અપશુકન - ભાગ - 5 Bina Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપશુકન - ભાગ - 5

અંતરા અને વિનીતનાં લગ્નને ત્રણ વર્ષ થયાં હતાં. લગ્ન બાદ જોબ છોડી દીધી હતી. વિનીત એક પ્રાઇવેટ બેંકમાં ઇન્શ્યોરન્સ ડિપાર્ટમેન્ટમાં જોબ કરતો હતો.
સસરા માધવદાસની કપડાંની દુકાન હતી. સ્વભાવે ખૂબ જ પ્રેમાળ, ખાવા અને ખવડાવવાના ખૂબ જ શોખીન.ચટપટી ચીજો તેમને બહુ જ ભાવે. તેમનો રોજ સાંજનો નિયમ, ગુપ્તાની તીખી- તમતમતી ભેલ ખાય તો જ તેમની સાંજ પસાર થાય. અઠવાડિયે એકાદવાર ઘરે પણ ડબ્બો ભરીને ભેલ લઇ જ આવે. અંતરા ના પાડે કે, ‘પપ્પા નથી ખાવી.’ તો તરત જ ખિજાય,
“કેમ નથી ખાવી દીકરા? અરે! બહુ ટેસ્ટી છે. તું એકવાર ખાઈ તો જો.” કહીને ધરાર પ્લેટ હાથમાં થમાવી જ દે.
સાસુ માલિનીબેન ઘરરખ્ખુ ગૃહિણી. થોડો સ્વભાવ ખટપટિયો. સાસુની ભૂમિકા બરાબર નિભાવે.પપ્પા ઘણીવાર તેમને રોકે ત્યારે માલિની બેન છણકો કરતાં કહે,
“એ કંઈ તમારી દીકરી નથી, વહુ છે, તેને વહુ જ રહેવા દો.” પણ મધવદાસ પત્નીની વાતને બહુ ગણકારે નહિ.
અચાનક વાગેલી ફોનની રીંગટોને અંતરાના વિચારોને પણ બ્રેક મારી. રૂમમાં અંધારું હતું એટલે મોબાઈલની સ્ક્રીન પર ‘વિનીત’ ક્લીયર વંચાતું હતું. અંતરાને વાત કરવાનું જરા પણ મન નહોતું છતાં તેણે ફોન ઉપાડ્યો.
“ સૂઈ ગઇ હતી?” વિનીતના અવાજમાં લાચારી રીતસરની વર્તાતી હતી. અંતરા એ મેહસૂસ કરી શકતી હતી, પણ તેની અંદરની માંનું હૃદય એ લાચારીને અનુભવવા તસ્સુભર તૈયાર નહોતું.
“ના, બોલ.” અંતરાએ થોડા નારાજગી ભરેલા સ્વર સાથે જ જવાબ આપ્યો.
“કંઈ નહિ... અમસ્તો જ ફોન કર્યો. જમીને રૂમમાં આવ્યો અને તને ફોન લગાડ્યો. તું જમી?” વિનીત જાણે પોતાના આંતરમનને થોડી સાંત્વના આપવા માગતો હોય તેવી રીતે પૂછતો હતો.
અંતરાએ ટૂંકો જવાબ આપ્યો; “હા”
વિનીત અંતરાનું મન ઘરેબેઠાં પણ બરાબર વાંચી શકતો હતો. અંતરા અંદરથી ખૂબ જ દુઃખી હતી, છતાંય ઉપરથી એકદમ નોર્મલ હોવાનો ડોળ કરી રહી હતી.
“કાલે હું ઓફિસે નથી જવાનો.બે દિવસની રજા લઇ લીધી છે. મેં ઓફિસે ફોન કરી દીધો છે એટલે કાલે સવારે હું ચા- નાસ્તો લઈને હોસ્પિટલે આવીશ” વિનીત પાસે વાત કરવા માટે કોઈ ટોપિક નહોતો એટલે જે હોસ્પિટલમાંથી નીકળવા સમયે બોલ્યો હતો, એ જ રીપિટ કરતાં બોલ્યો.
પણ અંતરાનું મન વિનીતની કોઈ પણ વાતમાં નહોતું ચોંટતું. તેના દિલોદિમાગ પર તેની દીકરી જ છવાયેલી હતી. એટલે તેણે ફટ દઈને કહ્યું, “હું ફોન મૂકું છું હવે.”
હજુ તો વિનીત સામેથી કોઇ જવાબ આપે એ પહેલાં જ અંતરાએ ફોન કટ કરી નાખ્યો. બે ઘડી એ એમ જ મૂઢ બનીને બેસી રહી, પણ તેનું મન દીકરીને જોવા તલપાપડ થઈ રહ્યું હતું. તે ફટ દઈને બેડ પરથી ઊભી થવા ગઇ, પણ શરીર દર્દથી કણસતું હતું. તેને આરામની જરૂર હતી, પણ મન દીકરી પાસે ક્યારનું પહોંચી ગયું હતું. તે પોતાની જાતને ઘસડતી- ઘસડતી પોતાના રૂમની બહાર નીકળીને ચારે તરફ નજર કરવા લાગી. તેની આંખો દીકરીને શોધી રહી હતી. જનરલ વોર્ડમાંથી એ પસાર થઇ ત્યાં બધાં જ લોકો સૂઇ ગયા હતા. અંધારું હતું એટલે બહુ દેખાયું નહિ.
જેવી અંતરા બીજા રૂમમાં આવી એવી તેને સામે સિસ્ટર દેખાઇ. અંતરાને ધ્યાનમાં જ ન રહ્યું કે પોતે ક્યારે 'સિસ્ટર’ કહીને બૂમ પાડી દીધી! સિસ્ટર થોડી અકળાઇ. આજુ- બાજુના બેડ પર સૂતેલા એક- બે લોકો ઊઠી પણ ગયા ત્યારે અંતરાને ભાન થયું કે તે થોડા મોટા અવાજે નહોતી બોલી, રીતસરની તેણે બૂમ પાડી હતી! તેનો ચહેરો કંઈક ખોટું કરવાના ભાવથી નીચે ઝૂકી ગયો, પણ તે બીજી જ ક્ષણે સિસ્ટરને પૂછવા લાગી,
“સિસ્ટર મુઝે મેરી બેટીકો દેખના હૈ...કહાં હૈ વો?”
પહેલાં તો સિસ્ટર અંતરા પર બહુ જ ભડકી,
“ક્યા હૈ? આટલી રાતે તું તારા બેડ પરથી ઊઠીને બહાર કેમ આવી? આરામ કર ને! બાળક ઉઠશે તો...” એટલું બોલતાં જ એ અટકી ગઈ. તેને યાદ આવ્યું કે આના ઘરના લોકોએ તો આને દીકરી આપી જ નથી! તરત જ સિસ્ટરના મોઢાના હાવભાવ બદલાઈ ગયા. છતાં પણ થોડા કરડાકી ભર્યા અવાજે જ બોલી,
“ક્યા હૈ તુમ લોગો કો? રાતકો ભી કિટ કિટ... ખુદ તો સોતી નહિ, દૂસરો કો ભી સોને નહીં દેતી.”
બોલતી બોલતી જ સિસ્ટર અંતરાને પોતાની સાથે આવવાનો ઈશારો કરતી ગઇ. નાનું બાળક જેમ પોતાની માંનો પાલવ પકડીને તેની પાછળ પાછળ ફરતું રહે તેમ અંતરા રીતસર તે સિસ્ટરની પાછળ ભાગવા માંડી. થોડા આગળ ગયા ત્યાં ડોર ઉપર લખેલું હતું ‘પ્રોહિબિશન એરિયા’
અંતરા જેવો દરવાજો ખોલવા ગઇ તેવો તરત જ સિસ્ટરે તેનો હાથ પકડી લીધો.પોતે દરવાજો ખોલ્યો અને અંતરાને અંદર આવવાનો ઈશારો કર્યો. નાનાં નાનાં બે ત્રણ ભુલકાં સફેદ રૂ જેવા કપડામાં વિંટાયેલાં ભર ઊંઘમાં સૂતાં હતાં. અંતરાએ આંખોથી જ સિસ્ટરને પૂછ્યું, ‘આમાં મારી દીકરી ક્યાં છે?’ સિસ્ટર જાણે અંતરાનો ઈશારો સમજી ગઇ હોય તેમ તેણે ડાબી તરફ આંગળી ચીંધી. કાચની પેટીમાં એ ભર ઊંઘમાં સૂતી હતી. અંતરા તે પેટીની નજીક ગઇ. ફુલગુલાબી ચહેરો, નાનકડા ગુલાબી હોઠ, સૂતાં સૂતાં તેના મોઢાના હાવભાવ ઘડી ઘડી બદલાતા હતા. નાની મુઠ્ઠી વાળેલો હાથ ઘડીક આંખ ચોળવામાં તો ઘડીક કાન પર ખંજવાળ કરવામાં તે હલાવી રહી હતી. અંતરા તેને એકીટશે જોતી જ રહી. તેનું મન બાવરું થઇ ગયું હતું. તેને દીકરીને પોતાના બે હાથમાં લેવી હતી. તેને છાતીસરસી લગાવવી હતી.જેવા અંતરાએ પોતાના બે હાથ તેની તરફ લંબાવ્યા કે તરત જ સિસ્ટર બોલી,
“બસ, દેખ લિયા ના? ચલ, અબ જાકે સો જા... આજે જ તારી ડિલિવરી થઈ છે. જો આરામ નહિ કરે તો તારી તબિયત ખરાબ થઈ જશે” કહીને સિસ્ટર અંતરાનો હાથ પકડીને તેને પોતાની સાથે જ રૂમની બહાર લઇ ગઇ. અંતરા કરગરવા લાગી,
“સિસ્ટર, એક મિનિટ, મેરેકો જી ભરકે દેખ લેને દો ઉસે.”
બોલતાં બોલતાં અંતરા સિસ્ટરે પકડેલા હાથને છોડાવવાની નાકામ કોશિશ કરતી રહી, પણ સિસ્ટર અંતરાને જબરદસ્તી તેના રૂમમાં છોડીને ‘બસ, અબ સો જા’ બોલીને ધડામ કરતો દરવાજો બંધ કરીને જતી રહી.
અંતરા ફરી પાછી બેડ પર બેઠી. દીકરીને જોયા બાદ તેના મનને ઘણી શાંતિ વળી.
‘કેટલી સરસ દેખાય છે મારી દીકરી! આવી દીકરીને તરછોડવાનું પાપ આ લોકો કરશે તો ભગવાન આ જનમમાં તો શું આવતા સાત જનમમાં પણ તેમને માફ નહિ કરે. અને હું આ પાપ થવા નહિ દઉં. કાલે કોઇ પણ હિસાબે વિનીતને અને ઘરના લોકોને મનાવીને જ રહીશ. કાલે હું મારી દીકરીને મારી પાસે લાવીને જ રહીશ!' અંતરાએ મનમાં ગાંઠ વાળી લીધી.
ક્રમશઃ
*** ***