નિકાહનો દિવસ
અલિઝા દુલ્હનનાં વસ્ત્રોમાં તૈયાર થઇને બેઠી હતી. થોડાં સમય બાદ તેની ભાભી રાબેલ ત્યાં આવી.
“વાહ અલિઝા, તું તો આજે બહું જ સુંદર લાગી રહી છો.કોઇની નજર ન લાગે તને.”રાબેલે કહ્યુ અને પોતાની આંખમાંથી કાજળ લઇ અલીઝાના કપાળ ઉપર લગાવ્યું. ત્યાં જ બારાત આવી.
“અલીઝે, તું થોડી વાર બેસ અહીં. હું બારાતનું સ્વાગત કરી તને લેવાં આવું.”
રાબેલના ગયાં પછી અલિઝા વિચારોમાં ખોવાઇ ગઇ.
“અવી પણ મને આ જ નામથી બોલાવતો.”
…
નિકાહનાં એક વર્ષ પહેલાં
અલિઝા કોલેજના ગ્રાઉન્ડમાં બેઠી હતી. પાછળથી અવી આવ્યો.
“હાય અલીઝે.”
“અવી, કેટલું સરસ નામ છે મારું અલિઝા. અને તું જ્યારે હોય ત્યારે અલીઝે અલીઝે જ કહેતો હોય છે.”
“શું કરું યાર,તને અલીઝે કહીને ચીડવવાની મને બહું જ મઝા આવે છે.”
“અચ્છા, તો તું મને મારાં નામથી ક્યારેય નહીં બોલાવ. એમ ને?”
“અમમમ…જો હું તને પ્રેમની બદલે નફરત કરવાં લાગું તો કદાચ…”
“ના ના, અવી એવું ન બોલ. તું મને અલીઝે કહે એ મને ગમશે પણ જો તું મને નફરત કરવાં લાગ્યો તો એ હું નહીં સહન કરી શકું.”અલિઝાએ અવીની વાત અડધેથી કાપતાં કહ્યું.
“ઓકે.અલીઝે…”
…
નિકાહનો દિવસ
“અલિઝા વકાર અહેમદ, શું તમને આ નિકાહ કબૂલ છે?”
અલિઝાએ પોતાની આંખો બંધ કરી અને જવાબ આપ્યો,
…
નિકહના ત્રણ દિવસ પહેલા
અલિઝા પોતાનાં ભાઈનાં રૂમમાં ગઇ.
“ભાઈ,મારે તમારી સાથે વાત કરવી છે.”
“હા બોલને.”અયાને અલિઝાને પોતાની બાજુમાં બેસાડીને કહ્યું.
“અ…ભાઈ..”
“અલિઝા, તારાં મનમાં જે કંઈ હોય એ તું બેફિકર થઈને કહી શકે છે મને.”
“ભાઈ, મારી કોલેજમાં મારી સાથે ભણતો અવી મને ગમે છે.”અલિઝા એકીશ્વાસે બોલી ગઈ.
અયાને અલિઝાનાં માથા ઉપર હાથ ફેરવ્યો અને પૂછ્યું,
“એનું નામ શું છે?”
“અવિ, અવિનાશ મહેતા.”
“બેટા, મને માફ કરી દે. પણ એ શક્ય નહીં બને.”
“પણ ભાઈ, અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ.”
“અલિઝા,નહીં.”અયાને કડક શબ્દોમાં કહ્યું.
“કેમ નહીં ભાઈ?તમારાં અને ભાભીનાં પણ લવમેરેજ જ છે ને?તો પછી અમારાં માટે કેમ ના?”
“અલિઝા, તું સમજવાની કોશિશ કર. રાબેલ અને મારી જાતિ એક જ છે અને અવી અને તારી અલગ અલગ."
“પણ…..”
અયાને અલિઝાનાં માથાં પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, “ અલિઝા, તને નાનપણથી જ પપ્પાએ અને મેં બધી જ છૂટ આપી છે પણ એનો મતલબ એ નથી કે તું બીજી જાતમાં નિકાહ કરવાં સ્વતંત્ર છો.મારો એક ફ્રેન્ડ છે, જૈન.એ સારો છોકરો છે અને તેનો પરિવાર પણ સારો છે. હું આજે જ પપ્પાને આ વિશે વાત કરું છું.”
“પણ ભાઈ, આટલી જલ્દી?હજુ તો મારી લાસ્ટ સેમેસ્ટરની એક્ઝામ પણ બાકી છે.”
“અત્યારે માત્ર તારાં નિકાહ જ કરવાનાં છે. રુકસદી તારું કોલેજ પૂરું થાય પછી રાખીશું.”
અયાનની વાત સાંભળી અલિઝાની આંખોમાં આંસુ આવી ગયાં.
“અલિઝા, બેટા વાતને સમજ. એની જાત અલગ છે. સમાજ તમારાં સંબંધને નહીં સ્વીકારે અને તું આપણાં વાલદેનનો તો વિચાર કર.”
...
નિકાહનાં બે દિવસ પહેલાં
“અવી,મારે તારી સાથે વાત કરવી છે.”અલિઝાએ કહ્યું.
“હા બોલને.”
“આવતાં અઠવાડિયે મારાં નિકાહ છે.”
“ ઓહો! કૉંગ્રેચ્યુલેશન્સ.”
“અવી, હું મજાક નથી કરતી.”
“હા પણ મેં ક્યાં કીધું કે તું મજાક કરે છે. પણ તે આટલું મોડું કેમ કીધું?હવે આટલાં ટુંકા સમયમાં હું ખરીદી કેવી રીતે કરીશ?”
“અવી, આઇ એમ સિરિયસ.”
“અલીઝે, તને શું લાગે છે કે તું મારી સાથે આવો મજાક કરીશ અને હું માની જઇશ?અરે સ્ટુપીડ, તારે મને હેરાન કરવો જ હતો તો કંઈક એવો મજાક કરવો હતોને કે જેનાં ઉપર મને થોડો ઘણો પણ વિશ્વાસ તો આવે.”
અલિઝા તેઓની પાછળ રહેલી બેન્ચ ઉપર બેસીને રડવા લાગી. અવીનું મોં બીજી તરફ હતું તેથી તેને અલીઝાનાં આંસુઓ દેખાયાં નહીં. તેથી તે હજુ પણ અલિઝાની વાતોને મજાક જ સમજી રહ્યો હતો.
“તું એક્ટિંગમાં થોડી કાચી છો. તને શું લાગે તું ખોટાં ડૂસકાં ભરીને…”આટલું બોલતાં બોલતાં અવી પાછળ ફર્યો અને અલિઝાનાં ચેહરા ઉપર પાછળથી જ હાથ ફેરવ્યો.તેનાં હાથમાં તેને કંઇક ભીનો અડયાનો અહેસાસ થયો. તેથી તે ગભરાઇને બોલ્યો,
“અલીઝે, તું સાચે જ રડશ?”
અવી અલિઝાની બાજુમાં બેઠો અને તેનાં આંસુ લૂછયાં. પરંતુ અલિઝા શાંત થવાને બદલે વધારે રડવાં લાગી.
અવિએ તેને શાંત કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું,
“અલીઝે, પ્લીઝ.તું આમ રડ નહીં.”
“અવી, બધું જ ખતમ થઇ ગયું.મારાં નિકાહ જૈન સાથે નક્કી થઇ ગયા.” અલિઝા રડતાં-રડતાં બોલી.
“પણ કેમ?કંઈ રીતે?હજુ ત્રણ દિવસ પહેલાં જ તો આપણે સાથે હતાં. આઇ મીન તું માત્ર ત્રણ દિવસ કોલેજ નથી આવી. તો આટલાં ટૂંકા ગાળામાં આ બધું કંઈ રીતે?” અવિએ પુછ્યું.
“બે દિવસ પહેલા મને જોવાં આવ્યાં હતાં. પણ મારાં પરિવારને તે પસંદ ન આવતાં અમે ના પાડી દીધી હતી. તે દિવસે મેં હિંમત કરીને ભાઈને આપણા વિશે બધું જણાવ્યું પણ ભાઈ ન માન્યા અને તેઓએ તેમનાં ફ્રેન્ડ જૈન જોડે મારાં નિકાહ નક્કી કરી દીધા.”
અવિએ અલિઝાનો હાથ પકડ્યો. અલીઝાએ પોતાનું માથું અવિના ખભા ઉપર ઢાળી દીધું.
“અલીઝે, મને કહી દે કે હું સ્ટુપીડ છું અને તું ફરી વાર મને બેવકૂફ બનાવવામાં કામયાબ થઈ ગઈ છો.”
જવાબમાં અલિઝાએ માત્ર ઊંડો નિસાસો ફેંકયો.
“અલીઝે, શું આપણી પાસે બીજો કોઈ જ રસ્તો નથી?”
“કાશ, કાશ કે હું અલિઝા નહીં પણ અવની હોત!”અલિઝાએ રડમસ અવાજે કહ્યું.
“કાશ હું અવિ નહીં પણ આસીમ હોત!”અવિએ પણ આંસુઓ વહી જવા દીધાં.
…
નિકાહનો દિવસ
“અલિઝા વકાર અહેમદ, શું તમને આ નિકાહ કબૂલ છે?”
“હા.”
“ઝૈન મીરઝા શૈખ, શું તમને આ નિકાહ કબૂલ છે?”
“હા.”
નિકાહની રશમ પુરી થઈ. એક-એક કરીને બધાં સગાં-વ્હાલા અને મિત્રો અલિઝા અને જૈનને શુભેચ્છાઓ આપવા સ્ટેજ ઉપર આવવાં લાગ્યાં. અંતે અવી સ્ટેજ ઉપર આવ્યો.
“કૉંગ્રેટ્સ અલીઝે!”અવિએ અલિઝાની ભીની આંખોમાં જોઈને કહ્યું.
…
“*ધીમી ધીમી આહટે તેરી, આજ ભી દે સદાયે,
પર જો ઝખ્મ દિલમે છુપે બૈઠે, કૈસે ઇનકો મિટાયે?
આંસુ બૈઠે કૈદ પલકોપે,કૈસે ઇનકો બહાઉ?*”
…
(* પંક્તિ ડ્રામા ‘ishqiya'માંથી )
( Navratri story festival )