MOJISTAN - 41 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 41

મોજીસ્તાન (41)
તભાભાભાએ પોતાને કશું જ થયું ન હોવા છતાં બંને મા દીકરાએ ઊંધો સુવડાવીને ઈન્જેકશન મરાવી દીધું હતું એટલે ખૂબ ગુસ્સે ભરાયા હતા.ડો.લાભુ રામાણીએ કોણ જાણે કેવું ઈન્જેક્શન માર્યું કે સાલી સાવ ખબર જ ન પડી.એ આશ્ચર્ય એમને શમતું જ નહોતું.જે જગ્યાએ ઈન્જેકશન મારવામાં આવ્યું હોવાનું લાગેલું ત્યાં એમણે
બે ચાર વખત હાથ ફેરવી જોયો.
પણ કોઈ અસર જ થઈ નહોતી !
ડોક્ટરને મૂકીને આવેલા બાબાને ભાભાએ કહ્યું,
"અલ્યા બાબા, આ ડોક્ટરે ઈન્જેકશન માર્યું ઈ તેં જોયુ'તું ? મને ઈમ લાગે છે કે ઈન્જેકશન તો લાગ્યું જ નથી."
"તમારી નીચેની નસો કદાચ નબળી પડી ગઈ હશે જેથી એ મગજને સંદેશો મોકલી ન શકતી હોય એમ બને.તો તો પિતાજી એ નસો મજબૂત કરવા માટે બીજા ઈન્જેકશન મરાવવા પડશે, લ્યો હું ડોક્ટરને જાણ કરું." કહી બાબાએ ફોન કાઢ્યો.
"રહેવા દે રહેવા દે, ઈમ તો મને સોય વાગી તો હતી, પણ ડૉક્ટરનો હાથ બહુ હળવો છે એટલે ખાસ પીડા ન થઈ." ભાભા ડરી ગયા, 'ક્યાંક બાબો ડોક્ટરને ફરીવાર બોલાવે તો નકામી દવાઓ ખાવી પડશે.કંઈ થયું ન હોવા છતાં મા દીકરાએ ઉપાધી કરીને ડોકટર બોલાવી લીધો.હવે તો ગમે તે થઈ જાય તો પણ આ લોકોને કહેવું જ નથી !'
* * *
"તો તમે ક્યારે આ ગટરલાઈનનું કરાવો છો ? આ અગાઉ તમને બોલાવવામાં આવ્યા ત્યારે તમે કહેલું કે હું મારા ખર્ચે બધું જ કરાવી નાખીશ, પણ હજુ સુધી તમે કશું કરાવ્યું નથી. તમે એમ સમજતા હોવ કે સરકાર ભૂલી જશે તો એ તમારી ભૂલ છે.તમને બે માસની મુદત આપવામાં આવે છે,જો બે માસની અંદર ગામની ગટરલાઈન નાખી આપવામાં નહિ આવે તો તમારી પર કાયદેસર પગલા લેવામાં આવશે.કદાચ તમને જેલ પણ થઈ શકે છે !"
તાલુકા પંચાયતમાં તખુભાને બોલાવવામાં આવ્યા હતા.TDO
(તાલુકા વિકાસ અધિકારી) રાવલ સાહેબે તખુભાને ગટરલાઈનનો
પ્રશ્ન ક્લીયર કરવા કહ્યું.
"એમ સાવ બે મહિનામાં તો કામ નો થાય ને ! ઓછામાં ઓછા છ મહિનાની મુદત તો આપો, અમે કામ કરી આપવાની ક્યાં ના પાડવી છઈ" તખુભાએ કહ્યું.
"ઠીક છે, જાવ છ મહિના આપ્યા.
કામ ચાલુ કરો,અને દર અઠવાડિયે સરકારી એન્જીનીયર તપાસમાં આવશે.એ કહે તે પ્રમાણે જ કામ થવું પડે.મટીરીયલ સરકારમાંથી જે પ્રમાણે પાસ થયું હતું એ પ્રમાણેનું જ હોવું જોઈશે.
તમારી જેવા સજ્જન માણસો પણ ભ્રષ્ટાચાર કરવા લાગ્યા એ જોઈને બહુ દુઃખ થયું.વાડ ઉઠીને ચિભડા ગળી જવા લાગે તો પછી કોને ફરિયાદ કરવી."રાવળ સાહેબે હૈયાવરાળ ઠાલવી.
તખુભા કંઈ બોલ્યા વગર ઉભા થઈ ગયા.જેવા ઓફિસમાંથી બહાર નીકળ્યા કે તરત જ રણછોડે એમને બોલાવ્યા.
રણછોડ તખુભાની રાહ જોઈને ઓફીસની બહાર જ બેઠો હતો.
દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે એ હિસાબે હુકમચંદના કટ્ટર હરીફ તખુભાને એ પોતાની પાર્ટીમાં લેવા માંગતો હતો. ખોંગ્રેસના ઉમેદવાર ચમન ચાંચપરાને તખુભા જેવા વજનદાર માણસોની જરૂર હતી.
"કેમ છો તખુભા, TDO સાહેબે બોલાવ્યા'તા ઈમને ? ગટરલાઈનમાંથી છટકવું હોય તો બોલો ! સાચનો જમાનો નથી, કરોડો રૂપિયાના ગોટાળા કરીને પણ નેતાઓ ખુરશી બચાવી લેતા હોય છે.તમારે સતવાદી થવાની જરૂર નહોતી." રણછોડે બાંકડેથી ઉભા થઈને તખુભા સાથે ચાલતા
ચાલતા કહ્યું.
"તું કોણ છો ભાઈ ? હું તને ઓળખતો નથી." તખુભાએ નવાઈ પામીને પૂછ્યું.
"પણ હું તમને સારી રીતે ઓળખું છું.તમે લાળીજાગામના સરપંચ હતા પણ હવે હુકમચંદનો હુકમ ચાલે છે, કેમ બરોબરને ?"
"હા બરોબર, પણ તું કોણ ?"
"હું રણછોડ, તમારા ગામમાં મારે અમુક સબંધી છે, ઘણીવાર આવવાનું થાય છે.આમ તો હું ખોંગ્રેસનો સક્રિય કાર્યકર છું.ચમનભાઈ સાથે આપણે ખૂબ સારા રિલેશન છે.ધરમશી આ વખતે સો ટકા હારવાનો છે, જો તમે એકવાર ચમનભાઈને મળી લો તો આ ગટરવાળું ઉકેલી આપશે " રણછોડે કહ્યું.
"એમ કેવી રીતે ઉકેલી આપે ? આ કેસમાં અરજી થયેલી છે,અમારા ગામના જ અમુક મારા વિરોધીઓ
આદુ ખાઈને પાછળ પડયા છે "
"એ બધ્ધુ પતી જાય બોલો, જો તમે ખોંગ્રેસમાં જોડાઈ જાવ તો."
"એના બદલામાં મારે શું સેવા કરવાની છે એ પહેલાં જણાવો "
"સેવામાં તો બીજું શું હોય બાપુ.
તમારા જેવા માણસો અમારી હાર્યે હોય તો કોકને દબાવી શકાય અને તમારાવાળા છેટા રહે. લાળીજામાં હજી તમારું માન ઘણું છે એટલે ચમનભાઈ તરફી પ્રચાર કરવાનો, બસ આટલું કરો તો તમારું કાટલું થતું અટકી જશે.
બોલો ક્યારે આવો છો ?" રણછોડ તખુભા સાથે પાર્કિંગ સુધી આવ્યો.
"અટલે અમારો ઉપયોગ કરવો છે ઈમને ? " તખુભાએ બુલેટ પર બેસતાં કહ્યું.
"જોવો દરબાર, આ જમાનામાં સરખાયે જીવવું હોય તો એકબીજાને ઉપયોગમાં આવવું જ પડે.ખોંગ્રેસ તમારો ઉપયોગ કરવા માંગે છે એવું તમને લાગતું હોય તો તમે પણ ખોંગેસનો ઉપયોગ કરી શકો છો ને ? તમને હજી ખબર્ય નથી કે તમે ગટરમાં કેટલા ફસાયા છો ઈ. તમે તમારા ખર્ચે ગટરલાઈન નખાવી દેવા તિયાર થિયા છો પણ એટલેથી તમને આ લોકો છોડી દેશે ઈમ માનો છો ? તખુભા તમે હજી બવ ભોળા માણસ છો.રાજકારણને હજી તમે પૂરું જાણતા નથી. હુકમચંદને તમે શું સમજો છો ? તમને સરપંચ પદેથી ઉઠાડી મૂકયા.અને હજુ તમારા ગળાના માપનો ગાળિયો એણે તૈયાર કર્યો છે,આ તમને ન ખબર હોય તો કહું છું"
તખુભા રણછોડ સામે તાકી રહ્યા.રણછોડે એક બ્રિસ્ટોલ સિગારેટ કાઢીને તખુભાને આપી અને બીજી પોતે સળગાવીને સળગતી દીવાસળી તખુભા તરફ લંબાવી.તખુભાએ સિગારેટ સળગાવીને કહ્યું, " જો ભાઈ રણછોડ, એકબીજાને ઉપયોગી થવાની વાત તો જાણે સમજ્યો.
પણ મેં કોઈ પાલટીમાં જોડવાનો વિચાર કર્યો નથી.હુકમચંદને હું બરાબર ઓળખું છું.મારે એનાથી બીવાની કોય જરૂર નથી.ઈ ગમે એવો ગાળિયો બનાવે તોય મારા ગળામાં નાખી નો શકે સમજ્યો ?
અટલે તું મને ઈ હુકમચંદની બીક નો બતાડ. બાકી આ ગટરવાળું તો મારી ઈચ્છાથી હું કરી દવ છું કોયથી બીને નય ! હું પોતે ઈમ હમજું છું કે હરામનો રૂપિયો મારે નો ખપે.કાળાધોળા કરવા હોય તો મારે કોય ખોંગેસ બોંગ્રેસની જરૂર નો પડે.છતાં હું સાવ ના નથી પાડતો. હું વિચારીને તને કઈશ, તારો નંબર મને આપી દે."
"ઓકે, જેવી તમારી મરજી.હું તમને બીવડાવવા નથી માંગતો.
પણ તમારા લાભની વાત હતી એટલે તમને મળવા આવ્યો છું.
ઈચ્છા થાય તો ફોન કરજો.બાકી જે માતાજી." કહી રણછોડે એનો મોબાઈલ નંબર તખુભાને આપ્યો.
"જો ભાઈ રણછોડ, હું તને હજી ઓળખતો પણ નથી.આપણી વચ્ચે કોઈ સબંધ પણ નથી.તું મારા લાભ માટે મને મળવા આયો છો કે તારા લાભ માટે ? રાજકારણમાં સૌ પોતાના લાભ માટે જ ધોડતું હોય છે ભાઈ, બીજા માટે ધોડનારા નેતાઓ હવે કોઈ રહ્યા જ નથી.છતાં તારી વાત પર હું વિચાર જરૂર કરીશ." કહી તખુભાએ બુલેટને કીક મારી.
"હુકમચંદનું એક રહસ્ય હું જાણું છું.અને તમને જણાવી પણ શકું એમ છું પણ એ માટે.."
રણછોડ આગળ બોલે એ પહેલાં તખુભાએ કહ્યું, "જો ભાઈ હુકમચંદનું રહસ્ય જાણવાની મારે જરાય ઈચ્છા નથી.એ જાણે અને એના કરમ જાણે.હું એવી કોઈ પંચાતમાં પડવા માંગતો નથી.હું ખોંગરેસમાં જોડાશ તો મારી મરજીથી જોડાશ. કોઈ શરતથી હું બંધાવા માંગતો નથી.હુકમચંદ મારા રસ્તામાં આવશે અને મને નડતો હશે તો ઈને કેમ હટાવવો એ મને ખબર્ય છે, તારી પાસેથી મારે એનું રહસ્ય જાણવાની જરૂર નથી હમજ્યો ? હાલ્ય, આવજે તારે.જે માતાજી."
તખુભાએ બુલેટને લીવર આપીને ચાલતું કર્યું.રણછોડ એમને જતા જોઈ રહ્યો.
'માળા આ તખુભા પણ ગજબ માણસ છે. હાથમાં આવે એમ લાગતું નથી.કોઈપણ વાતની અસર થાતી નથી.' એમ વિચારતો એ પોતાના રાજદૂત તરફ ચાલ્યો.
રણછોડ એનું રાજદૂત લઈને રાણપુરથી બરવાળા જતી સડકે ચડ્યો ત્યારે એક જીપ એની પાછળ આવતી હતી. રેલવેનું ફાટક વટીને એ આગળ ચાલ્યો. આગળ જતાં રસ્તા પર બંને તરફ બાવળના ઝાડ હતા.અને ત્યારબાદ ઊંડા ખાળીયા હતા.
રણછોડ નિરાંતે રાજદૂત ચલાવ્યે
જતો હતો.પાછળ આવતી જીપે અચાનક સ્પીડ વધારીને રણછોડના રાજદૂતને પાછળથી ટક્કર મારી.પળવારમાં રણછોડનું રાજદૂત હવામાં ઉછળીને ખાળીયામાં જઈને પડ્યું.રણછોડ
પણ ઉછળ્યો, એનું માથું બાવળના ઝાડ સાથે ટકરાયું.
જીપ થોડીવાર ઉભી રહી. ડ્રાઈવરે રોડમાં આગળ અને પાછળ કોઈપણ વાહન નથી આવતા એની ખાતરી કરીને જીપ રિવર્સમાં લઈને બાવળના થડ પાસે બેહોશ થઈને પડેલા રણછોડ ઉપર ચડાવી દેવા લીવર આપ્યું.
"નહિ નહિ જગલા, પતાવી નથ્થ દેવાનો.ખાલી પરચો જ બતાડવાનો સ.મારો બેટો બવ હવા કરતો'તો.હાલ્ય હવે ભગાવ ઝટ, નકામું કોક આવી જહે."
ડ્રાઈવર જગા ભરવાડને એની બાજુમાં બેઠેલા નારસંગે કહ્યું.
બીજી જ મિનિટે જગાએ જીપ ભગાવી.
રણછોડના માથામાં બાવળનું થડ ખૂબ જ ખરાબ રીતે ભટકાયું હતું.

*

એ દિવસે બીજો પણ એક બનાવ બન્યો હતો.ભાભાને ઈન્જેકશન મારીને દવાખાને ગયેલા લાભુ રામાણી પર અમદાવાદથી ફોન આવ્યો હતો.
ડો.લાભુ રામણીનો પરિવાર અમદાવાદ રહેતો હતો અને એમના બંને દીકરાઓ પણ ડોકટર હતા.બંનેની અલગ અલગ હોસ્પિટલ હોવાથી એ લોકોને બિલકુલ સમય મળતો ન્હોતો.એ બંનેની પત્નીઓ પણ અલગ અલગ સ્થળે નોકરી કરતી એ ખબર જ ન પડી.
શાંતાબેનને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને એમની તબિયત અત્યંત નાજુક હતી. કદાચ જીવવાના ચાન્સ પણ બહુ ઓછા હતા.
ડો.લાભુ રામાણીએ ઘણા દિવસથી કવાટરની બહાર ઢાંકીને રાખેલી મારુતી 800 લઈને તરત જ અમદાવાદ જવાનું નક્કી કર્યું.
ચંપાએ સાથે આવવાનું કહી જોયું પણ તો અહીં દવાખાનું રેઢું રહે તેમ હતું.વળી, ચંપાને સાથે લઈ જઈ શકાય તેમ પણ ક્યાં હતું !
પીકનીક પર તો ડોકટર જતા ન્હોતા ને !
ડોક્ટરે સેલ મારી જોયો.પણ માનસંગ સાથે બનેલા બનાવ પછી લાભુ રામાણીએ કારને છેક આજે ઉપાડી હતી એટલે કદાચ એ રિસાઈ હતી.
કમ્પાઉંડર અને બીજા બેચાર જણે પાછળથી ધક્કો માર્યો.એ વખતે જ પેલી ગટર જેવી નદીમાં મુકેલા પથ્થર પર સાચવીને પગ મૂકી મૂકીને આવી રહેલા માનસંગની નજર આ ગાડી ઉપર પડી.તે દિવસે પોટલી મારીને બસસ્ટેન્ડથી ગામમાં આવતો હતો ત્યારે એને પાછળથી ટક્કર મારીને આ ડોક્ટરે જ પાડી દીધેલો એ એને યાદ આવી ગયું.
ડોકટર ગાડી ઉપાડી લે એ પહેલાં એણે પગ ઉપડ્યા.દોડીને એ કાર ચાલુ કરવા મથતા ડોક્ટરને આંબી ગયો.
"અલ્યા એઈ દાગતર, તમે તે દી' આ કાર મારી હાર્યે ભટકાડી'તી ને ? પસી મને ખાળીયામાં નાખીને ભાગી જ્યા'તા ખરુંને ? હાલો બાર્ય નિહરો ગાડીમાંથી.આપડો વહીવટ હજી બાકી સે.હું કેદુનો વસાર કરતોતો કે કદાસ દાગતર જ હોય,પણ આજ આ ગાડી ભાળી જ્યો અટલે પાકું થઈ જયુ..!'' કહી માનસંગે કારની બારીમાંથી ડોકટરના શર્ટનો કોલર પકડ્યો.
ડોકટર એકાએક થયેલા હુમલાથી ગભરાયા.કારને પેલા લોકો ધક્કો મારી રહ્યા હતા.માનસંગ બાજુમાંથી કોલર પકડીને કાર સાથે દોડી રહ્યો હતો.
ડોક્ટરે કારને ગેરમાં નાખીને એક્સીલેટર દબાવ્યું,કાર એક ઝટકા સાથે ઉપડી.ડોકટરે માનસંગની બીકને કારણે આપેલા વધુ પડતા લીવરને કારણે કાર ધુમાડા કાઢીને ગાજી ઉઠી. ડોક્ટરે તરત જ ગેર બદલીને કારની સ્પીડ વધારી. ડોક્ટરને કારમાંથી બહાર કાઢવા મથતો માનસંગ લથડયો પણ એણે ડોક્ટરનો કોલર મુક્યો નહિ.ડોક્ટરને અમદાવાદ જવાની ઉતાવળ હોવાથી અત્યારે આવી લપ કરવામાં સમય બગાડવો પોસાય તેમ નહોતું.
કાર ગટરના પાણીમાં ઉતરી.પણ માનસંગ ડોક્ટરને મુકવા માંગતો ન્હોતો.એ જ વખતે ડોક્ટરે એક હાથ બહાર કાઢીને માનસંગના મોઢા પર ધક્કો માર્યો.એ સાથે જ માનસંગના હાથમાંથી ડોક્ટરનો કોલર છૂટી ગયો.કાર એ વખતે ગટરના પાણીમાં ઉતરી ચુકી હતી.કારણ કે બસસ્ટેશન અને ત્યાંથી બરવાળા જવાની મુખ્ય સડક પર જવા માટે નદીના પટમાંથી જ નીકળવું પડતું હતું.
આપણે જાણીએ છીએ કે ગામ અને સરકારી દવાખાના વચ્ચેના આ નદીના પટમાં કાયમ માટે ગટરનું પાણી ભરેલું રહેતું હતું. તખુભા સરપંચ હતા ત્યારે આ ગટરને દૂર કરવા આયોજન કરવામાં આવેલું.પણ એમની પેનલે કાગળ ઉપર કામ બતાવીને ભ્રષ્ટાચાર કરેલો.તખુભાને પણ એમાં સંડોવેલા.
ડોક્ટરની કાર ગંદુ પાણી ઉડાડતી ચાલી ગઈ.માનસંગ ગડથોલિયું ખાઈને એ ગટરના પાણીમાં પડ્યો.
એ જોઈને કારને ધક્કો મારતા કંપાઉન્ડર સહિત બીજા બે જણ ખખડી પડ્યા.માનસંગનું મોઢું ગટરના પાણીમાં ઘુસી ગયુ હતું અને કપડાં પર પણ ગંદુ પાણી ફરી વળ્યું હતું.મોમાં ઘુસી ગયેલું પાણી બહાર થુંકતો માનસંગ માંડ માંડ ઉભો થયો.પેલા ત્રણ જણને હસતા જોઈ ડોક્ટરની દાઝ એ લોકો પર ઉતારવા માનસંગ ગાળો બોલતો બોલતો પેલા ત્રણ જણની પાછળ દોડ્યો.
પેલા ત્રણેય દોડીને દવાખાને જતા રહ્યાં.ગટરનું કાળુ પાણી એના કપડાં અને માથામાંથી નીતરતું હતું. એ પાણીની દુર્ગંધથી માનસંગ અકળાયો હતો.ઘેર જઈને હવે નાહવું જ પડશે એમ વિચારીને એ નદીના પટ તરફ પાછો વળ્યો.પોતે આખો જ બગડી ગયો હોવાથી હવે પેલા પથ્થરો પર પગ મૂકીને ચાલવાની જરૂર એને જણાઈ ન્હોતી.
જેવો એ સામા કાંઠા તરફ આગળ વધ્યો કે તરત જ ત્યાં પોતાનું સામ્રાજ્ય વસાવીને પડ્યા પાથર્યા રહેતા ભૂંડ સમ્રાટ હરકતમાં આવ્યા.પોતાના કબીલા તરફ આવી રહેલા ઈન્સાની હુમલાથી બચવા એણે મહારાણી અને બાળભૂંડ કુંવરોને ચેતવવા ગળામાંથી ચિત્ર વિચિત્ર આવજો કાઢવા માંડ્યા.
એ અવાજો સાંભળીને આખું ભૂંડ પરિવાર એકસાથે કાદવમાંથી ઉઠીને ભાગ્યું.
ભૂંડ સમ્રાટ પર આવી પડેલી આફ્તને કારણે મચેલી નાસભાગ સામે કાંઠે જમીનમાં ખાડા પાડીને એમાં વ્યાપેલી ઠંડકને માણતા કેટલાક શ્વાનોએ ડોકા ઊંચા કરીને નદીના પટમાં આવી રહેલા કાદવ મનુષ્યને જોયો.ગામના માણસો તો પેલા પથ્થર મૂકીને બનાવેલી કેડી પર ચાલીને જ આ પટ વટાવતા હોવાની જાણકારી આ શ્વાનમંડળ ધરાવતું હતું.એટલે કિચડમાંથી ભૂંડો પર ત્રાટકેલો આ માણસ નુકશાનકારક હોવાની પ્રતીતિ એક સાથે ત્યાં સુતા રહેતા આઠ દસ નાના મોટા શ્વાનોને થઈ ચૂકી.
કાબરીનો પ્રેમ પામવા જતા હબાના હાથે હણાતાં હણાતાં માંડ બચેલો કાળુ નામનો શ્વાન ઘણા સમયથી આ સામો કાંઠો સાચવીને ગામના રોટલાનું ઋણ ઉતારી રહ્યો હતો.ક્યારેક જ આવતી આફ્તને રોકવાની પોતાની ફરજ સમજીને એ તરત જ બેઠો થઈને ભસ્યો.
બસ એના સંકેતને સેનાપતિના
'આ..ક્ર..અ.. મ...ણ..' એવો ઘોષ સમજીને ગલુડિયા સહિતના તમામ કુતરાઓએ એકી સાથે ભસવાનું ચાલુ કર્યું.નદીના પટમાં ફેલાયેલી ગટરના પાણીને ખૂંદતો આવતો માનસંગ આ કુતરાઓને ભસતા જોઈ વધુ ખિજાયો.વાંકા વળીને એણે ગટરના પાણીમાંથી પથ્થર ઉઠવીને કુતરાઓને તગેડવા ઘા કર્યો.
દુશ્મન તરફથી વળતો હુમલો થયો હોવાથી શ્વાન સેનાપતિ કાળુએ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ એમ સમજીને જોર જોરથી ભસવાનું શરૂ કર્યું.અને પાછળના પગ જમીન સાથે ઘસીને ધૂળ પણ ઉડાડી.આવેલ દુશ્મનને કરડી લેવાનો આ સંકેત હોય એમ કાળુની માનીતી બે કુતરીઓ તો આગળ વધીને ગટરના પાણી સુધી પહોંચી ગઈ.
બે ચાર ગલુડિયાઓ માટે તો જીવનની આ પહેલી જ લડાઈ હતી એટલે એ પણ પુરા જોશથી
પૂંછડી ટટાર કરીને ભૂ.. ઉ..ઉ..ભૂ. ભૂં.. કરતા કરતા માનસંગ તરફ આગળ વધ્યા.
સામા કાંઠે ભેગા થઈને ભસતા કુતરાઓને જોઈ માનસંગ હવે ગભરાયો હતો.
"આ મારા હાળા,એક હામટા માંડ્યા ભંહવા.."એમ બબડીને એણે બીજો પથ્થર ઉઠાવ્યો.એ જોઈ શ્વાનસેના વધુ ઉગ્ર બની. પોતાના કુટુંબને લઈ દૂર જઈ રહેલો ભૂંડ સમ્રાટ પોતાના પડોશી શ્વાનોનો આભાર માનતો હોય એમ પાછો વળીને ઉભો રહ્યો.
માનસંગ કુતરાઓ સામે ચાલવાને બદલે ત્રાંસો ત્રાંસો ચાલીને સામા કાંઠે બહાર નીકળ્યો. શ્વાનસેના દુશ્મનની પીછેહઠ જોઈ વધુ તાનમાં આવી.કાળુએ હળવે હળવે એ કાદવકિંગની પાછળ દોડવા માંડ્યું. એની પિંડીએ બટકું ભરીને એ ગામને બતાવી દેવા માંગતો હતો કે હું જ આ ગામનો સાચો રખેવાળ છું. એનું જોઈને એના દિલમાં મુખ્ય સ્થાન મેળવવા માંગતી બે કુતરીઓ પણ માનસંગને જોર જોરથી ભસીને એની પાછળ દોડી.પેલા ગલુડિયા પણ શુંકામ ઉભા રહે !
માનસંગે એક બે પથ્થરના ઘા કરી જોયા.પણ કુતરાઓએ એ ઘા ચૂકવીને પાછળ દોટ મૂકી.
"મારા બેટા ક્યડી જાહે કે શું..?"
એમ કહી માનસંગ ભાગ્યો.એ જોઈ કુતરાઓએ પોતાનો વિજય થયેલો જાણ્યો. કાળુ અને ભુરિયો બેઉ માનસંગની પિંડીયું તોડી લેવા દોડ્યા.માનસંગે પણ મુઠીયું વાળી.

*
નગીનદાસના ઘેર આજ મહેમાન આવ્યા હતા.નીના હવે યુવાન થઈ હોવાથી યોગ્ય મુરતિયો એને જોવા બોલાવ્યો હતો.
મહેમાનો આવીને ઓસરીમાં ઢાળેલા ખાટલાઓમાં પાથરેલા સફેદ ગોદડા પર મુકેલા તકીયાને ટેકે હજી બિરાજ્યા જ હતા.
જે છોકરો નીનાને જોવા આવ્યો હતો એ એકદમ રૂપાળો હતો.
એકવડીયા બાંધાનો ઊંચો અને સ્માર્ટ યુવાન જોઈ નીના પણ ખુશ થઈ હતી.
નગીનદાસની ખડકી ખુલ્લી હતી.
પાછળ પડેલા કુતરાઓથી બચવા મુઠીયુંવાળીને નાઠેલો માનસંગ એ ખડકીમાં ઘુસ્યો ત્યારે નીના એક ટ્રેમાં ચાના કપ મૂકીને મહેમાનો સમક્ષ જઈ રહી હતી.
આખા શરીર પર ગંધાતો કાદવ લઈને ધસી આવેલો માનસંગ સીધો જ ઓસરી પર ચડી ગયો.
પાછળ આવેલા કૂતરાં ખડકીના બારણે આવીને ઊભા રહી ગયા.
કારણ કે કાળુ જાણતો હતો કે માલિકની પરવાનગી વગર ઘરમાં કે દુકાનમાં ઘૂસવાનું પરિણામ શું આવતું હોય છે !
નગીનદાસ એકદમ ઉભો થઈ ગયો.અચાનક આવી રીતે પાછળ ભસતા કૂતરાં લઈને આવેલો ગોબરો માણસ ઘરમાં ઘુસી આવ્યો હતો તેથી એ ગુસ્સે થયો હતો.મોઢા પર ચટેલા કાદવને કારણે માનસંગ ઓળખતો ન્હોતો.
"અલ્યા, નગીનદાસ બચાવજો, આ મારા હાળા કૂતરાં વાંહે ધોડ્યા." કહી માનસંગ નવા કપડાં પહેરીને પોતાને ધક્કો મારવા આવતા નગીનદાસને એ ભેટી પડ્યો.ખાટલામાં બેઠેલા મહેમાનો પણ ઉભા થઇ ગયા.ચા લઈને આવતી નીના રસોડા પાસે જ ઉભી રહી ગઈ અને અંદરના ઓરડામાંથી નયના અને મહેમાન સ્ત્રીઓ પણ બહાર ધસી આવી.
નગીનદાસની ખડકી આગળ ભસતા કુતરાઓનું ટોળું જોઈ બહાર લોકો પણ ભેગા થઈ ગયા.
હબાની દુકાનથી થોડે દુર બેઠેલી કાબરી પણ પૂંછડી ઊંચી કરીને પોતાના ભૂતપૂર્વ પ્રેમી 'કાળુ'ના લશ્કરને ટેકો આપવા આવી પહોંચી.
નગીનદાસે પોતાને ભેટી પડેલા માનસંગને દૂર કરીને એક તમાચો ઠોકી દીધો.
"અલ્યા તું છો કોણ.સાલ્લા જોતો નથી મારે ઘેર મહેમાન આવ્યા છે ? સીધો જ મારી ખડકીમાં ધોડીને ગરી જ્યો ? ભાગ આંયથી.."
માનસંગને હવે ખ્યાલ આવ્યો કે પોતે કેવડી મોટી ભૂલ કરી હતી.
નગીનદાસે લાફો માર્યો હોવા છતાં એ સમસમીને ઉભો રહી ગયો. હજી પણ બહાર કૂતરાં ભસી રહ્યા હતા.કાબરી પોતાને ટેકો આપવા આવી એ જોઈ કાળુ વધુ ગેલમાં આવ્યો હતો.
દુકાનમાં બેઠેલા હબાએ બહાર નીકળીને કુતરાઓનું ટોળું જોયું.
પોતાની દુકાનમાં બધું વેરણ છેરણ કરી નખનાર કાળિયાને જોઈ એણે બારણાં પાછળથી પેલો સોટો કાઢીને દોટ મૂકી.
કાળુએ ભસતા ભસતા કાબરી સામે સ્મિત કર્યું એ જ વખતે એના ડેબામાં સોટો પડ્યો..!

(ક્રમશ :)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED