ઘર - (ભાગ - ૧૫) Pooja Bhindi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર - (ભાગ - ૧૫)




પ્રીતિનાં હૃદયમાં ફાળ પડી ગઇ. તે ધીરે -ધીરે હોલમાં આવી. ત્યાં સ્મૃતિબેન હૈયાફાટ રુદન કરી રહ્યાં હતાં. પ્રીતિએ નીચે સુવડાવેલ શરીર પર પડ્યું.

“કિરણ”.પ્રીતિ ચિલ્લાઈને કિરણનાં નિશ્ચેતન દેહ સામે ભાંગી પડી.
...

કિરણનાં મૃત્યુને છ મહિના જેટલો સમય થઇ ગયો હતો. આ અણધારાં ઘાથી પ્રીતિ અને તેનો આખો પરિવાર તૂટી ગયો હતો. પણ બધાએ હવે પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી.

પ્રીતિ વિનયભાઇ અને સ્મૃતિબેનનાં રૂમમાં ગઇ.

“પપ્પા, તમે હા પાડો તો આપડે બધાં થોડો સમય પેલાં ઘરે જઇ આવીએ?”

“બેટા, અમારું તો હમણાં ક્યાંય મન નથી લાગતું. એક કામ કર તું અને ક્રિતી થોડો સમય ત્યાં રહી આવો. હું તમારી સિક્યોરિટીની વ્યવસ્થા કરું છું.”વિનયભાઇએ કહ્યું.

બીજા દિવસે સવારે પ્રીતિ અને ક્રિતી એ ઘરે પહોંચ્યા.ઘરમાં આવીને પ્રીતિ બધું જોવા લાગી. એ ઘરમાં રહેલ બધી વસ્તુઓ સાથે કિરણની યાદો જોડાયેલી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયાં પણ ક્રિતીનો વિચાર આવતાં તેણે હળવેથી પોતાનાં આંસુ લુછી નાંખ્યા.

“ભગવાન શું તે મારાં ભાગ્યમાં બધાનો અધુરો સાથ જ લખ્યો છે?”પ્રીતિ મંદિર સામે જોઇને બોલી ઉઠી.

નાનકડી ક્રિતી દોડીને ગાર્ડનમાં ગઇ અને ત્યાંથી ફુલો લઇ આવી ભગવાનને ચઢાવ્યા. પછી પોતાની આંખો બંધ કરી પ્રાર્થના કરી.

“હે ભગવાન,અમે જલ્દી ડેડીને મળવાં જઇએ.”

“ક્રિતી, એમ ના બોલાય.”પ્રીતિએ થોડાં ઉંચા અવાજે કહ્યું.

“મમ્મા શું તને ડેડીને મળવાની ઉતાવળ નથી?”માસુમ ક્રિતીએ પુછ્યું.

“બેટા, ડેડી ત્યાં કામમાં હોય અને આપણે ત્યાં જાય તો પછી ડેડીને ડિસ્ટર્બ થાય.એટલે આપણે ત્યાં ન જઈ શકીયે.પણ આપણે એમ પ્રાર્થના કરીએ કે ડેડી જ્યાં હોય ત્યાં ખુશ હોય.”પ્રીતિ અને ક્રિતી બંનેએ આંખ બંધ કરીને પ્રાર્થના કરી.

તેઓ અહીં આવ્યાં એને અઠવાડિયા જેટલો સમય થયો હતો. રાત્રીનાં અઢી વાગ્યાં હતાં. પ્રીતિ અને ક્રિતી ઉપરનાં રૂમમાં સૂતાં હતાં. તેમનાં ઘરનો ડોરબેલ વાગ્યો.

“અત્યારે કોણ હશે?”પ્રીતિએ વિચાર્યું.ત્યાં જ તેનાં મોબાઇલની રિંગ વાગી અને સ્ક્રીન પર એક નામ દેખાણું.
“આ સમયે કેમ ફોન કર્યો હશે?”.પ્રીતિએ મોબાઇલમાં નામ વાંચીને કહ્યું.


સવારનાં દસ વાગ્યાં હતાં.ઓફિસમાં રજા હોવાથી અનુભવ હોલમાં બેસી છાપું વાંચી રહ્યો હતો. મીલી તૈયાર થઇને નીચે આવી અને અનુભવને કહ્યું, “અનુભવ, આજે બપોરે હું મારી સહેલીઓ સાથે જમવાની છું. તો હું હવે નીકળું?”

“હા, તું જઇ આવ. હું બહારથી પાર્સલ મંગાઇ લઈશ.”

“ઓકે બાય.ધ્યાન રાખજો.”મીલીએ કહ્યું અને તે હોલમાંથી બહાર નીકળી. પણ જતાં પહેલાં તે સ્ટોરરૂમ તરફ જોતી ગઇ જે અનુભવથી છૂપું ન રહ્યું.”

મીલી જેવી ઘરની બહાર નીકળી કે તરત જ અનુભવે ઘરનો દરવાજો બંધ કરી દીધો અને સ્ટોરરૂમ તરફ નજર કરીને કહ્યું, “પ્રીતિ, આજે તો તારે મારાં પ્રશ્નોનાં જવાબ આપવા જ પડશે.”

અનુભવે સ્ટોરરૂમનું બારણું ખોલ્યું અને અંદર ગયો. તેણે ચારેકોર નજર ફેરવી.

“પ્રીતિ, મારે તારી સાથે વાત કરવી છે.”અનુભવે કહ્યું. એક પવનની લહેર તેનાં ચહેરાને સ્પર્શીને ચાલી ગઇ.

“મને ખબર છે, તું અહીં જ છો.તો પછી તું મારી સામે કેમ નથી આવતી?”અનુભવે પુછ્યું.તેને પોતાની પાછળ કોઇક ઉભું હોય એવો અહેસાસ થયો. તે ધીરે- ધીરે પાછળ ફર્યો. પણ તેને કોઇ ન દેખાણું.

“પ્રીતિ, શા માટે મને તડપાવસ?પ્લીઝ,મારી સામે આવ. મારે તારી મોત પાછળ છુપાયેલું રહસ્ય જાણવું છે. મારે જાણવું છે કે તે શા માટે તારી દીકરી સાથે આત્મહત્યા કરી?”

અચાનક સ્ટોરરૂમનો દરવાજો ખુલી ગયો અને સ્ટોરરૂમમાં જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો. એ પવન એટલો વધારે હતો કે અનુભવ દરવાજા તરફ ધકેલાયો. અનુભવે દરવાજા પાસેનું ટેબલ પકડી અંદર આવવાનો પ્રયત્ન કર્યો અને મહામહેનતે અંદર આવ્યો.

“પ્રીતિ, તું ગમે તે કર. પણ આજે તો તારે મને સચ્ચાઈ જણાવવી જ પડશે.”અનુભવે હાંફતા કહ્યું.

“ઠીક છે, તું એમ નહીં માને.”અનુભવે પોતાનાં ખિસ્સામાંથી કટર કાઢ્યું અને પોતાની હથેળી પાસે લઇ ગયો. પણ હજી તો કટર અનુભવની હથેળીને અડે એ પહેલાં તો આપમેળે હવામાં ઉડી ગયું અને બારીમાંથી બહાર પડી ગયું.

“પ્રીતિ, તું અત્યારે મારી સાથે છો. પણ યાદ રાખજે બધો જ સમય તો મારી સાથે નહીં રહી શકેને?પ્લીઝ, મારી સામે આવ.”અનુભવે કહ્યું અને પોતાનાં ખિસ્સામાંથી પેન કાઢી ફટાફટ પોતાની હથેળીમાં મારી દીધી. અનુભવની હથેળીમાંથી લોહી વહેંવા લાગ્યું.

“ચાલ્યો જા.”અનુભવને કાને અવાજ અથડાયો.અનુભવે કોઇ દેખાશે એ આશા સાથે સામે જોયું પણ તેને સામે કોઇ જ દેખાયું નહીં.

અનુભવે પેનથી પોતાની હથેળી પરનો ઘા ખોતર્યો.અચાનક તેની પેન ઉડીને સામે ઉભેલ વ્યક્તિનાં પગ પાસે પડી.અનુભવે ધીરે-ધીરે ઉપર જોયું.


...


વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.તમારો અભિપ્રાય મને આગળ લખવાની પ્રેરણા પુરી પાડે છે.)
અન્ય રચનાઓ : ૧) અભય (a bereavement story) (પૂર્ણ)
૨) દ્રૌપદી (ચાલુ)
3) મારાં સાન્તા