નરો વા કુંજરો વા Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નરો વા કુંજરો વા

નરો વા કુંજરો વા
રાતના સાડા નવ થયા હતા. મુખ્ય રોડ પરથી સ્હેજ અંદરની બાજુ રમણીકલાલની દુકાન હતી. આજુબાજુની બધી દુકાનો બંધ થઈ ગઈ હતી. રમણીકલાલ દુકાન બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા. રમણીકલાલ પાછળની ગલીમાં જ રહેતા એટલે દુકાન મોડી બંધ કરે તો પણ ચાલતું હતું. દુકાનની બહાર ચાર ફૂટની ફૂટપાથ હતી. પછી વિશાળ રોડ હતો. રોડ ઉપરની અવરજવર બિલકુલ નહિવત હતી. દુકાનની આજુબાજુની બે સ્ટ્રીટ લાઈટ બંધ હતી. એટલે અજવાળું ઘણું ઝાખું હતું. પણ રમણીકલાલની દુકાનનું અજવાળું રોડ ઉપર પડતું હતું.
બપોરે જ રમણીકલાલના ચશ્મા તૂટી ગયા હતા. નજીકની ચશ્માંની દુકાનમાં નવા ચશ્મા બનાવવા આપ્યા હતા. જુના ચશ્માની એક જોડ ઇમરજન્સી માટે રમણીકલાલે મૂકી રાખી હતી. જુના ચશ્માંની ફ્રેમ રમણીકલાલને ફાવતી ન હતી. પણ નવા ચશ્મા આવે ત્યાં સુધી ચલાવવા પડે એમ હતું....
અચાનક બહાર રોડ ઉપર કંઈક અવાજ આવ્યો. રમણીકલાલે જોયું એક માણસ લોહી લુહાણ હાલતમાં રમણીકલાલની દુકાન આગળ ફસડાઈ ગયો હતો અને બીજો માણસ એને ચપ્પાના ઘા પર ઘા મારી રહ્યો હતો. રમણીકલાલે જોયું તો ચપ્પાના ઘા મારનાર તો વિશાલ હતો. વિશાળ ખૂબ જ ઝનૂનમાં હતો. રમણીકલાલ પહેલાં તો આ દ્રશ્ય જોઈ હેબતાઈ ગયા. વિશાળ માલતીનો ભાઈ હતો. પાછળની ગલીમાં જ રહેતો હતો. રમણીકલાલ એને ઓળખતા હતા. લોહી લુહાણ હાલતમાં જે વ્યક્તિ હતો એ ત્યાં ફસડાઈ પડ્યો હતો. વિશાલ ત્યાંથી ભાગી ગયો. થોડી વાર તો રમણીકલાલને સમજાયું નહીં કે શું કરવું. પણ પછી એમણે બહાર જઇને જોયું. વિશાલ તો ભાગી ગયો હતો. પણ આ નીચે પડેલો હતો એ મુન્નો હતો. રમણીકલાલે પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કર્યો. જો એ પોતે કંઈ જ ના કરે તો એ માનવતા વિરુદ્ધ હતું.
ચાર દિવસ પહેલા વિશાલની બહેન રંજનની આ મુન્નાએ જાહેરમાં છેડતી કરી હતી. અને રંજનને ધમકી આપી હતી કે જો એ તાબે નહિ થાય તો એના ઉપર એસિડ એટેક કરશે. અને એ રંજનને કોઈ હાલતમાં છોડશે નહિ. એ છોકરીનું બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું.
મુન્નો ઘણા સમયથી રંજનની પાછળ પડ્યો હતો. એક વખત પોલીસ કમ્પ્લેન પણ કરવામાં આવી. પણ મુન્નો જામીન પર છૂટ્યો અને એણે રંજનને ધમકી આપી હતી કે એ એના ભાઈને મારી નાખશે. આખા એરિયામાં મુન્નાનો ત્રાસ હતો. નશો કરવો.. હપ્તા લેવા અને છોકરીઓની છેડતી કરવી, બળજબરી કરવી એ એનું મુખ્ય કામ હતું. રમણીકલાલે મુન્નાને ધ્યાનથી જોયો. એ મૃત્યુ પામ્યો હતો. રમણીકલાલના દિલ માંથી ઉદગાર નીકળ્યો, હાશ બબાલ ગઈ... થોડીવારમાં પોલીસ અને એમ્બ્યુલન્સ આવી ગઈ.
****************************
રમણીકલાલની દુકાન આગળ ઘટના થઈ હતી. એમની દુકાન અને બીજી દુકાનોના સી.સી.ટી.વી. ફૂટેજ લેવામાં આવ્યા. પણ એક પણ વિડીયોમાં કંઈ ક્લીયર દેખાતું ન હતું. રમણીકલાલ સિવાય આનો કોઈ ગવાહ નહતો. શંકાને આધારે વિશાલની ધરપકડ કરવામાં આવી..
રમણીકલાલ ને કહેવામાં આવ્યું કે એમણે જે જોયું હોય એનું સ્ટેટમેન્ટ એમણે કોર્ટમાં પણ આપવું પડશે.
રમણીકલાલ દ્વિધામાં પડ્યા....
સામે મુકેલા અર્જુનને ગીતાનું મહાત્મ્ય સમજાવતા શ્રીકૃષ્ણના ફોટા સામે એમની નજર પડી.
પોતાની બહેનને છેડનાર પાપી અને એને નહિ છોડવાની ધમકી આપનાર ને એક ભાઈ કોઈ રીતે પહોંચી વળે એમ ન હતો. ત્યારે એ શું કરતો? ચૂપચાપ જોઈ રહેતો? અને મુન્ના જેવા પાપીને જીવવાનો કેટલો અધિકાર કેટલો હતો?
રમણીકલાલને કોર્ટમાં બોલાવવામાં આવ્યા. રમણીકલાલ યાદ કરતા હતા. ચપ્પા મારનાર કોણ હતો? ચશ્મા બદલાવાને કારણે અને સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે એમને કંઈ સ્પષ્ટ દેખાયુ નહતું. કદાચ વિશાલ હોય , કદાચ બીજું કોઈ પણ હોય.. નરો વા કુંજરો વા..
કોર્ટે પુરાવાને અભાવે વિશાલને છોડી મુક્યો..

સંપૂર્ણ.....

10 જૂન 2020