મોજીસ્તાન - 33 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોજીસ્તાન - 33

મોજીસ્તાન (33)

જાદવની મંડળીને પોલીસ પકડી ગયા પછી તખુભા પરેશાન હતા, કારણ કે જો જાદવો આ બધું તખુભાએ કરાવ્યું છે એમ કહે તો મુશ્કેલી થાય એમ હતું. હુકમચંદ ગમે તેમ કરીને તખુભાને સંડોવ્યા વગર રહેવાનો નથી એ ખ્યાલ તખુભાને આવી ગયો હતો.

તખુભાએ ઘરે આવીને તરત બુલેટ બહાર કાઢ્યું. માતાજીનું નામ લઈને એમણે કીક મારી.એ જ વખતે હુકમચંદનો ફોન આવ્યો.

"હેલો, તખુભા...આ બાબલાને તમારા માણસોએ મારી નાખવાનું કાવતરું કર્યું છે. ચારેય જણને બરવાળા પોલીસસ્ટેશને કસ્ટડીમાં નાંખ્યા સે. ભાભા એફાર ફડાવવાનું કે છે...તો તમે કે'તા હોય તો ભાભાને હમજાવું. સમાધાન કરી લો તો સારું. આ તો શું છે તપાસમાં તમારું નામ ખૂલે તો તકલીફ થાય..પછી મને કે'તા નઈ કે ધ્યાન નો દીધું...બોલો કેમ કરવું છે?"

"હુકમસંદ...તમે ધ્યાન દીધું અટલે જ આ બધું થિયું સે. સામુકનું બાબલાએ આ ચારેયને ધોકાવ્યા સે ઈ તમને નથી ભળાતું? કેસ તો જાદવોય કરી હકે ને..! ઈમ તમે ક્યો અટલે કાવતરા સાબિત થઈ જાશે? હું અતારે જ બરવાળે જવ સુ.. ભાભાને ક્યો સમાધાન કરવું હોય તો જાદવા હાર્યે કરે. આમાં વચ્ચે મારું નામ શું કામ લેવું પડે સે તમારે...?" તખુભા પણ કઠણ હતા.

"હું શું કવ સુ? આ તો ઈમ કે આ ચારેય જણ મૂળ્ય તો તમારા જ માણસો છે ને ! અટલે કોકને ઈમ થાય કે આમાં તમારો હાથ..."

"કોકને અટલે તમને જ ને હુકમસંદ ? તમે બવ રમત કરોમાં...દાળને ઇની મેળાયે સડવા દ્યો તો સારું...બવ ડોયો હલાવવામાં ક્યારેક દાજી જવાય હો." તખુભાએ જરા કડક અવાજે કહ્યું.

"લે લે લે...તમે તો ખીજય જયા..હેહેહે..હું તો હમેશાં તમારા સારા માટે કે'તો હોવ છું, છતાં તમને આમાં હું ડોયો હલાવતો હોવ ઈમ લાગતું હોય તો ભલે દાળ કાચી રે...મને આમાં કાંય રસ નથી." કહીને હુકમચંદે ફોન કાપી નાખ્યો.

તખુભા વિચારમાં પડી ગયા. વીસ વરસથી પોતાની એકધારી સત્તાને ઉથલાવી નાખનાર હુકમચંદને ભાજીમૂળો સમજવાની ભૂલ કરવા જેવું નહોતું. હજી ગટરના ભૂંગળા ભોંમાં ભંડારવાના બાકી હતા. એની તપાસની તલવાર માથે લટકતી હતી અને આ બીજો કેસ થાય તો નામ ખરાબ થયા વગર રહે નહીં.ગામના અમુક લોકોને પણ અંદરખાને તખુભાની ઈર્ષા હતી જ એટલે જ હુકમચંદ સરપંચ થઈ શક્યો હતો.

"પડશે એવા દેવાશે...હાલ્ય બરવાળે જઈને ઓલ્યા ચારેયને છોડાવી તો લાવું. મારી હાટું થયને બચાડાવે માર ખાધો. શિકાર કરવા જ્યા પણ શિકાર થઈ ગીયા. ભામણનો છોકરો એકલો ભારે પડ્યો. મારો બેટો ભારે લોંઠકો નીકળ્યો..!'' તખુભાથી હસી પડાયું. મૂછે હાથ ફેરવી એમણે બુલેટને લીવર આપ્યું.

* *

"તખુભા ઝપટમાં આવે ઈમ લાગતું નથી. કંઈક બીજો પેંતરો કરવો પડશે. જો જાદવો ઈમ કે'ય કે તખુભાએ અમને બાબલાને મારવાનું કીધું'તું..તો મેળ પડી જાય.બાપુને બતાવી દેવું છે કે હુકમચંદના હાથ કેટલા લાંબા છે." કહી હુકમચંદે તભાભાભા સામે જોયું.

પોલીસ ગઈ પછી હુકમચંદ તભાભાભાના ઘેર આવીને બેઠો હતો. તખુભા પર ઉપકાર કરવાની તક અચાનક એના હાથમાં આવી હતી. જો તખુભા પોતાનું કહ્યું કરે નહીં તો સલવાડી દેવાની પણ યોજના એના ફળદ્રુપ ભેજામાં આકાર લઈ રહી હતી.

"પણ હુકમચંદજી, તખુભા સમાધાન કરવાનું કહે તો મારે એક સોને એક બ્રાહ્મણોને લાડવા ખવડાવવા છે. ફરતા વીસ ગામમાં આપણો વટ પડી જવો જોવે. શું કહો છો...!" તભાભાભાએ એમના વિશાળ પેટ પર હાથ ફેરવીને તમાકુની ડબ્બી કાઢતા કહ્યું.

"આ બામણને લાડવા સિવાય બીજું કાંઈ હુંજતું જ નથી.."એમ મનમાં બબડી હુકમચંદ મલકયો.
પછી કહે, "હા, હા વટ તો પડશે જ ને..પણ વટ પાડવા ઝટ કંઈક કરવું પડશે.ઇન્સ્પેક્ટરને દસેક હજાર ખવડાવીએ તો જાદવાને બે ધોકા ઠોકીને આપણે કે'વી ઈ પરમાણે બયાન લખાવી લેશે. ખૂન કરવાનું કાવતરું કરવું ઈ કાંય નાનો ગુનો નથી...કે' છે કે આઠ દહ વરહની જેલ પડે. આખા કાવતરાનો આરોપ જો તખુભા ઉપર નાખવી તો હજાર ભામણને જમાડવાય પોહાશે બાપુને..." કહી હુકમચંદ તભાભાભાને તાળી આપતા હસ્યો.

તભાભાભા પણ તાળી ઝીલીને બોલ્યા, "હા, હા તો ઈમ જ કરો...તમનેય બાકી ભગવાને ભેજું ઈમ આપ્યું છે હો...
સત્યનારાયણ પ્રભુની કૃપા વગર આ શક્ય નથી. મારા પણ આશીર્વાદ છે.જાવ કરો ફતેહ..."

હુકમચંદ ભાભા સામે ઘડીભર તાકી રહ્યો.પછી કહે, "ખાલી આશીર્વાદથી કામ નો થાય. દસ હજાર રૂપિયા કોણ સતનારાણ દેશે..? માળા તમેય ઠીક લાગો છો..હેહેહે"

એકાએક કોઈએ બરફનું પાણી માથા ઉપર નાખ્યું હોય એમ તભાભાભા ભડકયા, "તો શું ઈ દસ હજાર મારે દેવાના ? મારે ? અલ્યા સર્પસ તમારું ખસી તો નથી ગયું ને...હું તો બ્રહ્મ પુરુષ કહેવાઉં. લક્ષ્મી અમે લઈ શકીએ પણ દઈ ના શકીએ..ભગવાન વિષ્ણુ કોપાયમાન થયા વગર રહે નહીં. અઘોર પાપ થઈ જાય. અમને શાસ્ત્રોમાં માત્ર આશીર્વાદ અને શ્રાપ દેવાલાયક જ ગણેલા છે. સંસારમાં રહીને સંસારને માર્ગદર્શન કરવાનું પરમ હિતકારી
કાર્ય કરવાનું અમારા શિરે છે. માટે હે હુકમચંદજી ઘેર આવ્યા છો તો દાન દક્ષિણા કરીને જજો પણ મારી પાસે દસ હજાર જેવી અધધધ રકમનો ખર્ચ કરાવવાનો વિચાર પણ કરશો તો પાપમાં પડશો. સાત જન્મ સુધી રક્તપિત્ત નામની મહાવ્યાધિ વળગશે.અને રૌ રૌ..."

"બસ બસ..મારા બાપ બસ કરો. મારે રૌ રૌ નરકનો અધિકારી નથી થાવું ભાઈશાબ..લ્યો આ રોકડા અગિયાર રૂપિયા..પ્રભુ મને માફ કરો. તમારે તમારા બાબલાનું જે કરવું હોય ઈ કરો. જાદવાની ટોળકી બળીને ભસ્મ થઈ જાય એવો સરાપ દઈ દેજો..અને જમાડી લેજો એકસોને એક બ્રાહ્મણ, આશીર્વાદ આપીને.. હાલો હું જાઉં..મારે હજી ઘણા કામ છે. આ તો એમ કે તમે મારી પાર્ટીમાં આવી ગ્યા છો એટલે દીકરાનું થોડું દિલમાં દાઝ્યું'તું. ભાળ્યા મોટા માર્ગદર્શન કરવાવાળા, માત્ર લેવાપાત્ર.. દેવાપાત્ર નહીં.. વાહ ભાભા વાહ..ગામને તો ઉઠાં ભણાવો જ છો. હાર્યે હાર્યે અમનેય ભણાવવાના..? લ્યો પકડો આ દક્ષિણા.." હુકમચંદ ખિજાઈને ઊભો થઈ ગયો. ખિસ્સામાંથી અગિયાર રૂપિયા કાઢીને તભાભાભાના હાથમાં પછાડયા. જોડા પહેરીને ચાલતો થયો. તભાભાભા આંચકો ખાઈ ગયા. એ હુકમચંદના દાવપેચ જાણતા હતા. હુકમચંદ રાજકારણી હતો.
તભાભાભાના ખભે બંદૂક રાખીને એ તખુભા પર ભડાકો કરવા માંગતો હતો, પણ તભાભાભા પોતાનો ખભો એમ આપે એવા અબુધ નહોતા..!

*

"કાં.. નગીનભાઈ, તમારી બોન ધમુનું પોલકું સીવય જયું..? તમે સાત દી' પસી આવવાનું કીધું'તું પણ હું બાર્યગામ જીયો'તો..તે બે દી' મોડું થય જ્યું." નગીનદાસની ખડકીમાં પગ મૂકીને ધરમશીએ મોટેથી કહ્યું.

ધરમશીએ 'તમારી બોન ધમુ' કહ્યું એ નગીનને સાવ ગમ્યું નહીં. ધરમશીને જોઈ એને યાદ આવ્યું કે એની સાથે જે ડખો થયો હતો એના સમાધાનમાં પોતે ધમૂડીનું બ્લાઉઝ સીવી આપવાનું કહેલું અને એનું માપ પણ લીધેલું.
નગીનદાસની ઇચ્છા ન હોવાથી એણે 'સીવીશું નિરાંતે' એમ કહીને એ માપ ક્યાંક મૂકી દીધું હતું.

"ઈમાં એવું થિયું સે કે ધમુનું માપ લીધું'તું..પણ તેદી' રાત્યે નીકળેલું મીંદડું ઈ કાગળિયું લગભગ સાવી જ્યું હોવાનો મને પાક્કો વે'મ સે..ઈમ કર્ય, ધમુને મોકલજે કારણ કે માપ ફરિન લેવું પડશે." નગીને હોઠ ઉપર જીભ ફેરવીને ખિસ્સામાંથી બીડીની ઝૂડી કાઢી.
એક બીડી ધરમશી તરફ ફગાવીને બીજી બીડી હોઠ વચ્ચે મૂકીને લાઇટરથી બીડી સળગાવી. ઊંડો કશ લઈ ધુમાડો ધરમશી તરફ ફગાવ્યો.

ધરમશીએ નગીનની ફેંકેલી બીડી પોતાના ખિસ્સામાંથી બાક્સ કાઢીને સળગાવી. ઓસરીની ધાર સુધી આવીને એ બોલ્યો, "મીંદડું માપ સાવી જીયું ઈમ ? મને હાવ બુદ્ધિ વગરનો હમજશ ? મીંદડું કાગળિયું કોઈ દી' નો ખાય.હાલી હું નીકળ્યો સો..નો સીવી દેવું હોય તો ના પાડ્ય..."

"હું ચ્યાં કવ સુ કે દી'એ સાવી જયું. રાત્યે જ સાવી જયું મારું હાળું...ઈનેય કોણ જાણે ચ્યાંથી ખબર પડી હશે જે ઇ માપ ધમુનું હતું." કહી નગીન હસ્યો.

"અલ્યા ભઈ..ઈ.. રાત હોય કે દી'‌...મીંદડું કાગળિયું નો સાવે અટલે નો સાવે.. તું મને ઉઠાં નો ભણાવ્ય..."

"પણ ઉંદયડું તો સાવે ને...!"

"હા, ઉંદયડું સાવે.. ઈ જનાવર કાગળિયા કાપી નાખે પણ તું તો મીંદડાનું કે'સને.."

"હા, તે મૂળમાં ઈમ હતું કે માપનો જે સોપડો હતો ઈને પોતાના બાપનો હમજીને એક ઉંદયડાએ તેદી' રાત્યે કાપવાનું સાલું કયરૂ હયસે.. ઈમાં તને તો ખબર્ય જ સે ને કે મીંદડું રાત્યે ઉંદયડાને ભાળ્યું નો મૂકે..હું કાયમ ઇ હાટું જ ઈ સોપડો ખાનામાં જ મેકુ સવ... પણ તેદી' તેં ભૂંડા મારું મગજ ફેરવી નાયખું'તું. ઈમાં ઈ માપનો જે સોપડો હતો ઈ હંચા ઉપર હું ભૂલી જ્યો..અને કોઈ દી' નય ને બરોબર તેદી' જ મારા હાળા ઉંદયડાએ ઈ સોપડો કોતરી નાયખો." કહી નગીનદાસે બીડીનો ઊંડો કશ માર્યો.

"પણ આમાં મીંદડું ચ્યાં આયું...?"
ધરમશી કંટાળ્યો હતો.

"ઘડીક હાહ ખાને ભઈ. ઉંદયડું આયું સ તે મીંદડુંય આવશે. ચીમ નય આવે..હેં..? હવ હામ્ભળ્ય.. બન્યું એવું કે ઈ ઉંદયડું એક બે દાણ મોભારે બેઠેલા મીંદડા હામે ખોટા લવારા કરીને ભાગી જયેલું.
અટલે મીંદડાએ ઈને દાઢમાં રાખેલું. હવે તેદી' રાત્યે બરોબર અંધારું ભાળીને ઈ ઉંદયડું મારા હંચા પર સયડું હશે..મૂળમાં ઈમ કે ઈનું મોત તેદી' ઈને ન્યા ખેંસી લાવેલું...કારણ કે તને તો ખબર્ય જ સે કે મોત માંડ્યું હોય અટલે માણહને ગમે નયાં ખેંસી લાવે...સઠની હાતમ કોઈની થઈ સે તે ઉંદયડાની થાય..." આટલું કહ્યું ત્યાં સુધીમાં નગીનની બીડી ઓલવાઈ ગઈ હતી. નગીને લાઇટર ચાલુ કરીને બીડી સળગાવીને લાંબો કશ મારીને ધુમાડો છોડ્યો. એ દરમ્યાન ધરમશી બીડી ચૂસી રહ્યો હતો. નગીને આગળ ચલાવ્યું,

"પસી મીંદડું ઈને મૂકે..? કોણ જાણે ચ્યાંથી ધોડ્યું..એક ઝાપટ ભેગું ઉંદયડું ઊંધું થઈ જયું પણ તારા ને ધમૂડીના નસીબ નબળા.. તે મીંદડું પાંસ મિલેટ મોડું પયડું... નકર માપનો સોપડો બસી જાત.
તો ઈમાં ધમુના બ્લાઉઝનું માપ બસી જાત..તો હું ધમુનું બ્લાઉઝ ફસકલાસ સીવી દેત. અનતાર ધકકોય નો થાત.. લે બોલ્ય, આવું થાશે ઈ આપણને થોડી ખબર્ય હોય ભૂંડા..."

"ઇ હંધુય ખોટું..મુળ્ય તારે સીવી દેવાની દાનત જ નથી ઈમ કે'ને ભઈ..." ધરમશીએ બીડીના ઠૂંઠાને નીચે નાખીને જોડા વડે એ ઠૂંઠું જાણે નગીનનું મોઢું હોય એમ કચરી નાખ્યું.

"વશવાસ નો આવતો હોય તો રે'વા દે. બાકી હું ના નથી પાડતો. ધમૂડીને મોકલજે. ફરીન માપ તો લેવું જ પડશે." નગીને ડોળા કાઢીને કહ્યું.

મનોમન બેચાર ગાળો ચોપડતો ધરમશી જોડા ઢસરડતો ઢસરડતો ચાલ્યો ગયો અને નગીને હસીને બીજી બીડી સળગાવી.

"મારો બેટો..ધમૂડીનું પોલકું લેવા આયો..આંય મારે કાપડની મિલું હાલે સે ? તે તમારી જેવા ઉતારના પેટનાવને હું ઇમનીમ પોલકા સીવી દવ? હજી તો તારા તણ જોડ્ય જોડા ઘંહય જાશે પણ તારી ધમૂડી પોલકું નહીં ભાળે. હું કોણ ? નગીનદાસ છું નગીનદાસ..."

*

"કેમ છે સાહેબ..ઓળખાણ પડી ?" તખુભા બરવાળા પોલીસસ્ટેશનમાં જઈ ઇન્સ્પેક્ટરના ટેબલ પાસે ઊભા રહ્યા.

ઇન્સ્પેકટર મોહન ચુડાસમાએ ફાઈલમાંથી ડોકું ઊંચું કરીને તખુભા સામે જોયું. એ હજુ છ મહિના પહેલા જ અહીં બદલી થઈને આવેલો હોવાથી તખુભાને ઓળખતો નહોતો પણ છ ફૂટ ઊંચા, મોટી આંખો અને મૂછોવાળા, સફેદ પહેરણ અને લેંઘામાં સજ્જ, પગમાં ચામડાની મોજડી પહેરીને પોતાની સામે ઊભેલી વ્યક્તિ કોઈ મોભાદાર હસ્તી હોવાનો ખ્યાલ તરત તેને આવી ગયો હતો.

કદાચ થોડીવાર પહેલા જે ગામમાં જઈ ચાર જણને પકડેલા છે એ ગામના હોવા જોઈએ એવું અનુમાન પણ મોહન ચુડાસમાએ લગાવ્યું.

"ઓહો...આવો આવો... આપની ઓળખાણ ન પડી..બેસોને...! " મોહન ચુડાસમાએ તખુભાના પ્રભાવ મુજબ ખુરશી તરફ ઇશારો કરીને માન આપ્યું.

"ઠીક છે સાહેબ..ઓળખાણ તો ન જ પડે..કારણ કે મારે ક્યારેય પોલીસટેશન આવવાનું થાતું નથી. આ તો અમારા ગામના ચાર નિર્દોષને તમે લોકો ઉપાડી લાવ્યા છો એટલે આવવું પડ્યું." તખુભાએ ખુરશી પર બેઠક લેતા કહ્યું.

મોહન ચુડાસમા તખુભા સામે થોડીવાર તાકી રહ્યો. પછી હસીને બોલ્યો,

"એ લોકો નિર્દોષ છે એવું એમના કપાળ પર લખ્યું તો ન હોયને..! અમે સરપંચની અને જે છોકરાને આ લોકોએ મારી નાંખવાનુ કાવતરું કર્યું હતું એના પિતાએ કરેલી ફરિયાદના આધારે પકડ્યા છે."

"હા, ઈ બરોબર. હું ગામનો ભૂતપૂર્વ સરપંચ છું. મારું નામ તખતસિંહ. આ લોકોને જામીન પર છોડાવવા આવ્યો છું. એમાં જે જાદવ છે ઇની ફરિયાદ તમારે લેવી પડશે. જે છોકરાની તમે વાત કરો છો ઈ ગામના ગોર તરભાસંકરનો ખૂબ વનાની (તોફાની અને મસ્તીખોર) છોકરો છે. ગામમાં જેના હોય એના સાળા(ચાળા) કરીને ભાગી જાય છે. અમે બામણનું છોકરું જાણીને ઈને કાંય કે'તા નથી...પણ આ વખતે તો ઈને હદ વટાવી દીધી. આ ચાર જણ બીસાડા જાદવની વાડીએ બેહીને નાસ્તો કરતા'તા ઈ વખતે અચાનક જઈને ચારેયને માર માર્યો. તમે લોકોએ દવાખાનેથી ડાયરેક ઉપાડી લીધા...મારે ઈ ચારેયને ટેકટરમાં નાંખીને લાવવા પડ્યા'તા. એટલા માર્યા સે બસાડાવને....તમે કાયદેસર જે થાતું હોય ઈ કરો.. જામીનના ચેટલા રૂપિયા જમા કરાવવા છે ઈ કહો."

તખુભાની વાત સાંભળી મોહન ચુડાસમાએ જામીનના કાગળો તૈયાર કરાવ્યા. તખુભાએ જામીનની રકમ જમા કરાવીને ચારેયને છોડાવી લીધા.

"બાપુ..ઉ...ઉ..." કહી જાદવો તખુભાના પગે પડ્યો. એની પાછળ ખીમો, ભીમો અને ચંચો પણ નમી પડ્યા. જાદવાએ પોતાને અને પોતાના દોસ્તારોને માર મારવા બદલ બાબા સામે કેસ લખાવ્યો.

ખીમા, ભીમા અને ચંચાને ટેમ્પામાં અને જાદવને પોતાના બુલેટ પાછળ બેસાડીને તખુભા ગામ તરફ રવાના થયા.

(ક્રમશઃ)