તારી એક ઝલક - ૨૩ Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી એક ઝલક - ૨૩

ઝલક અને માનવ કેન્ટીનમા આવ્યાં ત્યારે મોનાલિસા કેયુરની સામે ઉભી હતી. બંનેનાં ચહેરાં ઉપર કોઈ જાતનાં હાવભાવ નજર આવી રહ્યાં ન હતાં. પણ એ બંનેને સામસામે ઉભાં જોઈને અને ત્યાં મોજુદ સ્ટુડન્ટ્સની ભીડ જોઈને માનવ અને ઝલકના ચહેરાનો રંગ ઉડી ગયો.
માનવ અને ઝલક કંઈ સમજી શકે. એ પહેલાં જ મોનાલિસાએ કહ્યું, "આઈ એમ સોરી કેયુર! એ દિવસે મેં તારી ઉપર જે આરોપ લગાવ્યો. એ તદ્દન ખોટો હતો. જેની આજે હું બધાંની સામે માફી માગું છું." એણે પોતાનાં બંને હાથ જોડી લીધાં, "મારી ભૂલ બદલ મને માફ કરી દે. જો તે મને માફ કરી દીધી. તો મારો થોડો ગિલ્ટ ઓછો થશે."
મોનાલિસાએ અચાનક જ ભરેલાં આ પગલાંથી કેયુર અસમંજસમાં મૂકાયો હતો. એની સમજમાં કંઈ નાં આવ્યું. એક ખોટો આરોપ લાગ્યાં પછી કોલેજ છોડી દીધી. પછી ઝલક આવી અને અચાનક જ કેયુરે કાલથી જ કોલેજે આવવાનું શરૂ કર્યું. એમાં આજે બીજાં જ દિવસે મોનાલિસા આવું કંઈક કરશે. એવું તો કોઈએ વિચાર્યું પણ ન હતું. માનવ ખુદ પણ મોનાલિસાએ ભરેલાં આ પગલાંથી વાકેફ ન હતો. એ બંને વિશે આ બાબતે વાતચીત જરૂર થઈ હતી. પણ મોનાલિસા માનવને જણાવ્યાં વગર જ આ રીતે નિર્ણય લઈ લેશે. એવું માનવે પણ વિચાર્યું ન હતું.
કેયુરે બધાં સ્ટુડન્ટ્સ પર એક ઉડતી નજર કરી. એની નજર ઝલક પર જઈને અટકી. ઝલક ખુદ કંઈ કહી શકવાની હાલતમાં ન હતી. એ માનવ સામે જોઈ રહી. માનવે માત્ર આંખોના પોપચાં ઢાળીને મૂક સહમતી આપી. કોઈ વ્યક્તિ સુધરી રહ્યું હોય, તો એને એક મોકો આપવો જોઈએ. એમ વિચારીને ઝલકે પણ કેયુરને માત્ર ડોક હલાવીને મોનાલિસાને માફ કરવા કહ્યું.
"ઠીક છે, મેં તને માફ કરી." કેયુરે આખરે એની બહેનની વાત માની લીધી. મોનાલિસા અને માનવ પણ કેયુરના નિર્ણયથી ખુશ થયાં.
"કેયુરે તને માફ કરી દીધી. એનો મતલબ એ બિલકુલ નથી કે તને બીજાં છોકરાંઓ સાથે રમત રમવાનું લાયસન્સ મળી ગયું. હવે વહેલી તકે સુધરી જાજે." ઝલકે મોનાલિસા પાસે આવીને કહ્યું અને પછી માનવ તરફ ફરી, "તે મને શરૂઆતથી જ અંધારામાં રાખી. છતાંય મારો સાથ આપ્યો, એ બદલ થેંક્યું." ઝલકે કહ્યું અને પ્રિન્સિપાલની ઓફિસ તરફ આગળ વધી ગઈ. એનો અમદાવાદ આવવાનો મકસદ પૂરો થયો હતો. હવે ફરી ભેંસાણ જવાનો સમય આવી ગયો હતો.


તેજસ હવે એનાં મકસદની નજીક હતો. હવે છેલ્લું પાસું ફેંકવાની વાર હતી. જે આજે સાંજે જ ફેંકવાનું હતું. એ જાદવ સાથે રૂમમાં બેઠો હતો. એ સમયે જ કોઈએ દરવાજે ટકોરા દીધાં. જાદવ દરવાજો ખોલવા ઉભો થતો હતો. ત્યાં જ તેજસે એને બેહવા ઈશારો કર્યો અને પોતે ખુદ જઈને દરવાજો ખોલ્યો. તેજસની સામે હોટેલનો જ એક વેઇટર ઉભો હતો. એણે તેજસને એક બોક્સ આપ્યું અને જતો રહ્યો. તેજસે બોક્સ હાથમાં રાખીને દરવાજો બંધ કર્યો અને ફરી પોતાની જગ્યાએ આવીને, ફોકસ બેડ પર પોતાની સામે રાખીને બેસી ગયો.
"આમાં શું છે? તે ક્યાંક મારાં માટે પિઝ્ઝા તો ઓર્ડર નથી કર્યા ને?" જાદવે બોક્સ હાથમાં લઈને ખુશ થતાં પૂછ્યું.
"આ બોક્સ તને પિઝ્ઝાનું બોક્સ લાગે છે?" તેજસ કાતર દ્રષ્ટિએ જાદવ સામે જોઈ રહ્યો.
"તો શું છે?"
"તું ખુદ જ જોઈ લે." તેજસે કહ્યું અને પગ લાંબા કરીઞૂ આરામથી બેસી ગયો. જાદવે બોક્સ ખોલ્યું. એ સાથે જ એની આંખો ફાટી ગઈ અને કપાળે પરસેવો વળી ગયો. એની એવી હાલત જોઈને તેજસ હસવા લાગ્યો, "કેવાં લાગ્યાં પિઝ્ઝા?" એણે પૂછ્યું.
"એ ગધેડાં! આ રિવૉલ્વર તારી પાસે ક્યાંથી આવી? તારાં મગજમાં ચાલે છે શું?" જાદવે બોક્સ સહિત રિવૉલ્વર તેજસના ખોળામાં ફેંકીને પૂછ્યું.
"આજે રાતે એક ડીલ કરવાની છે. જેમાં કદાચ આની જરૂર પડશે. પ્લાનિંગ મેં કરી લીધી છે. તારે માત્ર મારી સાથે રહેવાનું છે." તેજસે એકદમ શાંતિથી કહ્યું. પણ જાદવની તો હાલત ખરાબ થઈ ગઈ હતી. એ કંઈ સમજવાની હાલતમાં ન હતો. આજ સુધી એણે તેજસ સાથે મળીને ભેંસાણમાં મારપીટ જરૂર કરી હતી. પણ આજે પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. એક તો લંડન સાવ અજાણી જગ્યા! ઉપરથી તેજસ રિવૉલ્વર લઈને ડીલ કરવા જવાની વાત કરતો હતો. એવી તો કેવી ડીલ હતી? જેનાં માટે તેજસે રિવૉલ્વરની જરૂર પડી. એ ક્યારનો એમ કહેતો હતો કે એને આખો ખેલ સમજાઈ ગયો છે? પણ આખરે એને સમજાયું છે શું? એ જાદવ હજું સુધી જાણી શક્યો ન હતો.
જાદવને પરેશાન જોઈને તેજસે એનાં ખંભે હાથ મૂક્યો, "ડરવાની જરૂર નથી. હું તને કંઈ નહીં થવા દવ." એણે જાદવની આંખોમાં જોયું, "આપણે માત્ર આજની રાત જ લંડનમાં છીએ. આજે રાતે બાર વાગ્યે ડીલ સાઈન થઈ જાય. એટલે આપણે ભેંસાણ જવાં નીકળી જવાનું છે. પછી આખી બાજી આપણાં હાથમાં આવી જાશે. એક વખત આપણે આપણાં દેશમાં પાછાં જતાં રહીએ. પછી કોઈ આપણું કંઈ બગાડી નહીં શકે. પણ જ્યાં સુધી એ ડીલના પેપર્સ હાથમાં નાં આવે. ત્યાં સુધી આપણે સાવધ રહેવાનું છે."
"ભાઈ! મને મારી નહીં તમારી ચિંતા છે. મને તમારી પ્લાનિંગ ઉપર તો પૂરો ભરોસો છે." જાદવે કહ્યું, "પણ અહીંના લોકોને આપણે ઓળખતાં નથી. કદાચ આપણો પ્લાન ઉલટો પડે, તો આપણી પાસે બચવાનો કોઈ તો ઉપાય હોવો જોઈએ ને!"
"એ બધું થઈ જાશે. તું નિશ્ર્ચિત રહે, તું જઈને પિઝ્ઝા ખાય આવ. મારે થોડું કામ છે." તેજસે કહ્યું.
જાદવનુ મન ન હતું. છતાંય એ રૂમની બહાર જતો રહ્યો. એનાં જતાંની સાથે જ તેજસ લેપટોપ લઈને બેસી ગયો. એ મોડાં સુધી એમાં મથતો રહ્યો. કીબોર્ડ પર ચાલતી આંગળીઓ સાથે એનાં ચહેરાનાં હાવભાવ પણ બદલી રહ્યાં હતાં. આંખોની કીકીઓમાં લેપટોપની સ્ક્રીન નજર આવી રહી હતી. જેમાં એક આદમીનો ફોટો જોઈ શકાતો હતો. એને જોતાં એ વિદેશી માલૂમ પડતો હતો.


(ક્રમશઃ)

_સુજલ પટેલ