ગતાંકમાં આપણે જોયું કે, વિકી સ્વીટી સાથેના એના ભુતાકાળની વાત કરી રહ્યો હોય છે. એ સાંભળીને રૂપાલી તૂટી જાય છે. એ આગળ જાણવા ઉત્સુક બને છે.
હવે આગળ........
" વિકી ! તારી આ ચૂપ્પી મને અંદરથી કોરી ખાતી હોય એમ લાગી રહ્યું છે." વિકી સામે જોતા એ બોલી.
જો રૂપાલી ! એની સાથે એવી કંઈ ઘટના ઘટી હતી એ તો એણે હજી મને નથી કહ્યું, અને મેં એને હજી એ બાબતમાં કંઈ પૂછ્યું પણ નથી. હા, એ હવે જ્યારે મળશે ત્યારે હું એને એ બાબતમા જરૂર પૂછીશ. મારે પણ જાણવું છે કે, એવી કંઈ ઘટના બની હતી જેનું આજે પણ એને આટલું દુઃખ છે.
આપણાં માટે તેં શું વિચાર્યું છે ? બોલ.....! એ પ્રશ્ન સાથે એ વિકી સામે જોઈ રહી.
આપણું .... ! એમ આશ્ચર્ય સાથે બોલીને જાણે ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો હોય એમ એ સ્થિર નજરે જોઈ રહ્યો. રૂપાલી એને જોઈ રહી.
બોલ ! વિકી, ચૂપ કેમ છે ? હવે મારામાં ના તો હિંમત છે ન ધીરજ. તું જલદી બોલ.
એટલામાં જ વિકિના ફોનની રિંગ વાગે છે. વિકી કટ કરે છે છે. ફરીથી રિંગ આવે છે.
" તું વાત કરી લે. મને ખબર છે ફોન પર તારી સ્વીટી જ છે." કહીને રૂપાલી દરિયામાં હિલોળા લેતાં પાણીને જોઈ રહી.
" રૂપાલી ! મને સમજવાની કોશિશ કર. મને નહોતી ખબર કે, આમ અચાનક સ્વીટી આવી જશે અને ......."
વિકી આટલું બોલે છે તરત પાછી ફોનની રિંગ વાગે છે. એ રિસીવ કરે છે. વાત સાંભળે છે ને પછી તરત જ 'હા' એટલું કહીને ફોન કટ કરીને તરત રૂપાલી સામે જુવે છે. જેવી બંનેની આંખો મળે છે કે, તરત જ એ નરજ ચુરાવી લે છે.
" કેમ...... ? જે આંખો મારી આંખોમાં જોતાં નહોતી થાકતી એ આજે શરમથી કેમ ઝૂકી ગઈ ? બોલ...... ! કેમ આજે તું મારી આંખોમા નથી જોઈ શકતો ?" નારજગી અને ગુસ્સો વ્યક્ત કરતાં એ બોલી.
" રૂપાલી, મેં પ્રયત્ન કર્યો કે, તારા આવ્યા પછી હું સ્વીટીની યાદોને ભૂલી જાઉં. હું જાણતો હતો કે, શક્ય નથી પણ તારા સાથ ને પ્રેમના કારણે મારામા હિંમત આવી હતી. સમજાતું નથી કે, આ સ્વીટી કેમ પાછી આવી ? અને મને આશ્ચર્ય એ વાતનું થાય કે , મેં એને જેટલાં ગુલાબના ફૂલો આપ્યા હતાં એ બધા એણે સાચવી રાખ્યા છે. સાથે એ ડાયરી પણ સાચવી રાખી. મને યાદ છે જ્યારે અમે સાથે શોપિંગ માટે ગયેલાં એને એ ડાયરી ખૂબ ગમી હતી. જેવી એણે ખરીદી કે, મેં પેહલાં જ પેજ પર એના માટે સુંદર બે લાઇન લખી હતી.
મુલાકાતોનું સ્મરણ રાખજે સદા,
સપનામાં આમંત્રણ આપજે સદા.
જીવન તારું ખુશીઓથી મહેકે,
પાનખર ન આવે તારા જીવનમાં.
એ ડાયરીમાં એણે તો અમારી પેહલી મુલાકતથી લઈને અમે જે સ્થળો પર ફરવા, લોન્ગ ડ્રાઇવ કે શોપિંગ માટે ગયેલાં એ બધું તારીખ - વાર સાથે એણે લખ્યું છે. એ દિવસે એ કેફેમા મળી ત્યારે મને બતાવ્યું. એ વાતનું મને આશ્ચર્ય લાગે છે. જો એ મને પસંદ નહોતી કરતી કે, મારી માટે પ્રેમ નહોતો તો શા માટે આ ડાયરી અને ફૂલો સાચવી રાખ્યા. " હાથમા ફોન ફેરવતો દૂર ક્ષિતિજને જોતો એ બોલ્યો.
