Story : 1
રાખી
***
“હું શુ કરું?આગળ વધું કે નહીં?
ના ના.હું આગળ ના વધી શકું.જો હું આગળ વધ્યો તો….મેં તેને વચન આપ્યું છે. હું તેને આપેલ વચન ના તોડી શકું. મારે પાછળ હટવું જ પડશે.”
“પણ હું પાછળ કેવી રીતે હટી શકું?મેં મારી જાતને પણ બે વર્ષ પહેલાં એક વચન આપ્યું હતું. એ વચન તો હું કોઇ પણ સંજોગોમાં ન તોડી શકું.”
“અઅઅ…શું કરું મને તો કંઇ જ સમજાતું નથી.”
અભીજીતે થોડીક ક્ષણો માટે પોતાની આંખો બંધ કરી. તેની સામે એક એક કરી તેનાં બધાં સ્વજનોનાં ચહેરાઓ આવી ગયાં. છેલ્લે પોતે લીધેલ વચન યાદ આવ્યું. તેણે પોતાની આંખો ખોલીને ઉંડો શ્વાસ લીધો અને બોલ્યો,
“शौर्यम् दक्षम् युद्धै:”
“મને માફ કરી દેજે આરાધ્યા.મને માફ કરી દેજે.”તેણે પોતાના ખાલી કાંડા સામે જોયું અને પોતાનાં ખિસ્સામાં હાથ નાખ્યો.
ટિક…ટિક…ટિક…
--------------------------------------------------------------------
“આરાધ્યા, જલ્દી કર. અભીજીત આવતો જ હશે.”સોનલબેને કહ્યું.
“હા મમ્મી, જો રાખડી,દીવો,કંકુ,ચોખા,પેંડા બધું જ મેં એક થાળીમાં ગોઠવી દીધું.”આરાધ્યાએ થાળી ટેબલ ઉપર રાખીને કહ્યું. ત્યાં જ તેનાં ઘરની ડોરબેલ વાગી.
“લાગે છે ભાઇ આવી ગયો. હું દરવાજો ખોલું છું.”આરાધ્યાએ દરવાજો ખોલ્યો.સામે પાંચ આર્મી ઓફિસર ઊભાં હતાં. આરાધ્યા અભિજીતને શોધવા આજુબાજુ જોવાં લાગી પણ તે ક્યાંય ન દેખાયો.
“બેટા, દરવાજે જ કેમ ઉભી રહી ગઇ?”સુમિતભાઈએ પૂછ્યું.તેઓનું ધ્યાન બહાર ઉભેલા ઓફિસરો ઉપર પડતાં તે અને સોનલબેન પણ બહાર આવ્યાં.
“અરે તરુણ બેટા, તમે બધાં. આવો આવો. પણ અભીજીત ક્યાં?”સુમિતભાઈએ પૂછ્યું.
“અંકલ, એક્ચ્યુઅલી….અભીજીતે આ ગિફ્ટ મોકલી છે, આરાધ્યા માટે.”તરુણે આરાધ્યાને ગિફ્ટ આપતાં કહ્યું.
“એટલે શું આ વખતે ભાઇ નહીં આવે?”આરાધ્યાએ રડમસ અવાજે પૂછ્યું.
“ના, એ હવે ક્યારેય નહીં આવી શકે.”તરુણે ગંભીરતાથી કહ્યું અને સાઇડમાં હટ્યો. તેથી અભીજીતનાં પરિવારનું ધ્યાન કેફીન ઉપર પડ્યું.
“આ કેવી રીતે…”એટલું કહી સોનલબેન નીચે બેસી ગયા.
“કાલે સરહદ ઉપર હુમલો થયો હતો. દુશ્મનોની સંખ્યા ખુબ જ વધારે હતી. તેથી અભિજીત પોતાની ટુકડી સાથે પાછળની તરફ ગયો.અમારી ચાલ કામયાબ નીવડી. અમે તેઓનાં અડધાં માણસોને ખતમ કરી નાખ્યાં પણ ત્યાં સુધીમાં અભીજીતને દુશ્મનોએ ઘેરી લીધો.કદાચ અભીજીતને સમજાય ગયું હતું કે આ જંગ તેનું બલિદાન દીધાં વગર પુરી નહીં થાય. તેથી તેણે પોતાની પાસે રહેલ ગ્રેનાઈટ બોંબનો ઉપયોગ કર્યો. એનાં આ કદમથી બાકી રહેલા બધાં જ દુશ્મનોનો ખાત્મો બોલી ગયો પણ એ…એ શહીદ થઇ ગયો.”તરુણે રડમસ અવાજે કહ્યું.
બધાં ઓફિસરોએ એકી સાથે સલામી આપી અને બોલ્યાં,
“જય હિંદ”
…...
બીજે દિવસે સવારે ઉઠીને આરાધ્યા મંદિર સામે ઉભી રહી. તેનું ધ્યાન બાજુનાં ટેબલ ઉપર પડેલ રાખડી ઉપર પડ્યું. તેણે એ રાખડી લઇ ભગવાનનાં ચરણોમાં અર્પણ કરી અને પોતાની આંખો બંધ કરી પોતાના ભાઇ અભીજીત માટે પ્રાર્થના કરી અને એક સવાલ પૂછ્યો,
“હે ભગવાન, આ જે વારંવાર હુમલાઓ થાય છે, તેનાથી શું સરહદોને ક્યારેય આઝાદી નહીં મળે?”
…..
शौर्यम् दक्षम् युद्धै:
युद्धों से ही शौर्यता और दक्षता प्राप्त होती है । Wars are Giving Dedication and Bravery! વીરોને નમન 🙏🏼🙏🏼
.....
***
Story : 2
આઝાદી
गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि ।गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि ।
गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि ।
एकदंताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि ।
गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ॥
મોબાઇલમાં ગણેશ સ્તુતિ વાગી રહી હતી અને એક વિદ્યાર્થીની તેનાં પર નૃત્ય કરી રહી હતી.
“વાહ, મશેલ.તે તો ખુબ જ સરસ નૃત્ય કર્યું.” મીરાંએ કહ્યું.
“થેંક્યું.”મશેલે મોબાઇલ બંધ કરીને કહ્યું.
“અચ્છા મીરાં, તું સાચે જ ફુટબોલની ટુર્નામેન્ટમાં ભાગ લેવાની નથી?”
“ના યાર, પણ તું તો ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લે. કેટલો સરસ ડાન્સ કરે છે.”મીરાંએ કહ્યું.
“ના.”મશેલે કહ્યું.
“મને ઘણી વાર એવો વિચાર આવે કે કાશ હું પણ છોકરો હોત તો.મને કેટલી આઝાદી મળત. ગમે તે સ્થળે, ગમે તે સમયે વિના સંકોચે જઇ શકત. તને ખબર છે મારો ભાઇ આજે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો છે. તેથી કાલે તેની તૈયારી માટે તે ગયો હતો. તે પાછો આવ્યો ત્યારે રાતનાં દશ વાગી ગયાં હતાં,છતાં પણ કોઇને જરા પણ ટેંશન નહતું. હા, મમ્મી-પપ્પાને વાલીસહજ થોડી ઘણી ચિંતા હતી પણ યુ નો અ…બીજુ કોઇ જ ટેંશન ન હતું.”મીરાંએ કહ્યું.
“ હા, એ વાતથી તો હું પણ અત્યારે સહમત છું.”
“મશેલ, હું તો તને હજી પણ કહું છું કે તું ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લઇ લે.આજે વહેલી સવારે ભાઇએ તેનું પરફોર્મન્સ દેખાડ્યું હતું. તેને ભલે મોટાં ડાન્સ ક્લાસમાંથી ડાન્સ શીખ્યો,તેનાં ડાન્સનો વિષય અને ડાન્સ બંને સારા હતાં પણ સાચું કહું તો જો તું કોમ્પિટિશનમાં ભાગ લે તો પહેલો નંબર તારો જ આવે.”
“મશેલ,મીરાં બેટા જલ્દી કરો. આજે સ્કુલે પ્રોગ્રામ છે, જલ્દી જવાનું છે.”મશેલનાં મમ્મીએ કહ્યું.
“હા મમ્મી, આવ્યાં.”
…
મશેલ અને મીરાં પોતાનાં પરિવાર સાથે સ્કુલે પહોંચ્યા. થોડાં સમય બાદ ડાન્સિંગ કોમ્પિટિશન શરુ થયું. મીરાંનો ભાઇ અને તેની સાથે બીજા વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવ્યાં. તેઓએ શબ્દો ઉપર પોતાનો લિરિકલ ડાન્સ શરુ કર્યો.
*”જો તુજસે લીપટી બેડીયા
સમજ ન ઇનકો વસ્ત્ર તું
યે બેડીયા પીઘાલ કે
બના લે ઇનકો શસ્ત્ર તું
તું ખુદકી ખોજમેં નિકલ
તું કિસ લિયે હતાશ હે
તું ચલ તેરે વજુદકી
સમય કો ભી તલાશ હે”
આ શબ્દો સાંભળી મશેલ અને મીરાંની આંખોમાં આંસુ આવી ગયાં. કારણકે તેમનાં પગ ભલે નૃત્ય કરવાં કે ફૂટબોલ રમવાં સ્વતંત્ર ન હતાં, પરંતુ તેમની આંખો,તેમની આંખો વહેંવા માટે આઝાદ હતી.
સંપૂર્ણ
( *પંક્તિ :- મૂવી ‘પિંક’માંથી )