ છે. તારી મિનિટે મીનીટની ખબર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પાસે છે. તારી બેગ પણ મારી જ પાસે છે. આ ઓરત તને સાચું જ કહેતી હતી. બેગ એણે કે એના માણસે નહીં મેં જ ઉઠાવી હતી જો ત્યાં ટેક્સીની અંદર." પછી કહ્યું "હવે તારી પાસે જેટલા રૂપિયા હોય એ આપીદે આ બાઈને, તે એને મારી છે. ગાળો દીધી છે એને વળતર તો આપવું જ પડશે. આપ એટલે એને રવાના કરી આવું. " હજી જીતુભા સાથે સોદો કરીને છટકવાનો ચાન્સ છે એમ સમજી અમિચંદે પોતાના પાકીટમાંથી 28-30 હજાર જેટલા હતા એ બધા સલમાના હાથમાં મુક્યા. જીતુભાનાં ઈશારે સલમાએએ રૂપિયા લીધા. "હવે માફી માંગ એની." જીતુભાનાં કહેવાથી અમિચંદે સલમાની માફી માંગી. "એને 2-4 લાફા, મુક્કા લાત મારી અને માફ કરી દે બહેન" જીતુભાએ સલમાને કહ્યું. એ સાથે જ સલમા અમીચંદ પર તૂટી પડી 8-10 લાફા એના ગાલ પર જડી દીધા 2-4 મુક્કા એના પેટમા માર્યા. પોતાને પડેલા મારનો બદલો લેવા મળશે એવી એને કલ્પના પણ ન હતી. મનોમન એણે જીતુભા પર શંકા કરવા બદલ પસ્તાવો કર્યો.

"બસ હવે બસ કર" જીતુભાનાં આદેશથી એ અટકી હતી. "તું જરા ત્યાં ઉભી રહે. અમને હવે કામની વાત કરવા દે" જીતુભાએ મનોમન એક ખતરનાક પ્લાન ઘડી કાઢયો હતો, એને અમલમાં મુકવા માટે સલમાને કહ્યું. સલમાં થોડી દૂર થઇ એટલે અમીચંદની પાસે જઇ અને કહ્યું "તારી બેગ તને પછી આપી દઈશ તારો રેકોર્ડ ફાઇલમાંથી દૂર કરી નાખીશ. મને શું મળશે?"

"સાહેબ તમે આખી જીન્દીગી ...." અમીચંદનું વાક્ય અધૂરું રહી ગયું એના મસ્તકની પાછળ ગરદનના જોઈન્ટ પર જીતુભાએ મારેલી કરાટેની એક ચોંપથી એ બેહોશ થઈ ગયો.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED