Prayshchit - 19 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 19

પ્રાયશ્ચિત - પ્રકરણ 19

વેદિકા ના ગયા પછી થોડીવારમાં જ દક્ષાબેન રસોઇ કરવા આવી ગયાં. એમણે આવીને ઘરમાં જે જે વસ્તુ ખલાસ થઈ ગઈ હતી એનું લિસ્ટ બનાવ્યું. પંદરેક મીનીટ પછી મનસુખ માલવિયા બાઈક લઈને આવી ગયો. દક્ષાબેને એ લીસ્ટ મનસુખને આપ્યું. સાથે બે લિટર દૂધ પણ લાવવાનું કહ્યું.

અડધા કલાકમાં તો મનસુખ દૂધ અને સામાન લઈને આવી ગયો.

" કાલે રસોઈમાં મારી જરૂર હોય તો વહેલો આવી જાઉં દક્ષાબેન !!" મનસુખે કિચનમાં જઈને દક્ષાબેનને પૂછ્યું.

" રસોઈમાં તો મારે તમારી જરૂર નહીં પડે પણ મોટા સાહેબ આવે તે પહેલાં તમે આવી જજો. કારણકે પીરસવામાં તમારી જરૂર પડશે. " દક્ષાબેને કહ્યું.

" હા એમ તો હું સવારે અગિયાર વાગે આવી જ જવાનો છું. " મનસુખે કહ્યું અને એ રસોડામાંથી બહાર આવ્યો.

"શેઠ કાલે સવારે અગિયાર વાગ્યે હું આવી જઈશ. અને સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબને મારે લેવા જવાના છે કે એમની મેળે આવી જશે ? " મનસુખે પૂછ્યું.

" ના...ના... તમારે લેવા જવાની કોઈ જરૂર નથી. અંકલ સીધા ઘરે જ આવી જશે. " કેતને કહ્યું.

સાંજના સાડા સાત થઈ ગયા હતા. કેતન ખુરશી નાખીને થોડીવાર બહાર વરંડામાં ખુલ્લી હવામાં બેઠો. અડધો કલાક માંડ બેઠો હશે ત્યાં દક્ષાબેને જમવાની બૂમ પાડી....

બીજા દિવસે રવિવારે કેતન થોડો વહેલો ઉઠી ગયો. નાહી ધોઈને એ પોતાના જેટલી ચા મૂકવા જતો હતો ત્યાં જ દક્ષાબેન ની એન્ટ્રી થઇ. આજે એ થોડાં વહેલાં આવી ગયાં હતાં. દક્ષાબેને સૌથી પહેલાં કેતન માટે ચા મૂકી દીધી અને રસોઈની તૈયારીઓ શરૂ કરી.

લગભગ દસેક વાગે તો મનસુખ માલવિયા પણ આવી ગયો. એણે કિચનમાં જઈને દક્ષાબેનને રસોઈ કામમાં કોઈ મદદ હોય તો પૂછી લીધું પરંતુ દક્ષાબેને ના પાડી.

" તમતમારે બેસો ભાઈ . રસોઇને તો હું પહોંચી વળીશ. દૂધપાક કઢી ભાત અને શાક તો તૈયાર છે. ચટણી પણ બનાવી દીધી. હવે મોટા સાહેબ આવે એટલે પૂરીઓ અને ગરમાગરમ ગોટા ઉતારી લઈશ. " દક્ષાબેન બોલ્યાં.

બરાબર બાર અને દસ મિનિટે પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ ની લાલ લાઈટ વાળી ગાડી કેતન ના ઘર પાસે આવીને ઊભી રહી. એની સાથે બીજી એસ્કોર્ટની પોલીસ જીપ પણ હતી. સાહેબના ડ્રાઈવરે બહાર નીકળીને સાહેબ નો દરવાજો ખોલી આપ્યો અને સલામ કરીને ઊભો રહ્યો. એસ્કોર્ટની જીપમાંથી પણ બે હથિયારધારી કોન્સ્ટેબલ બહાર આવી ગયા અને સલામ કરી ઊભા રહ્યા.

અચાનક આ રીતે શેરીમાં પોલીસની ગાડીઓ જોઈને પટેલ કોલોનીની ચાર નંબરની શેરીમાં બધા લોકો ઘરની બહાર આવ્યા. બધાને એમ જ લાગ્યું કે શેરીમાં કંઈક નવાજૂની થઈ છે. આ બધા ભેગા થયેલા લોકોમાં પેલો નરેશ બ્રહ્મભટ્ટ પણ હતો.

કેતન ના ઘર પાસે પોલીસની ગાડીઓ જોઈને બધા કેતન વિશે જાતજાતનો તર્ક કરવા લાગ્યા. પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે કેતન ઘરમાંથી બહાર આવ્યો અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાથે હાથ મિલાવ્યો અને સ્વાગત કર્યું.

મોટા સાહેબ ઘરમાં ગયા એટલે બાકીના પોલીસ કોન્સ્ટેબલ નોર્મલ પોઝિશનમાં આવી ગયા અને ત્યાં ઉભા રહ્યા. કેતને સાહેબ સાથે હાથ મિલાવ્યા તો પણ નરેશ થી રહેવાયું નહીં એટલે એ ધીમે રહીને એક કોન્સ્ટેબલ ની પાસે ગયો અને પૂછી લીધું.

" કાં.. જમાદાર.. કોઈ મોટો પ્રોબ્લેમ થયો છે ? સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબને જાતે આવવું પડ્યું !! " નરેશે ધીમેથી પૂછ્યું.

" અરે ના રે ના ... આ બંગલાવાળા સાહેબ ના આમંત્રણને માન આપીને મોટા સાહેબ અહીંયા જમવા આવ્યા છે. સાહેબના જ કોઈ ખાસ રિલેટિવ લાગે છે. " કોન્સ્ટેબલે કહ્યું અને નરેશ ભોંઠો પડી ગયો અને સીધો ઘર ભેગો થઈ ગયો. મોટા સાહેબ કેતન ના ઘરે જમવા આવ્યા છે એ વાત ઘરે ઘરે પહોંચી ગઇ.

આખીય પટેલ કોલોનીમાં કેતનનો માભો પડી ગયો. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ ઘરે જમવા આવે એ કોઈ નાનીસૂની વાત નહોતી. બધાને એમ જ લાગ્યું કે કેતન બહુ મોટો વગદાર માણસ છે. તે દિવસે જલ્પા ના કેસમાં પણ એણે કેવી ખુમારીથી પોલીસને ભગાડી દીધી હતી !!!

ઘરમાં આવીને આશિષ અંકલે આખા બંગલાનું નિરીક્ષણ કર્યું. વોશબેઝિન પાસે જઇને હાથ-મોં ધોઈ લીધાં.

" મકાન તો સરસ ગોત્યું છે . લોકાલીટી પણ સારી છે. " આશિષ અંકલે કહ્યું.

" સિદ્ધાર્થભાઈ એ બધી વ્યવસ્થા સુરતથી જ કરી દીધેલી. એનો થોડો યશ મારા આ ડ્રાઇવર મનસુખભાઈ ને પણ જાય છે. એ રિયલ એસ્ટેટની ઓફિસમાં જ હતા. મેં ડ્રાઇવર તરીકે લઈ લીધા. જામનગરના જાણીતા છે અને બહુ કામના છે. " કેતને મનસુખ માલવિયા તરફ ઈશારો કરીને કહ્યું.

" નમસ્તે સાહેબ" મનસુખે આશિષ અંકલને બે હાથ જોડી પ્રણામ કર્યા .

" નમસ્તે ભાઈ !!" આશિષ અંકલે વળતો જવાબ આપ્યો.

" અંકલ ચાલો આપણે જમી લઈએ." કહીને કેતન આશિષ અંકલને ડાઇનિંગ ટેબલ તરફ લઈ ગયો.

" મનસુખભાઈ તમે પીરસવાનું ચાલુ કરી દો " કેતને કહ્યું અને મનસુખ રસોડામાં ગયો.

પાંચ મિનિટમાં જ મનસુખ એક પછી એક એમ બે થાળી લઈ આવ્યો અને બંનેની સામે ગોઠવી દીધી. પાણીના બે ગ્લાસ પણ ભરી દીધા.

" અંકલ જમવાનું ચાલુ કરી દો અને અમારાં દક્ષામાસી ના હાથની રસોઈનો ટેસ્ટ ચાખો." કેતન બોલ્યો.

અંકલે જમવાનું ચાલુ કર્યું. બધી જ આઇટમો ચાખી લીધા પછી એમનાથી બોલી જવાયું.

" કેતન તારી વાત એકદમ સાચી છે. આ બેન નો હાથ ખરેખર કમાલનો છે. જમી લીધા પછી મારે એમને અભિનંદન આપવાં પડશે. હોટલ ને પણ ટક્કર મારે એવો દુધપાક બનાવ્યો છે. અને આ ભરેલાં રવૈયાં નું આટલું સરસ શાક મેં પહેલી વાર ચાખ્યું છે. ખોટું નહીં બોલું. આવા ટેસ્ટી મેથીના ગોટા બજારમાં ક્યાંય ખાવા ન મળે. "

કેતનને આશિષ અંકલના જવાબથી ખૂબ જ સંતોષ થયો અને મનસુખ માલવિયા પણ મોટા સાહેબની પ્રશંસા સાંભળી સીધો કિચનમાં દોડી ગયો.

" દક્ષાબેન તમારી રસોઈના તો મોટા સાહેબે એટલા વખાણ કર્યા... એટલા વખાણ કર્યા..કે હું તમને શું કહું !! " મનસુખ બોલ્યો અને ફરી પાછો જોઈતી વસ્તુ પીરસવા માટે બહાર આવ્યો.

" કઢી પણ એમણે બહુ સરસ બનાવી છે કેતન !! " છેલ્લે કઢી ભાત ખાતાં આશિષ અંકલ બોલ્યા.

જમીને બંને જણા ડ્રોઈંગરૂમ માં આવ્યા અને સોફા ઉપર બેઠા.

" ભાઈ પેલા રસોઈવાળાં બેનને બે મિનિટ જરા બહાર બોલાવો ને ! " સાહેબે મનસુખને કહ્યું

મનસુખ અંદર જઈને દક્ષાબેનને બહાર બોલાવી લાવ્યો. દક્ષાબેન બે હાથ જોડીને ઊભાં રહ્યાં.

" બેન તમે રસોઈ બહુ જ સરસ બનાવો છો. તમારી રસોઈમાં એક અલગ જ ટેસ્ટ છે. તમે ભરેલાં રવૈયાંનું જે શાક બનાવ્યું છે એ મારા વાઇફને શીખવાડવા એક દિવસ તમારે મારા ઘરે આવવું પડશે. " આશિષ અંકલે દક્ષાબેનને કહ્યું.

" ભલે સાહેબ... પણ મેં તમારું ઘર જોયું નથી સાહેબ. " દક્ષાબેન બિચારાં આટલા મોટા સાહેબની સામે વાત કરતાં બહુ જ સંકોચાતાં હતાં. એ થોડાં મૂંઝાઈ ગયાં.

" અંકલ આવતા રવિવારે હું જ એમને લઈને આવીશ. " કેતને દક્ષાબેનને કિચનમાં જવા ઈશારો કર્યો.

" હું કલેકટર સાતા સાહેબ ને મળી આવ્યો છું . હોસ્પિટલની જમીન માટે એમને વાત કરી છે. બે-ત્રણ દિવસ પછી મારે એમને ફોન કરવાનો છે એટલે હું કાલે એમની સાથે વાત કરી લઈશ. ચેરીટેબલ ટ્રસ્ટ બનાવવા માટે મોટાભાઈ સાથે પણ સુરત વાત કરી લીધી છે. " કેતને કહ્યું.

" એ બહુ સારું કામ કર્યું. બીજી પણ કંઈ મદદની જરૂર હોય તો મને કહેજે. હું હવે નીકળું. આજનું આ ભોજન યાદગાર રહેશે. થેન્ક્સ " આશિષ અંકલે કહ્યું.

" અંકલ બીજી પણ એક વાત કરવાની છે. મારી પડોશમાં એક મિસ્ત્રી ફેમિલી રહે છે. એમની યુવાન દીકરી નીતાને એક ગુંડો ખૂબ જ હેરાન કરે છે. એ બિચારી એક હોસ્પિટલમાં નોકરી કરે છે તો ત્યાં જઈને પણ હેરાન કરે છે. જબરદસ્તી એની સાથે લગ્ન કરવાની ધમકી આપે છે. એ લોકો નો અડ્ડો કોલેજ પાસે એક પાનના ગલ્લા ઉપર છે અને દારૂ પી ને કોલેજની આવતી જતી દેખાવડી છોકરીઓની એ લોકો મશ્કરી કરે છે. ડર ના માર્યા કોઈ છોકરી ફરિયાદ કરતી નથી. "

" એ ગુંડાનું નામ રાકેશ વાઘેલા છે. રાકેશ નો કોઈ સગો તમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે એટલે વધારે દાદાગીરી કરે છે. આમ તો હું એકલો જ એ રાકેશને પહોંચી વળું એમ છું પરંતુ પોલીસ જે કામ કરી શકે તે હું ના કરી શકું. " કેતને કહ્યું.

અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આશિષ અંકલે સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર જાડેજા ને ફોન કર્યો.

" સર " જાડેજા ફોન માં બોલ્યા.

" જાડેજા હું કેતન ના ઘરે પટેલ કોલોની આવ્યો છું. આપણા જામનગરમાં આ બધું શું ચાલી રહ્યું છે ? હું કેતનને ફોન આપું છું. એ તમને બધી હકીકત કહેશે. એ લોકેશન પણ સમજાવી દેશે. કાલેને કાલે મારે રિપોર્ટ જોઈએ "

" સર " જાડેજા બોલ્યા અને અંકલે ફોન કેતનને આપ્યો.

" મને જે કહ્યું એ બધું વિગતવાર જાડેજા ને સમજાવી દે. લોકેશન પણ બતાવી દેજે. " આશિષ અંકલ બોલ્યા.

કેતને નીતા મિસ્ત્રીએ એને જે પણ કહ્યું હતું તે બધી જ વાત વિગતવાર કરી અને એ લોકોનો જ્યાં અડ્ડો હતો તે લોકેશન પણ સમજાવી દીધું.

" ચિંતા નહીં કરો કેતનભાઇ. એ રાકેશ નીતાનું નામ પણ ભૂલી જશે અને એ અડ્ડો પણ કાયમ માટે બંધ થઈ જશે. " જાડેજા બોલ્યા.

" થેન્ક્યુ જાડેજા સાહેબ. કોલેજ જતી આવતી આપણી બેન દીકરીઓની રક્ષા કરવી આપણી ફરજ બને છે " કેતને કહ્યું અને ફોન કટ કરી અંકલને આપ્યો.

અંકલે રજા લીધી. કેતન છેક ગાડી સુધી વળાવવા આવ્યો. પોલીસની બંને ગાડીઓ રવાના થઈ ગઈ. પટેલ કોલોની ના કેટલાક લોકો હજુ પણ પોતાના ઘરની બહાર જ ઉભા હતા. એમાં નીતા પણ હતી.

જાડેજા સાહેબે પળનો પણ વિલંબ કર્યો નહીં. પોલીસ વાન એ પાનના ગલ્લા ઉપર મોકલીને રાકેશ વાઘેલાનું એડ્રેસ પૂછી લીધું અને એને ઘરેથી ઉઠાવી લીધો. એના જેટલા પણ સાગરીતો હતા તે બધાના સરનામા મેળવીને બધાને પોલીસ સ્ટેશન ભેગા કરી દીધા. છેલ્લે પાનના ગલ્લાવાળાને પણ ઉઠાવ્યો.

પહેલાં તો એ લોકોની પોલીસે ખૂબ ધોલાઈ કરી. ન્યૂઝ ચેનલવાળાને બોલાવ્યા અને બધાના વિડીયો ઉતારી દરેક ના નામ સાથે તમામ લોકલ ન્યૂઝ ચેનલમાં બતાવ્યા. દરેક પાસે પોલીસે સ્ટેટમેન્ટ લખાવ્યું કે આજ પછી ક્યારે પણ કોઇની બહેન દીકરીઓ ની મજાક મશ્કરી નહીં કરે.

બીજા બધાને જવા દીધા પણ રાકેશને જાડેજાએ પોલીસ સ્ટેશનમાંથી પોતાની ઓફિસમાં ઉઠાવ્યો.

" (ગાળ) બોલ નીતા સાથે તારે લગ્ન કરવા છે ? એના ઉપર એસિડ છાંટવાની ધમકી આપે છે ? " જાડેજા સાહેબે ફરી એક જોરદાર તમાચો મારીને એને પૂછ્યું. રાકેશ વાઘેલા હચમચી ગયો.

" સાહેબ મને જવા દો... મને માફ કરી દો. આજ પછી ક્યારે પણ હું નીતાની સામે નહીં જોઉં. મારી ભૂલ થઈ ગઈ સાહેબ. " અધમૂઓ થઈ ગયેલો રાકેશ રીતસરનો કરગરતો હતો.

" અત્યારે ને અત્યારે તારા મોબાઇલ માંથી નીતા નો નંબર ડિલીટ કરી દે. અને તારો કયો સગો પોલીસ સ્ટેશનમાં છે ? મને નામ આપ. એને પણ હું બોલાવું અહીંયા ! "

" સાહેબ મારો કોઈ જ સગો પોલીસ સ્ટેશનમાં નથી. હું તો ખાલી નીતાને દાટી આપતો હતો. મને જવા દો સાહેબ. હું તમારા પગે પડું છું. " રાકેશ રડવા જેવો થઈ ગયો હતો. એણે નીતાનો નંબર પણ ડીલીટ કરી દીધો.

જાડેજા સાહેબને ખાતરી થઈ ગઈ કે આજે અત્યાર સુધીમાં એણે ઘણો માર ખાધો છે એટલે હવે જીંદગીભર એ નીતાની સામે પણ નહીં જુએ. એટલે એને કડક વોર્નિંગ આપીને જવા દીધો.

બીજા દિવસે જામનગરના તમામ સ્થાનિક વર્તમાનપત્રોમાં છેલ્લા પાને તમામ ગુંડાઓના ફોટા નામ સાથે છપાયા હતા.

સવારે છાપામાં કેતને છેલ્લા પાને આ બધા સમાચાર વાંચ્યા અને તમામ ફોટા પણ જોઈ લીધા. એને સંતોષ થયો. જાડેજા સાહેબે તત્કાલ એક્શન લઈ લીધી હતી.

નીતાએ પણ સવારે ચા પીતાં પીતાં આ સમાચાર વાંચ્યા. રાકેશ નો ફોટો પણ જોઈ લીધો !! એણે કેતન ના વોટ્સએપ નંબર ઉપર એક મેસેજ કરી દીધો.

" હાય ... મારી લાગણીઓ હું તમને વ્યક્ત નથી કરી શકતી ! તમે આજે ફરીવાર મારા હીરો બની ગયા છો !! થેન્ક્સ ...નીતા ."
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED