Jivan Sathi- 13 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 13

સૂર્યનું પહેલું કિરણ આન્યાની આંખ ઉપર પડતાં જ આન્યાના શરીરમાં સળવળાટ થયો અને તે ફરીથી બબડાટ કરવા લાગી. તે શું બોલી રહી હતી તેનું તેને પોતાને કંઈજ ભાન ન હતું.

રાત્રે બે વખત પોતાની સાથે આવું જ બન્યું હતું તેથી સંજુના મગજમાં એ વાત ઘર કરી ગઈ હતી.

તેથી આ વખતે આન્યાનો અવાજ સાંભળતાં જ સંજુની આંખ ખુલી ગઈ અને તે સફાળો બેઠો થઈ ગયો અને દિપેનની સામે જોવા લાગ્યો કે દિપેન તો કંઈ બબડી રહ્યો નથીને ?

ના, દિપેન તો ઘસઘસાટ ઉંઘે છે અને આ દિપેનનો અવાજ પણ નથી આ ચોક્કસ પેલી છોકરીનો જ અવાજ છે તે વાતની સંજુને પાક્કી ખાતરી થઈ ગઈ અને તે ફટાફટ દિપેનને જગાડવા લાગ્યો કે, "દીપુ ઉઠ જોને પેલી છોકરી જ કંઈક બબડાટ કરી રહી છે. ઉઠને યાર જોને.." અને રાત્રે મોડો સૂઈ ગયેલો તેથી દિપેનને ઉંઘ જ ખૂબ આવતી હતી પરંતુ સંજુએ તેને ખૂબ ફોર્સ કર્યો એટલે તે બેઠો થઈ ગયો બંને આન્યાના રૂમમાં ગયા તો આન્યા કંઈક બબડી રહી હતી અને સાથે સાથે પોતાના માથે બાંધેલો પાટો ખેંચીને કાઢવાની કોશિશ કરી રહી હતી.

દિપેન આ દ્રશ્ય જોઈને વિચારમાં પડી ગયો અને એકાએક દોડીને તેની પાસે ગયો અને તેના બંને હાથ પકડી લીધા અને તેને પાટો ખેંચતાં તેને રોકી લીધી.

આન્યા કૂતુહલભરી નજરે દિપેનને અને સંજુને જોઈ રહી હતી અને પછી આખાય રૂમમાં નજર કરવા લાગી કે પોતે ક્યાં છે? અને એકદમ ઉભી થઈ ગઈ તેથી તેને માથામાં ખૂબ દુઃખવા લાગ્યું એટલે પોતાના બંને હાથ વડે જોરથી માથું દબાવવા લાગી.

દિપેને તેને આમ કરતાં રોકી લીધી અને બેડ ઉપર બેસાડી દીધી પરંતુ આન્યાની સમજમાં કંઈજ આવતું ન હતું તે ફરીથી ઉભી થઈને ચાલવા લાગી.

દિપેન તેને સમજાવતાં કહેવા લાગ્યો કે, "તમારે અત્યારે આરામની જરૂર છે તમે સૂઈ જ જાવ"

પરંતુ આન્યાની ગભરામણ ઓર વધતી જતી હતી તે દિપેનને પૂછવા લાગી કે, "હું અહીં ક્યાંથી આવી? મને અહીં કોણ લાવ્યું?"

દિપેન તેને ફરીથી સમજાવતાં કહેવા લાગ્યો કે, "તમે અત્યારે આરામ કરો આ બધી જ વાત આપણે પછી શાંતિથી કરીશું" પણ આન્યાને કંઈ ચેન પડતું ન હતું તેથી તેણે જીદ પકડી કે, "ના મને અહીંયા કોણ લાવ્યું તે તમે મને પહેલા જ કહો"

દિપેન: તમને હું અહીંયા લઈ આવ્યો છું અને આ મારું ઘર છે.

આન્યા: પણ તમે ક્યાંથી મને અહીંયા લઈ આવ્યા અને મને માથામાં અને આખા શરીર ઉપર શું વાગ્યું છે?"

દિપેન આન્યાના આ પ્રશ્નથી થોડો હચમચી ગયો કે આ નાદાન છોકરીને પોતાની કોઈજ વાત યાદ નથી કે શું અને તે ફ્લાઇટમાં મુસાફરી કરતી હતી અને તે ફ્લાઈટ ક્રેશ થઈ ગયું અને પોતે બચી ગઈ છે શું આમાંની કોઈ વાત આ છોકરીને યાદ નહીં હોય? ઑ માય ગૉડ, હવે શું? અને તેને પોતાનું નામ તો યાદ હશેને? કે એ પણ નહીં હોય? અને નહીં હોય તો તેનાં મમ્મી-પપ્પા પાસે હું તેને કઈ રીતે પહોંચાડીશ?" આવા અનેક પ્રશ્નોની વણઝાર દિપેનના મનમાં એક સાથે ચાલવા લાગી પણ તે કંઈપણ બોલે કે આન્યાને કંઈપણ પૂછે તે પહેલાં આન્યાએ ફરીથી પોતાના બંને હાથ વડે પોતાનું માથું દબાવ્યું અને બોલવા લાગી કે, " હું કોણ છું? મારું નામ શું છે? અને અહીં મને કેમ લાવવામાં આવી છે?"

દિપેન હવે આન્યાની પરિસ્થિતિ સમજી ગયો હતો કે, "આ છોકરીને કંઈજ યાદ લાગતું નથી હવે શું કરવું તે એક પ્રશ્ન છે? તેને કઈરીતે તેનું નામ ઠામ પૂછવું અને તેના મમ્મી-પપ્પાનો પત્તો ન લાગે ત્યાં સુધી તેને કઈરીતે સાચવવી? આ પણ એક પ્રશ્ન છે.

આન્યા પોતાને ઓળખી શકશે? દિપેન તેને તેના માતા-પિતાને સોંપવા માટે જઈ શકશે? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
17/7/2021


બીજા રસપ્રદ વિકલ્પો