રૂપાલી આંખમાં આંસુ સાથે ગુસ્સામા ઊભી થઈને
" જો એ તમારા બંનેનું જે પણ હોય ! હવે તું મારાથી દુર રહેજે, આજ પછી કોઈ ફોન કે, મેસેજ ન કરીશ. સમજ્યો ??? અને ઝડપથી ડગલાં ભરતી, આંસુ લૂછતી આગળ ચાલવા માંડે છે.
" રૂપાલી !!! મારી વાત તો સાંભળ પણ, અરે એકલી કયા જાય છે ? હું આવું છું તારી સાથે. " વિકીના આ શબ્દો સાંભળીને રૂપાલી અચાનક થંભી જાય છે.
પાછળ ફરીને ભારોભાર નફરત અને ગુસ્સા સાથે વિકીને જોતા "તું મારા માટે આજે ચિંતા કરે છે ? તું મારી સાથે આવીશ એમ ? તો રોજની જેમ જ્યારે હું રાહ જોતી હતી. ત્યારે તો તને મારી યાદ નહોતી આવતી !!! હા !! ત્યારે તો તું તારી સ્વીટી સાથે ........... " આટલું બોલીને એ ચાલવા લાગે છે.
"રૂપાલી ....... !!! રૂપાલી !!! " બોલતાં વિકી એની પાછળ ચાલવા લાગે છે. ઝડપથી રૂપાલી પાસે પહોંચી એની સામે જઈને ઊભો થઈ જાય છે. અને કંઈપણ બોલ્યાં વગર એનો હાથ પકડીને ગાડી પોતાની ગાડીમાં બેસવા કહે છે. રૂપાલી એની સામે જોઇને ગુસ્સો કરીને ગાડીમાં બેસે છે. આખા રસ્તે વિકીએ એક વાર પણ રૂપાલી સામે જોયું નહીં. રૂપાલી થોડી - થોડી વારે એની તરફ જોતી ને આંખો ભીની થઈ જતી.
" તને ખબર છે ? મેં મારા જીવનના બધા સપના તારી સાથે જોયા છે, મારા જીવનસાથી તરીકે મેં તારા સિવાય કોઈને જોયું નથી અને તેં આજે મને આ રીતે એકલી......... "
આંખોમા આંસુ સાથે એ વિકી તરફ જોતાં બોલી. એ કંઈ બોલ્યો નહીં ને એની તરફ જોયું પણ નહીં. એના આ વ્યવહારથી જાણે રૂપાલીની વ્યથા બેવડાઈ ગઈ. એનું આવું વર્તન એ સહી શકતી નહોતી. છતાં કાંઈ બોલી પણ શકી નહીં. એના ઘરની નજીક જ્યાં વિકી કાયમ એને ડ્રોપ કરતો ત્યાં જ ગાડી સ્ટોપ કરી. રૂપાલીએ વિકી તરફ જોયું પણ એ કંઈ જ બોલ્યો નહીં કે, ના એની સામે એક નજર કરી. એ ગુસ્સામાં ગાડીમાંથી ઊતરીને ચાલવા લાગી.
" રૂપાલી ....., એય રૂપાલી...... ! " વિકીનો અવાજ સાંભળીને રૂપાલી હરખાઈ ગઈ કે, હમણાં જ એ સોરી કહીને લગ્નની વાત કરવા રાજી થઈ જશે. આ એક જ ક્ષણમા એને જે આશ બંધાઈ એનાથી એનું મન ખુશીથી ઝૂમી ઉઠ્યું.
રૂપાલી પાસે આવીને " એય ..... કાયમના જેમ કંઈ ને કંઈ વસ્તુ ભૂલવાની આદત છે ને ! જો આજે તારો ફોન ભૂલી ગઈ હતી..... " વિકી લાંબો શ્વાસ લેતાં બોલ્યો.
એ સાંભળીને રૂપલી અવાક થઈ ને એને જોઈ રહી. એનું મન વિચારશૂન્ય થઈ ગયું, એ સ્થિર નજરે એને જોઈ રહી.
" એય રૂલાપી...." એની સામે જોઈને બોલ્યો.
રૂપાલી ગુસ્સામા એના હાથમાંથી ફોન જોરથી ખૂંચવીને ચાલવા લાગી. વિકીએ પણ એને રોકવાનો પ્રયત્ન કર્યો નહીં. જેવી એ ઘરે પહોંચી કે, એનાં મમ્મી - પપ્પા એના કાકા - કાકી સાથે વાત કરી રહ્યાં હતાં. એમના ચહેરા પર રૂપાલીને જોઈને જે ખુશી ઝળકી રહી એ જોતા જ રૂપાલી સમજી ગઈ કે, એના લગ્નની વાત થઈ રહી હતી.
" અમે તારી જ રાહ જોતાં હતાં. અહીં આવ, મારી પાસે બેસ. " એના પપ્પા એ કહ્યું.
" જયારથી સગપણની વાત ચાલી રહી છે. ત્યારથી આ ખબર નહીં કેમ ઉદાસ જ રહેતી હોય એમ લાગે છે. જ્યારે ફોન પર વાત કરીએ તો પણ કંઈ સરખો જવાબ નથી આપતી. ઘણી વખત તો વાત જ ન કરે. " એના કાકી બોલ્યા.
" તું ચૂપ કર, ક્યારેક તો સમજવાનો પ્રયાસ કર, હમેંશા જે મનમાં આવે એ બોલવું જરૂરી છે ? જરા તો વિચાર કર !!! " એના કાકા નારાજગી વ્યક્ત કરતાં બોલ્યાં.
આ સાંભળીને કાકીનું મોઢું બગડી ગયું. રૂપાલીના પપ્પા એની તરફ જોઈ રહ્યાં.
" હું આવું હમણાં. " એ પોતાનાં રૂમમાં ચાલી ગઈ.
બારીમાંથી દૂર દેખાતા વૃક્ષના લીલાછમ પર્ણો પર એની સ્થિર નજરે પરિસ્થિતિ સામે નિસહાય અને લાચાર બનીને શૂન્યમનસ્ક થઈને જોઇ રહી. ત્યાં જ ફોનની રિંગ વાગે છે. એનું ધ્યાનભંગ થાય છે. એ જુવે છે તો દિવ્યેશનો ફોન હતો.
એણે કટ કર્યો. તરત જ ફરી દિવ્યેશનો ફોન આવ્યો.
" તને મેં પેહલાં જ કહ્યું છે ને કે, મને ફોન કે મેસેજ ન કર. મારા સગપણની વાત ચાલી રહી છે. તું સમજતો કેમ નથી ? તું મને......... " આગળ કંઈ બોલે એ પેહલાં તો દિવ્યેશ એને અટકાવે છે.
" યાર !!! મારી વાત તો સાંભળ. હું તને હેરાન કરવા નથી માંગતો. હું તો એટલું જ કહું છું કે , એકવાર મળીશું ??? "
દિવ્યેશની આ વાત સાંભળીને રૂપાલી ગુસ્સાથી લાલ થઈ ગઈ.
" અરે મેં કહ્યું ને તને કે, મારે ના તો વાત કરવી છે કે, ના મળવું છે. તું હવે મને ફોન કે મેસેજ ન કરીશ. " બોલીને ગુસ્સામા રૂપાલી ફોન કટ કરવા જાય છે ત્યાંજ.
" રૂપાલી હું આવતા વિક માં જઇ રહ્યો છું. પછી હું ક્યાં તને મળવાનો અને આતો એક ફ્રેંડ તરીકે કહું છું. યાર, " આ સાંભળીને રૂપાલીનો ગૂસ્સો શાંત થઈ જાય છે. હા..., હું મળીશ, પણ, ક્યારે એ હમણાં ન કહી શકું. હું તને ફોન કે મેસેજ કરીને જણાવીશ.
" થેન્ક્સ યાર ! " કહીને દિવ્યેશ પોતાની ખુશી વ્યક્ત કરે છે ને બંને વાત પૂરી કરે છે.
વિકી સ્વીટીના ઘરે પહોંચે છે. સ્વીટી ફોનમા વ્યસ્ત ત્યાં બહાર જ ચેરમા બેઠી હોય છે.
" તેં કેમ હમણાં મને અહીં આવવા કહ્યું ? બોલ ! " વિકી ચેરમાં બેસતાં બોલ્યો.
" અરે, આટલી શું ઉતાવળ છે ? આપણે ઘરમાં બેસીને વાત કરીએ ? હું આપણાં બંને માટે કોફી બનાવું. " બોલતાં સ્વીટી ચેરમાંથી ઊભી થઈને વિકી સામે જોઈ રહી.
" હા " કહીને વિકી સ્વીટી સાથે ઘરના ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ કરે છે.
✍........ ઉર્વશી.