લોક માન્યતા મુજબ, કોઇ વ્યક્તિ એટલે સ્ત્રી કે પુરુષ જેની ઈચ્છા અધૂરી રહી છે. તે પોતાની ઈચ્છાને પુરી કરવા માટે આત્મા જ રહીંને આમ-તેમ ભટક્યા કરે છે. જ્યાં સુધી તેની અંતિમ ઇચ્છા પૂરી નથી થતી ત્યાં સુધી તે આત્માને શાંતિ મળતી નથી. સમય જતાં તે જ આત્મા. કાળો છાયો બની જાય છે અને પોતાની ઇચ્છા પૂર્તિ માટે માણસના શરીરમાં પ્રવેશે છે. જો તેની ઈચ્છા પૂરી થઈ જાય તો તે કાળોછાયો કોઈ જાન હાનિ નથી કરતો. પરંતુ, જો ઈચ્છા પૂરી ન થાય તો એ આત્મા ભયંકર રુપ લઈ લે છે.
એવી જ એક અધૂરી ઈચ્છાવાળી આત્માની વાત હું આજે આપની સમક્ષ લઈને આવ્યો છું.
એક સુમસાન હવેલીમાં બે નવા જ ભાગીને લગ્ન કરેલા નવદંપતી રહેવા આવ્યા. આરોહી હજું સવારે જ ઘર છોડીને નીકળી હતી. લગભગ સાત વાગ્યે ભાગ્યોદય તેને કોર્ટમાં મળ્યો. તેમણે વકીલને વાત કરી અને બંને તેમના સાક્ષીમાં આવેલા મિત્રોની સહી લઈને, ત્યાંથી સો કિલોમીટર દૂર ભાગ્યોદયને મળેલ નવી બિલ્ડીંગના કામ માટે જર્જર હવેલીમાં રહેવા આવ્યાં. હવેલી કોઈ મોટા રાજાની હશે. તેવો ખ્યાલ તેની દિવાલ ફરતા ફોટાઓ અને સજાવટ જોઈને લાગી રહ્યું હતું.
લગભગ સાત-આઠ મીટર તેની ઊંચાઈ હશે. નીચે અને ઉપર ગણીને લગભગ પચ્ચીસ મોટા-મોટા રૂમ છે. તેવું ભાગ્યોદયને હવેલી બતાવનાર દલાલ કહી રહ્યો હતો અને પછી હવેલીની ચાવી આપીને તે છુટ્ટો થયો.
આખો દિવસ સો કિલોમીટરની દુરી કાપીને તે બંને થાકી ગયા હતાં. એટલે બહાર હોલમાં જ પડેલા સોફામાં બંને સૂઈ ગયા. સવારે ભાગ્યોદય વહેલો ઉઠીને બંને માટે કોફી બનાવીને લાવ્યો. આરોહીનો પોતાના પ્રેમ સાથે આ પહેલો દિવસ છે. એટલે ભાગ્યોદય પણ આજે કામ પર નથી જતો અને બંને એક-બે મજુરોને બોલાવીને હવેલીની સફાઈ કરાવી રહ્યાં હતાં.
“ભાઈ અહીંયા આજુબાજુમાં કોણ કોણ રહે છે.” આરોહી બોલી.
“મેડમ આ હવેલી ગામથી એક કિલોમીટર દૂર છે. તો તમારી સિવાય બીજું કોઈજ નથી રહેતું.” એક મજદૂર બોલ્યો. તેની પત્ની તેની વાત સાંભળીને ઠુંહો મારીને બોલી. “અરે... મેડમ કેમ ચિંતા કરો છો. અમે છીએને. જ્યારે જરૂર હોય ત્યારે કે’જો આવી જઈશું.” તેનો પતિ તેણીને આંખ બતાવી રહ્યોં હતો.
“હા તો અહીંયા એક કામવાળીની જરૂર છે. જે અહીંયા જ રે... જેથી મને પણ એકલું ન લાગે.” આરોહી બોલી.
“કામવાળી અને અહીંયા...” પેલો મજૂર ગભરાઈને બોલ્યો.
“હા કેમ! આવડી મોટી હવેલી છે અને આમ પણ એક રૂમ સિવાયના બધાંજ રૂમ ખાલી જ તો છે.”
આરોહી બોલી.
“હા..હા કેમ નય! મેડમ હું જ આવીશ.” મજુરની પત્ની બોલી.
“હા તો સામાન લઈને આજે જ આવી જાવ.” આરોહી પણ ઝડપથી બોલી. ભાગ્યોદયને થોડું ઉતાવળું લાગ્યું કેમકે, હજુ તેમની સુહાગરાત બાકી છે.
“હું અહીંયા નહીં રહું, પણ ગામમાંથી આવીશ.” મજુરની પત્ની બોલી.
“પણ ગામમાંથી એક કિલોમીટર ચાલીને આવવું, એ કરતાં તો તું અહીંયા જ તારા પરિવાર સાથે રહી જા.” આરોહી બોલી.
“ના..ના..મેમસાબ. અમે...” મજુર અડધું બોલીને અટકાઈ ગયો. પછી વિચારવા લાગ્યો અને મનોમન બોલ્યો. ‘કઇ દવ ના..ના... આમ પણ કામની તંગી છે. જો આ અહીં જ રહેશે, તો મારી તૃષાને તો કામ મળશે. પછી મારે શું એ...ન લેર પાણીને મોજ.’ મનોમન રટણ કરતો મજુર હસી રહ્યોં હતો. તેની પત્નીએ તેને સપનામાંથી બહાર લાવવા ફરી એક ઠુહો માર્યો અને બોલી.
“મેંમ સાબ હું અહીં તો નો રહીં શકું. પણ આપને ખાતરી આપું છું. રોજે વહેલા છ વાગ્યે આવી જઈશ’ને આપને મદદ કરીશ.”
આરોહીને થયું થોડી કામચોર હશે. એટલે જો અહીંયા રહે, તો રોજેરોજ ઉઠીને કામ કરવું પડે. પણ જો ગામમાંથી આવે તો બહાના મળી રે... આરોહી પાસે અત્યારે બીજો કોઈ રસ્તો ન હતો. આવડી મોટી હવેલી અને એમાં પણ એકલાં. આખો દિવસ તો ન જ જાય. એટલે તેણે તૃષાને હા પાડી દીધી.
પછી બધા ફરી કામમાં લાગી જાય છે. આખો દિવસના લગભગ ચાર રૂમ સાફ કર્યા અને બધાં જ થાકીને ટેહ થઈ ગયા.
“મેંમ સાબ હવે અમે જઈએ. કાલે આવીને બીજું કરી નાંખશું અને આમ પણ સાડા છ વાગ્યા સુધી અમે બીજે ક્યાંય કામ નથી કર્યું. આતો તમે સારા લોકો છો તો...” તૃષા બોલી.
“હા કાંઈ વાંધો નહીં, પણ કાલે વહેલા આવી જજે.” આરોહીએ કામવાળીને થોડી ભી મારતાં કહ્યું.
પછી તે બંને ચાલ્યા ગયા. આરોહી રસોડામાં ગઈ અને પોતાની સાથે લાવેલો થોડો ઘર વખરીનો સામાન લઈને તેને રાતનું જમવાનું બનાવ્યું. રાતે ભાગ્યોદય અને આરોહી ત્રણ નંબરના રૂમમાં સુતા. તેમને એ રૂમ ખુબ જ ગમ્યો હતો.
આરોહી ખુબ જ થાકી ગઈ હતી. તે ભાગ્યોદયની છાતી પર હાથ રાખીને સૂતી હતી. બંને થાક્યા હોવા છતાં એકબીજાની આંખોમાં આંખ નાખીને વાતો કરી રહ્યાં હતાં. થોડી જ વારમાં આરોહી નીચું જોઈ ગઈ અને શરમાઈને બોલી. “ધત... હું આજે થાકી ગઈ છું. તો મિસ્ટર મને ઘુરવાનું બંધ કરો.”
ભાગ્યોદય હસવા લાગ્યો. લગભગ રાતના બારેક વાગી ગયા હશે. બંને ઘોર ઊંઘમાં હતા. એ સમયે ધીમો અવાજ હવેલીના એક રૂમની અંદરથી આવી રહ્યોં હતો. “હું પણ આમ જ...” અને અટકાઈને એકદમ બારણું પટકાયું. ભાગ્યોદય થોડો જાગી ગયો પરંતુ તેને લાગ્યું કોઈ બિલાડી હશે કદાચ. ફરી સુઈ ગયો.
બીજે દિવસે વહેલી સવારે તૃષા આવી ગઈ અને અંદરથી બંધ હવેલીનો મોટા દરવાજાની બાજુમાં રહેલ ચાપ અડકીને ડોર બેલ વગાડ્યો. હવેલી આમ તો મોટી પણ એકદમ પેક હોવાથી ડોર બેલના પડઘા પડી રહ્યા હતા. ડોર બેલનો અવાજ સાંભળીને આરોહી અને ભાગ્યોદય બંને આંખો ચોળતા-મિચોળતા જાગી ગયા.
આરોહી ફ્રેશ થઈને સફેદ અને ઝીણો શર્ટ ટાઇપનો કુરતો અને નીચે સફેદ પેન્ટ પહેરીને બાથરૂમ બહાર નીકળી. ભાગ્યોદય આરોહીના ખુલ્લા અને પાણીથી લથપથ વાળ જોઈ રહ્યો હતો. ભાગ્યોદય તેના વાળમાં રહેલું પાણી આરોહીના કુર્તાની અંદર ટીપ... ટીપ... પડતું જોઈ રહ્યોં હતો. રૂમની અંદર બધી જ સુવિધા હોવાથી આરોહી ડાબીબાજુની દિવાલ પાસે ઉભી રહીને ઉભા અરીસામાં પોતાના વાળને રૂમાલથી લૂછી રહી હતી. ભાગ્યોદય એકટક થઈને આરોહીને જ જોઈ રહ્યો હતો. આરોહિની નજર અરીસામાં પડી કે, તેને પાછળ ઘુરીને બેઠેલા ભાગ્યોદયને જોયો અને હસી પડી.
“શું જોવો છો? ચાલો ઉભા થાવ અને ઓફિસે જવાનું છે હજું તમારે.” આરોહી હળવું મલકાઈ રહી હતી.
સવારના લગભગ દસ વાગ્યા હતા. કામચોર તૃષાનો પતિ બે રૂમ સાફ કરીને થાકી ગયો. એટલે ત્રણેય થોડો આરામ કરવા અટકાયા. આરોહી એક-એક રૂમની અંદર જઈ રહી હતી અને બધું જ ચેક કરી રહી હતી. પંદર રૂમ જોઈને તો એ પણ થાકી ગઈ. બધાએ બપોરે આરામ કર્યો. બે કલાકમાં તૃષાએ બીજા બે રૂમ સાફ કરી નાખ્યા. આરોહી તેનાથી ખુશ થઇ એટલે ચા બનાવી લાવી.
આમ દસ નંબરનો રૂમ સાફ કર્યાં બાદ આરોહી બોલી.
“બસ હવે બીજા કોઈ રૂમની જરૂર નથી. હું કામથી સખત થાકી ગઈ છું. અમારે માટે તો એક રૂમ પણ કાફી જ છે. મારા મિસ્ટરને મને હવેલીમાં રાખવાનું પહેલેથી સપનું હતું. બસ એટલે જ હું આવી.”
“હા મેમ સાબ, મારી પણ કેડ રઇ ગઈ. આહ...” તૃષાનો પતિ પોતાની કેડે હાથ રાખતો બોલ્યો. પછી તે બંને ચાલ્યાં ગયાં અને આરોહી રસોઈ ઘરમાં જઈને રસોઈ બનાવવા લાગી. લગભગ આરોહી રોટલી બનાવી જ ચુકી હતી અને એક છેલ્લી રોટલી ગેસ પર ચડી રહી હતી. એ જ સમયે ઉપરના રૂમમાંથી એક બારણા સાથે કોઈ વસ્તુ અથડાવવાનો અવાજ આવ્યો અને ઉપરથી એક સફેદ કબૂતર નીચે પડ્યું.
આરોહિની નજર તેના પર પડી અને ગેસ જેમ-તેમ બંધ કરીને ઘરની એકદમ વચ્ચે પડેલા સફેદ કબૂતર પાસે આવી પહોંચી. જોયું તો આખું લોહીથી લથબથતું હતું. તે પાંખો ફડફડાવે તો પણ લોહીના છાંટે-છાંટા ઉડી રહ્યાં હતાં. આરોહી તે જોઈ ન શકી, તેથી તેને પોતાની આંખો બંધ કરી દીધી. બરોબર એ જ સમયે ભગ્યોદય આવ્યો અને હજું પોતાની બેગ મૂકી ન મૂકી આરોહિની નીચે પડેલા લોહીને જોઈને એકદમ દોડ્યો.
“આરોહી...” દોડતા-દોડતા ક્યારે ચીસ નીકળી ગઈ તેને ધ્યાન જ ના રહ્યું. આરોહી એકદમ પાછળ ફરી અને ભાગ્યોદયે તેને પોતાની બાહોમાં સમાવી લીધી. એ સમયે ભાગ્યોદયની નજર નીચે પડેલા કબુતર પર પડી અને તેના મનમાં શાંતિ થઈ. મોટો શ્વાસ લઈને લાંબો નિસાસો છોડતા ભાગ્યોદય બોલ્યો.
“આરોહી તું ઠીક તો છે ને!”
આરોહીએ ફક્ત હકારમાં માથું હલાવ્યું અને પાછી તેના ગળે લાગી ગઈ. પછી તેને લઈને ભાગ્યોદય સોફા તરફ જાય છે. એ સમયે સોફા તરફ ફરતાની સાથે જ તેની નજર તે કબૂતરના સાથી ઉપર પડે છે. જોકે, ભગ્યોદયે તેના ઉપર વધુ વિશેષ ધ્યાન ન આપ્યું અને આરોહીને લઈને ચાલ્યો ગયો.
જેમ તેમ કરીને આરોહીને જમાડી અને રૂમમાં લઈ જઈને સુવરાવી દિધી.
***
આગળના ભાગ માટે વાંચતાં રહો. રૂમ નંબર 25.