MOJISTAN - 40 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 40

મોજીસ્તાન (40)
ખાટલામાંથી બેઠા થયેલા મીઠાલાલને દુકાનમાં જઈ ટેમુને ઢીબી નાખવાનું મન થયું.પણ તરત જ થોડા દિવસ પહેલા બાબા સાથે નાસ્તો કરતા ટેમુને ખીજાવાનું જે પરિણામ આવ્યું હતું એ યાદ આવતા જ કડવીની કડવીવાણી પણ સાંભરી આવી.
ટેમુ એની માતાનું રક્ષાકવચ ધરાવતો હોવાથી એને હવે કંઈ કહેવા જતા પત્નીનો ગુસ્સો ફાટી નીકળવાની બીક હતી.

પિતા બહાર ઓસરીમાં જ સુતા હતા એ ટેમુ જાણતો હોવા છતાં હવે એને બીક રહી ન્હોતી !

"લે વ્હાલી નાસ્તો તો કર.કેટલા દિવસે તું આવી.હું તને બહુ જ મીસ કરતો હતો ડિયર.ક્યાંય કરતા ક્યાંય મને ચેન પડતું ન્હોતું."

"ઓહ..ટેમુડા તું મને આટલી બધી મીસ કરે છે ? સાચું બોલે છે તું ?"
નીનાએ ટેમુની આંખમાં આંખ પરોવતા કહ્યું.

"ઈ ઇની છઠ્ઠીમાંય સાચું રોયો હોય તી એની મા અત્યારે ને અત્યારે મરે.નગીનની છોડી, તું છેતરાવાની થઈ છો.આ કપાતર મારુ કરી નાખવા પેદા થ્યો છે.." મીઠાલાલ નીનાની વાત સાંભળીને બબડયો.

"અરે યાર..નીના ડાર્લિંગ. આ ગામમાં મારા દિલની સૌથી નજીક કોઈ હોય તો માત્ર અને માત્ર તું છો..કારણ કે તારા અને મારા વિચારો કેટલા મળતા આવે છે..!''
ટેમુએ એક પેંડો ઉપાડીને નીનાના મોંમાં મુકતા કહ્યું.

નીનાએ ટેમુનો હાથ પકડીને પેંડાને બટકું ભર્યું.નીનાનો એંઠો પેંડો પોતાના મોમાં મુકતા ટેમુએ ચેવડાનો બુકડો મારીને નીનાની આંખમાં ઉછળતા દોસ્તીના દરિયામાં ડૂબકી મારી.

નીનાએ પણ પેંડો ઉપાડીને ટેમુને ખવડાવતા હાસ્ય વેર્યું.

"ટેમુ ડિયર...યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ.પણ અહીં તારી દુકાનમાં આવી રીતે આપણે મળીએ છીએ એ કોઈ જોઈ જશે તો ઊંધું સમજશે.."

"સંકુચિત મગજના લોકોને જે સમજવું હોય એ ભલે સમજે.હું કોઈના બાપથીય બીતો નથી.તું બિન્દાસ્ત આવતી રહેજે.આપણે દુનિયાભરની વાતો કરીશું.."કહી ટેમુએ ચેવડાની મુઠ્ઠી ભરીને નીનાના હોઠ આગળ હથેળી રાખી.

"તું તારા સગ્ગા બાપથીય ક્યાં બીવે છે..તારા તો હું ટાંટિયા ભાંગી નાખું એમ છું પણ તારી મા પછી મારા ટાંટિયા સાજા નો રેવા દે. બાપનું બોળાવા બેઠો છે હાળો..'' મીઠાલાલે ફરી બબડાટ કર્યો.ટેમુ અને નીનાની વાતો એને સ્પષ્ટ સંભળાતી હતી.

નીનાએ ટેમુના હાથે ચેવડો પણ સ્વીકાર્યો.ટેમુની હથેળીમાં એના હોઠ અડયા.

"ટેમુડા..આપણી વચ્ચે માત્ર દોસ્તી જ રહેશે હો.તું પ્રેમ બેમની વાતો ન કરતો.હું પ્રેમ નામના મૃગજળ પાછળ દોડવા માંગતી નથી.બે યુવાન વિજાતીય શરીરો વચ્ચે ઉદ્દભવતું આકર્ષણ એ પ્રેમ નથી.તું સમજે છે ને મારી વાત ડિયર ટેમુ ?"

"અરે યાર નીના ડાર્લિંગ, તારે એ કહેવાની જરૂર નથી.આઈ અંડરસ્ટેન્ડ યુ વેરી વેરી વેરી વેલ..
વોટ યુ વોન્ટ એન્ડ વોટ યુ ડોન્ટ.."

"ઘેર..યુ..આર..આઈ રિયલી ગ્લેડ
હાઉ મચ યુ વાઇઝ એન્ડ મેચ્યોર..
આઈ રિયલી લાઈક.."નીનાએ ચેવડો બુકડાવતા કહ્યું.

"મારા બેટા મને નો હમજાય એટલે અંગ્રેજીમાં મંડાણા.ઓલ્યું જ કીધું હોય અંગ્રેજીમાં ! ઈમ તો ટેમુ દીકરો ડાયો છે.હાવ આમ બાપ હાંભળે ઈમ છોડી હાર્યે ઉઘાડી વાતું તો નો જ કરેને..! એટલી તો શરમ હોય જ ને.પણ આ છોડું તો હાવ શરમ વગર્યનું જ કે'વાય.પ્રેમ નથી તો સોલાવા આંય આવી સો ? મારા ધણખૂંટ જેવા સોકરાને ખરા બપોરે ઉસ્કેરવા આવી સો.પણ પસી કાંક ઉંસુનીસુ થઈ જાહે તો તારો બાપ નગીનીયો તો મારા સોકરાનો જ વાંક કાઢસે.લાવ્ય બાર્ય જયન નગીનીયાને ફોન કરું.

'તારી સોડીને કાબુમાં રાખ્ય નકર પસી નો થાવાનું થઈ જાશે તો મારો વાંક નઈ.. ચીમ બરોબર કવ સુ ને ?' મીઠાલાલે પોતાની જાતને જ સવાલ કર્યો.

"હા હાવ બરોબર કીધું.ડેલા બાર્ય જઈને હળવેકથી નગીનિયાંને ફોન કરવો જોશે.ઈનું છોડું જ બગડેલું મુવું છે.હામે હાલીને બપોર વસાળે જુવાન સોકરાને મળવા ધોડી આવે તો સોકરાનો શું વાંક હેં..?" એમ જાતે જ જવાબ આપીને મીઠો ઉઠ્યો.

ટેમુ અને નીના નાસ્તો કરતાં કરતાં વાતોએ ચડયાં હતા.સહેજ પણ અવાજ ન આવે એમ મીઠાલાલ ઉઠીને ડેલી બહાર નીકળ્યો.

ઘરથી થોડે દુર જઈ એણે નગીનનો નંબર ડાયરીમાંથી કાઢીને ફોનમાં ડાયલ કર્યો.

"હેલાવ..કોણ બોલે સે..?" સામે છેડેથી નગીનનો અવાજ સંભળાયો.નગીન એ વખતે સરકારી દવાખાને દાખલ થયેલા પરસોતમ આગળ બેઠો હતો. આગળના દિવસે હબા સાથે બથોબથ આવેલો પશવો અને હબો એકબીજાના માથા ફોડી ચુક્યા હતા.સરપંચ અને તખુભાએ બંને વચ્ચે માંડ સમાધાન કરાવ્યું હતું.અને ચંપાને સારવાર કરવા સમજાવી હતી.

"અલ્યા નગીનદાસ બોલ સ ?"
મીઠાલાલે હળવેથી કહ્યું.

મીઠાલાલનો અવાજ ઓળખીને નગીનના ચહેરા પર ગુસ્સો આવ્યો.

"હા..મીઠા, હું નગીન બોલું છું. બોલ્ય ખરા બપોરે કેમ મને ફોન કર્યો..? જો ભાઈ અતારે મારે ઘડીકનીય નવરાઈ નથી. અને નવરાઈ હોય તોય તારા લૂગડાં તો હું નઈ જ સીવી દવ સમજ્યો..તું ને તારો હાંઢિયા જેવો સોકરો બેય સાવ નક્કામીના છો..હાલ્ય મુકય ફોન સાનીમાનીનો.."

"તારી માનો.. હમણે કવ ઈ.અમે બાપ દીકરો નક્કામીના હોય કે કામનીના હોય..તારે ક્યાં અમને રોટલા દેવા પડે છે..? આતો તારા હારા માટે ફોન કર્યોતો.વાત હાંભળ્યા વગર સીધો સોટી જ પડછ ? મારા લૂગડાં નો સિવ્ય તો કાંઈ તારી માથે છાપ નથી માંડી દીધી હમજ્યો..? તારી જેવા તો સત્તર દરજીને હું ખિસ્સામાં રાખું છું..બવ દોઢડાયીનો થાતો નય નકર ભીંસા ખેરવી નાખીશ..!"

મીઠાલાલ, નગીનનો જવાબ સાંભળીને ખીજાયો.જે વાત સાવ ધીમેથી કહેવાની હતી એ વાત તો બાજુ પર રહી ગઈ અને જોરથી રાડ પડાઈ ગઈ. દુકાનથી એ બહુ દૂર ગયો ન્હોતો.દુકાનમાં ચેવડો અને પેંડાનો લુફ્ત ઉઠાવતા ટેમુ-નીનાએ એ રાડ સાંભળી.
"તારી જાતનો મીઠીયો મારુ.તું જો એક બાપની ઓલાદ હોય તો આવ્ય આંયા સરકારી દવાખાને જ બેઠો છું.આજ જોઈ લેવી કોના ભીંસા ખરે છે ને કોના પીંછા કરે છે.." નગીન પણ બરાડ્યો.

"ઓ ભાઈ.. અહીં રાડો ન પાડો.
અહીં તમારું ઘર નથી સમજ્યા ?
એક બાપની ને બે બાપની કરવી હોય તો અહીંથી બહાર નીકળો.
કંઈ બુદ્ધિ જેવું છે જે નહીં ? કૂતરાની જેમ જ્યાં હોય ત્યાં ભસવા જ માંડો છો..? બાપાનો બગીચો નથી આ." નર્સ ચંપાએ રાડો પડતા નગીનદાસને ઘસકાવ્યો.

"હું તો એક જ બાપ રામલાલ બપોરિયાની ઓલાદ છું.પણ તું કેટલા બાપનો છો ઈ તું મારી દુકાને આવ્ય એટલે કવ.તારી છોડી ખરા બપોરે મારી દુકાનમાં આવીને મારા સોકરાના પડખામાં ભરાણી છે.
હાળા હલકીના, કાલ્ય ઉઠીને કંઈક આડું અવળું થાય તો મારા સોકરાનો વાંક કાઢતો નય.આ કય દવ સુ.કૂતરીને નો ધાવ્યો હોય તો આવી જા." મીઠાલાલે રાડ પાડી.

"યાર ટેમુ, આ તારા બાપા તો જો. મારા પપ્પાને કહી દીધું.અને જોતો ખરો કેટલી હલકટ ભાષામાં વાત કરે છે યાર." નીના ઉભી થઈ ગઈ.

''હા, યાર મારા બાપા એવા જ છે.
આ લોકો નહીં સુધરે નીનું. તું ભાગ જલ્દી .તારા ઘેર જતી રહે. હું આરામથી અહીં બેઠો છું.તારા પપ્પાને હું કહી દઈશ કે તું અહીં આવી જ નથી.મારા બાપા સાવ ખોટીના છે.જા જલ્દી."

ટેમુ પણ પોતાનો ખેલ ફરીવાર બગાડવા બદલ એના તાત પર ગુસ્સે ભરાયો.

નીના કાઉન્ટર ઠેકીને જલ્દી ભાગી.એ વખતે બજારમાં ચાલ્યા આવતા રઘલાએ એને જોઈ.

"તે'દી તખુબાપુનો નાસ્તો લેવા આયો'તો ઈ વખતેય આ નગીનની સોડી જ બવ વાઇડીની થઈ'તી.
મને ખહુરિયો કૂતરો કિધેલો.ટેમુડા હાર્યે હાળી સાલું લાગે સે.આજ તો નગીનદાસના ઘરે જઈને કેવું પડશે. બાપુને વાત કરીને આ ટેમુડાના ટાંટિયા ભંગવવા પડશે.."
રઘલાએ એમ વિચારીને નીનાનો પીછો કર્યો.

સરકારી દવાખાને બેઠેલો નગીન પોતાને કૂતરો કહી દવાખાનામાંથી
બહાર નીકળવાનું કહેતી ચંપા સાથે લડવું કે ફોનમાં પોતાની દીકરી વિશે અને પોતાને જેમતેમ બોલનાર મીઠાલાલ સાથે લડવું એ ઘડીભર નક્કી કરી ન શક્યો.

"તને તો હું પછી જોઈ લઈશ.હું કૂતરો છું કે સિંહ છું એ તને પણ દેખાડવું પડશે. સાલ્લી આ ડોકટર આવ્યો પછી બહુ ચડી છો તું."
કહી નગીનદાસ બહાર નીકળ્યો.

"જાને જતો હોય ત્યાં..સત્તરવાર તું કૂતરો..અને એકસો ને એકવાર ખહુરીયો કૂતરો.. સાંભળવું છે બીજું કંઈ વધારે ? છાનોમાનો બહાર નીકળી જા નહીંતર હમણે ઢીબી નાખીશ.પછી દવા તો મારે જ કરવી પડશે.એના કરતાં વે'તીનો થઈ જા." ચંપા પણ ઓછી નહોતી.

"બરોબર છે નર્સબેન.તમારી વાત બરોબર છે.હું તો કવ સુ એકાદું હડકવાનું ઇન્જીકશન ઠોકી જ દ્યોને." માથે પાટો બાંધીને સુતેલા હબાએ વહેતી ગંગામા હાથ ધોઈ લેવાના ઈરાદાથી કહ્યું.

નગીનદાસ સરકારી જગ્યામાં માથાકૂટ કરવાનું પરિણામ જાણતો હતો.એટલે ચંપા અને હબા સામે ડોળા કાઢતો કાઢતો એ મીઠાલાલ સાથે ભરી પીવા દવાખાનામાંથી બહાર નીકળ્યો.

મીઠો ફોન મુકીને ડેલું હળવેથી ખોલીને ઘરમાં આવ્યો.ઓસરીમાં એણે ટેમુને ઉભેલો જોયો.

"દુકાન રેઢી મેલીને કિંમ ઘરમાં આવ્યો બેટા ?"મીઠાલાલે હસીને કહ્યું.

"તમારાથી મારુ સુખ જોવાતું. નથી કેમ ? બાપા..આ..આ..તમે કાયમ આમ જ કરો છો.તેદી મારો ભાયબન બાબો આવ્યો'તો ત્યારે પણ તમે રાડયું પાડીને કાઢી એને મુક્યો'તો.આજ મારી દોસ્ત નીના કેટલા સમય પછી, સમય કાઢીને મને મળવા આવી'તી.તમે એનો ઊંધો મતલબ કાઢીને એના પપ્પાને ફોન કરી દીધો.તમે મારા બાપ છો કે દુશ્મન છો ? શું લેવા આદુ ખાઈને મારી પાછળ પડ્યા છો."કહી ટેમુએ અંદરના ઓરડામાં સુતેલી એની બાને બોલાવી, " બા..આ..આ..હવે હું આ ઘરમાં એક મિનિટ પણ રહેવાનો નથી. મારી ખળખળ વહેતી ખુશીઓના ઝરણાં આડો ડેમ બનીને મારા બાપા જ ઉભા રહી જાય છે.બા..આ...હું જાઉં છું.હવે મારુ મોઢું તમેં નહીં ભાળો
આ કહી દવ છું.." કહી ટેમુ ઓસરીના પગથિયા ઉતર્યો.

ટેમુએ એની બાને બોલાવી એટલે મીઠાલાલના પેટમાં ફાળ પડી.

ચપ્પલ પહેરીને બહાર જતા ટેમુનો હાથ પકડીને હળવેથી એ બોલ્યો, "અરે..પણ તું આમ રાડો પાડીને તારી માને ક્યાં ઉઠાડે છે.
હાલ્ય હવે નઈ કરું.પણ તું ઘરમાંથી બહાર નીકળતો નહીં."

ટેમુએ હાથ ગોળ ફેરવીને છોડાવી લેતા કહ્યું, "જ્યારે હોય ત્યારે તમેં મારો ખેલ બગાડી નાખો છો.તમે જુનવાણી મગજથી વિચારવાનું બંધ કરો હવે.તમે જે વિચારો છો એ માટે નીના મારી પાસે નહોતી આવી.તમને તો બસ એક જ વસ્તુ દેખાય છે.જવા દો મને, હવે હું ક્યારેય પાછો જ નથી આવવાનો ! હું ભણ્યો છું એટલે મારું પેટ તો હું ગમે તે ધંધો કરીને ભરી લઈશ.તમારી મિલકત અને તમારી દુકાન તમે ગળે બાંધીને સાથે લઈ જજો.છોડી દો મારો હાથ." કહી ટેમુએ સાવ ખોટું રડતા રડતા મીઠાલાલની પકડમાંથી પોતાનો હાથ છોડાવ્યો.

એ જ વખતે આ દેકારો સાંભળીને ઓરડામા સુતેલી કડવી ઉઠી.પોતાના રડતા કકળતા દીકરાને ફળિયામાં પકડી રહેલા મીઠાલાલને જોઈ એ સમજી કે મીઠાલાલ નક્કી ટેમુને માર મારે છે !

"ખબરદાર..મારા સોકરાને હાથ અડાડયો સે તો.હું તમને ઈમ પુસુ સુ કે તમાર્યથી મારા સોકરા માથે હાથ શીનો ઉપાડાય ? હજારવાર કીધું સે કે સોકરાને ભાળ્ય કાંય કીધું સે ? પણ નગટા મુવા સે..."
કડવીએ ઓસરીમાંથી બરાડો પાડ્યો.

"અલી પણ આમ ખરા બપોરે ગાંગરવાનું બંધ કર્ય.તારો એકલીનો જ સોકરો સે ? તું કાંય ગાંધારી સો તે મન્તર મારીને સોકરો પેદા કર્યો સે ? હું કાંય ઈને મારતો નથી.હાળી કજાતના પેટની હમજયા વગર રાડયું શીની પાડેસ. ?" મીઠાલાલનો મગજ પણ છટક્યો હતો.

"ઉભા રેજો હો તમે.આજ ઝાડુ ભાંગી નો નાખું તો મારું નામ કડવી નઈ.સોકરાને હખ જ લેવા નથી દેવું ઈમ ? કાંય ઉપર્યથી નથી પડ્યો.નવ મયના પેટમાં રાયખો સે.ઈની વાંહે સોલાવાન પડી જ્યા સો.." ફરીથી રાડ પાડીને કડવીએ ઓસરીમાં બંને બાજુ નજર કરી.

એક સાંબેલું પાણીયારાની બાજુમાં પડ્યું હતું..પતિને પાંસરો કરવામાં એ સાંબેલું જ કામ આવશે એમ સમજી કડવીએ એ સાંબેલું લેવા દોટ મૂકી.

એ જોઈ મીઠાલાલ, બપોર વચ્ચે કારણ વગરનો ઝઘડો વધી ન પડે એ માટે દોડીને દુકાનમાં જતો રહ્યો અને દુકાનના બારણાં બંધ કરી દીધા.

"બસ મારી માવડી બસ.હવે મારા બાપા સમજી ગયા છે કે ટેમુની બાબતમાં માથું મારવું નહીં. એટલે એમનું માથું ફોડવું જરૂરી નથી. પાછી વળી જા અને તારા સ્થાનકમાં જઈ શાંતિથી હવે સુઈ જા.તારો દીકરો હવે ક્યાંય નહીં જાય." ટેમુએ સાંબેલું લઈ મારવા ધસી રહેલી રૌદ્રરૂપધારી માતાને ખમૈયા કરવા કહ્યું.

"જો બટા, તું કે'સ અટલે પાસી વળું સુ. હું તારો વાળય વાંકો કરનારને સાવ વાંકો વાળી દશ. ભલે પસી ઈ તારો બાપ ચ્યમ નો હોય. તું મારો એકનો એક સાત ખોટયનો દીકરો સો.પાણાં એટલા દેવ કર્યા તારે તું મળ્યો સો. ઈમ જા'રે હોય તા'રે તને મારે ઈ મને જરીક પણ ગમતું નથ્થ હમજ્યો ?" કડવીએ હજુ સુધી ઉગામી રાખેલું સાંબેલું નીચે ઉતારતા કહ્યું અને ઓસરીમાં પાછી વળી ગઈ.

ટેમુ, થોડીવાર પહેલા જ્યાં મીઠાલાલ સૂતો હતો એ ખાટલામાં ફોન લઈને લાંબો થયો.
*
સરકારી દવાખાનેથી માતેલા સાંઢ જેમ વછુટેલો નગીન ગુસ્સાથી ધુમાડા કાઢતો હતો.એક તો બપોર વચ્ચેનો સમય હતો અને મીઠીયાએ નીનાની વાત કરીને મોત નોતર્યું હતું.અધૂરામાં પૂરું નર્સ ચંપાએ પોતાને ખજૂરીયો કૂતરો કહીને દવાખાનામાંથી બહાર કાઢી મુક્યો હતો.

ઉતાવળી ચાલે નગીદાસ મીઠાલાલની દુકાને જઈ રહ્યો હતો એ વખતે જ બકરાં ચારવા ગયેલો ધરમશી એને સામો મળ્યો.ત્રણ ચાર બકરાં પાછળ પાતળી નેતરની સોટી લઈને આવતા ધરમશીએ નગીનને જોયો એટલે એને ઘણા દિવસથી નગીનને સિવવા આપેલું ધમૂડીનું બ્લાઉઝ
યાદ આવ્યું.ધમુને લઈને બે ચાર ધક્કા તો એ ખાઈ ચુક્યો હતો. પણ નગીન દર વખતે માપ ખોવાઈ ગયુ હોવાનું બહાનું કાઢતો હતો.એક બ્લાઉઝ સિવવા માટે પાંચ વખત માપ લીધું હોવા છતાં હજી સુધી બ્લાઉઝ સીવી આપ્યું ન્હોતું. છેલ્લે તો નગીને એવું પણ કિધેલું કે 'દર વખતે તારે હાર્યે આવવાની જરૂર નથી.એકલી ધમુ આવશે તોય હું માપ લઈ લશ.'

ધરમશી સાથે આવતો તો પણ નગીન વધુ પડતું માપ લેતો હોવાનું એને લાગતું.પોતે વિરોધ કરેલો તો મારો બેટો, 'ફિટિંગ લાવવું હોય તો જરાક કસીને માપ લેવું પડે,તને શું સમજણ પડે.સાનોમાંનો બેહ' એમ બોલેલો.

ધરમશીને આ બધો ગુસ્સો ભેગો થયો હતો.

"એલા એય, નગીનભય તમારી બોનના લૂગડાં સિવ્યા ? ચ્યારે લેવા આવું ?" ધરમશીએ નગીનને ઉભો રાખીને પૂછ્યું.

નગીનનો બાટલો ફાટેલો જ હતો. દીકરીની ચાલ ચલગત પર કોઈ આંગળી ઉઠાવે તો કયો બાપ સળગી ન ઉઠે ? વળી, ચંપાએ 'ખહુરીયો કૂતરો' કહ્યો હોવાથી નગીન બરાબરનો છંછેડાયો હતો.
ધરમશીએ, ધમૂડીને 'તમારી બોન'
કહીંને આગમાં પેટ્રોલ અને દેતવામાં દારૂ નાંખ્યો !

"તું અતારે આ બકરા લયન ઘર ભેગો થા.મને વતાવ્યમાં,મારો મગજ ઠેકાણે નથી. તારી બયરી મારી બોન નથી,ઈ ધમૂડી સે ધમૂડી, હાલ્ય આમ વે'તીનો થા."
કહી નગીને ધરમશીને ધક્કો માર્યો.

"તે કાંય તું મફતમાં સીવી નથી દેતો હમજ્યો ? સર્પસ શાબે કીધું અટલે તને જાવા દીધો'તો.હવે તું ગલતલા કરછ,પાંસવાર તેં માપ લેવા તારી બોન ધમુને બોલાવી. તોય હજી ધક્કા ખવરાવછ,તારી દાનત્ય જ નથી ઈ હું હમજી જયો સુ. હાળા ગામની દીકરી સે અટલે તારી બોન થાય ઈ યાદ રાખજે.
અને હાંજ હુંધીમાં ઈનું પોલકું સીવી દેજે નકર આ ધરમશી તને ધોકાયા વગર રેવાનો નથી"
ધરમશીએ નગીનનું બાવડું પકડીને સોટી આડી રાખીને જોરથી કહ્યું.

નગીન ઉપર પહેલ મીઠાલાલ, પછી ચંપા અને હવે આ ધરમશીએ હુમલો કર્યો એટલે નગીન બરાબરનો ધખ્યો,

"તારી જાત્યના આમ આઘીનો મર્ય આઘીનો.તેદી દવાખાને ધોયો'તો ઈ ભૂલી જ્યો ? સાજા ટાંગા લઈને ઘરે જાવું હોય તો સનીમાનીનો બકરાં લયન વે'તીનો
થા.મને સંસેડવો સારો નથી." કહી નગીને ફરીવાર ધરમશીને ધક્કો માર્યો.

"તો જોઈ લે, આજ કોણ હાજા ટાંગા લયન ઘરે જાય સે." ધરમશીએ નેતરની સોટી જોરથી નગીનના પગમાં મારી.

નગીનના પગમાં કાળી બળતરા ઉઠી. "હોય હોય બાપલીયા.." કરતો નગીન વાંકો વળીને બેઉ હાથે પગ ચોળવા લાગ્યો. ઉશ્કેરાયેલા ધરમશીએ વાંકા વળેલા નગીનના ડેબામાં સોટીઓ વીંજવા માંડી.ધમુ આ ગામની જ દીકરી હોવા છતાં નગીન એને પોતાની બેન તરીકે સ્વીકારતો નહોતો અને એનું 'પોલકું' સીવી દેતો નહોતો.કાયમ નવા નવા બહાના કાઢીને ધક્કા ખવડાવતો હતો.ધરમશી આજ બધી ભેગી થયેલી દાઝ કાઢી નાખવા માંગતો હતો.

નગીનને સામનો કરવાની તક જ ધરમશીએ આપી નહીં. નગીન રાડો પાડતો રહ્યો. પગમાં અને પીઠ પર પડી રહેલી નેતરની સોટીઓ એના મોમાંથી બેફામ ગાળો કઢાવી રહી હતી.ગાળો સાંભળીને ધરમશીને ઓર ઝનૂન ચડતું હતું.એ પણ સોટીએ સોટીએ ગાળોનો ઊંચા પ્રકારનો જવાબ વાળી રહ્યો હતો.

બજાર વચ્ચે થયેલો દેકારો સાંભળી બપોરની નીંદર માણતા લોકો ડેલા ખોલીને બહાર નીકળ્યા. રસ્તે જતાં કેટલાક માણસો પણ દોડી આવ્યા.

કેટલાકે ધરમશીને પકડી રાખ્યો. તો કેટલાકે નગીનને જાહેરમાં ગાળી ગલોચ કરવાની ના પાડી. અને બંનેને છોડાવ્યા.

"હું તને જોઈ લશ, હાળા એક તો ગામનો જમાઈ થઈને પડ્યો સો,અમારા રોટલા ઉપર નભેસ.
હરામી ધમલા તારી ધૂળ નો કાઢું તો મારું નામ નગીન નહીં.." બે જણે પકડી રાખ્યો હોવા છતાં નગીન બળ કરીને બરાડતો હતો.

"જા જા હવે હાલતીનો થય જા. અને હાંજે મારી વવનું પોલકું સીવીને તિયાર રાખજે. નકર ઘરે આવીને તારા ટાંટિયા ભાંગી નાખીસ, હજી તું આ ધરમશીને ઓળખતો નથી." ધરમશી પણ બેચાર જણાએ પકડ્યો હોવા છતાં નગીનને સોટી મારવા ધસી રહ્યો હતો.

આખરે ભેગા થયેલા લોકોએ
બંનેને માંડ છોડાવ્યા.

ધરમશીના બકરાં એની વાટ જોયા વગર ઘરે પહોંચ્યા હતા.
એના હાથે ઢીબાયેલો નગીન હવે ક્યાં જવું એ નક્કી કરી શકતો નહોતો.

"અલ્યા આ બધું ચીમ કરતા થીયું, આ બકરાંવાળાએ તને હું કામ ઢીબ્યો ?" વગેરે સવાલો લોકો પુછી રહ્યાં હતા.

આખરે 'ધમુનું પોલકું સિવવામાંથી આ બાધણું (ઝગડો)
થયું કારણ કે ધમૂડીનું માપ લેતી વખતે નગીનીયાએ ધમૂડીનો 'સાળો' કર્યો હોવાને કારણે ઈના ધણી ધરમશીએ બજાર વસાળે નગીનીયાને ધોયો." આ પ્રકારની વાત વહેતી કરીને સૌ છુટા પડ્યા.

પગમાં અને ડેબામાં હાથ ફેરવતો નગીન, હજી બાકી રહી ગયું હોય એમ મીઠાલાલની દુકાને જઈ રહ્યોં હતો !

(ક્રમશ :)

બીજા રસપ્રદ વિકલ્પો