ધંધુકા રેલવે સ્ટેશનના બાંકડે વીજળીને બેસાડી, બાબો બોટાદની ટીકીટ લેવા ટીકીટબારી તરફ જતો હતો ત્યારે એણે ભોથિયા અને જેમાને પ્લેટફોર્મમાં ઉભેલા જોયા.'કદાચ એ બંને ધંધુકાના જ હશે' એમ સમજી બાબો બહુ ધ્યાન આપ્યા વગર ટીકીટબારી તરફ ગયો.
ટિકિટબારી પરનો કર્મચારી ક્યાંક આઘોપાછો ગયો હોવાથી બાબાને ટીકીટ મળવામાં દસેક મિનિટની વાર લાગી. બોટાદની બે ટીકીટ લઈ એ પાછો આવ્યો ત્યારે ભોથિયા અને જેમા સાથે એના જેવા બીજા ચાર જણા વીજળી જે બાંકડે બેઠી હતી તે બાંકડા પાસે ઉભા હતા.
બાબાના પેટમાં ફાળ પડી.એ ઉતાવળો ચાલીને વીજળી પાસે આવ્યો.વીજળી પણ ડરી ગઈ હતી.કારણ કે પેલા લોકો અંદરોઅંદર એની જ વાતો કરતા હતા.
"આ મવાલીઓ આપણી પાછળ ઉતર્યા છે.તેં ઓલ્યા બે જણને ઢીબ્યા એટલે એ લોકોએ એના દોસ્તોને ફોન કરીને બોલાવ્યા..."
વિજળીએ કહ્યું.
"તું ચિંતા ન કરીશ.આ તો ખાલી ચાર જ છે." કહી બાબાએ પેલા લોકો સામે એક નજર નાખીને ખિસ્સામાંથી ફોન કાઢ્યો.
"હેલો..ધંધુકા પોલીસ સ્ટેશન ? હા
જાડેજા સાહેબ છે ? હા હા, ફોન આપ એમને..હું એમનો દોસ્ત બાબાલાલ બોલું છું.." કહી બાબાએ પેલી ટોળી પર એક તુચ્છ નજર નાંખી.પછી ફોનમાં ચાલુ કર્યું.
"કેમ છો જાડેજા સાહેબ.....હું અત્યારે રેલવે સ્ટેશન પર છું. અરે... ના...ના...એક કામ હતું તે અમદાવાદ જતો હતો પણ અહીં પહોંચ્યો ત્યાં ફોન આવ્યો કે હવે નહિ આવો તો ચાલશે. એટલે ધંધુકા ઉતરી ગયો છું." કહી બાબાએ પેલી ટોળી પર પોતાના ફોનની કેવીક અસર થઈ છે એ જોયું.
ભોથિયા અને જેમાની ટોળી બાબાની વાત સાંભળીને સુનમુન થઈ ગઈ હતી.ભોથિયાએ ફોન કરીને જે લોકોને બોલાવ્યા હતા એ ચાર જણ બાબાની વાત સાંભળીને આઘાપાછા થવા લાગ્યા.
બાબાએ પોતાની વાતની ધારી અસર થયેલી જોઈને ફોન આગળ ચલાવ્યો.
"અરે જાડેજા સાહેબ, આપણા લાલજી શેઠને ત્યાં ચોરી થઈ'તી ઈ ચોર પકડાયા....? હેં....? કેટલા જણ હતા ? છ ? હા હા બરોબર.
તમારે ઈ ચોર પકડવા હોય તો અત્યારે ને અત્યારે અહીં રેલવે સ્ટેશન આવી જાવ..હા તમે કીધું એવા જ છ જણા મારી નજર સામે જ ઉભા છે.ઈમાંથી બે જણ એક છોકરીના ચાળા કરતા'તા અટલે મેં ટ્રેનમાં જ ઈમને બેયને ઢીબ્યા'તા. હું અહી ઉતર્યો એટલે ઈ બેય મારી વાંહે ઉતર્યા છે.અને એમના ચાર સાગરીતોને બોલાવી લાવ્યા છે.અત્યારે છ એ છ એક સાથે જ ઉભા છે...તમે નીકળી ગયા..? વાહ શું વાત છે.આવો ઝટ હું ઈ લોકોને ઘડીક રોકી રાખું છું..હા હા છ એ છ હાર્યે જ ગુડાણા છે..પકડી લ્યો રાંડના'વને !" કહી બાબાએ પેલી ટોળી સામે ડોળા કાઢીને ફોન ખિસ્સામાં સરકાવ્યો.
"કાં... અલ્યા...? ગોટાબોટા ખાવા હોય તો હાલો..તમારો બાપ જાડેજા હમણાં સોટા લઈને આવે છે.કોક એકલી છોકરીને જોઈ મોઢામાં પાણી આવે છે ને ? અને લાલજીશેઠને ત્યાં તમે જ ચોરી કરી'તી ને ? " બાબાએ હાકલ કરી.
બાબાની વાત સાંભળીને પેલા ચાલવા માંડ્યા.એટલે બાબો પાછળ ચાલ્યો, " અલ્યા ઉભા રો.
જાડેજા સાહેબે તમને રોકાવાનું કીધું છે.."
પ્લેટફોર્મ પર પેલા છ જણે ઝડપ વધારી.એટલે બાબો પણ ઉતાવળે પગે ચાલ્યો. જેમાએ પાછું ફરીને ડોળા કાઢીને આવતા બાબાને જોયો.
"તારી જાતના ભોથિયા..આ તારો બાપ બવ પોંસેલી માયા સ. પોલીસને ફોન કરીન બોલાવી.હવે આપડે સોરી નથી કરી તોય આપડને પકડશે..ભાગો જલ્દી.."
કહી જેમો દોડવા લાગ્યો. એની પાછળ ભોથિયો પણ ભાગ્યો.તો પેલા ચાર જણ શું કામ ઉભા રહે.
બાબાએ પણ એ લોકો પાછળ દોટ મૂકી.ટોળીમાં જે પાછળ રહી ગયો હતો એના ડેબામાં બાબાએ જોરથી ઢીકો ઠોકયો.પેલો સુકલકડી બાબાનો ઢીકો ખમી ન શક્યો.એ ગડથોલીયું ખાઈને પ્લેટફોર્મ પર પડ્યો.બાબાએ એને પડતો મૂકીને એની આગળ જતાં બીજા એક જણના ડેબામાં મૂષ્ઠી
પ્રહાર કર્યો.
"તમારી જાતના હલકટ..ઉભા રો અલ્યા.."એમ રાડ પાડતો બાબો હવામાં હાથ ઉછાળતો હતો.પેલા બે ગબડી પડેલા ઉઠીને બીજી દિશામાં ભાગ્યા.ભોથિયો અને જેમો તો ઘણા આગળ નીકળી ગયા હતા.
ટોળાને ક્ષત વિક્ષત કરીને બાબો હસતો હસતો વીજળી પાસે આવ્યો ત્યારે વીજળી પણ બાંકડે બેઠી બેઠી હસી રહી હતી. બાબાના બુદ્ધિ ચાતુર્ય અને બાહુબળ પર એ વારી ગઈ હતી.
"ખરેખર જાડેજા સાહેબ આવે છે ?" વીજળીએ બાબો આવ્યો એટલે ઉભા થઈને પૂછ્યું.
"ના રે...જાડેજા સાહેબ કેવા ને વાત કેવી..આ તો ઓલ્યા ડોબાઓને બીવડાવવા પડે એમ હતું.આવા લબાડ લોકો સાથે કોણ મગજમારી કરે.કળથી કામ થતું હોય તો બળ શું કામ વાપરવું." બાબાએ હસતા હસતા કહ્યું.
"તો શું કામ પાછળ દોડ્યો ? એ લોકો તને મારવા માંડ્યા હોત તો ? "
"આવા હજી બીજા ચાર પાંચ હોય તોય હું પોગી જાવ.આપડા હાથનો ગડદો જેના ડેબામાં પડ્યો હોય એ ઉભો થઈ નો શકે હમજી ? આ તો મારે આ લોકોને ભાગી જવા જ દેવા'તા એટલે હળવો ઢીકો માર્યો..બાકી શ્વાસ લેવામાંય તકલીફ પડે એવો ઘા હોય આપડો ! ચોખ્ખા ઘીના લાડુ ખાઈ ખાઈને આ કાયાનું ઘડતર કર્યું છે. અને ગામનું ખાધું છે તો ગામના કામમાં તો આવવું જોઈએ કે નહીં ? ચાલ હવે આપણે દાળવડા ખાઈએ. હું ટીકીટ લેવા ગયો ત્યારે ઓલ્યા સ્ટોલ પર મસ્ત બનતા'તા.." કહી બાબો નાસ્તાના સ્ટોલ તરફ ચાલવા લાગ્યો.વીજળી પણ એની સાથે થઈ ગઈ.
રાતનો સમય હોઈ સ્ટેશન પરના ચા નાસ્તાના અમુક સ્ટોલ અને એમાં કામ કરતા માણસો સિવાય ખાસ અવરજવર હતી નહીં. કેટલાક ભિખારીઓ ટૂંટિયું વળીને એક તરફ સુતા હતા.અમદાવાદ તરફથી આવનારા મેલ(ટ્રેન)ને હજી વાર હતી.
બાબાએ વીજળીને નાસ્તો કરાવ્યો.સાંજે ઘેરથી નીકળ્યા પછી એણે કંઈ ખાધું નહોતું.એટલે એને પણ ભૂખ લાગી જ હતી. મનોમન એ બાબાનો ખૂબ આભાર માની રહી હતી.આ બાબો આટલો હોંશિયાર હશે એવી એને સ્વપ્ને પણ કલ્પના ન હતી.
દસેક મિનિટ પછી ટ્રેન આવીને સ્ટેશન પર ઉભી રહી.બાબો અને વીજળી ટ્રેનમાં બેસી ગયા.
*
સ્ટેશન માસ્ટરના કવાર્ટર તરફ જઈ રહેલા હુકમચંદ પર વીજળીનો ફોન આવ્યો એટલે એને ખૂબ રાહત થઈ ગઈ. વીજળીની મા પણ થોડા ગુસ્સા સાથે શાંત થઈને સુઈ ગઈ.
જુવાન દીકરી ઘેરથી ભાગી ગઈ હોય એ માને ઊંઘ આવે ? પણ હવે વીજળી ભાગી નથી ગઈ એ સમાચાર મળતા એને હાશ થઈ હતી.
જગો અને નારસંગ જીપમાં જ બેઠા હતા.હુકમચંદે આવીને એ બંનેને વીજળીનો ફોન આવી ગયો હોવાની વાત કરી એટલે એ બેઉ પણ રાજી થયા. જીપ ગામ તરફ લઈ લેવાનું કહી હુકમચંદ જીપમાં બેઠો.
જીપ જ્યારે સરકારી દવાખાના પાસે પહોંચી ત્યારે દવાખાનાના ઓટલે બેસીને કોઈને ફોન કરતો હબો જીપની હેડલાઈટમાં દેખાયો.
"આ મારો બેટો, અડધી રાતે કોને ફોન કરતો હશે ?" હુકમચંદે કહ્યું.
ત્યાં સુધીમાં જીપ હબાની લગોલગ પહોંચી ગઈ હતી.જગા
ભરવાડે હબાની બાજુમાં જ જીપ ઉભી રાખી.
જીપની હેડલાઈટ પડતાં જ હબો ફોન કાપીને ઉભો થઈ ગયો હતો. એ એના ઘર તરફ ચાલવા જાય ત્યાં જ જગાએ એને કહ્યું,
"અલ્યા..આમ અડધી રાતે આંય બેહીને કોની હાર્યે વાતું કરછ..?
ગામમાં લગવું ગોત્યું સે કે બાર્યગામનું સે ?"
હબાએ આંખ પર હાથનું નેજવું કરીને જીપમાં બેઠેલા હુકમચંદ, જગા અને નારસંગને જોયા.
"મારી માસીના ભણીયાનો ફોન હતો અમદાવાદથી.. ઘરે બરોબર નેટવર્ક પકડાતું નો'તું તે આંયા આયો.પણ તમે ચીંપાથી આયા ?"
"સર્પસ શાબ્યના એક મે'માન આવવાના હતા તે લેવા જીયા'તા.
ટેસને પોગ્યા તાં મે'માનનો ફોન આયો ક હવ નથી આવવાના..તે પાસા આયા.." કહી જગાએ જીપ હંકારી મૂકી. પણ હુકમચંદને કે જગાને, હબાની વાતમાં અને હબાને જગાની વાતમાં જરાય ભરોસો નહોતો.
"હબલાએ કંઈક નવા જૂની કરી સે ઈ પાક્કું..ચીમ લાગે સે સર્પસ શાબ્ય ?"
"ઘરે નેટવર્ક નો આવે એવું તો નો બને..માય જાવા દે ને..આપડા બાપનું શું જાય સે..જે કરશે ઈ ભરશે.." હુકમચંદે કોઈ રસ બતાવ્યા વગર ઠંડા અવાજે કહ્યું.
જગો નવાઈ પામીને હુકમચંદને જોઈ રહ્યો.આજ પહેલી વખત હુકમચંદ જરાક જુદો લાગતો હતો.ગામના સરપંચ કરતા આજ એ એક દિકરીનો લાચાર બાપ વધુ લાગતો હતો.
"મારા બેટા નક્કી કંઈક કાળું ધોળું કરવા જ જીયા હશે..મારા રંગમાં ભંગ પડાવ્યો.." કહી ઘર તરફ જતો હબો પાછો વળીને ફરી એ દવાખાનાના ઓટલે આવીને બેઠો.
અને લાસ્ટ ડાયલ કરેલો નંબર લગાડ્યો.
*
તભાભાભા વગર ડાકલે માતા પંડમાં આવ્યા હોય એમ એ ધ્રુજતા હતા.હાથમાંથી પડી ગયેલા ફોનનું સ્પીકર કોણ જાણે કેમ કરતા ઓન થઈ ગયું એ ભાભાને સમજાતું નહોતું.
ભૂત ખીખિયાટા કરી રહ્યું હતું. ઝીણા અવાજે એકદમ વિચિત્ર અવાજે હસી રહેલો કરસનનો વડદાદો લખમણ બોલ્યો,
"ગોર મા'રાજ...હું લખમણ.. હેહેહે..લખમણ મારું નામ હેહેહે.
આજ થી.. બસો..હેહે..બસોને ઓગણ.. હેહે..ઓગણ...ઓગણ એંશી હેહે...હેહે..એંશી વરહ પેલા...હેહેહે..વાડીએ...લીમડા હેઠે...લીમડા હેઠે...હેહેહે...હું... હું....હું...હુતોતો.. હું..હુતોતો..હું.
હેહેહે...ઈમાં ઉપરથી...હેહેહે..હે
ઉપરથી એરું પડ્યો...હેહેહે..એરું
મને..મને...હેહે..મને..એરું..હેહે..
એરું આભડી જ્યો..હેહે..પસી હું મરી જ્યો..હેહેહે..હું ભૂત થિયો..
ભૂ.. ઉ....ઉ...ઉ...ત....હેહે...હું..
લખમણિયો...કરસનનો પરદાદો..
બસ્સો...હેહે..ઓગણ... હેહે.."
"જય હનુમાન જ્ઞાનગુણ સાગર..
જય કપીસ તિહું લોક ઉજાગર..
રામદૂત અતુલીત બલધામાં..આ..
અંજની પુત્ર પવનસુત નામાં..આ.. આ...આ..." તભાભાભાએ પથારીમાં પલાંઠી મારીને હનુમાન ચાલીસા ગાવાનું શરૂ કરી દીધું. પણ લખમણિયાનું ભૂત તો પડકારા કરતું બંધ જ નહોતું થતું..ઘડીક એ ખડખડાટ હસતું હતું..તો ઘડીકમાં રડવા માંડતું હતું...
"અરે..રે...ગોર મા'રાજ..તે દી હું જુવાનજોધ હતો..મારે ઘરમાં જુવાન બયરું હતું..અરે..રે...તે દી રાતે મને બયરાએ બવ ના પાડી'તી..કે ભશાબ આજ વાડીએ નો જાવ તો ચ્યાં તમારા બાપનો ગરાહ લૂંટય જવાનો સે...
અરે...રે..ગોર..મારા..જ..પણ મને કમત હુજી..હું ધરાર ઘરે નો રોકાણો...અરે...રે....બસો ઓગણએંશી વરહ પેલા મારુ બયરું બવ રૂપાળું હતું..ઈને મને તણ સોકરા તો દીધા'તા..તે દી રાતે સોથું સોકરૂ દેવાનું હતું..પણ અરે..રે...મારે ડુંગળીનું શાક ખાવું'તું..ને ઈ ડોબીએ લહણનું સાક ગુડયું..ઈમાં મેં ઈને બે ધોલ મારી લીધી...ઈમાં ઈણે મને બે ધોકા વાળી લીધા..અરે..રે..નાની અમથી વાતમાં અમે બેય માણહ બાઝી પડ્યા..ને હું રિહંયને વાડીએ ગુડાણો.. બસાડીએ મને બવ મનાયો પણ હું નો માન્યો...
અરે..રે...મારા..તણ સોકરા રઝળી પડ્યા...મારી ઘરવાળીએ પસી બીજું ઘર કર્યું...મારા સોકરા મા વગરના મોટા થિયા.. અરે..રે..
બસો ને ઓગણએંશી વરહ પેલા..મને એરું કયડ્યો...."
"મહાવીર વિક્રમ બજરંગી..ઈ.. ઈ....કુમતિ નિવાર સુમતિ કે સંગીઈ..ઈ..ઈ...કંચનવર્ણ બિરાજ સુબેસા..આ..આ...કાનન કુંડલ કુંચિત કેસા...આ...આ...હાથ વજ્ર ઓર..."
તભાભાએ પોતાનું વોલ્યુમ ફૂલ કર્યું.જેથી લખમણિયાનું ભૂત રડતું હતું એ ન સંભળાય. પણ ભૂત તો રડયે જ જતું હતું.
તભાભાભાના હનુમાન ચાલીસા ની લખમણિયા પર કોઈ અસર થતી નહોતી.પણ ગોરણીની ઊંઘ પર અસર થઈ.અચાનક એમના નસકોરા બંધ થયા.એમના કાનમાં પ્રવેશેલા ચાલીસાસુરોએ એમના ઊંઘી ગયેલા મગજના તંતુઓને ધ્રુજાવ્યા.હનુમાનદાદાનો મંત્ર કંઈ એળે તો ન જ જાય ને ! દાદાએ હવે ગોરાણીને ભાભાની વ્હારે આવવા જગાડયા.
ગોરણીનું શ્વસનતંત્ર ધીમું પડતા મજ્જાતંત્ર જાગૃત થયું. કર્ણ પ્રદેશમાંથી આવેલા દૂતોએ ભાભા ચાલીસા ગાતા હોવાના સંદેશા આપ્યા.તાજા જ જાગેલા ગોરાણીના મગજે ચક્સુઓને પડદા ઉચકવાના અને ગળાને અવાજ કાઢવાના આદેશો આપ્યા.
"શું આમ અડધી રાતે ગાંગરો છો..
કોઈ માણસ સુતું હોય ત્યારે બાજુમાં બેહીને હનુમાન ચાલીસા ગાતા તમને શરમ નથી આવતી ?
અને આટલા બધા ધ્રુજો છો કેમ ? ભૂત ભાળી જ્યા છો ?" ગોરાણીએ ડોળા ભાભા પર ઠેરવીને રાડ પાડી.
એ જ વખતે ફોનમાં રડતો લખમણિયો શાંત થઈ ગયો. ભાભાએ હનુમાન ચાલીસ બંધ કર્યા.
"કરસનનો પરદાદો લખમણિયો ભૂત થિયો છે.આજથી એંશી વરહ પેલા ઈને એરું કયડ્યો'તો.."
ભાભાએ ધ્રુઝતાં ધ્રુઝતાં જવાબ આપ્યો.ભાભાને ભૂતની એટલી બધી બીક લાગી હતી કે એમણે જ ઉભો કરેલો સમયગાળો એ ભૂલી ગયા.બસો ઓગણએંશી ને બદલે એમનાથી એંશી વરસ જ બોલાઈ ગયું !
"હેં...? ચ્યાં છે ? તમે ભાળ્યું..?"
ભાભાએ પોતે ઘેર આવતા હતા ત્યારે થેલી ખેંચી લેવાથી માંડીને અત્યારે આવેલા ફોન સુધીની વાત ઝડપથી કીધી.
"હેં...? ભૂત ફોનય કરે ? તમને ઈ લખમણિયાએ ફોન કર્યો ? "
"હા..હમણે ઘડીક દાંત કાઢતો'તો ને ઘડીક રોતો'તો..ગોરાણી..જાગો
આપડે આખી રાત હનુમાન ચાલીસાના પાઠ કરવા પડશે.તમે જાગ્યા અટલે જોવો ઈ બંધ થઈ ગયો છે.."
"ના હો..મને તો બવ બીક લાગે.હું નહી જાગુ..તમે પાઠ કરો.હવે ફોન તો લય લ્યો હેઠેથી..."
ભાભાએ નીચે પડેલા ફોન તરફ ડરતાં ડરતાં નજર કરી. નાઈટલેમ્પના આછા અજવાળામાં પડેલો ફોન ભાભાને વીંછી હોય એવું લાગતું હતું !
"ભલેને નીચે જ પડ્યો..એમાં ભૂતનો વાસ થઈ ગયો છે.હવે આપણાથી એ ફોનને હાથ ન લગાડાય.. કાલે કૂવામાં નાખી દેવો પડશે.." કહી તભાભાભા ગોરાણીની બાજુમાં લાંબા થઈ ગયા.હજી પણ તેમના શરીરમાંથી કંપારી છૂટતી હતી.
એ જ વખતે ફોનની રિંગ વાગી.
પણ ભાભાની હિંમત નહોતી કે ફોન ઉચકી શકે.ફોનની રિંગ વાગતી રહી અને ભાભા અને ગોરાણી ગોદડું ઓઢીને સુઈ ગયા.
પણ એકેયની આંખમાં ઊંઘ નહોતી !
*
તખુભાને ગામમાં ગટરનું કામ શરૂ કરવું હતું.પણ પૈસાની કોઈ જોગવાઈ થતી નહોતી.વજુશેઠે છેલ્લી ઘડીએ ના પાડીને એમનું કામ બગાડી નાખ્યું હતું. વજુશેઠનો વિચાર ફેરવવામાં કોનો હાથ હશે એ તખુભા વિચારતા હતા.હુકમચંદ પર થોડી શંકા પડી હતી ખરી પણ વજુશેઠને એની સાથે ખાસ સબંધ ન હોવાનું પણ તેઓ જાણતા હતા.
હુકમચંદ સરપંચ થયા પછી આમ તો પોતાને ક્યાંય નડ્યો નહોતો.ઉલટાનું તપાસ આવી ત્યારે એણે ધરમશી ધંધુકિયાની મદદ અપાવવાની પણ ઓફર કરી હતી.એ વખતે કડક વલણ રાખવા બદલ તખુભા હવે પસ્તાઈ રહ્યાં હતાં.હુકમચંદે પોતાના લાભ માટે જ કહ્યું હતું.ધરમશીને મળી લેવામાં અને એના પક્ષને ટેકો આપવવામાં પોતાનું કાંઈ બગડી જવાનું નહોતું એ પણ તખુભાને મોડે મોડે સમજાયું હતું.
રવજીના ઘેર કથા સાંભળીને નીકળેલા તખુભા ઘેર જઈને આ બાબતે વિચાર કરતા કરતા પડખા ઘસી રહ્યા હતાં.
ગટરના કેસમાંથી હવે બહાર નીકળવું પડે તેમ હતું.તખુભાને એકાએક રણછોડ યાદ આવ્યો.
એ છોકરો રાણપુરની કચેરીમાં મળ્યો હતો.એણે ચમન ચાંચપરા ની પાર્ટીમાં આવી જવાનું આમંત્રણ આપેલું. રાણપુરથી વળતી વખતે એને ખાળીયામાં પડેલો જોયો હતો.એ વખતે એની ઉપર કોઈ સ્ત્રીનો ફોન આવેલો એ પણ તખુભાને યાદ આવ્યું.અને એ સ્ત્રી...એ સ્ત્રી....તખુભા એકદમ ખાટલામાંથી બેઠા થઈ ગયા..!
'હુકમચંદ હાર્યે ઈ બાઈએ આ રણછોડના કે'વાથી પ્રેમનું નાટક કર્યું....પસી હુકમસંદ તો માખણમાં મીંદડો ચોંટે એમ આ બાઈની વાંહે પડી ગયો....ઈમાં ઓલ્યો ચંચો આ બેયને ક્યાંક જોઈ ગયો..હવે ઈ ઓલ્યું શું કે'વાય..હા બ્લેકમેલ કરે છે.પૈસા માંગે છે...'તખુભાના દિમાગમાં બત્તી થઈ હોય એમ ચહેરા પર ખુશીનું અજવાળું ફેલાઈ ગયું.
'મારું બેટુ ખરું છે, રાજકારણમાં
આવા કાવાદાવા પણ કરવા પડતા હશે ? કાંય વાંધો નય..હવે માલિપા પડ્યા જ છીએ તો મન લૂગડાં બગડે.પણ હુકમાની ચોટલી હવે હાથમાં આવી છે ખરી. કાલે ચંચિયાને બોલાવીને બે અડબોથ ઠોકીશ એટલે પોપટની જેમ મંડશે બોલવા..' આવુ વિચારી તખુભા આડે પડખે થયા.
(ક્રમશ:)
-શું તભાભાને ખરેખર ભૂત ફોન કરે છે ? જો ભૂત નથી તો કોણ તભાભાભા પાછળ હાથ ધોઈને પડી ગયું છે ?
- હબો, અડધી રાતે દવાખાનાના ઓટલે બેસીને કોને ફોન કરતો હતો..? શું હબો જ લખમણિયો છે ?
- તખુભા હવે ચંચાનો વારો પાડશે. ચંચો નયનાનું નામ તખુભાને આપી દેશે ?