મોજીસ્તાન (34)
"હેલો હુકમચંદજી..બરવાળાથી ઇન્સ્પેક્ટરનો ફોન હતો.જાદવાએ સામો કેસ કર્યો છે.કે છે કે અમારી વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને અમને ચાર જણને માર મારીને એ નાસી ગયેલ છે.અને કાવતરાનો ખોટો કેસ કરીને અમારી આબરૂ બગાડી છે..એટલે બાબા પર કાયદેસર કરવાનું કે છે.તો કેમ કરવું..?" તભાભાએ બીજા દિવસે સવારમાં જ હુકમચંદને ફોન કર્યો.
"હું શું કવ છું..? ઈ તો થાવાનું જ હતું ભાભા..કાલ્ય મેં કીધુતું તમને, કે દસક હજાર દેવી તો આપડું ધાર્યું થાય.પણ તમારે હંધુય મફતમાં જ કરાવી લેવું છે.તખુભા હવે ઇ લોકોની પડખે ચડ્યા છે.કાલ્ય જઈને છોડાવી પણ લાવ્યા છે.મેં તો નિયા લગણ (ત્યાં સુધી) હાંભળ્યુ છે કે હવે ઇવડાઈ ચારેય બાબાના હાડકા તો ભાંગી જ નાખશે..કારણ કે માર ખાઈને જેલમાં જાવું ઇની કરતા મારીને જ જાવું ઈમ જાદવો કેતો'તો.."
હુકમચંદે ભાભાને લાગમાં લેતા કહ્યું..
"પણ તો તો મારા બાબાનું શુ થાય..હુકમચંદ તમે કંઈક કરો..
નકર મારે તખુભાના શરણે જાવું પડશે.સમાધાન કરી નાખવી બીજું શું.. તખુભા દરબાર છે એટલે ભામણના દીકરાની રક્ષા કરશે. બાબાના માથે ઇમનો હાથ હોય તો જખ મારે છે જાદવો.."
હુકમચંદ ભાભાની વાત સાંભળીને વિચારમાં પડ્યો.
"સાલું માંડ માંડ આમને મારી પાર્ટીમાં લાવ્યો છું.હવે જો આ ભાભો પાછો તખુભાની પાર્ટીમાં જતો રેશે તો પછી કોઈ દિવસ મારી સામુય જોશે નઈ.. આમને તખુભા પાસે જતા અટકાવવા જ પડે.."
"શુ વિચારમાં પડ્યા છો.બોલો તમે બાબાનું રક્ષણ કરી શકશો..? હું એક રૂપીયોય લાંચ આપવાનો નથી.. લાંચ આપવી ઈ ગુન્હો છે..
ભ્રષ્ટાચાર કરીને મારે મારો શુદ્ધ આચાર વિચાર અભડાવવો નથી..
મને તખુભા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે.જે થિયું ઈ.. જાવા દ્યો ઈમ કવ એટલે તખુભા બીજું નો બોલે.."
ભાભાએ જવાબદારી હુકમચંદ પર નાખી.એ જાણતા હતા કે બેઉ પાર્ટીને પોતાની જરૂર છે.બાબાના કેસનો ફાયદો તખુભાને પણ જોઇએ છે અને હુકમચંદને પણ. તો પછી આપણે શા માટે ટેંશન લેવું ? જે બચાવે એનો જય જયકાર કરવો,અને એક ફદીયુય
દાઝી જવા દેવું નહીં..!
હુકમચંદને ભાભા હવે ભારરૂપ જણાયા.તખુભાની પાર્ટીમાં જતા રહેવાની ધમકી આપીને એમણે બાજી બગાડી હતી.પણ હુકમચંદ એમ પાણીમાં બેસી જાય એવો ન્હોતો.ઘાટ ઘાટના પાણી પીને એ સરપંચ થયો હતો. રાજકારણમાં એને બહુ આગળ સુધી જવાની ઈચ્છા હતી.અને એ ઈચ્છા પૂરી કરવા માટે જરૂરી બુદ્ધિ એની પાસે હતી.બે મિનિટમાં જ એણે વિચારી લીધું..
"તો ભાભા તમારો જેવો વિચાર..
આમાં મારે તો કાંય નાવા નિચોવવાનું છે નહીં.જાદવો કેસ કરે કે બાબાને ઠમઠોરે..કે તમે કેસ કરીને જાદવાને સલવાડો.. તખુભા તમને લાડવા ખવડાવે કે તમારા લાડવા તખુભા ખાય.. મારે ચેટલા ટકા..? તમે આ પહેલા તખુભાની પાર્ટીમાં જ હતા.તોય હું તો જીત્યો જ છું ને ? તમને ઈમ લાગતું હોય કે તખુભા તમને આશરો આપશે તો તમતમારે જાવ ઇમની ડેલીએ..મારે તો આમાં કાંય લેવા દેવા છે નહીં.અને હું તખુભાની જેમ ગટરના કૌભાંડ કરીને રૂપિયા કમાણો નથી.લેવા દેવા વગરનું મારે જાદવાની નાતના મત શુકામ ઓછા કરવા..તમે તો તળિયા વગરના લોટકા જેવા છો..ઘડીક આનીપા તો ઘડીક ઓલીપા..તમારો વિશ્વાસ કેમ કરવો..જાવ જઈને તખુભાના પગ પકડી લ્યો તમતમારે..મને કોઈ ફેર પડતો નથી.. અને હવે આ બાબતે મને ફોનય કરતા નય.." કહીને હુકમચંદે ફોન મૂકી દીધો.
તભાભાની ચોટલી ઉભી થઇ ગઈ. હુકમચંદ હાથથી તો ગયો જ હતો પણ ન કહેવાનું કહીને ગયો હતો.પોતાને લોટકા સાથે સરખાવીને એણે હડહડતું અપમાન કર્યું હતું. પોતે એની વાતનો જવાબ આપે એ પહેલા ફોન પણ કાપી નાખ્યો હતો.
ગુસ્સે થઈને તભાભાએ તખુભાને ફોન કર્યો. પણ તખુભાએ ફોન ઉપાડ્યો જ નહીં.એટલે ભાભા અકળાયા.
"આ તખુભા ફોન કેમ ઉપાડતા નથી.. આ ગામ ખરેખર હવે રહેવા લાયક રહ્યું નથી. ચારે કોર રાક્ષસો વધતા જાય છે.અધમ અને નીચ પ્રકૃતિના માનવો આ પૃથ્વી પર કાળો કેર વર્તાવી રહ્યા છે..કળીયુગ એની ચરમસીમાએ આવી પહોંચ્યો છે.હે મારા નાથ હવે તો તારું જ શરણું સુખાકારી છે..મારા હજારો વર્ષના તપનું પુણ્ય બળી જવાની બીક ન હોત તો હું આ ગામને બાળીને ભષ્મ કરી નાખત.." તભાભાભા આમ બબડતા હતા એ સાંભળીને ગોરાણી એકદમ અંદરના ઓરડેથી બહાર આવ્યા..
"હાય હાય..આ તમે શું વાણી વદી રહ્યા છો.આવા કટુવચન ઓચરીને શીદને તમારો પ્રતાપ ઓછો કરી રહ્યા છો..જોજો હો તમે શ્રાપ તો દેતા જ નહીં..રવજીની વહુ મારી બેનપણી છે. અને ઓલી કંકુડોશી કાલ્ય જ ઇની વાડીના તાજા કંકોડા દઈ જઈ છે..ઓલ્યા પરમજીના ઘેરથી કિલો ઘી ઈની વવ દઈ જઈ છે..તમે આખું ગામ નો બાળી મેલશો ભઈશાબ.."
કહી કમર પર હાથ મૂકીને એ ઉભા રહ્યા..
તભાભાભા એમની ભાર્યાને જોઈ રહ્યા..
"કેટલી નિર્દોષ છે બિચારી..શું મારા શ્રાપથી ગામ બળી જાય ખરું..? ક્યારેક બાક્સ વગર ચુલો સળગાવી જોવા જેવો ખરો.અગ્નિમંત્ર ભણીને જો ચુલો સળગાવી શકાય તો તપનું પારખું થાય ખરું..તખુભાના ઘેર ઓલ્યા નીચ જાદવાએ કહ્યુતું કે બાક્સ વગર ભડકો કરી દેખાડો તો માનું..
સાલું એકવાર પરચો તો બતાડવો જ પડશે..આ નાલાયક અને બુદ્ધિ વગરના પામર જીવો ચમત્કાર વગર નમસ્કાર નહીં કરે.."
"મેં કીધું ઈ હાંભળ્યુ ? તમે મને પૂછ્યા વગર ગામને શ્રાપ દેતા નહીં કય દવ છું તમને.નકર હું તમને શ્રાપ દઈ દઈશ..મને આપણું આ ગામ બહુ ગમે છે..કાંય બધા પાપીયા નથી.ઓલ્યા હબલાની મા બચાડી કેટલું કામ કરી જાતીતી..અને આપણા મહોલ્લાના કૂતરાં બચાડા આખી રાત ભંહી ભંહીને ચોકી કરે છે ઇમનો શુ વાંક..? તમે જોજો હો બધું પુણ્ય બળી જાશે તો નરકમાં પડશો નરકમાં.." ગોરાણીએ ફરી ભાભાને ચેતવ્યા.
ભાભા પોતાની ભોળી પત્નીના આજ્ઞાન પર મૂછમાં હસ્યાં.પછી કહે, " હે પ્રાણેશ્વરી, તમે જરાય ચિંતા કરશો નહીં. શાસ્ત્રોમાં કહ્યું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ.હું આ તમામ નીચ અને અધમ મુમુક્ષ જનોનો ઉદ્ધાર કરીશ.એમના હીન કૃત્યોને આંખ આડા કાન કરીને માફ કરી દઈશ.પણ ભગવાન શ્રી સત્યનારાયણ દેવના પ્રગટ સ્વરૂપ આપણા પુત્ર બાબા શંકરને ઉની આંચ આવશે તો મારું મન સ્થિર રાખવું અત્યંત કઠિન બની જશે..
પણ હું કામ ક્રોધ મોહ અને માયાથી પર છું એ તમે જાણો જ છો.માટે હે મુજ જીવન સંગીની આપ એ વિશે નચિંત થઈને આપણા ગૃહકાર્યમાં પ્રવૃત થાવ..
સરસ મજાની ચા બનાવો અને આપણા પવિત્ર પુત્રને જાગ્રત કરો..એમના સ્નાન વગેરેની વ્યવસ્થા કરો.જાવ સિધાવો હવે "
ગોરાણીએ ભાભાના કોમળ વચનો સાંભળી અંદરના ઓરડા તરફ પ્રયાણ કર્યું.એ જ વખતે પુત્ર બાબા શંકર પથારીમાંથી આળસ મરડીને ઉઠ્યા..!
ભગવાન શ્રી સત્યનારાયણ દેવનો કહેવાતો એ અવતાર ઉઠીને તરત જ રસોડામાં જઈને નાસ્તાનો ડબો ખોલીને ભુખ તૃપ્ત કરવા લાગ્યો.ગોરાણીએ દંત મંજન કરવા હળવેથી કહી જોયું પણ બાબો એવી સલાહ કાને ધરતો ન્હોતો..!
ભાભાએ પોતાના પુત્ર પર આવી રહેલી આફતને આઘી રાખવા તખુભાના ઘર તરફ પ્રયાણ કર્યું.
એ વખતે તખુભાની ડેલીમાં જાદવ કસુંબો બનાવી રહ્યો હતો.આજ એને તખુભા કરતા પણ કસુંબાની વધુ જરૂર હતી.બાબાએ મારેલા ઢોરમારને કારણે એની પાંસળીઓ ફાટી રહી હતી.ખીમાં અને ભીમાના પણ એ જ હાલ હતા.ચંચો તો એની ઝૂંપડીમાં ટૂંટિયું વળીને પડ્યો હતો.એની માએ બેચાર વખત ઉઠાડી જોયો પણ એ હલ્યો ન્હોતો.ચંચાના મનમાં બાબાનો ડર પેસી ગયો હતો.ઊંઘમાં પણ બાબો એની છાતી પર ચડી બેઠો હોવાના એને સ્વપ્ન આવતા હતા..!
*
હુકમચંદ હોન્ડા લઈને લોકપાલન પાર્ટીની ઓફિસે બોટાદ આવ્યો હતો. ભાભાનો ફોન આવ્યો ત્યારે ટૂંક સમયમાં આવનારી ચૂંટણી અંગે પાર્ટીના જિલ્લા પ્રમુખ સાથે અગત્યની ચર્ચા કરી રહ્યો હતો.
ધારાસભ્ય ધરમશી ધંધુકિયાને આ વખતે પાર્ટી ફરીવાર ટીકીટ આપવાની હતી.પરંતુ વિરોધ પક્ષ
ખોંગ્રેશનો ઉમેદવાર ચમનલાલ ચાંચપરા વધુ લોકપ્રીય થયો હતો એટલે આ વખતે ધધુ( આપણે હવે આ ધરમશી ધંધુકીયાને આ નામે ઓળખીશું.)ને ભીંસ પડે તેમ હતું.ધધુએ હુકમચંદને પાણીની લાઈનની ગોબાચારીમાંથી મુક્ત કરાવ્યો હતો એટલે હુકમચંદ ધધુ માટે ચૂંટણી પ્રચાર કરવાનો હતો.
''શું મેટલ (મેટર) સ લ્યા હકમસંદ.
ચ્યમ અકળય જ્યો સ..જો સૂટણી આવસ..કોયની હાર્યે સબંધ બગાડવાનો નથ્થ..શીના કેસની વાત હાલસ.." જિલ્લા પ્રમુખ ગાંડલાલ ગબકીયાએ હુકમચંદની વાતમાં ધ્યાન આપીને પૂછ્યું.
ગાંડલાલ સાવ અંગૂઠાછાપ હતો પણ એની કોઠાસૂઝ જબરી હતી.લોકપાલન પાર્ટીમાં એનું વજન હતું.
હુકમચંદે ગામમાં બનેલી બીના ટૂંકમાં જણાવીને કહ્યું, "યાર ગાંડાલાલ.. જાવા દ્યોને..ઈ ગોર અમથાય આપણને સપોર્ટ નય કરે..તખુભાની પાર્ટીનો ખાસ માણસ છે.ઈને આપડી પાર્ટીમાં
ઘુસાડવા મેં બળ કરી જોયું પણ ઈતો એક રૂપીયોય ખરસવા તિયાર નથી.માળો ઈમ કે છે કે અમે ભામણ લખમી લય હકવી પણ દય નો હકાય..વિષ્ણુ ભગવાન કોપાયમાન થાય.."
કહી હુકમચંદ હસ્યો..
ગાંડાલાલ થોડીવાર વિચારમાં પડ્યો.પછી કહે, "જો હકમસંદ..
બામણની નાત બહુ કામની ગણાય.ઈમાંય કથા વારતા કરતા હોય ઈ તો બવ કામના..શુસ કે કથા કરતા કરતા આપડી પાલટીનો અન આપડો પરસાર કરે..થોડાક ઈમની વાંહે ખરસવા પડે તો પાસું નો પડાય.. તું તારે ઈ તભાગોરનું ગોઠવ્ય.. પાલટીફંડમાંથી પચા હજાર હું ફાળવીશ.પણ ઈ બામણ ખોંગરેસમાં જાવો નો જોવી..અને મામલતદાર હાર્યે હું વાત કરી લેશ.ઓલ્યું ગટરવાળું ઉખાળવાનું સ.તખુભા માંડ ઝપટમાં આયા સ.
હવે જો આપડી પાલટીને ટેકો આપે તો ઇમની ગટરનું ઢાંકણું આપડે ખોલવું નથ..તું એકવાર તખુભા હાર્યે વાત કરી લે.અન આ બામણના કેસમાં બવ લાબું નો કરતો..જાદવોય કામનો માણહ સે..સૂટણી પરસારમાં ભલે હજી બીજા પસ્સા હજાર જોવે તું મુંજાતો નય..જાદવાનું ને ગોરનું સમાધાન કરીન લાડવા ખવડાવી દે..ભવ્ય ભોજન સમારંભ રાખવાનો હું હમજ્યો..? ઈ વખતે આપણે ધરમશીભયને મુખ્ય મેમાન તરીકે બોલાવવાના..અને ગોરને કેવાનું કે પરવચન કરે.તારા ગામનો એકય મત ખોંગરેસમાં નો જાવો જોવે.." ગાંડાલાલે પોતાનું ડહાપણ બતાવ્યું.
"તો તો ચ્યાં વાંધો છે ભલામાણહ.
હું શું કવસુ..આ તો હજી હું પેલી વાર સરપંચ થયો અટલે મારા હાથમાં કાંય આયુ નથી.અટલે ખરચ કરવામાં હું પાસો પડું છું.
પાલટી ફંડ ફાળવતી હોય તો તો જોવો આપડા ભડાકા..તખુભાને ને ગોરને હંધાયને કોથળામાં પુરી દવ..બીજી નાત્ય તો મારા ગુંજામાં જ હમજો ને..!" હુકમચંદ ખુશ થઈ ગયો.
"તો જાવ કરો ફતેહ..હું ખજાનચી હાર્યે વાત કરી લવ છું.પચ્ચા તો તને હમણે જ કઢાવી દવ. બીજા પસી જીમ જોવે ઈમ કેજે.આ વખતે ધરમશીભાય જીતે અટલે બખ્ખા જ સે..એકાદ ખાતું તો ઈમને ઝખ મારીને દેવું પડશે..."
ગાંડાલાલે ફોન કાઢતા કહ્યું.
"ધરમશીભાઈ મંત્રી બને તો તો જલસો પડે હો. બેંહને દવ, પસી આપડી સામું જોજો..મારે કાંય કાયમ સરપંચ નથી રેવાનું હો.ધરમશીભાય તો જીત્યા જ હમજોને..આપણું પાછું જિલ્લા પંચાયતમાં ટિકિટનું વિચારજો.."
હુકમચંદે ઉભા થતા કહ્યું..
"ઈ કાંય કેવાની જરૂર નય..તું તારે.
આપડે તખુભાને પાસા સર્પસ બનાવી દેવાના સ..તને જિલ્લામાં
લય લેહુ...બોલ્ય હવે,બીજું કાંય ?" ગાંડાલાલે કહ્યું.
''તમે હોવ અટલે બીજું કાંય વિચારવાનું નો જ હોયને..લ્યો હાલો હું જાઉં...મળું પસી." કહી હુકમચંદ બહાર નીકળ્યો.
*
હુકમચંદ ઓફિસમાંથી બહાર નીકળ્યો.બોટાદની બજારમાં ઘણો ટ્રાફિક હતો.ઘર માટે શાકભાજી લઈ જવાની હતી એ યાદ આવતા હોન્ડા લઈ એ શાકમાર્કેટમાં આવ્યો.
"એ..સર્પસ શાબ.." નગીનદાસની પત્ની નયનાએ હુકમચંદને જોઈ રાડ પાડી. હુકમચંદે ચમકીને નયના તરફ જોયું.નયના રોડની સાઈડમાં
એક દુકાનના ઓટલે ઉભી હતી.
વાળનો લાંબો ચોટલો એણે આગળ તરફ રાખ્યો હતો.ચહેરા પર પાવડર,હોઠ પર લિપસ્ટિક અને ગાલ પર લાલી લગાવીને લસરી જતા ચશ્મા નાકની દાંડી પર ગોઠવીને એ હુકમચંદ તરફ મરક મરક સ્મિત ફરકાવતી હતી.
એકદમ ચુસ્ત અને સ્લીવલેસ બ્લાઉઝમાં તેની યુવાની માંડ માંડ સમાતી હતી..ઝીણા ફૂલની વેલની ડિઝાઇનવાળી અને રેશમી સાડી નાભિ ખુલ્લી રહે એવી રીતે એણે પહેરી હતી.
હાથના કાંડા પાસે એણે ચિતરાવેલું ટેટુ, એણે બાંધેલી ઘડિયાળ અને બીજા હાથમાં પહેરેલું સુંદર કડું એના લાંબા અને લિસા હાથની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું હતું.ખભા પર એક ગુલાબી પર્સ એણે લટકાવી રાખ્યું હતું..!
હુકમચંદ ઘડીભર નયનાને ઓળખી જ ન શક્યો..રોડ પર આવતા જતા દરેક વ્યક્તિની નજર નયના પર પડ્યા વગર રહેતી ન્હોતી.હુકમચંદે એનું હોન્ડા સાઈડમા લઈને ઉભું રાખ્યું..
નયના દુકાનનો ઓટલો ઉતરીને હુકમચંદ પાસે આવી.
"શાકભાજી લેવા આયા ? લાવો હું લિયાવી દવ..શું શું શાક લાવવું સે ? " નયનાએ નયન નચાવીને કહ્યું.
"ના ના..હું તો મારા કામે આવ્યો'તો.કામ પતી ગ્યું એટલે થયું કે લાવને થોડુંક શાકબકાલુ લેતો જઉં.." હુકમચંદે નયનાના નયનમાં નયન પરોવી રાખતા કહ્યું.
નયના એ જોઈ નીચું જોઈને જરાક હસી.જાણે કેમ શરમાતી હોય ! પછી પોતાને એકધારું તાકી રહેલા હુકમચંદની આંખમાં તાકતા હસીને એ બોલી, " તમને આદમી છેતરાઈ જાવ..લાવો હું લેતી આવું.."
હુકમચંદે હોન્ડાની ડીકીમાંથી થેલી અને પાકીટમાંથી પૈસા આપતા જે શાક લાવવાના હતા એ કહ્યા.
"પૈસા રહેવા દ્યોને..તમે ચ્યાં કોક છવો.." નયનાએ થેલી લેતા કહ્યું.
"અરે.. નહીં નહીં.. તમારે થોડું.."
હુકમચંદ બોલતો રહ્યો ને નયના થેલી લઈ માર્કેટમાં જવા લાગી.
પંદર વીસ મિનિટ પછી એ શાકભાજી લઈને પાછી આવી.
"લ્યો.. આ તમારું શાક..હાલો હવે હું ઝટ બસસ્ટેન્ડ ભેગી થાવ..
બસનો ટેમ થઈ જ્યો..મારે રીક્ષા પકડવી પડશે.."
"કેમ, કઈ બાજુ જવું છે.. બહારગામ જાવ છો ?" હુકમચંદે હોઠ પર જીભ ફેરવીને કહ્યું.
"અરે ના..હું તો બે દિવસથી આંય જ હતી.મારા મામાના ઘરે પ્રસંગ હતો ને..! હવે તો ઘરે જાવ સુ..
આતો મારે થોડીક કટલરી લેવીતી અટલે હું મારકીટમાં આવીતી..તે તમને ભાળી ગઈ.." નયનાએ સ્મિત રેલાવતા કહ્યું.
"તો એમ વાત સે ઈમને.. હુંય હવે ઘરે જ જાવસુ..બસમાં નો જાવું હોય તો..."હુકમચંદે કહ્યું.
''હાય..હાય..કોક ભાળી જાહે તો ઊંધું વિસારશે..." નયનાએ મોં આડે હાથ રાખીને કહ્યું.
''બસસ્ટેન્ડથી થોડેક આઘે ઉતરી જાજો..ને..અને મોઢે કાંક બાંધી દ્યો તો હાલે..નયાં કોણ વાટ જોઈને બેઠું છે..છતાં તમારો જેવો વચાર.. બસમાં જાવું હોય તો હાલો બસસ્ટેન્ડ હુંધી મૂકી જવ.."
હુકમચંદને ગમે તેમ કરીને નયનાને પોતાની પાછળ બેસાડી લેવાની ઈચ્છા હતી.
"એમ કરો..બસસ્ટેન્ડ હુંધી મૂકી જાવ..હાલો." નયનાએ તૈયારી બતાવી.
હુકમચંદે હોન્ડા ચાલુ કર્યું.નયના એનું પર્સ આગળ લઈ હુકમચંદના ખભે હાથ મૂકીને હોન્ડા પર બેઠી.
હુકમચંદના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ..
બસસ્ટેશનના રસ્તે હુકમચંદે જાણી જોઈને હોન્ડા ધીમું ધીમું ચલાવ્યું.એ ઇચ્છતો હતો કે બસ નીકળી જાય તો સારું.નયના પણ એવું જ ઇચ્છતી હતી. પણ ગામનું કોઈ જોઈ જાય એની એને બીક લાગતી હતી.
એ જ વખતે "બોટાદ-ધંધુકા" બસ બસસ્ટેન્ડમાંથી બહાર નીકળી..
"લ્યો બસ તો નીકળી જઈ હવે ?
નયનાએ બસ જોઈને કહ્યું.
હુકમચંદ ધારત તો હોન્ડાની ઝડપ વધારીને બસ ઉભી રખાવી શકે તેમ હતો.પણ એની એવી ઈચ્છા ન્હોતી..
"હવે કાંય નહીં...હવે મારી હાર્યે જ આવી જાવ.કોક ભાળી જાય તો કેવાનું કે બસ ચુકાઈ ગયતી..
ઈમ બવ બીવાનું નો હોય.." હુકમચંદ બોલ્યો.
"હું તમને બીવ એવી લાગુ સુ ? પંચાતમાં જોવોને તમનેય નો'તું કય દીઘું ?"
" હા હો તમે છો તો જબરા..."
"આ સું તમે તમે કરતા હયસો.હું કાંય તમારા કરતા મોટી સું ? "
"મોટી તો નથી..પણ પારકા બયરાને તુંકારો નો કરાય ને..!" હોન્ડા હવે સીટી બહાર નીકળી રહ્યું હતું.
"પારકા હમજો સો ? " નયનાએ હુકમચંદના ખભે હાથ મુક્યો..
હુકમચંદને શું બોલવું એ સમજાતું નહોતું.નયનનાં સ્પર્શથી એના ધબકારા વધી રહ્યા હતા..
"ચીમ કાંય જવાબ નો દીધો..?
પારકા હમજતા હોવ તો ગાડી ઉભી રાખો..હું ઉતરી જાઉં. સાંજની બસમાં આવતી રશ.."
નયનાએ ખભા પર વધુ જોર આપીને કહ્યું..
"એવું હોત તો તો બેસાડત જ નહીં ને..હે હે હે.." કહી હુકમચંદે લીવર આપ્યું.
"તો હવે તમે તમે નો કરતા..તું કેશો તો ગમશે." નયનાએ કહ્યું.
"ભલે..જેવી તારી મરજી.."
"એક હાથે કાંય તાળી નો પડે હો સરપંચજી..તમારી મરજીય હોવી જોવેને.."નયના ધીરે ધીરે હુકમચંદ
ને ઘેરતી જતી હતી.
"હા..ઈતો હવે તું હમજી જ ગઈ હશો ને ? તારી મરજી હોય તો મારીય મરજી જ છે...તું કે'તી હોય તો તાળી પાડીએ..એક હાથ તારો ને બીજો હાથ મારો.." હુકમચંદ હવે હરકતમાં આવ્યો હતો.
"તો ઓલ્યા ઝાડવા હેઠે ગાડી ઉભી રાખો..ઘડીક ઉભા રેવી.."
નયનાએ હુકમચંદની નજીક ખસતા કહ્યું..
"પણ રોડે ઘણા વાહન આવે છે..
કોઈ મને ઓળખીને ઉભો રહીને જોઈ જાય તો લોચો પડે.."
"તો આ બાજુ કોકની વાડીમાં લઈ લો ને..પછી આવો મોકો નય મળે.." નયનાએ હુકમચંદની કમરમાં હાથ નાખ્યો.
હુકમચંદથી હવે રહેવાતું ન્હોતું. એક હાથે હોન્ડાનું સ્ટિયરિંગ પકડીને બીજો હાથ નયનાનાં હાથ પર મુકતા એણે કહ્યું,
"મને પ્રેમ કરેછ ? તો કેમ કોઈ દિવસ કીધું નઈ..?"
"તમે મારા ઘરે આયા તેદી જ તમે મને બવ ગમી જ્યાતા..તમે ફોન કરવાનું કીધુંતું..પણ મને બીક લાગતીતી.. આજ સારું થ્યુ તમે મળી જ્યા.."
"હા..મનેય તું બવ ગમી ગઈતી. મને તો તેં મારી ઉપર એંઠવાડ નાખ્યો તેદી જ તું ગમી ગઈતી.. પણ તારો વિચાર નો હોય તો મારે આગળ નો વધાય હમજી..?" હુકમચંદે પણ એકરાર કરી જ નાખ્યો.
"તો લય લ્યોને આ વાડીમાં. બાજરાનો પાક ઉભો સે.ઈમાં વયા જાવી..કોય ને ખબર નય પડે.." કહી નયનાએ હુકમચંદનો ખભો દબાવ્યો.
હુકમચંદે હોન્ડા રોડની સાઈડમાં ઉભેલા લીમડાના ઝાડ નીચે હોન્ડા ઉભું રાખ્યું.નયના ઉતરીને હુકમચંદને વળગી પડી..હુકમચંદે આજુબાજુ જોવાની કોશિશ કરી પણ નયનાએ બંને હથેળીમાં એનો ચહેરો પકડીને હોઠ પર હોઠ મૂકી દીધા..
હુકમચંદ નયનાનાં અધરરસની મીઠાશ માણવા લાગ્યો.પછી આડું અવળું જોયા વગર નયનાને ઉંચકીને રોડની નજીકના ખેતરમાં ઉભેલા બાજરાના ખેતરમાં લઈ ગયો..
નગીનદાસના ઘેર બપોર વચ્ચે કપડાં સિવડાવવા આવેલો પેલો રાજદૂતવાળો યાદ છે ને વાચકમિત્ર ? નયના હુકમચંદના હોન્ડા પર બેઠી ત્યારથી એ રાજદૂત પાછળ પાછળ આવી રહ્યું હતું.રાજદૂતવાળાનો પાછળ બેઠેલો દોસ્ત મોબાઈલમાં હુકમચંદનું પિક્ચર ઉતારી રહ્યો હતો..
બાજરાના ખેતરમાં જે લીલા થઈ એનું ખૂબ નજીકથી પેલા બંને એ રેકોર્ડિંગ કરી લીધું હતું.
હવે એ રાજદૂતવાળો હુકમચંદને ભારે પડવાનો હતો !
(ક્રમશઃ )