Kત્વત્વત્વa books and stories free download online pdf in Gujarati

કૃષ્ણત્વ

• ‘કર્ષતી ઇતિ કૃષ્ણ’ જે તમને પોતાની તરફ આકર્ષિત કરે છે.

• ‘જે આકર્ષે એ ‘કૃષ્ણ.‘

• કૃષ્ણ મને એટલેજ ગમે છે. એ ઉમંગ છે ઉત્સાહ છે. એ જીવતા શીખવે છે. દોડતા શીખવે છે. પછડાવ તો ફરી પાછા બેઠા થતા એજ શીખવે છે. એ આનંદ છે. મોરપીંછના રંગ છે. ભગવાન તો ખરા જ પણ ઉત્તમ મિત્ર છે. પ્રેમી છે, સખા છે. નટખટ બલગોપાલ છે. માખણ ચોર છે. જે તમને સહજ મનુષ્ય થઈ રહેતા શીખવે છે. જેનામાં કોઈ દંભ નથી. જેના કોઈ જડ નિયમ નથી. જે તમને પ્રેમ કરતા શીખવે છે. જે તમને પોતાના થઈ રહેતાં શીખવે છે. અને છતાં બીજાના પ્રિય થતા શીખવે છે.

• કૃષ્ણ એવા પરમાત્મા છે. જેને તમે ભગવાન ઓછા અને પોતાના જ જેવા મનુષ્ય સ્વરૂપે વધુ સ્વીકારો છો.જેનામાં તમે મિત્રભાવ જોવો છો. જેને બહુ કોઈ વધુ પડતા અને રૂઢિચુસ્ત નિયમો નથી. જે સદીઓથી ચાલી આવતી જડસુ પ્રથા ને વળગી જ રહેવું એવું ક્યારેય કહેતા નથી. જે સમય સંજોગો પ્રમાણે બદલાવ સ્વીકારે છે. જેમને પરિવર્તન પ્રિય છે. જે ઉત્તમ વક્તા છે. જે નાના ગોપબાળ છે, જે મિત્ર છે, જે સખા છે, જે ઉત્તમ પ્રેમી છે.

• જે વ્યહવારુ સુજબૂજ થી ભરેલા છે, જે નટખટ બની ગોપીઓના ચીર સંતાડે છે. એજ કૃષ્ણ યોગેશ્વર કૃષ્ણ થઈ ને દ્રૌપદીના ચીર પુરી પણ જાણે છે. પોતે પૃર્ણ પુરષોતમ હોવા છતાં સમાધાન ની વાત કરી શકે છે. જે સર્વ સમર્થ હોવા છતાં ભૃગુઋષિ નું પાટું છાતી પર ખમી જનાર છે. જે પોતે સ્વયં ઈશ્વર હોવા છતાં પણ મનુષ્યની જેમ સહજ રીતે રહેવા જાણે છે. એ જેમની પક્ષે હોય યુદ્ધમાં એની જીત નિશ્ચિત જ હોય. એ જાણવા છતાં પણ એ યુદ્ધના આગ્રહી નથી. અને છતાં થનાર યુદ્ધ માં સારથી બની અર્જુન નો રથ હાંકનાર એવા એ કૃષ્ણને પામર મનુષ્ય કેમ જાણી શકે? વિષાદ પામેલા અર્જુન ને યુદ્ધ સમયે ફરી માનસિક તાકાત આપનાર.યુદ્ધ કરાવનાર. એ જ કૃષ્ણ પોતે રણછોડી રણછોડ પણ કહેવાયા છે. આટલા સહજ હોવું એજ ઈશ્વર હોવું કહેવાતું હશે.

• જે ક્યારેક નાના બાળ ગોપાળ છે. મટકી ફોડી ચોરીને માખણ ખાય છે. જે નદી એ નહાતી ગોપીઓના વસ્ત્રો સંતાડી દે છે. જે ભાઈબંધોની સાથે ગાયો ચરાવવા જાય છે. જે મથુરાના રાજા છે અને એજ પાછા ગોવાળ પણ થઈ જાણે છે. કંસ વધ પછી રાજગાદી સાંભળવાને બદલે જેઓ પતાંજલી વિદ્યા મેળવવા ગયા. એવા નવયુગ દ્રષ્ટા. કે, જેઓ રાજગાદી કરતા વિદ્યા ને વધુ મહત્વ આપે છે.

• આજની આધુનિક પેઢીના તો કૃષ્ણ ભગવાન ફેવરિટ ભગવાન છે. કારણ કે એમના મૂલ્યો તેમના આદર્શો ક્યારેય કોઈને ગળાબંધણી જેવા લાગતા નથી. એ તમને જિંદગીને માણતા શીખવાડે છે. જિંદગીને ચાહતા શીખવાડે છે. જેને પરિવર્તન ગમે છે. અને છતાં પણ પાછા એ જ તમને સંપૂર્ણ વૈરાગ્ય તરફ લઈ જાય છે. દુનિયાની દરેક વ્યક્તિ વસ્તુઓમાંથી તમને અનાસ્તક પણ કરી નાખે છે. માયા પણ એ છે. અને વૈરાગ પણ એ જ છે. એટલે કૃષ્ણ ને તમે ભેજો એટલું કૃષ્ણ તમારી અંદર વધુને વધુ સ્થાપિત થતાં જશે. અને એટલાજ તમે મનથી શાંત થતા જશો. એક જ ભગવાનને આપણે કેટલા બધા સ્વરૃપને ભજીએ છીએ. એને ભાવતું ભોજન ધરાવીએ છીએ અને એ લાલા ને આપણે આપણા ઘરના બાળકની જેમ જ ખૂબ જ લાડ લડાવે છીએ. એ જ ભગવાન પાછા કૃષ્ણ તરીકે પણ પૂજાય છે. જેને આપણે ઉત્તમ સખા પ્રિય મિત્ર તરીકે પણ લઈએ છીએ.

• દ્રૌપદી તેમની પ્રિય સખી હતી. રાધા એમની પ્રેમિકા. રૂક્ષ્મણી નું હરણ કરનાર. મીરા ને પોતાનામાં સમાવનાર. નરસિંહમહેતા ને દર્શન આપનાર. અર્જુનના મિત્ર. આવા અલગ-અલગ લોકો સાથે જોડાયેલા અલગ-અલગ સ્વરૂપને આપણે અપનાવીએ છીએ તેમને સુદામા જેવા દરિદ્ર મિત્ર સાથે પણ ઉત્તમ સખાપણું હતું.જે પોતે રૂક્ષ્મણીજી નું હરણ કરે છે. અને અર્જુન ને પોતાતાની બહેન સુભદ્રાના હરણ કરવામાં સહકાર આપનાર છે. એ બતાવે છે કે એમની અંદર કોઈ જ પ્રકારના ભેદભાવ પક્ષપાત નથી. તેની મિત્રતા છળકપટ વગરની અને સ્વાર્થ વગરની છે. જે સત્ય ના આગ્રહી છે. જેનું સ્વરૂપ મોહન છે. તેને સતત જોયા જ કરવાનું મન થાય છે એવા મોરપીંછ ધારી ભગવાન એટલે ‘શ્રીકૃષ્ણ.’

• કૃષ્ણપ્રિય ક્યારેય અકારણ ક્રોધિત થતો નથી. કૃષ્ણ ને વાંચનાર સમજનારને ક્યારેય પોતાને જીવનમાં એકલાતનો અનુભવ થતો નથી. જેને સતત કૃષ્ણમય રહેવું ગમતું હશે. તેનું વ્યક્તિત્વ શાંત હશે. જેને સંબંધોની પારદર્શકતા જોવાની આદત હશે જે માણસની અંદર વિચારશક્તિ વિપુલમાત્રામાં હશે. સમજણ શક્તિ ઉત્તમ હશે. જે સંબંધોને સ્વીકારી શકતો હશે. જેને ક્યારેય માઠું લાગતું નહી હોય. જે ક્યારે અતિ આશ્ચર્ય નહીં પામતો હોય. જે સદૈવ આનંદ-નિજાનંદ માં રહેતો હશે. આવા વ્યક્તિત્વ કૃષ્ણની ખૂબ નજીક હશે. કારણ કે કૃષ્ણ તો બધામાં થોડા-થોડા છે જ. એ જડ ચેતન દરેક વસ્તુઓ ની અંદર વ્યાપ્ત છે અને એટલે જ આપણે આ બધું ગમે છે .કારણ કે પૂરો સંસાર કૃષ્ણમયી છે. કૃષ્ણરૂપી છે. તમને જે વસ્તુ જોવામાં આનંદ થાય છે. એ દરેક વસ્તુની અંદર કૃષ્ણનો વાસ છે. ડોલતા વૃક્ષો કૃષ્ણ છે. બોલતા મોર કૃષ્ણ છે. વરસતો વરસાદ કૃષ્ણ છે. તમારી આંખના આંસુ કૃષ્ણ છે. મનનો રાજીપો કૃષ્ણ છે. તમારું યોગત્વ કૃષ્ણ છે. તમારું પૂર્ણત્વ કૃષ્ણ છે. તમારા માં જે કાંઈ ખૂટે છે એ પણ કૃષ્ણ છે. તમે કશું છો જ નહીં. તમારી અંદર બહાર બધુજ કૃષ્ણ છે. બધું જ કૃષ્ણ થી શરૂ થઈ અંતે એમાંજ સમાય જતું હોય છે.

વિરાજ પંડ્યા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED