પ્રકરણ ૨
"રાવિ ભારત નઈ જાય મતલબ નઈ જાય." જિજ્ઞાસાએ તેનો છેલ્લો નિર્ણય જણાવ્યો.
"ઠીક છે, રાવિ ભારત નઈ જાય. પણ જ્યારે રાવિ તને પૂછશે કે ભારત જવામાં શું પ્રોબ્લેમ છે, ત્યારે તું શું જવાબ આપીશ જિજ્ઞા?" રયાનએ ભવિષ્યમાં ઉભી થનાર પરિસ્થિતિથી જિજ્ઞાસાને વાકેફ કરી.
"તો હું શું કરું રયાન? તુંજ કે' હું શું કરું?" જિજ્ઞાસા રડવા જેવી થઇ ગઈ.
"રાવિને જવા દે, તું તેને જવા દઈશ તો તેં મિટિંગ પતાવીને પાછી આવી જશે પણ જો રાવિ તેની મરજીથી ગઈ તો ત્યાં રહીને તેં તારી ના નું કારણ શોધશે." રયાનએ શાંતિથી જવાબ આપ્યો.
"રાવિ, તું જા બેટા." જિજ્ઞાસાએ રાવિકાના ઓરડામાં આવીને ખુશ અને સામાન્ય હોવાનો દેખાવ કર્યો.
"હું ભારત જઈને જીવનમામા અથવા મીરામાસી સાથે રહેવા લાગીશ એજ ડર છેને તમને માસી? રયાન પપ્પાએ મને કહ્યું એ સાચું છે? કે તમે મારાં સગાં માસી નથી એટલે તમને ડર છે કે ક્યાંક હું તમારાથી દૂર ન થઇ જઉં?" રાવિકાએ જિજ્ઞાસાની આંખોમાં આંખો નાખીને પૂછ્યું.
"હા, મને ડર છે કે મારી રાવિ મારાથી દૂર ન થઇ જાય, મને ડર છે મેં મારી સોનુંને આપેલું વચન મારાથી તૂટી ન જાય." જિજ્ઞાસાને ફરીથી એ ભયાનક ભૂતકાળ યાદ આવી ગયો.
"તમે મારી માં છો જિજ્ઞા માસી, હું તમને છોડીને કઈ રીતે જઈ શકું? મમ્માએ મને ખુબ પ્રેમ કર્યો હશે એમાં બેમત નથી પણ માં કોને કેહવાય એ હું તમને જોઈને જાણી છું, તમે મારી માં છો અને તમેજ મારી માં રહેશો." રાવિકાએ જિજ્ઞાસાને મજબૂત આલિંગન આપ્યું.
રાવિકાએ જ્યારે એરોપ્લેનમાથી પહેલું ડગલું ભારતની જમીન ઉપર મૂક્યું તો તેના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ, ૩ વર્ષની રાવિકાને ન્યૂયોર્ક લઈને ગયા પાછી ક્યારેય ન તો જિજ્ઞાસાએ ભારતમાં પાછો પગ મુક્યો ના તો ક્યારેય ભારતમાં વસતા તેમના પરિવારએ ન્યૂયોર્ક તરફ દ્રષ્ટિ કરી.
ક્યારેય નજરે ન જોયેલી તેની માતૃભૂમિ માટે પણ રાવિકાના હૃદયમાં અનહદ પ્રેમ ઉમટ્યો અને તેની આંખો ભીંજાઈ ગઈ.
"કિધર જાનેકા હૈ મેડમ?" રાવિકા એરપોર્ટથી બહાર આવી કે તરત ટેક્ષીવાળાઓ તેને પૂછવા લાગ્યા.
પણ રાવિકા સૌથી છેલ્લે પડેલી ટેક્ષીમાં જઈને બેસી ગઈ જેનો ડ્રાઈવર ટેક્ષીની આજુબાજુ નજરે ન્હોતો ચડી રહ્યો.
થોડીવારમાં એક ડ્રાઈવર આવીને ડ્રાઈવરસીટ પર બેઠો, "કિધર જાના હૈ?" તેણે પાછળ જોયા વગર જ પૂછ્યું.
"તાજ હોટેલ." રાવિકાએ ટૂંકમાં જવાબ આપ્યો.
મુંબઈની સડક પર પૂરપાટ દોડી રહેલી ટેક્ષીને અચાનકજ જોરદાર બ્રેક લાગી, ક્યારનીયે નીચું માથું રાખીને લેપટોપમાં કામ કરી રહી રાવિકાની નજર ઉપર થઇ અને તેનીએ બારીની બહાર જોયું.
"સોરી મેડમ, કોઈ બીચ મેં આ ગયા થા તો બ્રેક લગાના પડા." ડ્રાઈવરએ ટેક્ષી ફરી ચાલુ કરી અને તાજ હોટેલ તરફ લીધી.
"યહાં શામ કે સાત બજે હી ઇતના અંધેરા હો જાતા હૈ?" રાવિકાએ લેપટોપ બંધ કરીને બેગમાં મૂકી દીધું.
"અરે મેડમ, અભી વિન્ટર મેં તો ઐસા હી રહેગા ના." ડ્રાઈવરએ જવાબ આપ્યો.
"વ્હોટ ઇઝ યોર નેમ?" તાજ હોટેલ આવતાંજ રાવિકાએ નીચે ઉતરતા પૂછ્યું.
"કેરિન દેશમુખ." ડ્રાઈવરએ રાવિકા સામે જોયું અને તેની નજર રાવિકાના ચેહરા પર અટકી ગઈ.
"થેંક્યુ મી. દેશમુખ." રાવિકાએ પૈસા આપ્યા, સામાન લીધો અને હોટેલમાં જતી રહી.
રાવિકાએ જેવો તાજ હોટેલમાં પગ મુક્યો કે તરત કેરિનને તેમની બન્નેની વચ્ચે રહેલા ખાઈ જેવડા તફાવતનો એહસાસ થયો, પોતાના માથા ઉપર ટપલી મારી અને ટેક્ષી રિવર્સ કરી તેં ઘરે જવા નીકળ્યો.
"માં, આજે તો એક મોટી મેમસાહેબએ સ્પેશ્યલ ટેક્ષી લીધી હતી. જો આજની કુલ કમાણી." કેરિનએ રોજના જેમ આજની આખી કમાણી તેની માં રીનાબેનના હાથમાં મૂકી.
"ખુબ સરસ, આ પૈસાથી આ મહિનાનું બિલ અને ઘરના નાના મોટા ખર્ચા આરામથી નીકળી જશે. ખુબ ભલું થાજો તારી એ મેમસાહેબનું." રીનાબેનએ પૈસા આંખે અડાડ્યા અને મનોમન રાવિકાને આશીર્વાદ આપ્યા.
"મિથિલા કુઠે ગેલી?" કેરિનએ તેના પપ્પા કેશવરામને પૂછ્યું.
"માલા માહિત નાહી." કેશવરામએ કેરિન સામે જોયું પણ નઈ.
"કાય ઝાલં બાબા?" કેરિન કેશવરામના ખોળામાં માથું રાખીને બેસી ગયો.
"તું પક્ષપાત કરતા હે, તેરી આઈ કો પૈસા ઔર પ્યાર દોનો દિયા, મેરેકો એક ભી નઈ દિયા." કેશવરામએ મોઢું ચડાવી દીધું.
"અરે, અરે." કેરિનએ કેશવરામના બન્ને ગાલ ઉપર ચુંબનનો વરસાદ કરી દીધો.
"ઔર મેરેકો?" કેરિનની નાની બેન મિથિલા દોડતી આવીને કેરિન અને કેશવરામને ભેંટી પડી.
"બસ બસ, બઉ થઇ ગયો પ્રેમ. ચાલો બધાં જમી લો." રીનાબેનએ વાળું તૈયાર કર્યું.
"તને ઈર્ષા થઈને રીના, હે... હે... હે..." કેશવરામ હસી પડ્યા.
"ઈર્ષા અને મને? શાની?" રીનાબેનએ કેશવરામ સામે ગુસ્સેથી જોયું.
"હું બધે તારા કરતા આગળ છું, કેરિનએ મને કેટલી બધી કિસ આપી. અને એટલેજ તને ઈર્ષા થઇ." કેશવરામ આજે રીનાબેનને ચીડવવાના મૂડમાં હતા.
