લોસ્ટ - 11 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોસ્ટ - 11

પ્રકરણ ૧૧

મુંબઈ એરપોર્ટથી ટેક્ષી લઈને ત્રણેય જણ મીરાના ઘરે આવ્યાં, મીરા બધાંને ગળે મળી.
"તું તો સાવ બદલાઈ ગઈ છે મીરુ." રયાનએ મીરાના માથા પર હાથ મુક્યો.
"દીદીના ગયા પછી ઘણું બધું બદલાઈ ગયું છે." મીરાનો અવાજ લાગણીવિહીન હતો.
"આધ્વીકા દીદીને ગયાને ૨૧ વર્ષ થઇ ગયાં છે, પણ આ ૨૧ વર્ષનો લાંબો સમય પણ મીરાના દુઃખને ઓછું નથી કરી શક્યો." મીરાના પતિ કિશનએ કહ્યું.

મીરાની દીકરી મેઘા રાવિને તેના ઓરડામાં લઇ ગઈ, મેઘાની નાનો ભાઈ રોહન પણ બન્નેની સાથે ગયો.
"ક્યારે જાઓ છો ન્યૂ યોર્ક?" મીરાએ જિજ્ઞાસા તરફ જોયું.
"રાત્રે સાડા અગ્યારની ફ્લાઇટ છે." જિજ્ઞાસાએ ધીમેથી કહ્યું.

"રાવિના જન્મદિવસ પછી તો કોઈ ચિંતા નથી ને?" મીરાના અવાજમાં ચિંતા હતી.
"બસ રાવિનો આ જન્મદિવસ શાંતિથી નીકળી જાય, પછી આપણી ઘણીખરી ચિંતા ટળી જશે." જિજ્ઞાસાએ મીરાનો હાથ પકડીને તેને આંખોથી સધીયરો આપ્યો.

"તો હવે તમે ભારત આવીને રહી શકો છો? અને અહીં ના રહી શકો તો મળવા તો આવી જ શકાય ને હવે?" મીરાની આંખોમાં હા સાંભળવાની આશા સાફ દેખાઈ આવતી હતી.
"હા, એકવાર રાવિનો જન્મદિવસ શાંતિપૂર્વક વીતી જાય પછી અમે તારા ઘરે મહિનો રોકાવા આવીશું." જિજ્ઞાસાએ ખુશીથી કહ્યું.
"અને આ વખતે જીયાને પણ લાવજો." કિશન પણ હસી પડ્યો.

"માસી આપણી ફ્લાઇટ કેન્સલ કરી દો, આપણે આજે ન્યૂ યોર્ક નથી જવાનું." રાવિકાએ અચાનક આવીને ધડાકો કર્યો.
"પણ કેમ? અચાનક શું થયું?" રયાનને ધ્રાસકો પડ્યો.
"અરે, પેલી ડીલ જેના માટે હું ભારત આવાની હતી. એમણે અરજન્ટ મિટિંગ ગોઠવી છે કાલે, સેમ વેન્યું છે. તો કાલે મિટિંગ પતાવીને નીકળી જઈશું ન્યૂ યોર્ક." રાવિકાએ ઇમેલ બતાવ્યો.

"હા, કોઈ વાંધો નથી." રયાનએ ઈમેલ વાંચીને ચેહરા પર નકલી સ્મિત લાવ્યું.
"મીરા માસી, તમે મને તમારા વિશે જણાવોને. તમારો ને' મમ્માનો બોન્ડ કેવો હતો?" રાવિકાએ મીરાના ખોળામાં માથું ઢાળી દીધું.
"તમે બન્ને વાતો કરો, હું બધાં માટે કિશન સ્પેશ્યલ નાસ્તો બનાવી લાવું." કિશન રસોડામાં જતો રહ્યો.

"અમેં બન્ને ફ્રેશ થઇ જઇયે." જિજ્ઞાસા અને રયાન ગેસ્ટરૂમમાં જતાં રહ્યાં, અને મીરા ક્યાંય સુધી રાવિકાને તેના બાળપણની કહાનીઓ સંભળાવતી રહી.

"આ બધું શું છે રયાન?" જિજ્ઞાસાએ ગેસ્ટરૂમમાં આવતાંજ પૂછ્યું.
"રાવિને ખબર પડી કે તેની બેન વિશે આપણે રાવિને કઈ ન્હોતું જણાવ્યું ત્યારે શું થયું હતું ભૂલી ગઈ તું? તું, હું કે કોઈ પણ રાવિને સંભાળી શક્યું હતું? તેનાં સવાલોના જવાબ આપી શક્યું હતું?" રયાનએ જિજ્ઞાસાની આંખોમાં આંખો નાખીને પૂછ્યું, રયાનના સવાલથી જિજ્ઞાસા ઢીલી પડી ગઈ.
રયાન ફરી બોલ્યો, "આપણે ન્યૂ યોર્ક પહોંચીએ ત્યાં સુધી હું કોઈજ રિસ્ક નથી લેવા માંગતો. કારણકે હવે જે જે બાબતો રાવિ જાણશે અને પછી જે સવાલ ઉઠશે ને, એના જવાબ આપવાની હિમ્મત મારામાં નથી."

"હોમ સ્વીટ હોમ." નાનકડી ઓરડીના કાટ ખાઈ ગયેલા દરવાજાનું તાળું ખોલીને રાધિકા અંદર આવી, ૧૨ બાય ૧૦ની ઓરડીમાં જમણી બાજુ બે કેબિનેટ વાળું રસોડું હતું. ડાબી બાજુ નાનકડું લાકડાનું કબાટ અને કબાટની બાજુમાં બાથરૂમનો દરવાજો, કબાટની સામે સિંગલ બેડ.
એક જૂનો પુરાણો પરદો રસોડું અને બેડરૂમ અલગ પાડતો હતો, વ્યવસ્થિત રીતે ગોઠવેલો નાનકડો રૂમ કે મકાન જે કહો તેં પણ આજ રાધિકાની મિલકત હતી.

"અપને કો માફ કરદે મેરે પ્યારે ઘર, અપનને તેરેકો કભી પ્યાર નઈ કિયા. હંમેશા સોચા કી એક દિન તેરેસે છુટકારા મિલેંગા ઓર અપન બડે સે ઘર મેં રહેને જાયેંગી. લેકિન કલ જબ મેરેકો લગા ના કી મેં અબ કભી ઘર નહિ જા પાયેગી, તભીજ મેરેકો તેરા કિંમત સમજ આયા." રાધિકાએ તેના નાનકડા મકાનને મન ભરીને નિહાળ્યું અને સાફસફાઈ કરી આરામથી ઊંઘી ગઈ.

ઘરે આવ્યા પછી કેરિન જમ્યો અને હોલમાં ગાદલું નાખીને આડો પડ્યો. પણ તેનું મન રાવિકામાંજ અટકેલું હતું,"બીજીવાર મળી તેં, સંયોગ હતો કે કિસ્મત?"
"શું થયું?" પંખા તરફ જોઈને હસતા કેરિનને જોઈને રીનાબેનએ પૂછ્યું.
પણ કેરિનનું મન અહીં હતું જ ક્યાં કે તેને કોઈનો અવાજ સંભળાય, એ તો હજુયે રવિકાને યાદ કરીને હસી રહ્યો હતો.

"ઓ... જાગો ભાઈ જાગો." રીનાબેનએ કેરિનના માથા પર ટપલી મારી.
"હેં? શું થયું, શું થયું?" અચાનક ઊંઘમાંથી જાગ્યો હોય એમ કેરિન સફાળો બેઠો થયો.
"કાં? કોણ છે એ છોકરી?" રીનાબેન હસવા લાગ્યાં.
"ખબર નઈ.... અમમમ. કોણ? કોણ છોકરી?" કેરિનની જીભ થોથવાઈ ગઈ.

"જો બેટા, એક સમય એવો હતો જ્યારે હું તારી ઉંમરની હતી. એટલે મને ખબર છે કે તું કેમ ક્યારનો પંખાને જોઈને મલકાઈ રહ્યો છે, બોલ હવે કોણ છે એ છોકરી?" રીનાબેનએ કેરિનનો કાન પકડ્યો.
"મેં તને પેલી મેડમ વિશે કહ્યું તું'ને, એ મેડમ આજે પણ મળ્યાં મને. પણ માં, હું ક્યાં ને એ ક્યાં? મેળ ખાશે? એ એવુ તો નઈ વિચારે ને કે તેના પૈસા માટે હું તેને પ્રેમ કરું છું?" કેરિનએ તેનાં મનમાં ચાલતી ગડમથલ રીનાબેનને કહી.

"તારો પ્રેમ સાચો હશે અને એ છોકરી તારા માટે બની હશે તો એ તારા પ્રેમ પર ક્યારેય શંકા નઈ કરે, ચાલ હવે ઊંઘી જા." રીનાબેનએ કેરિનના માથા પર હાથ ફેરવ્યો અને ઊંઘવા જતાં રહ્યાં, કેરિન પણ રાવિકાના વિચારો કરતો ક્યારે ઊંઘી ગયો તેને પોતાને પણ ખબર ન પડી.


સવારના નવ વાગ્યે મિટિંગ હતી, મુંબઈના ટ્રાફિકના કારણે કિશનએ રાવિકાને જલ્દી નીકળવાનું રાત્રે જ જણાવી દીધું હતું. સાડા સાતે ઘરેથી નીકળેલી રાવિકા માંડ પોણા નવએ વેન્યું પર પહોંચી શકી હતી.

"હેલ્લો મિસ રાઠોડ, નાઇસ ટુ.... તું? તું અહીં શું કરે છે?" મિટિંગમાં બેઠેલો યુવાન રાવિકાને જોઈને ચોંકી ગયો.
"વ્હોટ? હું આર યું?" રાવિકાને તેનું વર્તન ન ગમ્યું.
"મેહુલ મેહરા, એક્ચ્યુલી મિસ્ટર મેહરાનો આ પ્રોજેક્ટ હવે તેમનો દીકરો મેહુલ સંભાળશે." મિટિંગમાં બેઠેલા એક માણસએ કહ્યું.

મિટિંગ પતાવ્યા પછી બધાં મેમ્બર હોલમાંથી બહાર નીકળ્યા, મેહુલ પાર્કિંગમાં જઈ રહેલી રાવિકાની પાછળ ગયો અને તેનો રસ્તો રોકીને બોલ્યો, "હેય યુ, તને નથી લાગતું તારે મારી માફી માંગવી જોઈએ?"
"માફી ફોર વ્હોટ?" રાવિકા એક અજનબીનું આવું વર્તન જોઈને ગુસ્સે થઇ હતી.
"તેં કાલે મારા સાથે જે મિસબિહેવ કર્યું હતું એના માટે, આવડી મોટી અને રિસ્પેક્ટિવ કંપનીની સીઈઓ થઈને તું આટલી બદતમીઝ કેવી રીતે હોઈ શકે?" મેહુલએ ઝીણી આંખો કરીને રાવિકા સામે જોયું.

"માઈન્ડ યોર લેન્ગવેજ મિસ્ટર મેહરા, અધરવાઈઝ યુ વિલ રીગ્રેટ...." રાવિકા તેની વાત પુરી કરે એના પહેલાંજ મેહુલ વચ્ચે બોલ્યો,"યુ વિલ રીગ્રેટ, હું આ ડીલ કેન્સલ કરું છું. આવી બદતમીઝ ઓનર હોય એવી કંપની સાથે મારે કોઈ ડીલ નથી કરવી."
"તું શું ડીલ કેન્સલ કરીશ, હું પોતે જ તારી સાથે કોઈ ડીલ નઈ કરું. તારા જેવો માથાફરેલ, મેનરલેસ, બદતમીઝ અને નવસિખીયો માણસ એ લાયક જ નથી કે મારી રિસ્પેક્ટિવ કંપની સાથે કામ કરી શકે." રાવિકાએ સાઈન કરેલી ડીલના કાગળ ફાડીને મેહુલ ઉપર ફેંક્યા અને ગાડીમાં બેસીને નીકળી ગઈ.

"સમજે છે શું એની જાતને, ડીલ ના કરવી હોય તો ચોખી ના પાડે. આમ ખોટા નાટક કરવાની શું જરૂર? હું આજે પહેલીવાર મળી છું એને તોય કે છે કે મેં કાલે એની સાથે બદતમીજી કરી, અરે હું કઈ રીતે....." રાવિકા ચોંકી એના મનમાં એક વિચાર આવ્યો, "રાધિકા, એ જરૂર રાધિકા વિશે વાત કરતો હશે. રાધિકા વિશે તો હું ભૂલી જ ગઈ હતી, મારે અહીં જ રહીને રાધિકાને શોધવાની છે અને ખબર પાડવાની છે કે રાધિકા મારી બેન છે કે નઈ?"

ક્રમશ: