મોજીસ્તાન - 47 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોજીસ્તાન - 47


રવજીના ઘેર સત્યનારાયણની કથા વાંચતા તભાભાભાનું મન કથા વાંચવામાં લાગતું નહોતું. આજ બાબો પહેલીવાર એમનાથી દૂર ગયો હતો.વાંદરાની કોટે વળગાડી રાખેલા બચ્ચાની જેમ એમણે બાબાને સાચવ્યો હતો.એમને મન એ હજી બાબો જ હતો.બાબો કેટલો કાબો હતો એ તભાભાભાને હજી ખબર પડી નહોતી.પોતાને ત્યાં ભગવાન સત્યનારાયણ પોતે પુત્ર સ્વરૂપે અવતાર ધરીને આવ્યા હોવાનું તેઓ માનતા હતા.અને આ ગામના મુમુક્ષજનોનું કલ્યાણ કરવાની પોતાની ફરજ છે એમ સમજતા હતા.

ગામમાં કથા હોય એટલે સગાસબંધી અને મિત્રોનો પરિવાર કથા સાંભળવા નહીં પણ હાજરી પુરાવવા હાજર રહેતા હોય છે.કારણ કે પોતાના ઘેર જ્યારે કથા કરવામાં આવે ત્યારે જનસંખ્યા જળવાઈ રહે.છેલ્લા અધ્યાયની ઘંટડી વાગે ત્યારે આ શ્રોતાઓની સંખ્યા લગભગ બમણી થઈ જતી હોય છે.ત્યાં સુધી બહાર ઓટલે બેસીને ગપાટા મારવામાં આવતા હોય છે.
સૌને છેલ્લે લસલસતા શિરાના પ્રસાદમાં જેટલો રસ હોય છે એનાથી દસમાભાગનો રસ પણ કથા સાંભળવામાં હોતો નથી..!

રવજીના ઘેર તખુભા, જાદવ ઝીણો, ભીમો,ખીમો અને રઘલાની મંડળી સાથે કથા સાંભળવા આવ્યા હતા.બીજી તરફ હુકમચંદ અને વજુશેઠ વગેરે પણ બિરાજ્યા હતા.ચંચો પણ ગામના બીજા લોકો સાથે એક બાજુ ખૂણામાં બેસી ગયો હતો.

હબો અને નગીનદાસ હવે દોસ્તો બની ગયા હતા.એ બંને ત્રીજો અધ્યાય શરૂ થયો ત્યારે આવીને રવજીના ડેલામાં પાથરેલા પાથરણા પર આવીને બેઠા.ચંચો પોતાના દોસ્ત હબાને જોઈ ઉભો થઈને એની બાજુમાં આવીને બેઠો.

"કાં.. હબા..પસી તેંય નગીનદાસની વે'તી ગંગામાં હાથ ધોવાનું નક્કી કર્યું ઈમને.. વાસડીના વખાણ કરીને ગાવડી ખીલે બાંધવાનો વસાર સે કે સું ?"
હળવેથી હબના કાનમાં ચંચાએ કહ્યું.

હબો એની વાત સમજી ગયો. ચંચો નીનાને વાછડી કહેતો હતો.તે દિવસે મહેમાનોને પાછા વાળવા હબાએ એના વખાણ કર્યા હતા.એટલે ચંચાએ હબાનો ડોળો નયના ઉપર મંડાયો હોવાનું સાદું ગણિત ગણી એક અને એક બે કર્યું.

"તું અત્યારે મૂંગીનો બેહ.હાળા હલકીના,કથા હાંભળવા આયો સો કે કોકની આઘીપાસી કરવા.."
હબાએ નગીનદાસ ન સાંભળે એમ ચંચાને કહ્યું.પણ સાવ પડખે બેઠેલો નગીનદાસ આ બંનેના સંવાદ સાંભળતો હતો.ચંચાએ વહેતી ગંગા અને વાછડી વગેરે કહ્યું એ નગીનદાસ સમજ્યો હતો.

"કાંય વાંધો નય..પણ ઈ ગંગામાં સનાન કરવાવાળા કોણ કોણ સે ઈ ખબર્ય સે ને પાસી ? હુંય કાંઠે આંટા મારુ સુ.તું ધુબકો માર્ય તો અમને કે'જે પાસો.." કહી એ હસ્યો.

નગીનદાસ ચંચાની વાત સાંભળીને ઉકળી ઉઠ્યો.પોતાની પત્ની વિશે કોઈ પણ માણસ આવી એલફેલ વાત સાંભળી તો ન જ લે ને !

" રવજીભઈના ડેલામાં બેઠો સુ અટલે લાચાર સુ.... તું બાર્ય હાલ્ય,નીસના પેટના.. તારે ગંગામાં સનાન કરવું સે ને ?
કૂતરીને નો ધાવ્યો હો તો અતારે ને અતારે બારો નીકળ્ય...રાંડના.."
નગીનદાસે ગુસ્સે થઈને ચંચાના ગાલમાં આંગળાઓનો ઘોદો મારી લીધો.

ડેલામાં ગામના બીજા ચારપાંચ જણ પણ બેઠા હતા.ચંચો ઘીસ ખાઈ ગયો.અત્યારે જો કાંઈ દેકારો કરે તો રવજી પોતાનો પ્રસંગ બગાડવા બદલ માર્યા વગર મૂકે નહીં એની ચંચાને ખબર હતી.
છતાં નગીનદાસને જવાબ દેવો જરૂરી હતો.ફળિયામાં ખાટલે બેઠેલો હુકમચંદ પણ ડેલામાં એની નજર ફેરવી રહ્યો હતો.

"બહુ પાણીયાળીનો છો તો ધ્યાન રાખતો હો.જો ભઈ વાડયમાં છીંડું પડ્યું હોય તો ન્યાંથી બધાય નીકળે..!" ચંચાએ ડોળા કાઢ્યા.

નગીનદાસ સમસમી ગયો.હવે ચંચાને હાથ બતાવવા જરૂરી હતા.

"ઠીક સે..તું બાર્ય નીકળ્ય.પછી કવ તને." નગીનદાસે કહ્યું.

"તું સે ને બવ વાયડીનો થામાં. હજી માર ખાયને ધરાણો નથી ? સાનીમાનીનો બેહ.." કહી હબાએ પણ ચંચાના ઢીંચણ પર હાથનું વજન દીધું.

ચંચો હબાની વાત સાંભળીને છાનોમાનો બેસી તો ગયો પણ હવે એને નગીનગદાસની બીક લાગતી હતી.કદાચ હબો પણ એને બચાવવાનો નહોતો.

કથાનો પાંચમો અધ્યાય શરૂ થયો એટલે એ ઉઠીને તખુભાની મંડળીમાં જઈને બેઠો.નગીનદાસ હજી પણ એને ડોળા કાઢીને તાકી રહ્યો હતો.

"કેમ સો બાપુ..તમારા કામની એક માહિતી સે આપડી પાંહે. કે'તા હો તો આપું..!"

"હાલ્ય અય..સાનીમાનીનું બેહ..
ઈમ સીધો બાપુ હાર્યે ચીમ વાત કરછ હેં ? બાપુ કંઈ અલખનો ઓટલો નથ કે ગમે ઇ આવીને તંબુરો વગાડી જાય..જે કે'વું હોય ઈ પેલા મને કે. પસી બાપુને કે'વા જેવું હોય તો અમે કઈસુ.. હમજ્યો ? બાપુ મોટા માણહ કેવાય..ઈ હાથી સે અને તું કૂતરું..
તારાથી ઈમને કોઈ વાત નો થાય.."એમ કહી જાદવાએ ચંચાને
એક બે ઠોહાં મારી લીધા.

ચંચો કંઈ બોલે એ પહેલાં જ હુકમચંદનો માણસ આવીને ચંચાને બોલાવી ગયો.કથા પુરી થયા પછી નગીનદાસે એને શોધ્યો પણ એ ક્યાંય મળ્યો નહીં.હબો પણ નવાઈ પામ્યો હતો.

*

ગામની બહાર હુકમચંદની એક ગોદામ હતી.મોટેભાગે ત્યાં માલ સમાન ભરવામાં આવતો. હુકમચંદનો મુખ્ય ધંધો કપાસ ખરીદીને વેચવાનો હતો.ગામના ખેડૂતો પાસેથી એ કપાસ ખરીદીને ઊંચા ભાવે વેચીને સારું એવું કમાયો હતો.

હુકમચંદની એ ગોદામ ફરતે ચુના અને પથ્થરથી ચણેલી પંદરફુટ ઊંચી દીવાલ હતી.આગળના ભાગમાં લોખંડનું મોટુ ડેલું અને એ ડેલાના એક બારણમાં બારી હતી.
ડેલા પર પણ સ્લેબ ભરીને ઉપર રૂમો બનાવી હતી.ડેલાની બંને બાજુએ પણ મોટા ઓરડા ઉતારેલા હતા.

વચ્ચેના ભાગમાં થોડું ફળિયું હતું.
એ ફળિયું પૂરું થાય એટલે લાંબા ત્રણ પગથિયાં પર ગોદામનો દરવાજો હતો.ગોદામનું બાંધકામ પણ પાક્કું હતું.
ગોદામના ઉપરના માળે એક વિશાળ ઓરડો હતો.જેની બારીઓ ફળિયામાં પડતી હતી.
એ ઓરડામાં આરામ કરવા માટે ચાર પાંચ ખાટલા રાખેલા હતા.એક ખૂણામાં નાનું રસોડું પણ હુકમચંદે બનાવડાવ્યું હતું.જ્યાં ઘણીવાર ભજીયા અને બીજી વાનગીઓ બનતી હતી.હુકમચંદ આવા પોગ્રામમાં ધરમશી ધંધુકિયાને અને એની પાર્ટીના કાર્યકરોને ખાસ બોલાવતો. રાતે મોડે સુધી બીજા ઘણા કાર્યક્રમો આ ગોદામમાં ચાલતા રહેતા.ગામના અમુક લોકો કે જેઓ હુકમચંદના ખાસ માણસો હતા એ બધા આ પોગ્રામનો લુફ્ત ઉઠાવતા રહેતા.

રવજીના ઘેર ખાટલે બેઠેલા હુકમચંદે ચંચાને ઉભા થઈને હબા પાસે બેસતો જોયો કે તરત જ એની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થઈ હતી.હબાની બાજુમાં બેઠેલો નગીનદાસ ચંચા સાથે જે માથાકૂટ કરી રહ્યો હતો એ પણ હુકમચંદને સમજાઈ રહી હતી.એ કંઈ અમસ્તો જ તખુભા જેવા જામી ગયેલા વજનદાર માણસને હટાવીને સરપંચ નહોતો બન્યો!
કાવાદાવા અને કપટ કરવામાં એ ઘણો પાવરધો હતો.

નયના સાથે જે મુલાકાત થઈ હતી એ જોઈ ગયેલો ચંચો પોતાના ડરને કારણે મુંગો રહેશે એવું માની લેવું એને પરવડે એમ નહોતું.એક બે વખત થોડા ઘણા પૈસા પણ ચંચાનું મોં બંધ કરાવી શક્યા નથી એ જોઈ હુકમચંદે આજ કથા સાંભળતી વખતે એક નિર્ણય લીધો હતો.

એમાં વળી ચંચો હબા પાસેથી ઉઠીને તખુભાની મંડળીમાં ગયો એટલે હુકમચંદ હરકતમાં આવ્યો હતો.ચંચાના પેટમાં પડેલું રહસ્ય હવે બહાર આવવા ઉછળી રહેલું જોઈ હુકમચંદના ઈશારે એક માણસ ચંચાને રવજીના ડેલામાંથી બહાર લઈ ગયો હતો.

ચંચો ડેલા બહાર ગયો એટલે ત્યાં ઉભેલા ત્રણ જણામાંથી એકે ચંચાને એક થપાટ ઠોકીને પાડી દીધો હતો.ચંચો કંઈ અવાજ કરે એ પહેલાં બીજાએ એનું મોં દબાવી દીધું હતું.ચંચાને બોલાવવા આવેલા માણસે ત્યાં પડેલા બાઈકને કીક મારી હતી.ચંચાને વચ્ચે બેસાડી બે જણ બાઈક હંકારી ગયા હતા.

હુકમચંદ પ્રસાદ ખાતો હતો ત્યારે ચંચાના મોંમાં ડૂચો મારીને એના હાથપગ બાંધી દેવામાં આવ્યા હતા.ગોદામના અંધારામાં પડેલો ચંચો છૂટવા માટે હવાતિયાં મારતો હતો.પેલા બંને જણ ગોદામને તાળું મારીને ઉપરના માળે પડેલા ખાટલામાં લાંબા થયા હતા.

"મારો બેટો ફદકે સડ્યો'તો.ચેટલી વાર હમજાવ્યો કે મુંગીનો મર્ય. પણ હાથીનો હલાવવા જીયો.."
જગા ભરવાડે બીડીની જુડી કાઢીને એક બીડી નારસંગને આપી.અને બીજી સળગાવતા કહ્યું.

"શેઠે આ ખંહની દવા કરી ઈ જ હારું કર્યું.મારું બેટુ બધી બાજુ ઢોલકી વગાડતું'તું. રે'વુ ગામની બહાર કુબલામાં ને પાવરનો પાર નથી..આજ તો ટાંટિયા ભાંગી જ નાખવાના સ...હેહેહે." નારસંગે
પણ બીડી સળગાવીને કહ્યું.

"હા, શેઠ આવે એટલે સર્વિસ કરી નાખવી હાળાની..." કહી જગાએ ખાટલામાં લંબાવ્યું.

ચંચો ગોદામમાં કણસી રહ્યો હતો.હુકમચંદ સામે શીંઘડા ભરાવવા બદલ એને પસ્તાવો થઈ રહ્યો હતો.
*
કથા પુરી થઈ એટલે તભાભાભાએ અગિયાર સો રૂપિયા દક્ષિણા ઝભ્ભાના ખિસ્સામાં મૂકીને પૂજામાં મુકેલા સફરજન,કેળા અને ચીકું થેલામાં નાંખ્યા. કથાના પ્રસાદનો મોટો વાટકો ભરી લીધો.'બાબો આજે ઘેર હોત તો કેવું સારું હતું !' એ
વિચાર આવતા ભાભા થોડા ઉદાસ થઈ ગયા.

રવજીના ઘેરથી બધું સમેટીને ભાભા જ્યારે ડેલા બહાર નીકળ્યા ત્યારે રાતના અગિયાર થવા આવ્યા હતા.રવજીના કુટુંબીઓ અને ગામના બે ચાર આગેવાનો સિવાય બધા શ્રોતાઓ જતા રહ્યાં હતાં.

રવજીએ તભાભાભાને ઘેર મૂકી જવાનું કહ્યું પણ ભાભાએ ના પાડી.આજ એમનું મન ક્યાંય લાગતું નહોતું. કથા વાંચતી વખતે પણ એમને બાબો યાદ આવતો હતો.

ટેમુની દુકાન આગળથી ભાભા નીકળ્યા ત્યારે ટેમુ પર દાઝે ભરાયા. 'આ નાલાયક અને દુષ્ટ છોકરાએ જ મારા બાબાને બગાડવાનો પ્રયત્ન કરેલ છે.આવા છોકરાની મિત્રતા આજ એને મરાથી દુર લઈ ગઈ છે.હે..એ... મીઠાલાલ, આવો પુત્ર પેદા કરીને તેં જરાય સારું કર્યું નથી.તારી સાત પેઢીને આ કુપુત્ર નરકના દ્વાર બતાવશે.હે પાપી તારું કલ્યાણ ક્યારેય નહીં થાય !'

તભાભાભાનું ઘર જે શેરીમાં હતું એ શેરીની બધી જ સ્ટ્રીટ લાઈટો બંધ હતી.સાવ અંધારું જોઈ ભાભાને થોડો ડર લાગ્યો..

'આ હુકમાએ તો ગામમાં અંધારા કર્યા.એકદમ હલકટ સરપંચ આ ગામને પ્રાપ્ત થયો છે.જે દિવસે બ્રાહ્મણના ઘર આગળ અંધારું થશે એ દિવસે પૃથ્વી રસાતાળ જશે..હે ભગવાન આ ગામને બચાવવામાં તું મારી મદદ કરજે
ઓમ નમઃ શિવાય..ઓમ નમઃ શિવાય..' એમ બબડતા ભાભા શેરીના નાકે થોડીવાર થોભ્યા. એમણે પાછું ફરીને જોયું તો બજારમાં સાવ સુનકાર હતો.'કોઈ આવતું હોય તો ઘેર સુધી સંગાથ મળી જાય..રવજીને ના ન પાડી હોત તો સારું હતું.આ થેલાનો પણ ભાર લાગે છે..' ભાભાને અંધારાનો ખૂબ ડર લાગતો હતો !

ટેમુની દુકાન પછીના એક બે થાંભલા પર સ્ટ્રીટ લાઈટ સળગતી હતી.એનો આછો અજવાશ ભાભાની શેરીમાં થોડે દુર સુધી પડતો હતો.ત્યાર પછી ઘોર અંધારું એ શેરીમાં ફરી વળ્યું હતું.
એ અંધારું ભાભાને જાણે કે ગળી જવાનું હોય એમ ભાભા આગળ ડગલું ભરવાની હિંમત કરી શકતા નહોતા.
દસ મિનિટ સુધી ઉભા રહેવા છતાં કોઈ બજારમાંથી આ તરફ આવ્યુ નહીં. ગામડામાં તો અમથાય નવ વાગ્યામાં સોપો પડી જતો હોય છે ! ભાભાએ ગોરાણીને હાથબત્તી લઈને બોલાવવનો વિચાર કર્યો.એમણે ફોન કાઢીને ગોરાણીને ફોન લગાડ્યો પણ રિંગ વાગતી રહી..

"સાલી ઊંઘણશી..કુંભકર્ણની સગી બેન ગુડાણી છે. ઢોલ વગાડો તોય જાગતી નથી તો ફોનની રિંગ શેની સાંભળશે.."એમ બબડીને ભાભાએ હિંમત એકઠી કરીને શેરીના અંધારા તરફ ડગલું ભર્યું.

અચાનક ભાભાને એવું લાગ્યું કે એમના હાથમાંથી કોઈ થેલી ખેંચી રહ્યું છે.ભડકીને ભાભાએ પાછળ જોયું તો સામેની બાજુએ આવેલી કરસનની દુકાનના ઓટલે એકજણ બેઠો હતો.એણે ત્યાં બેઠા બેઠા જ હાથ લાંબો કરીને ભાભાએ પકડેલી થેલી ખેંચી હતી.એની આંખોમાં લાલ અંગારા ઝબકી રહ્યા હતા અને મોમાંથી ધુમાડા નીકળતા હતા !

"કો..કો...કો...હો...હો...ણ.. છો ? ભુ... ઉ...ઉ...ઉ...ત..?"
ભાભાને અચાનક ટાઢ ચડી.થેલી હાથમાંથી પડી ગઈ.પેલો હાથ ધીમે ધીમે ટૂંકો થવા લાગ્યો અને થેલી ઢસડાવા લાગી..
ભાભાએ એ જોઈ મુઠીઓ વાળીને બજારમાં દોટ મૂકી.ટેમુની દુકાન તરફ અજવાળું હતું. ભાભાએ મીઠાલાલને બોલાવવા રાડ પાડી પણ ગળામાંથી અવાજ જ નીકળ્યો નહીં !

ભાભા ભાગ્યા એ સાથે જ ઓટલા પરથી પેલો માણસ પણ ઉઠ્યો.ફરી એના હાથ લાંબા થયા.
એણે ભાગતા ભાભાના ધોતિયાનો છેડો પકડી લીધો..
ધોતિયું પોતાનો સાથ છોડી રહ્યું હોવાના સમાચાર ભાભાના મગજે લીધા નહીં કારણ કે મગજમાં ભયનું અંધારું છવાઈ જતાં ભાભાનું અત્યંત બુદ્ધિશાળી મગજ તાત્કાલિક રજા ઉપર ઉતરી ગયું હતું.ભાભા બધી તાકાત ભેગી કરીને ટેમુની દુકાન તરફ દોડી રહ્યાં હતાં.એમનું ધોતિયું નધણીયાતું થઈને બજારમાં પડ્યું હતું.ભાભાના ઢીંચણ વચ્ચે એમના ચડ્ડાનું નાડુ લબડી રહ્યું હતું.

ભાભા દોડીને ટેમુની દુકાનનો ઓટલો ચડી ગયા.પરસેવાથી એમનો ઝભ્ભો પલળી ગયો હતો.
ભાગવામાં એમનો ફોન પણ ક્યારે અને ક્યાં પડી ગયો એ પણ એમને ખબર નહોતી રહી.ભયથી ધ્રુઝતા ભાભાને પાછળ જોવાની
હિંમત રહી નહોતી.

"મી..મી...મી...હિઠા.. આ.." ભાભાએ મહાપરાણે ગળાથી અવાજ કાઢીને ટેમુની દુકાનના શટર પર મુઠીના પ્રહાર કરવા માંડ્યા.ઓટલા પાસે નિરાંતે ટૂંટિયું વળીને સુતેલા બે કૂતરાં ભાભાને દોડતા આવતા જોઈને જાગ્યા હતા.ભાભા ટેમુની દુકાનનું શટર ખખડાવવા લાગ્યા એટલે એ બંને પણ જોર જોરથી ભસવા લાગ્યા.

ઓસરીમાં સૂતેલો ટેમુતાત શટર ખખડતું સાંભળીને જાગ્યો. કૂતરાં પણ ભસતા હોવાથી એ સમજ્યો કે કોઈ ચોર શટર તોડતો લાગે છે.
ઝડપથી એ ઉઠ્યો.ઓસરીના ખૂણામાં પડેલી ડાંગ (મોટી લાકડી) ઉઠાવી, ડેલી ખોલીને એ બહાર નીકળ્યો.

ઓટલા પર દુકાનના છજાનો પડછાયો પડતો હતો.એ પડછાયામાં ઝભ્ભાવાળો કોક માણસ દુકાનનું શટર તોડવાની કોશિશ કરી રહેલો જોઈ મીઠાલાલ એકદમ લાલચોળ થઈ ગયો..

"અલ્યા.....ધોડજો....સોર..સોર.. સોર...ઉભીનો રેજે તારી માને.."
કહી મીઠો દોડ્યો.ભાભા હજી કંઈ સમજે એ પહેલાં એમના ડેબામાં મીઠાએ ઉપાડીને ડાંગ ઝીંકી દીધી..

"મરી જિયો.. રે...રે...મરી જિયો..
તારી જાતના મીઠીયા...આ..હું તારી મદદ માગવા આવ્યો હતો..
દુષ્ટ જરા જો તો ખરો..હું કાંઈ ચોર નથી..તારો બાપ તભોભાભો
મુવો છું..." ભાભા ઓટલા ઉપર તરફડી રહ્યા હતા.એમની જિંદગીમાં પહેલીવાર ડેબામાં આવો લાકડીનો પ્રહાર થયો હતો.
ભૂતનો ભય હજી ઓસર્યો નહોતો ત્યાં આ ડાંગનો પ્રહાર એમના માટે કારમો સાબીત થયો હતો.એમની છાતી બેસી જતી હતી અને શ્વાસ પણ માંડ લેવાઈ રહ્યો હતો..!

મીઠાલાલની રાડ સાંભળીને આજુબાજુના ઘરોના ડેલાની બારીઓ ધડાધડ ખુલી હતી.વધુ જોરથી ભસવા મંડેલા પેલા બે કુતરાઓની મદદે બજારના બીજા આઠદસ કુતરાઓએ લાબું વિચાર્યા વગર જાતભાઈઓને સહકાર આપવા 'ચોરભગાડું ભસણકાર્ય' શરૂ કરી દીધું હતું.

મીઠાલાલની દુકાને રાતના પોણાબારે દેકારો મચી પડ્યો હતો. ઓટલા પર તરફડતા ધોતિયા વગરના તભાભાભાને આખરે મીઠાલાલ અને બીજા લોકોએ ઓળખ્યા હતા.કોઈ દોડાદોડ જઈને પાણી લઈ આવ્યું હતું.

અડધી રાતે આવી હાલતમાં ટેમુના ઓટલે આવી પડેલા ભાભાને જોઈ લોકોનું અચરજ ક્યાંય સમાતું નહોતું.એક જણે મીઠાલાલની લાકડી લઈને કૂતરાઓને હાંકી કાઢ્યા હતા.
કુતરાઓએ પણ મામલો માણસોએ હાથમાં લઈ લીધેલો જાણીને પોતાની જરૂર ન હોવાનું સ્વીકારી ભસવાનું બંધ કર્યું હતું.
પણ ભાભાની દશા જોઈ ભેગા થયેલા લોકોએ હસવાનું શરૂ કર્યું હતું.

આખરે ભાભાને ઉભા કરીને મીઠાલાલના ઘેર લઈ જવાયા હતા.મીઠાલાલે પોતાનો નહાવાનો રૂમાલ ભાભાને ચડ્ડા ઉપર વીંટાળવા આપ્યો હતો.ભાભાએ રૂમાલ ઝડપથી કમરે વીંટીને લોકોનું ચડ્ડાદર્શન અને નાડીદર્શન
બંધ કરી ખાટલામાં પડતું મૂક્યું.

મીઠાલાલના પડોશીઓ એના ફળિયામાં ભાભાને ઘેરી વળ્યાં હતા.બધા એકબીજાને 'શું..થયું.. શું થયું...' એમ પૂછી રહ્યા હતા.પણ જવાબ કોઈ પાસે નહોતો. ભાભાએ દસ મિનિટ પછી મોં ખોલ્યું.

"ભાઈઓ..કોઈ અવગતિએ ગયેલો આત્મા કરસનના ઓટલે બેઠો હતો. રવજીના ઘેરથી હું જ્યારે મારા ઘેર જઈ રહ્યો હતો ત્યારે એ આત્માએ ત્યાં અંધારું કરી નાખ્યું હતું.મેં એને મારા અંતરચક્ષુઓથી એને ઓટલે બેઠેલો જોયો. હું તો એને તરત ઓળખી ગયો.એની આંખોમાં લાલ બત્તીઓ બળતી હતી અને ધુમાડો મોઢામાંથી નીકળી રહ્યો હતો. હું શેરીના નાકે પહોંચ્યો ત્યારે એ ઉઠીને મારા પગમાં પડી ગયો..અને મોક્ષ માટે આજીજી કરીને રડવા લાગ્યો.મેં એક મિનિટ આંખો બંધ કરીને એની કર્મકુંડળી જોઈ.એ કરસનનો પાંચમી પેઢીએ થયેલો દાદો લખમણ હતો. આજથી બસોને ઓગણએંશી વરહ પેલા જેઠ મહિનાની અમાસની રાતે ઈ વાડીએ લીમડા હેઠે સુતો'તો ઈ વખતે લીમડા ઉપરથી એક એરૂં ઈના ખાટલામાં પડીને ઈને કરડ્યો હતો.અટલે ઈ તરત મરી જ્યો એટલે અવગતે ગયેલો છે. હું સમાધિ લગાવીને યમપુરીમાં જઈને યમરાજને આ લખમણના મોક્ષ માટે વિનવતો હતો.પણ ઈ વખતે જ ઓલ્યા એરુનો આત્મા પણ ન્યાં આવી ચડ્યો.એટલે લખમણના આત્માએ મને બચાવવા ઉપાડીને આ મીઠાલાલના ઓટલે નાખી દીધો.અને મીઠલાલને જગાડવા ઈ લખમણિયાના આત્માએ જ શટર ખખડાવ્યું હશે.મારા ડેબામાં અચાનક લાકડીનો પ્રહાર થયો એટલે તરત હું યમરાજની રજા લઈને ધરતી પર આવ્યો.પણ મારું શરીર તો મીઠાલાલના ઓટલે પડ્યું હતું.આખરે મેં મારા શરીરમાં પ્રવેશ કર્યો ત્યારે તમે બધા ભેગા થઈ ગયા હતા.." કહી તભાભાએ શ્વાસ ખાધો.

ભેગા થઈ ગયેલા લોકોમાં સોપો પડી ગયો.કેટલાક તો અહોભાવથી ભાભાને તાકી રહ્યાં.
તો એક બે જણ "ગબકાં ઠોકે છે ગબકાં.. હાલી જ નીકળ્યા છે.."
એમ બબડીને હસવું રોકી રહ્યાં.

"પણ તમારું ધોતિયું ક્યાં ગયું ?
લખમણિયો લય જ્યો ? ભૂતનેય લૂગડાં પેરવા પડે ?" ટોળામાં ઉભેલો હબો એકાએક બોલ્યો..
આ હબો અચાનક અહીં ક્યાંથી આવી ચડ્યો એ ભેગા થયેલા લોકોને સમજાયું નહીં.કારણ કે હબો તો છેક ગામના પરામાં રહેતો હતો.

તભાભાભાએ ડોળા કાઢીને હબાને સવાલ કરવા બદલ જાણે કે વીંધી જ નાંખ્યો..

"સાલા..નીચ અને અધમ માનવી..
હું એ વખતે સમાધિ લગાવીને યમપુરીમાં ગયો હતો.કદાચ લખમણ મને ઉપાડીને અહીં નાખી ગયો ત્યારે મારૂ ધોતિયું કદાચ મારા શરીરનો ત્યાગ કરીને લખમણના આત્મા સાથે ઉડી ગયું હોય એમ બની શકે..!" ભાભાએ ખુલાસો કર્યો.

"પણ તમે યમપુરીમાં હતા તો તમને ચીમ ખબર્ય પડી કે ઈ એરુંનો આત્મા તમને કયડવા આયો..?" હબાએ બીજો વેધક સવાલ કર્યો..

ભાભા મીઠાલાલના રૂમાલ સાથે ખાટલમાંથી ઉઠ્યા.પછી હબા તરફ હાથ લાંબો કરીને તાડુંક્યા...

"તારી જેવા અજ્ઞાની અને અબુધ લોકોને એ બધી ગહન વાતો ન સમજાય..એટલે હે હલકટ હબલા, તું અત્યારે જ તારા ઘેર જઈને સુઈ જા..ચાલો મીઠાલાલ હવે તમે મને મારા ઘર સુધી મૂકી જાવ.મારે આજે રાત્રે જ વિધિ કરવી પડશે.જેથી એ લખમણ અને પેલા સાપ બંનેનો મોક્ષ થઈ જાય.અને આ વાત જે લોકોએ સાંભળી છે એ સૌને હું જણાવી દઉં છું કે તમે કોઈને કહેતા નહીં.
નહિતર લખમણનો કર્મદોષ અને સર્પદોષ તમને લાગશે.અને તમારો મોક્ષ પછી હુંય કરી નહીં શકું એ વાત યાદ રાખજો.."

"હાલો બધા વીંખાવ હવે..હું ભાભાને ઈમના ઘરે મૂકી આવું.."
કહી મીઠાલાલ ઉઠ્યો.એટલે ભેગા થયેલા લોકો પણ પોતપોતાના ઘેર ગયા.ભાભાએ છેલ્લે જે ધમકી મારી હતી એને કારણે કેટલાકે તો એમની સગી ઘરવાળીને પણ કહ્યું નહીં કે અડધી રાતે બજારમાં શેનો ડખો થયો હતો !

તભાભાભાની શેરીના નાકે શું ખરેખર ભૂત થયું હતું ??

(ક્રમશ :)