"જાઓ, જાઓ. તમે મારી આગળ ક્યારેય હતાંય નઈ અને થશો પણ નઈ, તો મને ઈર્ષા થવાનો સવાલ જ નથી." રીનાબેનએ મોઢું મચકોડ્યું.
"જેવણ તયાર આહે, બાબા." બન્ને ઝગડી પડે તેના પહેલાં કેરિનએ પરિસ્થિતિ સંભાળી લીધી.
૨૨ વર્ષીય કેરિન, તેના નાનકડા સુખી પરિવાર સાથે મલાડ ઇસ્ટના ૧ બીએચકે ફ્લેટમાં રહેતો હતો. શ્યામ રંગ, ૬ ફુટ હાઈટ, લાંબા કાળા વાળ અને ભૂરી આંખો ધરાવતો કેરિન કોઈ પણ સ્ત્રીને ક્ષણિક આકર્ષણ તો થઇ જ જાય એટલો સુંદર હતો.
ગ્રેજ્યુએટ થયા પછી નોકરી ન મળતા નોકરીની રાહ જોઈને બેસી રહેવાને બદલે કેરિનએ તેના પપ્પાની ટેક્ષી ચલાવવાનું નક્કી કર્યું અને નોકરી ન મળે ત્યાં સુધી કેશવરામને ઘરે આરામ કરવાનું ફરમાન કરી દીધું.
કેશવરામ મરાઠી હતા અને રીનાબેન ગુજરાતી, અને એટલેજ બન્નેના પ્રેમલગ્ન પછી બન્નેયને પોતપોતાના પરિવાર અને મિલકતમાંથી હંમેશા માટે જાકારો આપી દેવાયો હતો.
કેશવરામ પાસે પોતાની કહી શકાય એવી એકજ મિલકત આ નાનકડો ફ્લેટ હતો જે તેમણે વર્ષો સુધી હફ્તા ભરીને પોતાનો કર્યો હતો.
"માસી, આ ડીલ આપણી. રાતની ફ્લાઇટ છે, હું ધ્યાનથી આવી જઈશ પાછી તમે ચિંતા ન કરતાં માસી." રાવિકાએ જિજ્ઞાસાને વિડિઓકોલ કર્યો હતો.
"અજાણ્યું શહેર છે એટલે ક્યાંય જતી નઈ એકલી અને ફ્લાઈટના ચક્કરમાં ખાવાનું ન ભૂલી જતી." જિજ્ઞાસાએ ટકોર કરી.
"ડૉન્ટ વરી, જસ્ટ ચીલ માસી." રાવિકાએ જિજ્ઞાસાને ફ્લાઇંગ કિસ આપી અને ફોન કાપ્યો.
રાવિકાએ કાંડા ઘડિયાળમાં જોયું, સવારના સાડા અગિયાર વાગ્યા હતા. આખો દિવસ મુંબઈની પ્રખ્યાત જગ્યાઓ જોવામાં અને ખરીદી કરવામાં વિતાવીને સાંજે રાવિકા જુહું ચોપાટી આવી. તેના મોંઘા શૂઝને ગાડીમાં મૂકીને તેં ખુલ્લા પગે ચાલીને દરિયા સુધી આવી, આછા અજવાસમાં દરિયા વચ્ચે ચમકતા સૂરજના કિરણો રાવિકાની આંખોને અજીબ પ્રકારની શીતળતા આપી રહ્યાં હતાં.
"આટલા સુંદર દેશને છોડીને જિજ્ઞા માસી ન્યૂ યોર્ક કેમ ગયાં હશે?" રાવિકાએ દરિયાકિનારે રેતીમાં બેસતા વિચાર્યું.
ક્યાંય સુધી આંખો બંધ કરીને આ દેશની હવામાં અને માટીની સુગંધમાં તેની માં આધ્વીકા અને તેના પિતા રાહુલનું અસ્તિત્વ મેહસૂસ કરવાનો પ્રયત્ન કરી રહેલી રાવિકા થાકીને ઉભી થઈને ગાડી તરફ જવા નીકળી, હજુ તેં ચારેક ડગલાં ચાલી હશે કે પાછળથી તેના માથા પર કોઈ ભારી વાસ્તુથી વાર થયો અને રાવિકાની આંખો સામે અંધારું છવાઈ ગયું.
ક્રમશ: