ભ્રમ Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભ્રમ

ભ્રમ


નિધિ ચાલી ગઈ. પ્રેમલગ્ન કરે લગભગ અઢી વર્ષ થયા હતાં. અમર અને નિધિ કોલેજમાં સાથે હતા. પ્રથમ વર્ષે જ અમરને નિધિ ગમી ગઈ. અમરને લગભગ એક વર્ષ તો નિધીને ઈમ્પ્રેસ કરવામાં ગયું. પણ આખરે એને નિધિ મળી. બાકીના બે વર્ષ બન્ને સાથે ખૂબ ફર્યા. સફળ , ઉજ્જવળ લગ્નજીવનના સ્વપ્નાં જોયા.
કોલેજ પત્યા પછી અમર જોબ પર લાગ્યો. નિધિ પણ અલગ જગ્યાએ જોબ પર લાગી. પણ બન્નેનો મળવાનો સિલસિલો ચાલુ રહ્યો. આખરે એ સમય પણ આવી ગયો કે લગ્ન કરવા પડે.
અમરના ઘરે સમજાવતા થોડી તકલીફ પડી. કેમકે અમરની માતાની ઇચ્છા એમના ઓળખીતાની કન્યા લાવવાની હતી. પણ અમરની જીદ સામે એમણે જુકવું પડ્યું. સામાન્ય ધામધૂમથી બન્નેના લગ્ન થયા.
લગ્ન પછી મિડલ કલાસના વ્યક્તિએ ક્યાં ફરવા જવાનું હોય ? મહત્વ સ્થળનું હોતું નથી , વ્યક્તિનું હોય છે. મનગમતી વ્યક્તિ સાથે નજીકનું આંન્દદાયક સ્થળ પણ ખૂબ જ મજેદાર હોય છે. પણ મનગમતી વ્યક્તિનો સાથ ના હોય તો દુનિયાનું શ્રેષ્ઠ સ્થળ પણ આનન્દ આપતું નથી.
અમરને સંકોચ થતો હતો. માઉન્ટ આબુ ..... એ તો કોઈ હનીમૂન માટેની જગ્યા છે ? નિધિ અમરના મનની વાત સમજતી હતી. નિધીએ અમરને સમજાવ્યો કે સ્થળ અગત્યનું નથી , આપણો સાથ અગત્યનો છે. અમર પોતાની જાતને ધન્ય માનવા લાગ્યો. એને એવું લાગ્યું કે એ સ્વર્ગમાં છે.
પણ એ એના મનનો વહેમ હતો. વાસ્તવિકતા જીવનપથ પર સાથે ચાલતા આવતા પ્રશ્નોનો સામનો કેવી રીતે કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે.
ત્રણ જ મહિનામાં સમસ્યાઓનો સિલસિલો ચાલુ થઈ ગયો. નિધિ સાંજે છ વાગે જોબ પરથી છૂટતી હતી. ઘરે આવતાં આવતાં સાત વાગી જતા હતા . અને સાંજે થાકીને આવેલી નિધિ માટે જમવાનું બનાવવાનું પણ બાકી રહેતું. પછી બીજા કામ તો ખરા જ. સવારે ટિફિન પણ જાતે જ બનાવવાનું .
શરૂઆતમાં નિધીએ બધું ચલાવી લીધું. પણ ધીરે ધીરે એ થાકવા લાગી. એણે અમરને ફરિયાદ કરી. આમ તો એ ફરિયાદ કહેવાય જ નહીં , પોતાની તકલીફની પતિને જાણ કરી . પણ સાસરે એને ફરિયાદ જ કહેવાય.
અમરે એ વાત ઘરમાં કરી અને શરૂ થયું મહાભારત. મધુર , રંગીન જીવનના સહજ સ્વપ્નાંના પતનની એ દિવસે શરૂઆત થઈ.
" નિધિ કોઈ એકલી નોકરી નથી કરતી. બીજી સ્ત્રીઓ પણ નોકરી કરે છે. અને ઘરનું કામ કરે છે તો નવાઈ કરે છે. તમે હુતો અને હુતી એકલા રહેતા હોત તો કામ કોણ કરત ? "
અમરને એ વાત સાચી લાગી કે એ અને નિધિ એકલા રહેતા હોત તો કામ કોણ કરત? નિધિ જ કરત ને ? નિધિ પડખું ફેરવીને સુઈ ગઈ.
બે શરીર એક જાન વચ્ચે એક તિરાડ પડી. અને રોજ બરોજ એ તિરાડ વધતી ગઈ . ક્યારેક જે તકલીફ માટે ફરિયાદ કરી હોય એ ફરિયાદની પીડા કરતાં , પોતાનો સ્નેહી પોતાને ના સમજે એની પીડા વધારે હોય છે. અને એ પીડા અસહ્ય હોય છે. અમર તરફથી મળેલ પ્રતિભાવ નિધીને મુંઝવતો હતો. એ મુંઝવણ ધીરે ધીરે વધતી ચાલી. આખરે નિધિ થાકી. આવી મુંઝવણ કરતાં મુક્ત થવું સારું , અને એ ચાલી ગઈ.
છ મહિના ઉપરનો સમય વીતી ગયો. અમરને નિધિ યાદ આવતી. ઘરનો નિત્યક્રમ તો એજ હતો પણ ફક્ત કામ કરનાર બદલાયા હતા. હવે નિધિની જગ્યાએ અમરની માતા કામ કરતી હતી.
અમરને વિચાર આવતો હતો કે માતા અત્યારે કામ કરે છે એમ એ સમયે નિધીને થોડી મદદ કરતી તો ? માતા જોબ કરતી નહતી . એ વાત સાચી કે માતાની ઉંમર થઈ છે , એ આરામ માગે , પણ નિધિની વાત સાવ ખોટી નહતી.
અમરને એ અહેસાસ પણ થયો કે કાશ પોતે નિધિની વાત સાથે થોડો સહમત થતો તો નિધિના મનને હાશ થતી.
અમરને વિચાર આવતો હતો કે પહેલાં એને આ વાત કેમ ના સમજાઈ ? કદાચ પરિસ્થિતિઓ એના માટે જવાબદાર રહેતી હશે. ચગડોળમાં બેઠા પછી ચગડોળ ઉપર જાય તો કંઈક અલગ દેખાય , ચગડોળ નીચે આવે તો કંઈક અલગ દેખાય.
અમરે પડખું ફેરવ્યું. શું આવા વિચારો એ પોતાનો ભ્રમ છે કે પહેલાં નિધિની વાત ના સમજાઇ એ પોતાનો ભ્રમ હતો ?

સંપૂર્ણ.....

13 સપ્ટેમ્બર 2021