પુનર્જન્મ - 31 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુનર્જન્મ - 31






પુનર્જન્મ 31

અનિકેતની જીપ ગામમાં પ્રવેશી ત્યારે ગામના ચોકમાં તૈયારી ચાલુ હતી. આખરે મોનિકા એક સેલિબ્રિટી હતી. એક તરફ સ્ટેજ બનાવ્યું હતું. ચારે બાજુ જાહેરાતોના હોર્ડિંગ્સ લાગેલા હતા. અનિકેત સીધો જ ઘરે આવ્યો.
મોનિકા એ જમવાનું એનિકેતના ઘરે રાખ્યું હતું. અનિકેતને એ સમજાતું ન હતું કે એના સ્વાગતમાં શું કરવું, જમવામાં શું બનાવવું? કેટલીક વસ્તુઓ તો એણે ઘરે આવતા રસ્તામાંથી જ લઈ લીધી હતી.
ઘર થોડું સરખું કર્યું. ઘર આમ તો દિવાળીના કારણે સજાવેલું જ હતું. જમવાનું મેનુ? એને શું ભાવતું હશે? આખરે એણે મેનુ નક્કી કર્યું. ફક્ત માસીને બાજરીના રોટલા અને રોટલીની તૈયારી રાખવાનું કહ્યું. એના જમવાના સમયે ગરમ ગરમ પીરસી શકાય. બીજી તૈયારી એણે કરી રાખી...

પણ પાછું મન મોનિકાના પ્રશ્ન પર જઈને અટકતું હતું. મિત્ર કે પ્રેમિકા... એક રીતે એની વાત સાચી હતી. આટલી સુંદર સ્ત્રીને વ્યક્તિ ક્યા રૂપમાં ચાહે.. !!

******************************

સાંજે છ વાગે ખડકીની બહાર કોલાહલ થયો. અનિકેતને અંદાઝ આવી ગયો કે મોનિકા જ હશે. એ ઉભો થઇ ખડકી ખોલી ઉભો રહ્યો. મોનિકા જાજરમાન ગાડીમાંથી ઉતરી.

બિલકુલ સાદા કપડાંમાં પણ એ સોહામણી લાગતી હતી. સફેદ કુરતો અને લેગીન્સ. સવાર કરતાં અત્યારે એ વધારે ફ્રેશ લાગતી હતી. બોડીગાર્ડ બહાર ઉભા રહ્યા.
' વેલકમ મોનિકાજી. '
' અનિકેત નો ફોર્માલિટી. '
' ઓહ... ઇટ્સ નોટ ફોર્માલિટી. '
જમનામાસી અને મગન આવ્યા. મોનિકા એક સાદી ચેર પર બેઠી. સામે એક ટીપોઈ મૂકી હતી. માસી પાણી લઈને આવ્યા. મગન દૂર ઉભો હતો.
' મગન, આવ. અહીં બેસ... '
મગન શરમાતો શરમાતો આવ્યો. અને સામે ખાટલા માં બેઠો. અનિકેત મોનિકાની સામે ખુરશીમાં બેઠો.
માસી પાણી લઈને આવ્યા...
' મોનિકાજી ગરબા રાત્રે સાડા આઠની આસપાસ ચાલુ થશે. અગિયાર વાગે પુરા થશે. તમને જમવાનું ક્યારે ફાવશે? '
' ગરબામાંથી આવીને જમીશું. '
' તો થોડીવાર પછી કોફી અને નાસ્તો ચાલશે? '
' યસ, શ્યોર. '
' નાસ્તામાં શું ફાવશે ? '
' કંઈ પણ.. '
માસી જોડે મોનિકા વાતો એ વળગી...

*********************************

સાડા સાત વાગે અનિકેત બટાકાપૌઆ અને કોફી લઈ આવ્યો. બધા એ સાથે નાસ્તો કર્યો..
' અનિકેત, મસ્ત નાસ્તો છે. હવે તારા હાથનો નાસ્તો ચુકાય નહિ. '
અનિકેત મોનિકા સામે જોઈ રહ્યો. સવારની ઉદાસી મોનિકાના ચહેરા પરથી દુર થઇ ગઈ હતી...
સાડા સાત વાગે મોનિકા માસીના ઘરે તૈયાર થવા ગઈ. અનિકેત ખાટલામાં આડો પડ્યો. એના મગજમાં વિચારોનું તુમુલ યુધ્ધ સર્જાયું હતું...

******************************

સવા આઠ વાગે બહાર થોડો અવાજ થવા લાગ્યો. થોડી વાર પછી ખડકીનો દરવાજો ખખડયો. અનિકેતે દરવાજો ખોલ્યો.
આખું ઘર દીવા અને રોશનીથી ઝળહળતું હતું.
મોનિકા નવરાત્રિ ના કપડાંમાં સર્વાંગ સંપૂર્ણ તૈયાર થઈ ઉભી હતી. ગ્રામ્ય સ્ટાઈલની ચણીયા ચોળી, બન્ને હાથમાં બંગડીઓ, આંગળીમાં પહોંચો. ખુલ્લા વાળ, વાળમાં લાંબી વેણી, ચહેરા પર હાર્ડ મેકઅપ, ખૂબ જ સુંદર લાગતી હતી મોનિકા.
ગામના આગેવાનો બહાર ઉભા હતા.
' અરે, અનિકેત તું હજી તૈયાર નથી થયો ? '
' તમે જતા આવો, બધા છે ને. મારી ઈચ્છા નથી. '
' અનિકેત તારા કહેવાથી હું આવી છું, આ ના ચાલે. '
' ઓ.કે... પાંચ મિનિટ.. '
અનિકેત કપડાં બદલી, માથું ઓળી બહાર આવ્યો. સાદું પેન્ટ અને ટીશર્ટ. મોનિકા કંઈ ના બોલી. એ જાણતી હતી. જે ગામમાં અનિકેત અપમાનિત થયો હતો ત્યાં એને બધાની વચ્ચે જવાનું હતું.
એ લોકો ગામ વચ્ચેથી પસાર થયા. મોનિકાએ જોયુ, આખું ગામ દિવાળીના દીવા અને રોશનીથી ઝગમગતું હતું. મોનિકાને આ ખૂબ ગમ્યું...

*******************************


ગામના ચોકને ખૂબ સરસ રીતે શણગાર્યો હતો. જાહેરાતો, લાલ લીલા પતાકા, ફુગ્ગાઓ, લાઈટની સિરિજો અને હેલોજન લાઇટોથી આખું મેદાન ઝગમગતું હતું. મોટા મોટા સ્પીકરોમાં કોઈ સંગીત પાર્ટી પર્ફોર્મન્સ કરી રહી હતી.

પુષ્કળ ગિરદી હતી. લોકો આજુબાજુના ગામથી ગરબા અને ખાસતો મોનિકાને જોવા આવ્યા હતા. પૂરતો પોલીસ બંદોબસ્ત હતો. મોનિકાના બોડીગાર્ડ એની આજુબાજુ ચાલતા હતા. અનિકેત પાછો પડતો હતો. પણ મોનિકા એ એનો હાથ પકડી લીધો હતો.

મોનિકાની સાથે બધા ચોકની નજીક પહોંચ્યા. પોલીસે લોકોને દૂર કરી રસ્તો બનાવ્યો હતો. મોનિકા અને બધા ત્યાં પહોંચ્યા. લોકો મોનિકાને જોવા પડાપડી કરતા હતા. પોલીસને એ લોકોને રોકવામાં ખૂબ તકલીફ પડતી હતી. મોનિકા બધાનું અભિવાદન જીલતી અનિકેતનો હાથ પકડી સ્ટેજ પર પહોંચી. સાથે ગામના આગેવાનો પણ હતા.

મોનિકાએ સ્ટેજ પર ઉભા રહી પબ્લીક તરફ હાથ હલાવીને અભિવાદન કર્યું. મોનિકા એક ખુરશીમાં બેઠી. એણે અનિકેતને પોતાની બાજુની ખુરશીમાં બેસાડ્યો. બીજી ખુરશીઓમાં ગામના આગેવાનો બેઠા. ફોટોગ્રાફર ફટાફટ ફોટા પાડી રહ્યો હતો.

સરપંચે માઇકમાં મોનિકાનો પરિચય આપ્યો. અને મોનિકાને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવા ગામના આગેવાન એવા બળવંતરાય ને આમંત્રણ આપ્યું. અનિકેતને એ નામ કાનમાં અથડાયું. બળવંતરાય... સ્નેહાના પિતા... પણ એ ચિંતા રહિત હતો. એણે મોનિકાને બધી વાત કરેલ હતી. એટલે કોઈ પ્રોબ્લેમ ન હતો.
બળવંતરાય હાર લઈ આગળ આવ્યા. એમની નજર એક પળ અનિકેત પર પડી. મોનિકા ઉભી થઇ અને બળવંતરાયે મોનિકાને હાર પહેરાવી સ્વાગત કર્યું. બધાએ તાળીઓ પાડી મોનિકાને વધાવી લીધી. હવે મોનિકાએ પ્રવર્ચન આપવાનું હતું. પણ મોનિકા એ થોડી વાર પછી પ્રવર્ચન આપવાનું કહ્યું. અને ગરબા ચાલુ થયા...
મોનિકા એ પાર્ટીઓ, ક્લબો અને ફાર્મહાઉસના ગરબા બહુ જોયા હતા. પણ આ ગ્રામ્ય ગરબા પહેલીવાર જોયા. પૈસા રૂપિયાના ઘમંડ વગરની બાળાઓ પોતાની રીતે જેવું તૈયાર થવાય એવું તૈયાર થઈ ગરબે ઘુમતી હતી. મોનિકાને ગરબા ખૂબ ગમ્યા. ત્યાં સ્ટેજ પર વૃંદા આવી. એ મોનિકાના ગરબા જોવા અને મોનિકાને મળવા માસીના ઘરે આવી હતી.
એ મોનિકાને મળી. સ્પીકરના અવાજમાં વાત શક્ય ન હતી. એ હાથ મિલાવી ખુશ થઈ સ્ટેજ પરથી ઉતરી ગઈ અને ગરબે ગુમવા લાગી. અનિકેતને સ્નેહા યાદ આવી ગઈ. એ પણ આવી રીતે જ તૈયાર થતી અને ગરબે ઘુમતી હતી....

' અનિકેત. '
મોનિકા સ્હેજ અનિકેત તરફ નમી એના કાનમાં બોલી..
' અનિકેત, તેં મારી વાતનો જવાબ ના આપ્યો. હું આજે જવાબ લીધા વગર નહિ જાઉં. '
અનિકેતે જોયું, મોનિકાના ચહેરા પર મક્કમતા હતી. અનિકેત પણ ઇચ્છતો હતો કે એકલામાં આ વાત ના ચર્ચાય તો સારું. આ જગ્યા ઉચિત હતી. બધાની વચ્ચે કોઈ ચર્ચા નહિ થાય.
અનિકેતે શર્ટના ગજવામાંથી બે કવર કાઢી મોનિકા ને આપ્યા. મોનિકા એ જોયું એક કવર પર ઓપશન નમ્બર 1 અને બીજા કવર પર ઓપશન નમ્બર 2 લખ્યું હતું.
કવર સીલ બંધ હતા. મોનિકા એ કવર ખોલીને જોયું અને મોનિકા એ અનિકેત તરફ નજર કરી, અનિકેત ગરબા જોઈ રહ્યો હતો....

(ક્રમશ:)

24 સપ્ટેમ્બર 2020