લોસ્ટ - 16 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટ - 16

પ્રકરણ ૧૬

રાધિકા મેહુલની ઓફિસમાં પહોંચી, હજુ એ કઈ પૂછે એ પહેલાંજ ત્યાંના કર્મચારીએ તેને રાવિકા રાઠોડ સમજીને પ્રેમથી આવકારી અને મેહુલ મેહરાના કેબીન સુધી મૂકી ગયો.
"રાવિનો તો વટ છે." રાધિકા મનોમન હસી અને કેબીનના દરવાજા પર બે ટકોરા માર્યા.
"કમ ઈન." અંદરથી એક યુવાનનો અવાજ આવ્યો.
રાધિકા કેબીનમાં પ્રવેશી અને ફાઈલ આપવા હાથ લંબાવ્યો જ હતો ને' ખુરશીમાં બેઠેલા યુવાનને જોઈને તેના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, "તું? તું અહીં શું કરે છે?"

"તમને કંઈક તકલીફ હોય એવુ લાગે છે મિસ રાઠોડ, કાલે તમે મને ભૂલી ગયાં હતાં અને આજે હું તમને અચાનક યાદ આવી ગયો." મેહુલએ રાધિકાના હાથમાંથી ફાઈલ લીધી.
"એટલે? રાવિ તારી સાથે કામ કરવાની છે." રાધિકા ગણગણી.
"રાવિ? તમે જ મિસ રાઠોડ છો; મિસ રાવિકા રાઠોડ, રાઈટ?" મેહુલએ માથું ખંજવાળ્યું.
"હાં, હું મિસ રાઠોડ જરૂર છું પણ રાવિકા રાઠોડ નઈ રાધિકા રાઠોડ." રાધિકાએ જીણી આંખો કરી.


"મને લાગ્યું તમે બિઝનેસ જ સારો કરી શકો છો પણ આજ ખબર પડી કે તમે મજાક પણ બઉ સારી કરો છો." મેહુલ ખડખડાટ હસી પડ્યો.
રાધિકા ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ, "શું સમજે છે આ મેહુલ ફેહુલ તેની જાતને? હુહ.... રાવિને આજ માણસ સાથે કામ કરવાનું હતું?"

થોડી આડીઅવળી વાતો કરીને રાવિકા નીકળી ગઈ, રાવિકાના ગયા પછી મિથિલાએ કેરિન સામે જોયું.
"કાય?" કેરિનએ મિથિલા સામે જોવાનું ટાળ્યું.
"માં, તારે કાશ્મીરમાં કોઈ દોસ્ત છે?" મિથિલાએ રીનાબેન સામે જોયું.
"મારે કાશ્મીરમાં દોસ્ત ક્યાંથી હોય? હું ક્યારે કાશ્મીર ગઈ?" રીનાબેનએ જવાબ આપ્યો.
મિથિલા કેરિન સામે જોઈને હસી, કેરિન ઉભો થઈને અંદર જતો રહ્યો.


રાવિકા કેરિનના ઘરેથી નીકળીને રસ્તા પર રીક્ષા શોધી રહી હતી અને અચાનક તેને અહેસાસ થયો જાણે તેની પાછળ કોઈ ઉભું છે, તેણીએ પાછળ ફરીને જોયું અને એક પળ માટે તેં ગભરાઈ ગઈ.
"તું? ફરીથી આવી ગઈ." રાવિકાએ તેના ઓરડામાં અને કેરિનના એક્સિડેન્ટ વખતે જોયેલી સ્ત્રીને તેની પાસે જોઈ.
"મને તારી મદદ જોઈએ છે રાવિ, તું મારી મદદ કરીશ કે નઈ?" તેં સ્ત્રીના અવાજમાં ધમકી હતી.

"મદદ.... મદદ.... મદદ.... શું મદદ જોઈએ છે તારે? અને તું છે કોણ?" રાવિકાને આ સ્ત્રી પર ખીજ ચડી હતી.
"મારું નામ સુશીલા છે અને મને ન્યાય જોઈએ છે." સુશીલાનો અવાજમાં દર્દ ઉતરી આવ્યું.
"તો પોલીસ પાસે જા, હું કોઈ જજ થોડી છું કે તને ન્યાય અપાવું." રાવિ બેફિકરાઈથી બોલી.
"પોલીસ માણસો માટે હોય છે રાવિ, મને ન્યાય માત્ર તું જ અપાવી શકીશ." સુશીલાનો અવાજ તરડાઈ ગયો હતો.

"એટલે? તું માણસ નથી? જોકે માણસ જેવી દેખાતી તો નથી, પણ...." રાવિકાએ સુશીલાના શરીર પર ચામડીની જગ્યાએ લટકેલા માંસના લોચા સામે જોયું.
"હું એક ભટકતી આત્મા છું, અને મને મારનારને હું સજા અપાવવા માંગુ છું." સુશીલા દુઃખી થઇ ગઈ.
"તને મારનાર? મજાક કરે છે? આ કોઈ ફિલ્મ ચાલુ છે, હું એ ફિલ્મની હીરોઇન છું અને મને ભૂત દેખાય છે. એમજ ને?" રાવિકાએ એક રીક્ષા ઉભી રાખી અને ઘરે જવા નીકળી.

"તો તું મારી મદદ નઈ કરે એમજ ને?" સુશીલાએ નંખાઈ ગયેલા અવાજે પૂછ્યું.
"તું રીક્ષામાં ક્યારે બેઠી? તારું ભાડુ હું નઈ આપું સમજી." રાવિકા અચાનક સુશીલાને તેની બાજુમાં જોઈને ચોંકી ગઈ, તેણીએ ડ્રાઈવરને ઉદેશીને કહ્યું, "યે મેરે સાથ નઈ હૈ, ઈન્કા રેન્ટ ઇન્હી સે લેના."
'કોન બહેનજી? આપ તો અકેલી હૈ." ડ્રાઈવરએ મિરરમાંથી રાવિકાને એકલી જોઈને કહ્યું.

રાવિકાએ તેની બાજુમાં જોયું તો સુશીલા ત્યાં ન્હોતી, તેણીએ રાહતનો શ્વાસ લીધો અને રાધિકાને લઈને જિજ્ઞાસાએ આપેલા એડ્રેસ પર જવાનું નક્કી કર્યું.
મીરાના ઘર આગળ રીક્ષા ઉભી રહી અને ભાડુ ચૂકવી રાવિકા હજુ ઘરમાં પગ મૂકે એ પહેલાંજ તેની નજર ગેટ પાસે બેઠેલી સુશીલા પર પડી.

"તું ફરી આવી ગઈ, તારો હવે ઈલાજ કરવો પડશે." રાવિકા ગુસ્સામાં સુશીલા તરફ ધસી.
"રાધિકાનો એક્સિડેન્ટ થવાનો છે, એને બચાવવી હોય તો મારી મદદ કરવાનું વચન આપ." સુશીલાના ચેહરા પર શેતાની હાસ્ય હતું.
"વ્હોટ રબીશ, નાટક બંધ કર સમજી નહિ તો...." રાવિકા તેની વાત પુરી કરે એના પહેલાંજ તેની પાછળથી રાધિકાએ તેને બોલાવી, "રાવિ, તારું કામ થઇ ગયું."

રાવિકાએ પાછળ ફરીને જોયું તો રાધિકા મેઈન ગેટથી પાંચેક ડગલાં દૂર હતી, રાવિકાએ સુશીલા સામે જોયું અને હસી.
સુશીલાએ હસીને રાધિકા સામે જોવાનો ઈશારો કર્યો, રાવિકાએ ફરીથી રાધિકા સામે જોયું અને તેના ચેહરાનો રંગ ઉડી ગયો.
અચાનકજ એક ગાડી મેઈન ગેટમાં ઘુસી અને એ ગાડીએ રાધિકાને ઉડાવી દીધી. એ ગાડી ગેટને અથડાઈ અને ઉભી રહી ગઈ, રાધિકા હવામાં ઉછળીને જમીન પર પછડાઇ અને રાવિકાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, "રાધિકાઆઆઆઆઆઆ......."

રાધિકા પડી હતી ત્યાં લોહીનું ખાબોચિયુ ભરાઈ ગયું હતું, રાવિકા ગેટ તરફ ભાગી, રાવિકાની ચીસ સાંભળીને બહાર આવેલી મીરાના મોઢામાંથી પણ રાધિકાને જોઈને ચીસ નીકળી ગઈ.
"એય, રાધિ..... ઉઠ, હું તને હોસ્પિટલ લઇ જઉ છું." રાવિકાએ રાધિકાના ગાલ થપથપાવીને તેને જગાવવાનો પ્રયત્ન કર્યો.

આજુબાજુમાં રહેતાં લોકો દોડી આવ્યા અને મીરાનો પડોશી ગાડી લઇ આવ્યો, એમણે રાધિકાને ઉઠાવીને ગાડીમાં સુવડાવી, મીરા તેની સાથે બેઠી અને ગાડી હોસ્પિટલ તરફ ભાગી.
"યુ બીચ....." રાવિકાએ સુશીલાના વાળ પકડ્યા અને તેને એક લાફો માર્યો.
"તું, તું... મને અડી શકે છે? કેવી રીતે?" સુશીલાને આશ્ચર્ય થયું.

"તને મદદ જોઈએ છે ને, તું જો હું તારી કેટલી મદદ કરું છું." રાવિકાએ સુશીલાને ધક્કો માર્યો અને રાવિકાના આશ્ચર્ય વચ્ચે સુશીલા હવામાં ઉછળીને જમીન પર પડી.
રાવિકાએ આશ્ચર્ય અને આઘાતથી તેના હાથ તરફ જોયું, તેના હાથમાંથી કરંટ જેવી ઝાંખી ગુલાબી રોશની નીકળી રહી હતી.
"પેલી છોકરી બચી ગઈ છે ને?" ગાડીનો ડ્રાઈવર રાવિકા પાસે આવ્યો, તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું.

રાવિકાએ ખેંચીને એક લાફો ડ્રાઈવરને માર્યો, "એને કઈ થયું તો તું નઈ બચે એટલું યાદ રાખજે."
રાવિકા તેને વધારે મારે એ પહેલાંજ ત્યાં જમા થયેલું ટોળું ડ્રાઈવર તરફ ધસી આવ્યું અને તેને ઢીબી નાખ્યો

રાવિકાએ તેનો ફોન કાઢી મીરાને ફોન લગાવ્યો, પણ મીરાનો ફોન ઘરમાં પડ્યો હતો અને ઘરમાં કોઈ હજાર ન્હોતું એટલે ફોન કોઈએ ઉઠાવ્યો નઈ.
જેમની ગાડીમાં રાધિકાને હોસ્પિટલ લઇ ગયાં હતાં એમના પરિવાર પાસેથી એ ભાઈનો નંબર લઇ તેમને ફોન કરીને રાવિકા હોસ્પિટલ પહોંચી, મીરા આઈસીયુની બહાર બેસીને રડી રહી હતી.

થોડીવારમાં ડૉક્ટર બહાર આવ્યા, ડૉક્ટરને જોઈને મીરા એમની પાસે ગઈ અને બોલી, "રાધિ ઠીક છે?"
"મિસિસ મલ્હોત્રા, રાધિકાજી બિલકુલ ઠીક છે. મારા ૧૩ વર્ષના કરીઅરમાં આટલો વિચિત્ર કેસ મેં પહેલીવાર જોયો છે, પેશન્ટની રિકવરી ખુબજ વિચિત્ર કહી શકાય એટલી ઝડપી થઇ ગઈ છે." ડૉક્ટર હજુયે આશ્ચર્યમાંથી બહાર ન્હોતા આવ્યા.
"હું અંદર જઈને મળી શકું રાધિને?" રાવિકાએ પૂછ્યું.
"હા, જરૂર પણ એક સમયે એક જ જણ મળી શકશે." ડોક્ટર ત્યાંથી નીકળી ગયા.

રાવિકા અંદર આવી ત્યારે રાધિકા આંખો બંધ કરીને ઊંઘી હતી, તેના માથા પર મોટો પાટો બાંધેલો હતો.
"રાધિ...." રાવિકાએ તેનો હાથ પકડ્યો.
"હું ઠીક છું." રાધિકાએ આંખો ખોલી.
"તને કાનથી સહેજ ઉપર અને પગમાં વાગ્યું છે ને?" રાવિકાએ પૂછ્યું.
"તને કેવી રીતે ખબર પડી?" રાધિકાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.

"મને પણ ત્યાં દુઃખી રહ્યું છે હાલ જ્યાં તને વાગ્યું છે, આપણે બન્ને આઇડેન્ટિકલ ટ્વિન્સ છીએ ને. કદાચ એટલેજ..." રાવિકાએ રાધિકાના ઘા પર હાથ મુક્યો.
"તારા હાથમાં જાદુ છે?" રાધિકાના ચેહરા પર આશ્ચર્ય હતું.
"કેમ પૂછ્યું?" રાવિકાએ પ્રશ્નસૂચક નજરે જોયું.

"તેં હાથ મુક્યો એટલે મારું પેઇન ઓછું થઇ ગયું, ફરી મૂક તો." રાધિકાએ રાવિકાનો હાથ તેના પગના ઘા પર મુક્યો અને તેની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.
"વ્હોટ?" રાવિકાને અમુક ક્ષણોમાં એક પછી એક બનેલી ઘટનાઓ વિચિત્ર લાગી રહી હતી.

રાધિકાએ રાવિકાનો હાથ જોયો, રાવિકાના હાથમાંથી ઝાંખી ગુલાબી રોશની નીકળી રહી હતી.
રાધિકા અચાનક ઉભી થઇ ગઈ અને બોલી, "તારી પાસે જાદુઈ શક્તિઓ છે. તું, તું સુપરવુમન બની ગઈ છે."


ક્રમશ: