Anu - Anuja books and stories free download online pdf in Gujarati

અનુ - અનુજા

અનુ- અનુજા

કોલેજનો આજે પહેલો દિવસ હતો. હું મારા સ્કૂલના બે મિત્રો રવિ અને શેખર સાથે કોલેજ ગયો હતો. હજુ નવા કોઈ મિત્રો થયા ન હતા એટલે જે લોકો સ્કૂલ કે કલાસીસના મિત્ર હતા એ ગ્રુપમાં બધા ઉભા હતા.
અચાનક ઘૂઘરીના રણકતા અવાજ જેવું હાસ્ય મારે કાને પડ્યું. અને મારું ધ્યાન મારી પાછળની તરફ ગયું. અને મારું હદય એક ધબકારો ચુકી ગયું. ચાર છોકરીઓ ટોળે વળીને વાતો કરી રહી હતી. અને એ છોકરીઓ કોઈ વાત પર ખડખડાટ હસતી હતી. પણ ચારે છોકરીઓમાં એ છોકરીનો અવાજ કંઈક અલગ જ હતો. કોઈ અજબ રણકાર હતો એના અવાજ માં. અને એ રણકારના જેવા જ એના અલ્લડ અને મુગ્ધ ભાવ હતા એના ચહેરા પર. હજુ કોઈ નાની છોકરી જેવી મુગ્ધતા અને વાતો કરવાની મુક્ત સ્ટાઇલ અને આંખોમાં ઉછળતા મુગ્ધતાના ભાવ એના સારા વ્યક્તિત્વને એક અલ્લડતાનો ઓપ આપતા હતા. કંઇક અંશે એ કપડાં પહેરવાની બાબતમાં પણ બેફિકર હોય એવું લાગ્યું. સાદું જીન્સનું પેન્ટ અને ડિઝાઇનવાળી સફેદ કુર્તિ , બેફિકરાઈથી ઓળેલા વાળ અને આગળ એક સાઈડ માંથી છુટા પડી ગયેલા વાળ , વારંવાર ચહેરા ઉપર આવી એને હેરાન કરતા હતા. પણ જાણે એને એનું ધ્યાન જ ન હતું. એ વારંવાર એ વાળને હાથથી કાન પાછળ ખોસી દેતી હતી. ગળામાં પાતળી ચેઇન અને વચ્ચે એક પેન્ડલ , એક હાથમાં ઘડિયાળ અને બીજા સફેદ દુધમલ હાથ પર લાલ નાડાછડીનો દોરો. ઉજળા ચહેરા પર આછી લાલાશ. અને એ જ્યારે હસતી ત્યારે ચહેરા પર લોહી તરી આવતું હતું. જે એના ચહેરાને વધારે ગુલાબી બનાવતું હતું. અને એના મુક્ત હાસ્ય સાથે દેખાતી સુંદર દંત પંક્તિ એને વધારે સુંદર બનાવતી.
કોઈ યુવતી તરફ એકધારું જોવું એ શિષ્ટતાની વિરુદ્ધ છે. પણ થોડીવાર હું એ જ્ઞાન ભૂલી ગયો. અને કોલેજમાં જવાનો બેલ પડ્યો....
***************************
છ મહિના વીતી ગયા હતા. એનું નામ અનુજા હતું. મારા જ કલાસમાં હતી. ધીમે ઘીમેં અમારું ગ્રુપ થઈ ગયું હતું. એ અલ્લડ હતી , તોફાની પણ હતી , બધા છોકરાઓ જોડે સંકોચ વગર વાત પણ કરતી.પણ એણે ક્યારેય કોઈ છોકરા સાથે સબંધ વધારવાની કોશિશ કરી ન હતી. મારું એના તરફનું ખેંચાણ વધતું જતું હતું. હું ઘણીવાર એવું વર્તન પણ કરતો કે જેથી મારા એના પ્રત્યેના પ્રેમનો એને ખ્યાલ આવે.
પણ એ તો પર્વત પરથી ધરતી પર આવતા ઝરણાં જેવી હતી. કશું જ ખબર ના પડતી હોય એમ ખળખળ કરતી વહી જતી હતી. મારા મનમાં નિરાશા વ્યાપી જતી હતી....
**************************
આમ ને આમ બે વર્ષ વીતી ગયા. એની અલ્લડતા વધતી જતી હતી , તોફાન વધતું જતું હતું. પણ એમાં મુગ્ધતા હતી. ક્યાંય છીછરાપણું ન હતું. અને જેમ જેમ હું તેને જોતો , તેમ તેમ એના તરફનું આકર્ષણ વધતું જતું હતું.
અને એ દિવસે મારા મમ્મિની બાળપણની બહેનપણી વર્ષો પછી મળવા આવી હતી. બન્ને ડ્રોઈંગ રૂમમાં બેસી વાતો કરતાં હતાં. મારા પિતાની બે ફેકટરી હતી. સારા એરિયામાં વિશાળ બંગલો હતો. બે મોંઘી ગાડીઓ હતી. છતાં ઘરમાં વાતાવરણ એક સામાન્ય ઘર જેવું જ હતું. હું મારા ઉપરના રૂમમાં હતો. ત્યાં મારા મમ્મિની બુમ સંભળાઈ. એ મને નીચે બોલાવતા હતા. હું નીચે ગયો.
મમ્મિ : ' આખો દિવસ રૂમમાં ભરાઈ રહે છે. એમ થાય છે કે કોઈ આવ્યું હોય તો નીચે આવીએ. '
' અરે મમમી મારું ધ્યાન ન હતું , સોરી આંટી. '
મમ્મિ : ' આ મારી નાનપણની ખાસ બહેનપણી છે. અને આ મારો એકનો એક પુત્ર. જિગર.. '
આંટી : ' સરસ , બેટા શું કરે છે હાલ ?'
' હું કોલેજના બીજા વર્ષમાં છું , લાયન્સ કોલેજ માં.'
આંટી : ' મારી અનુજા પણ લાયન્સ કોલેજમાં બીજા વર્ષમાં છે. '
મારા હદય ના ધબકારા વધી ગયા. એક સાથે અનેક વિચારો આવી ગયા. કુદરતે આપેલો આ મોકો હું ગુમાવવા તૈયાર ન હતો . ઘણી વાતો ચાલી , મારું અજ્ઞાત મન કામે લાગી ગયું હતું. મને કંઈ ખબર પડતી ન હતી. પરંતુ આંટી ગયા ત્યાં સુધી હું તેમની પાસે બેઠો અને મારું બેસ્ટ પરફોર્મન્સ આપતો રહ્યો. મેં એમની દરેક વાતમાં રસ લીધો અને એમના ઉપર મારી સારી છાપ છોડવાના પ્રયત્ન કરતો રહ્યો.
*************************

મને ખબર હતી કે આમ કંઈ જ થવાનું નથી. કંઇક ખુલીને પ્રયત્ન કરવા પડશે . આખરે હિંમત એકઠી કરી. બપોરે ચ્હા પીધા પછી અમે મા દીકરો એકલા હતા.
' મમ્મિ મારે એક વાત કહેવી છે. '
' બોલ. '
' મને એક છોકરી ગમી છે. '
મારી મમ્મિ એ આવી વાતની અપેક્ષા નહોતી રાખી.
' તો ? '
' હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. '
' તારી ઉંમર ખબર છે , હજુ બહુ વાર છે. '
' મમ્મિ , મને ખબર છે. પણ નક્કી તો કરી રખાય ને. '
' અત્યાર થી કંઈ ના થાય. '
' મમ્મિ જો એ બીજા કોઈની થઈ તો હું.... '
' એ તૈયાર હોય તો ચિંતાનું શુ કારણ છે. એ બીજાની શું કામ થાય. '
' મમ્મિ , તું સમજતી નથી. એ મને ગમે છે. પણ તારે એનો હાથ માગી લાવવાનો છે. પછી હું તારી પાસે ક્યારેય કશું નહીં માગું. મોમ બસ આ એક માંગણી પૂરી કર. એના વગર હું.... હું.... '
' કોણ છે એ ? '
' તમારી નાનપણની ખાસ બહેનપણીની દીકરી અનુજા. '
મારી મમ્મિના ચહેરા પર હાસ્ય આવ્યું...
******************************

એક મહિના પછી અમારી સગાઈ થઈ ગઈ. મને એનું અલ્લડપણું ગમતું , પણ જ્યારે એ કોઈ છોકરા જોડે હસીને બોલતી તો ડર પણ લાગતો. પણ આખી કોલેજમાં અમારી સગાઈની વાત ફેલાઈ ગઈ હતી. ખાસ તો અમે બન્ને જ સાથે ફરતા. એક દિવસ મને એની અલ્લડતાનો પૂરો અનુભવ થયો. મેં એની મઝાક કરતાં કહ્યું : ' આ તારું નામ અનુજા કોણે પાડ્યું ? '
' કેમ ? '
' અ ઉપર કેટલા સરસ નામ છે , આવું કોણે પાડ્યું ? '
' ઐશ્વર્યા કેવું નામ છે ? '
' સરસ છે. '
સામે જ એની બહેનપણી ઐશ્વર્યા ઉભી હતી.
' ઐશ્વર્યા , અહી આવ તો. '
ઐશ્વર્યા ત્યાં આવી.
' ઐશ્વર્યા આમને તારું નામ ખૂબ જ ગમે છે. જોઈ લો , લગ્ન થાય એમ હોય તો. '
હું તો સ્તબ્ધ થઈ ગયો..
' ઐશ્વર્યા , આની વાતમાં ના આવતી. આ તો લાકડા લડાવવામાં હોશિયાર છે ,તું જા. આની વાતો પર ધ્યાન ના આપતી. '
ઐશ્વર્યા હસીને ચાલી ગઈ.
મેં કહ્યું : ' મેં નામ સારું છે એમ કહ્યું હતું , એમાં આવી રીતે ફસાવવા નો. '
' તો તમારે નામ સાથે લગ્ન કરવાના છે કે મારી સાથે? '
' તારી સાથે , પણ સહજ વાતમાં આટલું તોફાન કરવા નું. '
એ ખડખડાટ હસતી હતી....
**************************
છેલ્લા ત્રણ દિવસ થી અનુ , મારી અનુજાનો ફોન બંધ આવતો હતો. હું કોલેજ પતાવી આગળ ભણવા બેંગ્લોર ગયો હતો. મારા ઘરના કે એના ઘરના કોઈ અનુ જોડે વાત કરાવતા ન હતા. હું થાકી ને મનમાં કોઈ અજ્ઞાત ભય સાથે પહેલી ફલાઇટમાં ઘરે આવ્યો...
' મમ્મિ , અનુના શું સમાચાર છે ? '
' તું થાક ઉત્તર પછી વાત કરીએ. '
' મમ્મિ પહેલાં વાત કર , નહિ તો હું ત્યાં જાઉં છું. '
' બેટા , કોલેજમાં એ કોઈ કામથી લેટ થઈ ગઈ હતી. એના ઉપર કોલેજના બે છોકરાએ અત્યાચાર કર્યો. આખી વાત ખૂબ ચર્ચાઈ છે. પોલીસે બન્નેને પકડી લીધા છે.'
મારા પગ નીચેથી જમીન ખસી ગઈ.
' બેટા , હવે આ સબંધનો શું અર્થ રહે છે? '
હું થોડી વાર વિચારમાં ખોવાઈ ગયો.
' ના , મા. મારી અનુનો કોઈ દોષ નથી. આવી વાતથી આ સંબધ પર કોઈ અસર ના થાય. આ સમય તો મારે એના પડખે રહેવાનો છે. '
મમ્મિ કંઇક અચકાતા હતા. પણ પપ્પા સહમત હતા.
' અનુની જગ્યાએ આપણી દીકરી હોત તો ? સંબધ કર્યો ત્યારથી એ આપણી દીકરી જ છે. '
****************************

અનુના ઘરનો ડોર બેલ વાગ્યો. એના પપ્પાએ દરવાજો ખોલ્યો. એક મોળો આવકાર મળ્યો.
' અનુ ક્યાં છે ? '
' તમારી મમ્મિ એ બધી વાત કરી જ હશે. '
' આંટી , જીવનમાં કોઈ ખરાબ ઘટના ઘટે તો દિલના સંબધો બદલાતા નથી. મારે મન આજે પણ અનુ એ જ છે. જેનો હાથ મેં માંગ્યો હતો. '
અનુની મમ્મિની આંખમાં આંસુ આવી ગયા.
' ત્રણ દિવસથી ખાધા વગર બેઠી છે. '
હું એના રૂમમાં ગયો. એણે મને જોયો. મેં એને જોઈ. એ અલ્લડ યુવતીની આંખો રડી રડીને સુજી ગઈ હતી. આંખ નીચે કાળાશ આવી ગઈ હતી. એને જોઈને કોઈ કહી ના શકે કે ક્યારેક એ અલ્લડ યુવતી હતી અને એ ફરી ને ઓશિકા માં મોં છુપાવી સુઈ ગઈ.
હું એની પાસે બેઠો. મેં એના માથા પર હાથ ફેરવ્યો. ગળાથી નીચેના વાળ એની આંસુઓની ખારાશથી કડક થઇ ગયા હતા.
' અનુ , હવે હું આવી ગયો છું , તું ચિંતા ના કરીશ , અનુ બધું બરાબર થઈ જશે. '
અનુ ફરી. અને મારા ખોળામાં માથું મૂકી વળગી પડી. મારો ખોળો એના આંસુઓથી ભીનો થતો રહ્યો. હું એને માથે હાથ ફેરવી સાંત્વના આપતો રહ્યો.
અડધા કલાક પછી કોઈએ દરવાજો નોક કર્યો. અનુ મારા ખોળા માંથી અલગ થઈ. અનુના મમ્મિ ચ્હા માટે પૂછવા આવ્યા હતા. મેં કહ્યું : ' આંટી , ભૂખ પણ ખૂબ લાગી છે. નાસ્તો અને કોફી. '
અનુ ચ્હા નહોતી પીતી.
અનુને આગ્રહ કરીને મેં નાસ્તો કરાવ્યો. કોફી પીવડાવી. ધીમે ધીમે એ સ્વસ્થ થઈ.
*************************

મેં બેગ્લોરની કોલેજ છોડી દીધી. અને અનુની કોલેજમાં એડમિશન લઈ લીધું. ધીરે ધીરે એ નોર્મલ થતી ગઈ. પણ એનું અલ્લડપણું ગાયબ હતું જે મને ગમતું હતું. હું એની જોડે ખૂબ મઝાક , મસ્તી , તોફાન , છેડતી કરતો. ધીરે ધીરે એ પાછી તોફાની થતી ગઈ. પણ એનું અલ્લડપણું મારા સાથ પૂરતું જ સીમિત હતું. લોકો માટે એ મેચ્યોર્ડ યુવતી થઈ ગઈ હતી.
' તારું નામ અનુજા કોણે પાડ્યું છે ? '
' ઐશ્વર્યા વધારે ગમતું હોય તો બોલાવું.'
' ના હો લુચ્ચિ , હું અનુ નામ થી ચલાવી લઈશ. '
એના ચહેરા પર એક અલ્લડ મુશ્કાન હતી....

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED