Two
PRIZE WINNING short stories clubbed together.
1. મુક્તિ તરફ વિહર"મારે મરી જવું જોઈએ! મને જીવવાનો કોઈ અધિકાર નથી."
આ સંવાદ સતત રામકાન્તના મગજમાં ચાલી રહ્યો હતો, એના દોષિત સભાનને જરા પણ શાંતિ નહોતી. સભા ગૃહની બહાર બેઠો, તે ઋષિમુનીના દર્શનની વાટ જોઈ રહ્યો હતો. કેમ એના મનમાં આવ્યું, કે આત્મહત્યા કરતા પહેલા, એક વાર અહીંયા આવીને ગુરુજીને પુછે, કે મરવા પહેલા એવું શું કરે, કે પ્રભુ એને ઓછી સજા આપે.
પોતાનો વારો આવતા, રામકાન્ત અંદર ગયો. નમન કરતા, શીશ ઝુકાવીને, ઋષિમુનિની સામે બેઠો.
"બોલ વત્સ, દુનિયાના ક્યાં ભારનો બોજ, તને મારી પાસે ખેંચી લાવ્યો?"
બોલવાની પહેલા રામકાન્તની આંખમાં આંસુ આવી ગયા અને દિલ ભરાઈ ગયું.
"મહારાજ, હું વ્યવસાયથી સુથાર હતો, પણ એમાં પૈસાની અછત હોવાથી, હું મારા પરિવારને સુખી જીવન આપવામાં સક્ષમ ન થઈ શક્યો. પહેલી વાર જ્યારે મેં ચોરી કરી, તો મન કચવાયું, પણ જ્યારે ખૂબ પૈસા મળવા લાગ્યા, તો દોષનો એહસાસ ખસકી ગયો."
રામકાન્ત બોલતા બોલતા ગદગદ થઈ ગયો. થોડીક વાર ચૂપ રહેતા, ગુરુજી એ એને આરામથી પૂછ્યું,
"તો હવે એવું શું થયું, કે તને તારી કરની ખરાબ લાગવા લાગી?"
અતિશય ધીમાં અવાજમાં, માથું ઉંચુ કર્યા વગર, રામકાન્ત એ કહ્યું,
"થોડા દિવસ પહેલા, ચોરીમાં મને એક સાથે વિસ લાખ રૂપિયા મળ્યા. પણ પછીથી ખબર પડી, કે એ ધનનો માલિક એની આઠ વર્ષની દિકરીના ઈલાજ માટે પૈસા જમા કરી રહ્યો હતો. અને હવે મૂડી ન હોવાથી, એની દિકરીનું મૃત્યુ થઈ ગયું."
રામકાન્ત પોક મુકીને ફૂટી પડ્યો અને રડતા રડતા બોલ્યો,
"મારી દીકરીને જોઉં છું, તો મને એ જ યાદ આવે છે. બસ હવે મને આત્મહત્યા કરી નાખવી છે. મને મોક્ષ કેવી રીતે મળશે ગુરુજી?"
"આવી રીતે તો બિલકુલ નહીં મળે. આપઘાત કરવું મહાપાપ છે. તારા પછી, તારા પરિવારનું શું? ફક્ત પસ્તાવો કાફી નથી. ગુનો કબૂલ કર. થોડી સજા થશે, પણ પછી તારું જીવન સુધરી જશે. તારી બધી ફરજ પુરી કર અને દૃઢ નિશચય કર કે બની શકે એટલી બીજાની મદદ કરીશ. મુક્તિ તરફના વિહર માટે સત્યનો માર્ગ અપનાવ."
_____________________________________
2. ભક્તિની વ્યાખ્યા"જોયું? શ્રી કૃષ્ણ માટેની મીરાબાઈની ભક્તિ!"
ગીતાબહેને પૌત્ર ગોપાલને વાર્તા કહેતા સમજાવી રહ્યા હતા. ત્યાં તો ગોપાલના પપ્પા, ગણેશે મંદિરના રૂમમાંથી ગુસ્સામાં કર્કશ સ્વરે કહ્યું,
"કેટલો અવાજ થઈ રહ્યો છે! મારી પુજામાં ખલેલ પડે છે."
ગીતાબહેને ગોપાલને બહાર રમવા મોકલ્યો અને
ઘડિયાળ સામે જોયું. દીકરા ગણેશની વર્તણુક પર ગુસ્સો આવતો અને દુઃખ પણ થતું.
"ગણેશ, અગિયાર વાગી ગયા, દુકાને ક્યારે જઈશ?"
ગણેશે છેલ્લું નમન કર્યું અને ઉભો થયો.
"ચિંતા ના કરો બા. શ્રી કૃષ્ણ બધું લીલાલેર કરશે."
"શું કૃષ્ણ ભગવાન પોતે આવશે દુકાન ખોલવા?"
"બા, હું ભક્તિ પર ધ્યાન આપીશ તો કૃષ્ણ ભગવાન મારા પર મહેરબાની કરશે. આ વાત માબાપ છોકરાઓને સમજાવે, પણ આપણા ઘરમાં ઊંઘી ગંગા વહે છે."
ગણેશ ઘરની બહાર નિકળ્યો અને ગીતાબહેને વિચાર્યું,
"હાં બેટા, ઊંઘી ગંગા તો વહી રહી છે, મારે જ એને સીધી દિશા બતાવી પડશે."
ગણેશની પત્ની સેજલ, ખૂબ જ સારી અને સહકારી હતી. પોતાની યોજનાનની સફળતા માટે ગીતાબહેને તેને વિશ્વાસમાં લીધી, અને બન્ને સાસુ વહુ મળી ગયા.
આવનારા દસ દિવસ સુધી ઘરનું કોઈ કામ નિયમિત નહોતા કરતા, ન સફાઈ, ન રસોઈ. ઘરમાં ભજન કિર્તન કરે, કે પછી સતસંગમાં ચાલ્યા જાય. ગણેશને સંભળાવવા માટે, ગીતાબહેન સેજલને કહેતા,
"પૂજા પાઠ અને ભક્તિમાં જ લીન રહેવું જોઈએ. ભગવાન રાજી થશે, તો બધા કામ ઉકેલાય જશે."
થોડા દિવસ ગણેશ ચૂપ રહ્યો, પણ પછી એનો પારો ચડ્યો,
"મારે ભોજન કરવા શું મંદિરના ઓટલે જવું પડશે?!!"
અજાણ હોવાનો ઢોંગ કરતા, ગીતાબહેને શાંતિથી કહ્યું,
"અમે ફક્ત તારા બતાવેલા માર્ગદર્શન પર ચાલી રહ્યા છીએ"
ગણેશ ચોંક્યો.
"શું મેં કહ્યું હતું, ઘરની જવાબદારી મૂકીને ભક્તિ કર્યા કરો?"
બાએ સ્મિત કર્યું,
"ગણેશ, હવે તું ભક્તિની પરિભાષા સમજીશ. ભક્તિ, એટલે ડિવોશન. ભગવાનની હોય કે પોતાના કામ પ્રતિ. જીવનના દરેક શેત્રમાં સફળતા માટે ભક્તિ જરૂરી છે. કોઈ એકમાં આટલું મગ્ન નહીં થવાનું, કે બીજું વિસરાય જાય."
ગણેશને પોતાની ભૂલનો એહસાસ થયો અને ભક્તિની ખરી વ્યાખ્યા સમજાણી. જેટલો કૃષ્ણ જોગી હતો એટલો જવાબદાર પણ બની ગયો.
શમીમ મર્ચન્ટ, મુંબઈ
_________________________________
Shades of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Follow me on my blog
https://shamimscorner.wordpress.com/