પેલી છોકરીએ દુપટ્ટો હટાવ્યો કે તરત બાબા અને ટેમુની આંખો પહોળી થઈ ગઈ.
"વીજુડી તું ? તું આમ ભાગી જવા તૈયાર થઈ..અને એ પણ કોક અજાણ્યા સાથે ? અલી અમે મરી ગ્યા'તા ? તું તો સમીરિયા વાંહે પાગલ હતી ને ? પાછો એ બીજો પકડયો ? અમે એટલે અમારું લશ્કર પાછું બોલાવી લીધું હતું, કારણ કે તમે અમારા દોસ્ત સમીર પાછળ પાગલ હતા.અમને ખબર હોત કે કોઈ બીજો મોરલો કળા કરી રહ્યો છે તો એની પાંખુ જ કાપી નાખત ને ! અલી દુકાને અમે તને જોઈને અડધા અડધા થઈ જતા'તા ઈ તને દેખાતું નો'તું ?
લે લઈ લે હવે..આવ્યો તારો પ્રેમ ? હુકમચંદ સરપંચની છોકરી થઈને આવા માટીપગાના પ્રેમમાં તું
પડી ? આજ અમે નો હોત તો તારું શું થાત ? આમ રાતની ટ્રેનમાં એકલા ભાગી નીકળાય ? સાલી બુદ્ધિ વગરની ? તારો બાપ ગામનો સરપંચ છે એટલું'ય તને ભાન નથી ? રાજકારણમાં હજી એમને લાંબી મજલ કાપવાની છે અને તું એમના પગ ભાંગી નાખવા ઉભી થઈ ? સાલી અક્કલની ઓથમીર...."
"બસ...બસ...બસ...હવે બસ કર મારા બાપ.મારી ભૂલ થઈ ગઈ છે. અને હું હવે સમજી ગઈ છું. સમીરિયો સામું પણ જોતો નથી..
નથી કોઈ મેસેજનો રીપ્લાય કરતો.મેં એની ઘણી રાહ જોઈ..
પણ એને તો ભણવા સિવાય બીજું કંઈ સૂઝતું જ નથી..."
વીજળીએ ટેમુને હાથ જોડ્યા.
"પણ મને તો કે'વાય ને ! મને ફ્રેન્ડ તો બનાવી શકતી હતી તું.." ટેમુનો ગુસ્સો હજી પણ ઉતરતો નહોતો.
બાબો બબુચકની જેમ ઘડીક વીજળીને તો ઘડીક ટેમુને તાકી રહ્યો હતો.ટ્રેન એકધારી સ્પીડે ચાલી રહી હતી.આજુબાજુમાં બેઠેલા પેસેન્જરો પણ આ લોકોની વાતો સાંભળી રહ્યાં હતાં.
"ચાલ છોડ હવે એ બધી વાતોનો કોઈ અર્થ નથી ટેમુ.હવે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે.."બાબાએ
કહ્યું.
"સારું કંઈ વાંધો નહીં, પણ તું જેની સાથે ભાગવાની હતી ઈ છે કોણ ?" ટેમુએ પૂછ્યું.
"હવે તારે એનું શું કામ છે ? જાવા દે ને ભાઈ ? એને ભૂલ સમજાઈ ગઈ છે અને આપણે ગામના સરપંચ અને ગામની આબરૂ બચાવી લીધી છે.વીજળી પણ હવે સમજી ગઈ છે કે એ કેવા રસ્તા પર નીકળી પડી હતી." બાબાએ કહ્યું.
"બાબાલાલ તમે આટલા સમજુ હશો એની મને ખબર જ નહોતી.
આજ તમે મારી આંખો ઉઘાડી છે.." વીજળીએ કહ્યું.
"હું આમ તો જરાક જુનવાણી વિચારો ધરાવું છું.પણ મારા વિચારો સમાજને સાચી દિશા દેખાડનારા છે.જે મારા પિતાજીએ મારી અંદર રોપ્યા છે.અત્યારના આધુનિક સમાજમાં છોકરા છોકરી વચ્ચે જે છૂટથી મિત્રતા થઈ રહી છે એનો હું વિરોધી છું.
કારણ કે આવી મૈત્રી પાછળ પ્રેમ કરતા વાસના વધુ હોય છે.કામ પતી ગયા પછી હું કોણ ને તું કોણ ? બેઉ પાત્રો આનંદ સરખો જ ઉઠાવે છે પણ ભોગવવાનું માત્ર છોકરીને અને તેના પરિવારને આવતું હોય છે.છોકરો તો બીજી ડાળે આરામથી ટીંગઈ જાય છે પણ છોકરીને સમાજ માફ કરતો નથી..છોકરો ભલેને ચાર પાંચ ફેરવતો હોય, એને કોઈ નહીં પૂછે.
પણ છોકરીની ચાલચલગતનો સારી જ હોવી જોઈએ એવો આગ્રહ દરેક પુરુષ રાખે છે આવું અધકચરું આધુનિકરણ મને ગમતું નથી.અલ્યા ભાઈ છોકરા અને છોકરીના હક્ક અને ફરજ એક સરખા જ હોવા જોઈએ કે નહીં ? હું ટેમુને પણ એટલે જ કહેતો હતો કે તું મારો ભાઈબંધ છો એની ના નથી.પણ છોકરીઓ જોડે દોસ્તી કરવી હોય તો હું તને ક્યાંય સાથ નહીં આપું.આપણું તો એક ઘા ને બે કટકા વાળું કામ છે.
ગમતી હોય પણ એની સાથે પરણી શકાય એમ ન હોય તો મનમાં જ રામ રમાડી લેવાના.અને પરણી શકાય એમ હોય તો પૂછી લેવાનું.. બાકી શીનાળવા કરવામાં મને જરાય રસ નથી."
વીજળી બાબાને સાંભળીને વિચારમાં પડી ગઈ.એની વાત તો સાચી હતી.
'ક્યારેક જુનવાણી વિચારો સમાજની સલામતી માટે વધુ જરૂરી હોય છે.બંધન તોડીને નાસી ગયેલાનો નાશ થતા વાર લાગતી નથી.વડીલો વડલા જેવો છાંયો આપતા હોય છે.ચોમાસામાં ફાલેલા બાળવને જોઈ વડલો છોડી દેવાની ભૂલ કરનારને આખરે છાંયો નસીબ થતો નથી પણ કાંટા વાગતા હોય છે !'
એ જ વખતે ટ્રેન ધીમી પડી. આગળનું સ્ટેશન આવતું હતું.
"ધંધુકા આવી ગયું લાગે છે.બાબા તું એમ કર, વીજળીને લઈને તું અહીં ઉતરી જા. સાડાબારે એક સુપર ફાસ્ટ ટ્રેન આવે છે.આમ તો સીધી બોટાદ જ જાય છે પણ આપણા ગામમાં ઉતરી શકાય એટલી ધીમી પડે છે. તમે બેય ઉતરી જજો.આને અમદાવાદ લઈ જવાનો કોઈ અર્થ નથી.હું કામ પતાવી આવું છું.તું આને ઘરભેગી કર."
"આમ તો તારી વાત બરોબર છે.
મારે તો અમદાવાદ કંઈ કામ નથી.
હું તો તારી સાથે જ આવતો'તો."
કહી બાબાએ વીજળી સામે જોયું, "તને વાંધો ન હોય તો આપણે પાછા જઈએ.હું તને જીવના જોખમે પણ તારા ઘરે પહોંચાડીશ..''
વીજળીએ થોડીવાર વિચાર કર્યો.ટ્રેન ધીમી પડી રહી હતી.
"સારું ચાલો.." કહી વીજળી ઉભી થઈ.
બાબો અને વીજળી ધંધુકા રેલવે સ્ટેશન પર ઉતરી ગયા.ટેમુએ એક ખાલી પાટિયા પર ચડીને લંબાવ્યું.
ટેમુ અને બાબાનો વીજળી સાથેનો સંવાદ આગળના બારણામાં બાબાના હાથનો માર ખાઈને પડેલા જેમા અને ભોથિયાએ પણ સાંભળ્યો હતો. છોકરી ઘેરથી ભાગી છે અને આ બે જણ એના જ ગામના છે એ વાતનો એ બંનેને ખ્યાલ આવ્યો હતો.બાબા પર એ બંનેને ગુસ્સો પણ ખૂબ આવ્યો હતો.
ભોથિયાના અમુક દોસ્તો ધંધુકા રેલવે સ્ટેશન સામેની ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા.બાબા સામે બદલો લેવા ભોથિયાએ એના દોસ્તોને ફોન કરીને રેલવેસ્ટેશન પર આવી જવા કહ્યું હતું. ટેમુ અને બાબાને ટ્રેનમાંથી ખેંચીને પેલી છોકરી હાથ કરવાનો કારસો ભોથિયા અને જેમાએ ઘડ્યો હતો.પણ બાબો એકલો જ પેલી છોકરીને લઈને ધંધુકા રેલવેસ્ટેશને ઉતરી ગયો એ જોઈને બંને ખુશ થયા હતા.
જેમો અને ભોથિયો પણ બાબા અને વીજળી પાછળ ઉતર્યા. બાબો વીજળીને લઈ રેલવે સ્ટેશન પરના છાપરા નીચે મુકેલા બાંકડા તરફ ચાલ્યો.
"તું આંયા બેહ, હું ટીકીટ લઈ આવું.કારણ કે વગર ટીકીટ પકડાશું તો નકામી બીજી ઉપાધિ થશે." કહી બાબો બોટાદની બે ટીકીટ લેવા ગયો.કદાચ ટ્રેન ધીમી ન પડે તો બોટાદ જતા રહેવાનું બાબાએ નક્કી કર્યું હતું.બોટાદમાં તભાભાભાના સગા સબંધીઓ રહેતા હતા એ પૈકી કોઈના ઘેર જતું રહેવાશે એવું બાબાએ મનોમન વિચાર્યું હતું.પણ એની પાછળ આવી રહેલી મોટી આફતનો એને ખ્યાલ નહોતો.
*
રવજીના ઘેર કથા સાંભળીને ઘેર ગયેલા હુકમચંદને જ્યારે એની ઘરવાળીએ વીજળી ઘેર નહિ હોવાનું જણાવ્યું ત્યારે એનું માથું ફરી ગયું હતું.પોતાની દીકરી ભાગી જાય એ વાત એના માનવામાં આવે તેવી નહોતી. આમેય દરેક બાપને પોતાની દીકરી પર ગળા સુધી ભરોસો હોય છે.
પણ દીકરીઓ જ્યારે બાપને અંધારામાં રાખીને પોતાના કાલ્પનિક અજવાળામાં જતી રહે છે ત્યારે એ બાપ રાજા હોય કે રંક, આ ઘાવની વેદના તો બંનેને સરખી જ થતી હોય છે.તરત જ એણે વીજળીને ફોન લગાડ્યો. પણ વીજળીનો ફોન સ્વીચઓફ આવી રહ્યો હતો.
"અત્યાર સુધીમાં મેં પચાસ વખત ફોન કર્યો..પણ વાલામુઈ કોણ જાણે ચ્યાં ગુડાઈ ગઈ છે..તમે ઝટ તપાસ કરો..ચ્યાંક કોકની હાર્યે.."
વીજળીની માએ એમ કહી પોક મૂકી.
"અરે..રે..આબરૂ ઉપર પાણી ફેરવી નાખ્યું..કાલ સવારે હું ગામને મોઢું શું બતાડીશ. તમે જ ઈને મોઢે ચડાવી છે.ના ગુડી'તી તોય ઈને ફોન લઈ દીધો.જુવાન છોડીયું ફોનમાં જ કોક હાર્યે મેળ કરીને ભાગી જાય છે..અરે..રે..
હવે શુ થાશે.."
"એની કોઈ બેનપણીના ઘરે ગઈ હશે.તું ચિંતા ન કર.." હુકમચંદે કહ્યું તો ખરું પણ એ જવાબ એને પોતાને પણ ખોખલો લાગતો હતો.
પોતે ગામનો સરપંચ હતો. કાવાદાવા કરવામાં ક્યાંય પાછો પડ્યો ન્હોતો. નયના સાથેનું પ્રકરણ બહાર ન પડે એ માટે આજે જ પેલા ચંચાના હાથપગ ભાંગી નાખવાનું નક્કી કર્યું હતું.
પોતાના ઘરમાં જ આવેલો ઘા એનાથી સહન થાય એમ નહોતો.
"તું શાંતિ રાખ.આપણી દીકરીને આપણી આબરૂનો ખ્યાલ હોય જ.એમ કંઈ એ ભાગી નો જાય. હું તપાસ કરું છું.સવારે પડે ઈ પે'લા તારી દીકરી ઘરે આવી જાશે" કહી હુકમચંદે એનું બુલેટ બહાર કાઢ્યું.હુકમચંદના જમણા હાથની બે આંગળીઓ એક અકસ્માતમાં કપાઈ ગઈ હતી છતાં એ બુલેટ ચલાવી જાણતો.
એક જ કિકે બુલેટ ઉપાડીને હુકમચંદે ગોદામ તરફ ભગાવ્યું.
આજ એનું મગજ ફાટફાટ થતું હતું.પોતાની નીચે જ્યારે રેલો આવતો હોય છે ત્યારે માણસને બીજાને પડતી તકલીફો સમજાતી હોય છે.આજ હુકમચંદના ઘરની આબરૂં એની સગી દીકરીએ ઉછાળી હતી.કેટકેટલો જાપ્તો રાખવા છતાં એ વીજળી ખુદ હુકમચંદ પર જ ખાબકી હતી !
બુલેટનો અવાજ સાંભળીને નારસંગે ઉભા થઈને જલ્દી ડેલું ખોલ્યું.હુકમચંદે બુલેટ અંદર લીધું એટલે તરત બંધ કરી દીધું.
"સેઠ ઓલ્યા ખહુરિયાને કોઢમાં ઘાલ્યો સે. બોલો હું કરવાનું સે ?"
નારસંગે કહ્યું.
"નારિયા ઈ કુતરીનાને જાવા દે..
અતારે ને અતારે ઈને છોડી મુક.
બીજું એક ખાસ કામ કરવું પડે ઈમ છે..જગલા તું તારી જીપ લેતો આવ્ય..પછી હું વાત કરું છું
જા ઝટ.."કહી હુકમચંદ ખાટલામાં ફસડાઈ પડ્યા.
જગાને અને નારસંગને કંઈ સમજાયું નહીં.એ લોકો તો ચંચાનો ખેલ પાડવાના મૂડમાં હતા. પણ હુકમચંદે નવો ખેલ કરવાનું કહ્યું એટલે બેઉને નવાઈ લાગી.એ લોકોથી હુકમચંદને કંઈ સવાલ થઈ શકતો નહોતો એટલે જગો ચૂપચાપ ડેલું ખોલીને જવા લાગ્યો.
"મારું બુલેટ લેતો જા.તારા ઘરે મૂકીને જીપ લઈને જલ્દી પાછો આવ્ય.." હુકમચંદે જગાને કહ્યું.
જગો હુકમચંદનું બુલેટ લઈને ગયો ત્યાં સુધીમાં નારસંગે ચંચાને ગોદામની રૂમમાંથી ઢસડીને બહાર કાઢ્યો.
ચંચો બે હાથ જોડીને હુકમચંદના પગમાં પડી ગયો.
"માલિક દયા કરો.હું હવે તમારી બાબતમાં એક હરફ પણ નઈ બોલું..માઈબાપ ભૂલ થઈ જઈ સે..હું કોયને કાંય નય કવ..અને તમારા માણસને હેરાનય નઈ કરું.."
"જા ઘર ભેગીનો થઈ જા.આજ જાવા દવ છું.કારણ કે મને તારી ઘરડી માની દયા આવે છે.પણ જો હવે આડી અવળીનો થયો છો ને તો જીવતો નઈ મુકું સમજ્યો ?
તારા બાપ આ જગલો ને નારસંગ તારા રાઈ રાઈ જેવડા કટકા કરશે.
ચાલ ભાગ અહીંથી..અને કદી મારી નજરે નો ચડતો."હુકમચંદનો મિજાજ જોઈ ચંચાના મોતિયા મરી ગયા. ઝડપથી ઉઠીને એણે ગોદામ બહાર નીકળીને દોટ મૂકી!
*
"જગા અને નારસંગ, તમે બેઉ મારા ખાસ માણસો છો.હું તમારી બેય ઉપર આંખ મીંચીને ભરોસો કરી શકું છું..આજ મારા ઘરમાં ન બનવાનું બન્યું છે.તમે બેય મને મદદ કરશો એ મને ખાત્રી છે એટલે તમને કહું છું.." જગો જીપ લઈને આવ્યો એટલે હુકમચંદે એ બંનેને કહ્યું.હુકમચંદનો ચહેરો સાવ નખાઈ ગયો હતો.કોઈ અકળ ભાવ એના ચહેરા પર રમી રહ્યાં હતા.
જગો અને નારસંગ હુકમચંદને તાકી રહ્યા.જે હુકમચંદ હંમેશા ખડખડ હસતો રહેતો,ગામના લોકોની ઠઠ્ઠા મશ્કરી કરતો રહેતો અને ગંદી ગાળો બોલતો રહેતો એ હુકમચંદ આજ ગળગળો થઈ ગયો હતો.કદાચ હમણાં રડી પડશે એવું લાગી રહ્યું હતું.કંઈક મોટું દુઃખ આવી પડ્યું હોવાનું એ બેઉને સમજાઈ રહ્યું હતું.
"સેઠ, તમારા ઉપકાર અમારી ઉપર ઓસા નથી.મારો બાપ મરી ગયા પસી તમે જ મને મોટો કર્યો સે ઈ હું જાણું સુ.અને આ જગલો પણ તમારી દયાને કારણે જ બે પાંદડે થિયો સે..અટલે તમારું દખ ઈ અમારું જ દખ કેવાય ઈમ અમે હમજવી સવી.તમે ખાલી હકમ કરો..!" નારસંગે હુકમચંદના હાથ પકડીને કહ્યું.
"નારસંગ, જગા...મારી દીકરી વીજળી....'' હુકમચંદથી આગળ બોલાયું નહીં.
"હેં..? શું થયું વીજળીબોનને ? તમે આમ ઢીલા નો પડો. ઇના બે ભાઈ હજી જીવે સે..સેઠ.." જગા ભરવાડે જરાક ઉતાવળા આવજે કહ્યું.
"ઈની મા એમ કહેતી હતી કે સાંજે ક્યાંક ચાલી ગઈ છે, હજી ઘરે નથી આવી..જગલા આપણે એને ગોતવી જોહે.મારી દીકરી આમ ઘરેથી ભાગી જાય તો તો.."
હુકમચંદે જગા સામે જોયું.
"હા હા..હાલો, તમે કો..ક્યાં જાવું છે..?" નારસંગ ઉભો થઇ ગયો.
"રેલવે સ્ટેશન તપાસ કરવી.કારણ કે જો રેલવેમાં ગઈ હોય તો ત્યાં કોઈએ જોઈ હોય.." કહી હુકમચંદ ઉભો થયો.એ વખતે એની નજર સમક્ષ વીજળીનો ચહેરો તરવરી રહ્યો હતો.ગમે તેમ પણ એ એક બાપ હતો.વીજળી પર એને ગુસ્સો એટલે જ આવતો હતો, કારણ કે એ પોતાની દીકરીને પ્રેમ પણ એટલો જ કરતો હતો.
જગો અને નારસંગ પણ ચૂપચાપ બેઠેલા હુકમચંદને જોઈ મૂંગા થઈ ગયા. આવા વખતે કેવી રીતે દિલાસો આપવો જોઈએ એની સમજણ એ બેમાંથી એકેયને નહોતી.
રેલવે સ્ટેશન બહાર જીપ ઊભી રખાવીને હુકમચંદ સ્ટેશનમાસ્ટર શર્મા સાહેબને મળવા એના ક્વાર્ટર તરફ જતો હતો એ વખતે જ વીજળીનો ફોન આવ્યો.ફોનમાં વીજળીએ જે કહ્યું એ સાંભળીને હુકમચંદની બધી જ ચિંતા વીજળીના ચમકારાની જેમ અલોપ થઈ ગઈ.વીજળીને સમજાવીને ફોન કરાવનાર ગામનો માણસ કોણ હતો એ વીજળીએ કહ્યું નહોતું,છતાં હુકમચંદ એ વ્યક્તિને મળીને એનો આભાર માનવા માંગતો હતો.
હુકમચંદે તરત જ પોતાના ઘેર ફોન કરીને વીજળીની માને સમાચાર આપી દીધા હતા કે વીજળી એની બહેનપણીના ઘેર ગઈ છે એણે મને ફોન કર્યો હતો પણ મારો ફોન બંધ હતો.કાલે એ પાછી આવી જવાની છે,તું નકામી ચિંતા કર્યા વગર સુઈ જા.આપણી દીકરી એમ કોઈની સાથે ભાગી થોડી જાય ?" છેલ્લું વાક્ય બોલતી વખતે હુકમચંદની જીભ જાણે કે તાળવે ચોટતી હતી..!
*
મીઠાલાલના ઘેર ભેગા થઈ ગયેલા લોકોના ટોળાને ગપગોળા સંભળાવીને તભાભાભા મીઠાલાલને સાથે લઈને જ્યારે એમની શેરીના નાકે પહોંચ્યા ત્યારે બધા થાંભલા પર સ્ટ્રીટલાઈટ ચાલુ થઈ ગઈ હતી.એમના ઘર સુધી અજવાળું પથરાયેલું હતું. કરસનની દુકાનના જે ઓટલા પરથી ભુતે તભાભાભાની થેલી ખેંચી લીધી હતી એ ઓટલા પર તભાભાભાનો મોબાઈલ અને પ્રસાદની થેલી પડી હતી. સ્ટ્રીટલાઈટ ચાલુ હોવા છતાં તભાભાભાના કહેવાથી મીઠાલાલે ટોર્ચ સાથે લીધી હતી.એ ટોર્ચનું અજવાળું એ ઓટલા પર ફેંકતા તભાભાભાની વસ્તુઓ બંનેને દ્રષ્ટિગોચર થઈ હતી.
"ભાભા, તમારી થેલી અને મોબાઈલ બેય આંયા પડ્યા સે.ભૂતને વળી ફોન શું કરવો હોય ! અને તમે કે'તાતા ઈ પરમાણે કરસનનો પરદાદો ભૂત થઈને આ ઓટલે બેહતો હોય તો ઈને આ મોબાઈલ સે ઈય ખબર નો હોય ને ! લ્યો હું ઈ બેય વાનું લય લવ..!" કહી મીઠાલાલ એ ઓટલા તરફ આગળ વધ્યો.
"મીઠા, તું ઈમ કર ભાઈ. મોબાઈલ મને આપી દે અને ઓલી પ્રસાદી અને ફળફળાદી તું લઈ જા. કારણ જે ભુતે એ ચીજો અભડાવી છે.મોબાઈલ તો ધાતુ કહેવાય એટલે એ અભડાઈ ન શકે પણ ખાવાપીવાની ચીજો હું લઈશ તો એનો આત્મા હજી ભટકશે..!" તભાભાભાએ કહ્યું.
મીઠાલાલે મોબાઈલ ભાભાને આપ્યો.અને પ્રસાદની થેલી લઈ લીધી.
દસ પંદર મિનિટ એકધારી જાળી ખખડાવી ત્યારે ઊંઘતા ગોરણીએ હોંકારો દીધો.બીજી દસ મિનિટ પછી એ ખાટલમાંથી ઉભા થયા અને પાંચ મિનિટ પછી દરવાજો ખોલીને બોલ્યા,
"કેમ આજે કથા બહુ મોડે સુધી વાંચી કે શું ? આજ તમે ઘેર નહોતા તે મને સરસ ઊંઘ આવી ગઈ લ્યો ! રોજ તો તમે એવા નાંખોરા ઢહડતાં હોવ છો કે મને ઊંઘ જ આવતી નથી..!"કહી ગોરાણી એમની પથારીમાં પહોંચી ગયા.એમને એટલી ઊંઘ આવતી હતી કે તભાભાભાએ ધોતિયાને બદલે ખાલી રૂમાલ પહેર્યો હતો એ અને સાથે આવેલો મીઠાલાલ દેખાયો પણ નહીં.
"હવે દરવાજો ખોલવામાં જ તે અડધો કલાક કર્યો.આ મીઠાલાલ મને મુકવા આવ્યો છે.જાળી ખખડતી સાંભળીને આડોશ પાડોશ જાગી ગયો હશે પણ તારી ઊંઘ માંડ ઉડી..મને તો એમ જ થયું હતું કે ક્યાંક મારે મીઠાલાલના ઘેર સૂવું ના પડે ! પણ આખરે તું ઉઠી ખરી." કહી તભાભાભા ઘરમાં પ્રવેશ્યા.ત્યાં સુધીમાં તો ગોરાણીના નસકોરા ગાજવાં લાગ્યાં હતાં.તભાભાભાએ જાળી બંધ કરી અને મીઠાલાલ પોતાના ઘેર ગયો.
લાઈટ બંધ કરીને તભાભાભાએ પથારીમાં લંબાવ્યું પણ હજી એમને પેલા ભુતે લંબાવેલો હાથ અને એની આંખમાં સળગતા બે ગોળા જ દેખાતા હતાં.જીવનમાં કદી ભૂત જોયું નહોતું.પોતે ભૂત પ્રેતમાં બહુ વિશ્વાસ પણ નહોતા કરતાં પણ આજ નજરો નજર જોયા પછી એમને ભરોસો બેઠો હતો.આજ રાત્રે એમને ઊંઘ આવવી શક્ય નહોતી.આંખ બંધ કરતા જ ભૂતનો ચહેરો દેખાતો હતો ! તભાભાભા પથારીમાં બેઠા થઈ ગયા.
બરાબર એ જ વખતે એમના ફોનની રિંગ વાગી.તભાભાભાએ ઝીણી નજરે નંબર જોવાની કોશિશ કરી.કોઈ અજાણ્યો નંબર હતો.ઘડીક તો એમને ફોન ઉપાડવાનું મન ન થયું.છતાં વળી બાબાએ કર્યો હોય એમ સમજીને ફોનનું ગ્રીન બટન દબાવ્યું..
"કાં... ગોર...તું જમરાજા પાંહે જિયાયો ઈમ ને ! " ફોનમાં કોઈ ઘોઘરા અને જાડા અવાજે બોલ્યું.
"ક...ક...કો..હો..ઓ..ણ.. બો...
લે.." ભાભાને ટાઢ ચડી.
"લે..મને નો ઓળખ્યો ? હું કરસનનો દાદો..લખમણ.હમણે ઓટલે બેઠો'તો ઈ..બસ્સો ઓગણએંશી વરહ પેલા મને એરું કાયડ્યો'તો ને ?"
ભાભાના હાથમાંથી ફોન પડી ગયો.એમણે ગોરાણી સામું જોયું પણ એ તો નિરાંતે નસકોરાં બોલાવતા હતા !
(ક્રમશઃ)