તેજસ પાસેથી બધી હકીકત સાંભળ્યાં પછી બધાં શાંત ઉભાં હતાં. પણ તેજસના મનમાં હજું પણ એક સવાલ ચાલી રહ્યો હતો. જેનો જવાબ માત્ર ઝલક જ આપી શકે એમ હતી. એ ઝલક સામે જઈને ઉભો રહી ગયો, "તું મારાં પરિવારને પહેલેથી જ ઓળખતી હતી. તો બધી હકીકત શાં માટે છુપાવી?"
"જ્યારે પહેલીવાર તને જોયો, ત્યારે જ મને તારાં વિશે જાણવાની ઈચ્છા થઈ આવી. હું આન્ટીને મળવાં જ લંડનથી અહીં આવી હતી." ઝલકે નજર નીચી રાખીને જ કહ્યું, "હું એમને બધું જણાવી દેવા માંગતી હતી. પણ પહેલાં તારાં વિશે જાણવાં માંગતી હતી. તું લંડન ગયો, એ પહેલાં તારી ડાયરી મળી ગઈ. એમાંથી તારાં વિશે ઘણી માહિતી મળી. આમ પણ અંકલ મને તારી નજીક આવવાં દેવાં માંગતા ન હતાં." એણે જગજીવનભાઈ સામે જોયું, "એમને એમ હતું કે, મારાં લીધે તારાં જીવને જોખમ છે. વાત પણ સાચી જ હતી. એ કદાચ મારી હકીકત જાણતાં હતાં."
"કેવી હકીકત?" તેજસે પૂછ્યું.
"તું જે તિવારી પાસેથી અનુપમા આન્ટીની કંપનીનાં પેપર્સ લેવાં ગયો હતો. એનાં છોકરાં સાથે મારી સગાઈ નક્કી થઈ ગઈ છે." કહીને એણે એક ઉંડો શ્વાસ લીધો, "હું એ જણાવવા જ ભેંસાણ આવી હતી. પણ અહીં આવીને મને તું પસંદ આવી ગયો. હું એ સગાઈ કરવાં માંગતી ન હતી. પણ મારાં તરફથી કોઈ સગાઈ રોકી શકે એવું હતું નહીં, એટલે મેં વિચાર્યું થોડો સમય તારી સાથે રહીશ અને પછી બધી હકીકત જણાવીને જતી રહીશ." એ સહેજ અટકી, "હું તને કંઈ જણાવું એ પહેલાં જ તું લંડન જતો રહ્યો. તું શાં માટે ત્યાં ગયો? એ મને ખબર ન હતી. એટલે જ મેં એશ્વીને તને શોધીને તારી ઉપર નજર રાખવા કહ્યું."
"પણ આખરે તું એવાં છોકરાં સાથે સગાઈ કરવાં તૈયાર જ કેમ થઈ? તેજસે જગજીવનભાઈ તરફ જોયું, "અને પપ્પા, તમને બધી ખબર હતી, તો તમે અમને શાં માટે નાં કહ્યું?"
"અનિકેત તને લંડન મોકલશે, એવી જાણકારી મને ન હતી. તારાં લંડન ગયાં પછી હું ઝલક સાથે જ આ બાબતે વાત કરવાનો હતો." એમણે અફસોસ વ્યક્ત કર્યો, "તિવારીએ જ મને ઝલકની સગાઈ બાબતે ફોન કર્યો હતો. પણ હું કોઈને કંઈ જણાવું, એ પહેલાં જ તું લંડન અને ઝલક અમદાવાદ જતી રહી."
"હવે હું એને ફરી લંડન લઈ જવાં આવ્યો છું." બધાંની વાતચીતની વચ્ચે જ ફરી કોઈ નવી વ્યક્તિ આવી. બધાંએ દરવાજા તરફ નજર કરી. જ્યાં તિવારી ઉભો હતો. તેજસની શંકા સાચી ઠરી હતી. એક જ વ્યક્તિએ અનેક વ્યક્તિઓ સાથે રમત રમી હતી, અને એ જ વ્યક્તિ સાથે છળ કરીને તેજસ પોતાનું કામ કરીને ભેંસાણ આવી ગયો હતો. એવામાં એ એની હાર કેવી રીતે સહન કરી શકવાનો?
"હવે તારો ખેલ ખતમ થયો." અનિકેતભાઈએ તિવારીને દરવાજે રોકીને જ કહ્યું, "અહીં સુધી આવવાં કરતાં થોડો સમય લંડનમાં જ રોકાયો હોત, તો ત્યાંની પોલિસ જ તને લેવાં આવી જાત."
"શું બકવાસ કરે છે?" તિવારીએ ઉંચા અવાજે કહ્યું.
"વિશ્વાસ નાં આવતો હોય, તો લંડનમાં તારાં ચમચાઓને ફોન કરીને પૂછી લે." અનિકેતભાઈએ હસીને કહ્યું, "તું ત્યાંથી ગાયબ છે, એટલે હવે ભેંસાણની પોલિસ પણ તને શોધતી અહીં આવી જાશે."
તિવારીને પહેલાં તો અનિકેતભાઈની વાત પર વિશ્વાસ નાં આવ્યો. પણ 'ચેતતા સદાય સુખી' કહેવતને ન્યાય આપવા એણે લંડનમાં એનાં આદમીને ફોન જોડ્યો. ફોન પર થયેલી વાતચીત પછી એનાં ચહેરાનો રંગ જોઈને જ બધી હકીકત સમજી શકાતી હતી.
"તેજસ લંડનથી નીકળી ગયો. પછી મેં તરત જ વિલ્સનને કોઈ સેફ જગ્યાએ જવાં જણાવી દીધું હતું." અનિકેતભાઈના ચહેરાં પર એક સંતોષકારક સ્મિત હતું, "વિલ્સને સેફ જગ્યાએ પહોંચીને, એવાં બધાં વ્યકિતનો સંપર્ક કર્યો. જેની કંપનીઓ છળકપટથી તે છીનવી લીધી હતી. એ બધાંએ મળીને પોલિસ ફરિયાદ કરી. સબુતો મેં મોકલી દીધાં. આમ જ તારો ખેલ ખતમ થયો." અનિકેતભાઈએ પોતાની વાત પૂરી કરી. ત્યાં જ પોલીસ પહોંચી ગઈ. એ તિવારીને પકડી ગઈ.
અનિકેતભાઈએ પેપર્સ સાથે બંધાની રજા લીધી. એમનાં જતાં જ તેજસના મિત્રો અને ગંગા પણ તેજસની ઘરે આવી પહોંચ્યા. તેજસે લંડનથી ભેંસાણ આવતી વખતે જ જાદવને આખી કહાની કહી દીધી હતી. જાદવે ગંગાને બધું જણાવી દીધું હતું. એ આવતાવેંત જ તેજસને ભેટી પડી. હવે ગંગા અને ઝલક બંને તિવારી અને એનાં દિકરાથી બચી ગઈ હતી. જીવદયાબેન તરત જ ઝલક પાસે આવ્યાં, અને એનાં માથે હાથ મૂકી દીધો, "હવે તો તિવારી એની અસલી જગ્યાએ પહોંચી ગયો. હવે તારે એનાં દિકરા સાથે સગાઈ કરવાની કોઈ જરૂર નથી."
"તો હવે મારાં દિકરા વિશે શું વિચાર છે?" અચાનક જ જગજીવનભાઈએ પૂછ્યું.
જગજીવનભાઈના સવાલથી ઝલકની નજર શરમથી ઝુકી ગઈ. એ જોઈને બધાં હસવા લાગ્યાં. જીવદયાબેને તેજસ અને ઝલકનો હાથ પકડીને એકબીજાનાં હાથમાં મૂકી દીધો. તેજસે તરત જ ઝલકને પોતાની બાહોમાં સમાવી લીધી. તેજસને એ દિવસે યાદ આવી ગયો, જ્યારે એણે પહેલીવાર ઝલકને જોઈ હતી, અને એનાં દિલનાં તાર ઝણઝણી ઉઠ્યાં હતાં. હવે ઝલક હંમેશાને માટે પોતાની બની ગઈ છે, એવો આભાસ થતાં જ તેજસ મનોમન બોલી ઉઠ્યો, "જોઈ જ્યારે તારી એક ઝલક, આ દિલને લાગી હતી પ્રેમની તલબ, આજે પૂરી થઈ દિલની એક ઈચ્છા, હવે બાકી નથી કોઈ પણ મહેચ્છા"
સમાપ્ત
મારાં વાંચકોનો દિલથી ખૂબ ખૂબ આભાર કે, બધાં કહાનીના અંત સુધી મારી સાથે જોડાઈ રહ્યાં. વચ્ચે વચ્ચે નવો ભાગ મુકવામાં ઘણું મોડું થઈ જતું. એ બદલ આજે પણ આપની ક્ષમા ચાહું છું. તો ફાઈનલી આજે આ કહાની પૂરી થાય છે.
હવે બહું જલ્દી જ એક નવી કહાની સાથે મળીશું. જેમાં હું તમને આટલી રાહ નહીં જોવડાવુ, જેટલી આ કહાનીમાં જોવડાવી હતી. તો નવી કહાની આવે ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.