નવી યાત્રા Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવી યાત્રા

નવી યાત્રા

કોઈ જોર જોરથી બારણું ખખડાવતું હતું. એ આંખો ખોલવા માંગતો હતો , પણ આંખો ખુલતી ન હતી.એ ઉભા થવાની કોશિશ કરી રહ્યો હતો. પણ એ કંઇ પણ કરવા અસમર્થ હતો. એણે જોયું, બન્ને તરફની દિવાલોમાંથી ભાલા જેવા સળિયા બહાર આવ્યા હતા. અને હવે બન્ને બાજુની દિવાલો ખસતી ખસતી પોતાની તરફ આવી રહી હતી. હવે એનું શરીર એ ભાલાઓથી છેદાવાનું નક્કી હતું. એ બુમો પાડવા માંગતો હતો. પણ ગળામાંથી અવાજ નીકળતો જ ન હતો. દિવાલો નજીક આવતી ગઈ. બન્ને બાજુના ભાલાની અણી એના શરીરને અડી અને.....
અને એની આંખ ખુલી ગઈ. શરીર પરસેવાથી રેબઝેબ હતું. નાનકડા મંદિરમાં રહેલા નાનો બલ્બનો આછો ઉજાસ ઘરમાં ફેલાઇ રહ્યો હતો. મનને બીક લાગતી હતી. ક્યાંક પાછી દિલાલો આવીને ભીંસી ના નાખે. મંદિરમાં મુકેલા માતાજીના ફોટા તરફ જોયું અને મન કંઈક આશ્વસ્ત થયું. એ ઉભો થયો. ગળામાં શોષ પડતો હતો. પાણિયારા પર મૂકેલ માટલામાંથી પાણી લઈ પીધું. અને દરવાજો ખોલી બહાર નીકળ્યો.
બહાર ઠંડી ઘણી હતી. એટલે જ એ ઘરમાં સૂતો હતો. નહિ તો એ હંમેશા બહાર જ સૂતો હતો. એની નજર બાજુની ઓસરી પર ગઈ. કરસનનો ખાટલો ઉભો કરેલો હતો. કદાચ એ ખાટલો હંમેશા ઉભો જ રહેશે.
કરસન એનો નાનપણનો મિત્ર હતો. જયાં સુધી એને નોકરી નહોતી મળી ત્યાં સુધી બન્ને સાથે જ રહ્યા. આખા ગામમાં બન્ને રામ લખનની જોડી જ કહેવાતા. પણ કરસનને ભણતર ના ચડ્યું. અને કરસને ખેતી અને પશુપાલનનો ધન્ધો સ્વીકારી લીધો. અને એને નોકરી મળી એ પણ બહાર ગામ. કરસન એ વખતે ખૂબ રડ્યો. એ પણ ખૂબ રડ્યો. પણ એની પાસે કોઈ બીજો રસ્તો ન હતો એટલે હદય પર પથ્થર મૂકી એણે ગામ છોડ્યું.
બન્નેના લગ્ન આગળ પાછળ થયા. અને પત્નીને લઈને એ નોકરી માટે નાનકડા ટાઉનમાં ગયો. પ્રસંગોમાં અને રજામાં ગામ આવતો. ત્યારે કરસન બધા કામ પડતા મૂકી એની આગતાસ્વાગતામાં લાગી જતો. બન્નેને બે બે બાળકો થયા. દીકરો અને દીકરી. બન્ને એ પોતાના બાળકોને યોગ્ય સમયે પરણાવ્યાં અને જવાબદારી માંથી મુક્ત થયા. બન્નેના દીકરા દીકરી પરણીને શહેરમાં સ્થાઈ થયા હતા.
અને એ રિટાયર્ડ થયો. છ વર્ષ પહેલાં, અને જે કાર્યસ્થળે એણે જીવનના 30 વર્ષ કાઢ્યા હતા એને ભારે હદયે અલવિદા કરી વતનમાં પાછો આવ્યો. વતનની માટી પાસે... પૂર્વજોના ખોરડામાં , પોતાના સગા પાસે , પોતાના ગામવાસીઓ પાસે અને ખાસ તો પોતાના દોસ્ત કરસન પાસે...
પોતે હવે રિટાયર્ડ હતો. કોઈ કામ ન હતું. પણ કરસનને જીવન જીવવા ઘણું કામ કરવું પડતું. એ કરસનની જોડે જતો. એને કંઈક મદદ કરતો. એમ બન્ને મિત્રો સાથે રહેતા. એનું જીવન કરસનની આજુબાજુ ફરતું.
છ મહિના થયા અને એની પત્નીનું ટૂંકી માંદગીમાં અવસાન થયું. એ પડી ભાંગ્યો. શહેરથી પુત્ર અને પુત્રવધુ , દીકરી અને જમાઈ આવ્યા. પત્નીની વિધિ પતી ગઈ. પુત્ર અને પુત્રવધુ એ શહેરમાં એમની સાથે જવા ખૂબ આગ્રહ કર્યો પણ એ તૈયાર ન થયો.
કરસન સાથે જીદંગી ચાલતી રહી. બીજા બે વર્ષ થયાં અને કરસનની પત્નીનું અવસાન થયું. કરસન પણ શહેરમાં પુત્ર પાસે ના ગયો. બન્ને મિત્રો એ જમવાનું , ઘરકામનું શિડયુલ ગોઠવી દીધું હતું. જીવન એમ ચાલતું રહ્યું......
*************************

મહોલ્લાનો બધો યુવા વર્ગ શહેરમાં સ્થાઈ થઈ રહ્યો હતો. કોઈને ગામમાં રહેવું જ ન હતું. એમની પાછળ એક પછી એક ઘર બંધ થતાં ગયા. છેલ્લે ખૂણાના બે ઘર , એક આનું અને બીજું કરસનનું ખુલ્લું રહ્યું. અને બીજા બે ઘર મહોલ્લાની શરૂઆતમાં ખુલ્લા રહ્યા. બાકીના 26 ઘર બંધ થઈ ગયા. એક સમયે હર્યો ભર્યો રહેનારો મહોલ્લો સુનો થઈ ગયો. સમયની ઉધઈ ધીરે ધીરે મહોલ્લાને ખતમ કરતી જતી હતી.
************************

છતાં એને કોઈ ખાસ ફરક ના પડ્યો. કેમકે એનું જીવન એના મિત્ર કરસન સુધી સીમિત હતું. પણ એને ખબર ન હતી કે સમય ની ઉધઈ ધીરે ધીરે એની તરફ આવતી હતી.
દસ દિવસ પહેલાં કરસન બીમાર થયો. સામાન્ય તાવ હતો. દવા લાવ્યાના છ દીવસ પછી પણ કરસનનો તાવ ન ઉતર્યો. બાજુના ગામના ડોકટરે કરસનને શહેરમાં મોટા ડોકટરને બતાવવા જવાનું કહ્યું. કરસને ત્યાંથી જ એના છોકરાને ફોન કર્યો. અને સાંજે એનો પુત્ર ફોર વ્હીલર લઈ લેવા આવ્યો.
***********************

એનું મગજ સુન્ન થઈ ગયું હતું. કરસન જઇ રહ્યો હતો. કરસનનો સામાન પેક થયો. બધો સામાન કરસનની પુત્રવધુ ગાડીમાં મૂકી આવી. કરસનને ચાલવામાં તકલીફ થતી હતી. કરસનને એના પુત્રએ હાથમાં ઉઠાવી ગાડીમાં લઇ જઇ બેસાડ્યો.
કરસનના ઘરને તાળું લાગ્યું. એ જોઈ રહ્યો. એ તાળું કરસનના ઘર પર નહિ પણ પોતાના જીવન પર લાગ્યું હોય એવું લાગ્યું. કરસનની ઈચ્છા ગામના પાદરે આવેલા મંદિરમાં માતાજીના દર્શન કરીને જવાની હતી. કરસનને લાગતું હતું કે તે હવે પાછો નહિ આવે. કરસને મંદિર સુધી એને જોડે આવવાનું કહ્યું. એ ગાડીમાં બેસી ગયો.
મંદિર પાસે ગાડી ઉભી રાખી. કરસનને એના પુત્રએ મંદિર માં લઇ જઇ દર્શન કરાવ્યા. અને કરસન એને ગળે વળગી રડ્યો. એ પણ ખૂબ રડ્યો. અને ગાડી કરસનને લઈ રવાના થઈ. જ્યાં સુધી ગાડીની ધૂળ ઊડતી રહી એ ગાડીને જતી જોઇ રહ્યો. એને એવું લાગ્યું કે ગાડી કરસનને નથી લઈ ગઈ પણ એની જીદંગીને લઈ જતી રહી છે....
એ હતાશ થઈ ગયો. એના શરીરમાં ઉભા રહેવાની તાકાત ન હતી. એ પાદરે આવેલા ઓટલા પર બેસી ગયો.
આખરે એ ઉઠ્યો. અને ઘર તરફ ઘસડાતો હોય તેમ ચાલ્યો. એને એવું લાગ્યું આખું ગામ એક ભૂતિયું નગર છે. ગામમાં એના સિવાય કોઈ છે જ નહિ. એના ચહેરા પર નૂર ન હતું. પગમાં તાકાત ન હતી. એ ઘરે આવ્યો. અને ઘર બહારના ખાટલાને ઢાળ્યો. અને કરસનના બંધ ઘરને જોતો લસ્ત થઈને ખાટલામાં ઢળી પડ્યો.
**************************
ચાર દિવસ થઈ ગયા. મહોલ્લાના શરૂઆતમાં રહેતા કાકાના છોકરાની વહુ પાણી અને બે ટાઈમ જમવાનું આપી જતી. પણ એ હારી ગયો હતો. હવે શું ? એક મન થયું દીકરાને ફોન કરી એના ઘરે જતો રહું. પણ પછી યાદ આવ્યું કે પત્નીના અવસાન બાદ કેટલીય વાર પુત્ર એના ઘરે આવવા કહેતો. પણ પોતે ક્યારેય તૈયાર ના થયો. ઉપરથી એની મઝાક કરતાં કહેતો ,
' ત્યાં ડુપ્લીકેટ ખાવાનું અને બંધિયાર ઘરોમાં રહેવાનું ના ફાવે. '
તો હવે એના ઘરે કેવી રીતે જવાય. અંતરમનમાં ક્યાંક અહમનો કીડો ઉભો થઇ ગયો.
હજુ તો સવાર પડવામાં ઘણી વાર હતી. બહાર ઠન્ડી ઘણી હતી. એ ઘરમાં ગયો. બારણું બંધ કર્યું. અને ખાટલા માં આડો પડ્યો... મંદિર ની લાઈટ ના આછા અજવાળામાં એની નજર એની ધર્મપત્નીના ફોટા તરફ ગઈ. અને એક નિશ્વાસ નીકળ્યો. ' તું તો જતી રહી , પણ મને નોંધારો કરીને ગઈ. કાશ મને પહેલા મોકલતી. '
કેટલીય વાર વિચારોનો વંટોળ એને સતાવતો રહ્યો. આખરે એને ઉંઘ આવી ગઈ.
****************************

કોઈ જોર જોરથી બારણું ખખડાવતું હતું. કોઈ વ્યક્તિ આટલું જોરથી બારણું થોડું ખખડાવે? એ કંઇક ગુસ્સા સાથે ઉભો થયો. બહારનું અજવાળું બારણાં અને બારીની તિરાડમાંથી અંદર આવતું હતું. એણે બારણું ખોલ્યું. સામે પુત્ર અને માથે ઓઢી પુત્રવધુ ઉભા હતા. એનો નાનકો દાદાજી કરીને પગમાં વળગી ગયો.
' અરે નાનકા , તું તો દેખાયો જ નહિ. ' એમ કહી નાનકાને એણે તેડી લીધો. અને એ અંદર આવ્યો. પુત્ર અને વહુ પગે લાગ્યા. એ ખાટલામાં બેઠો. નાનકો મસ્તી એ ચડ્યો હતો. બધા કહેતા કે નાનકો એના ઉપર ગયો છે. એને એનામાં પોતાનું બાળપણ દેખાયું. વહુ એ પૂછ્યું.
' બાપુ , ચ્હા બનાવું ? '
' હા , બનાવ. હું બ્રશ કરી લઉં. '
નાનકાને લઈને એ બ્રશ કરવા બેઠો. બ્રશ કરીને આવ્યો એટલે ચ્હા અને પુત્રએ લાવેલો નાસ્તો તૈયાર હતો. બધા સાથે ચ્હા નાસ્તો કરવા બેઠા. પણ પિતા પુત્ર વચ્ચે એક મૌનનું આવરણ થઈ ગયું હતું. નાસ્તો કરી એ દૈનિક ક્રિયા કરવા ચાલ્યો ગયો. ઘણા સમયે એને ઘર હર્યું ભર્યું લાગ્યું. એ તૈયાર થઈને આવ્યો ત્યારે એનો પુત્ર અને નાનકો ઘરમાં ન હતા.
' વહુ , નાનકો ક્યાં ગયો ? '
' તમારા દીકરા જોડે મંદિરે ગયો. '
વહુ જમવાનું બનાવતી હતી. ઘણા સમયે ઘરમાં કુકરની સિટીનો અવાજ આવતો હતો. એ ભગવાનને દીવો કરી બહાર ઓસરીમાં જઈને બેઠો. દાળભાતનું કુકર બંધ કરી વહુ શાક લઈ બહાર આવીને બેઠી.
' બાપુ , એક વાત કહેવી છે. '
' બોલ બેટા. '
' તમારા દીકરાને તમારી ખૂબ ચિંતા રહે છે. '
' કેમ મને શું થયું છે. '
' બાપુ , કરસન કાકા હતા ત્યાં સુધી તો એ મન મનાવતા હતા. પણ હવે એ બહુ ચિંતા કરે છે. બે દિવસ થી એ બહુ ટેનશનમાં છે , બાપુ તમે ચાલો અમારી જોડે. '
' જોઇશ. '
' બાપુ જોઇશ નહિ , મેં આજ સુધી તમારી પાસે કંઈ નથી માગ્યું. આજ માગું છું. દીકરી સમજીને માની લો. '
' જોઉં. કરસનના ત્યાં ગયા હતા ? '
' હા , કાલે ગયા હતા. તબિયત હવે બહુ સારી નથી. તમે આવો. આપણા ઘરથી એમનું ઘર નજીક જ છે. '
પુત્ર અને નાનકો આવ્યા. નાનકો દોડીને દાદાના ખોળામાં ચડી ગયો. એને લાગ્યું કે હવે એણે નાનકાના રૂપમાં નવું જીવન આરંભ કરવાનો સમય આવી ગયો છે.
*************************
સાંજે પાંચ વાગે પુત્રનો ફ્રેન્ડ એની રિક્ષા મહોલ્લાની બહાર મૂકી ઘરે આવ્યો. વહુ એ એની તમામ વસ્તુઓ પેક કરી તૈયાર રાખી હતી. એણે એકવાર આખા ઘરને એક નજરમાં આવરી લીધું. પોતે બીમાર ન હતો. ફરી આવવાનો જ છે. તો શોક શાનો? એ નાનકાની આંગળી પકડી આગળ ચાલ્યો.
રિક્ષા ગામ છોડી આગળ ચાલી. જ્યાં સુધી ગામ દેખાયું ત્યાં સુધી એ ગામને પાછળ વળીને જોતો રહ્યો.....
************************
એ રાત નવી જગ્યાએ એને ઉંઘ ના આવી. મોડે સુધી એ જાગતો વિચારતો રહ્યો. કરસનને મળીને જ એ આવ્યો હતો. કરસનને કેન્સર હતું. કદાચ ટ્રિટમેન્ટ લાંબી ચાલવાની હતી. હવે કરસન ગામ જવાની ના પાડતો હતો. પણ એના જવાથી કરસન ખુશ થયો હતો.
નાનકડા ફ્લેટમાં પુત્ર એ એને એક નાનકડો પણ સરસ રૂમ આપી દીધો હતો. રૂમમાં બધી જ વ્યવસ્થા પુત્ર એ કરી હતી. સામેની દિવાલ પર એની પત્નીનો ફોટો લાગેલો હતો. પણ એને ગામના ફોટા કરતાં આ ફોટામાં એની પત્ની વધારે ખુશ લાગી. એ વિચારોમાં એને ઉંઘ આવી ગઈ. અને ઉંઘમાં એની પત્ની આવી. એની આંખમાં ગુસ્સો હતો , ઠપકો હતો. એ બોલી...
' યાદ છે. જ્યારે તમને નોકરી મળી ત્યારે તમારા બાપુની ના છતાં તમે ગામ છોડ્યું હતું. આજે મારા પુત્ર એ ગામ છોડ્યું તો એણે શું ગુનો કર્યો છે ? તમારી હજુ મને ચિંતા રહે છે. કરસન ભાઈ હતા ત્યાં સુધી ઠીક હતું. પણ હવે ? તમે નસીબદાર છો કે આટલી ગુણિયલ પુત્રવધુ મળી છે. મને વચન આપો તમે મારા પુત્રનું દિલ નહિ તોડો. અહમના ઓટલે જીવન વ્યતિત ના થાય. વાસ્તવિકતા સ્વીકારો અને નવું જીવન , નવી યાત્રા આરંભ કરો. '
સવારે એની આંખ ખુલી. સામેના પત્નીના ફોટામાં પ્રશ્નસુચક ભાવ હતા. એ હસ્યો.. ના , હવે તારા પુત્રને નહિ દુભવું. આજથી નવી યાત્રા આરંભ. એને એની પત્ની ના ફોટામાં આનન્દ , સંતોષ અને મુક્તિના ભાવ દેખાયા....

08 જૂન 2020