સંબંધોના વમળ - 8 Urvashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધોના વમળ - 8

ગતાંકમાં આપણે જોયું કે રૂપાલી એની ફ્રેંડ રીંકી અને નિશા સાથે કેફે તરફ જઈ રહી હોય છે ત્યારે જ વિકીનો ફોન આવે છે અને એને તરત જ મળવા કહે છે અને રૂપાલી એને મળવાની હા પાડે છે.

હવે આગળ............

ઠંડો પવનનો સ્પર્શ હતો, દરિયામાં પાણી હિલોળા લેતું હતું, દૂર સુધી નજર નાખતાં વિશાળ આકાશ અને પાણી જ નજરે પડતું હતું કેટલાક યુગલો હાથમાં હાથ રાખી મુક્તતાથી વાતો કરતા હતાં તો કેટલાંક પ્રેમીઓ એકબીજાના ખભા પર માથું ઢાળી શાંતિથી એકબીજાનો સુખદ સાથ માણી રહ્યા હતા. મારી આંખો વિકીને શોધતી હતી.


જ્યાં અમે કાયમ બેસતાં એ તરફ મેં નજર કરી એ ત્યાં
બેઠો એ દરિયામાં થતાં પાણીના વલયને નિહાળી રહ્યો હતો.
કંઈપણ બોલ્યાં વગર હું એની બાજુમાં બેસી ગઈ એના ચહેરા તરફ મેં જોયું તો એ કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો, એક અજાણ્યો ડર મેં એના ચહેરા પર જોયો. એનો ચહેરો જોઈને એના માટેની મારી નારાજગી અને ગુસ્સોની જગ્યાએ ભરપૂર પ્રેમ અને લાગણી વહેવા લાગી.

"ક્યાં વિચારોમાં ખોવાયો છે તું!" મેં એનાં ખભે હાથ રાખીને પૂછ્યું.

"થયું તો ઘણું છે પણ તને ક્યારેય કહ્યું નથી આજે બધું જ કહીશ." એણે મારી આંખોમાં જોઈને કહ્યું.

"મને પણ ઘણા પ્રશ્નોએ ઘેરી રાખી છે. જયાં સુધી મને એના જવાબ નહીં મળે ત્યાં સુધી મને નિરાંત નહીં થાય. તું શું કેહવા માંગે છે એ બોલ પેહલાં." મેં એનો હાથ પકડીને કહ્યું.

એણે ધીમેથી મારા હાથમાંથી એનો હાથ પાછો લઈ લીધો અને મારી સામે જોતાં "મને ખબર છે તને ક્યાં પ્રશ્નોએ ઘેરી રાખી છે.

તું જાણે છે કે મારા પપ્પાને મોટાભાગે કામથી શહેર બહાર જવાનું થાય અને મારે જ કાયમ એમને રેલવે સ્ટેશન મુકવા જવાનું થતું. ત્યારે હું કાયમ એક છોકરીને સ્કૂટી લઈને જતી જોતો એના તરફ મને ગજબનું આકર્ષણ હતું. એ દિવસે પણ પપ્પાને ઓફિસના કામથી બહાર જવાનું હતું માટે હું એમને સ્ટેશન મૂકીને ઘરે જઈ રહ્યો હતો. હળવો વરસાદ ચાલુ હતો. કારમાં ધીમા અવાજે ગીતો વાગી રહ્યા હતાં. ત્યારે મારી ગાડીની સાઈડમાંથી એ સ્કૂટી લઈને આગળ નીકળી. મેં એનો ચહેરો તો નહોતો જોયો પણ એક એવું ગજબનું આકર્ષણ હતું જે મને એની તરફ ખેંચતુ હતું એ કેવું આકર્ષણ હતું મને સમજાયું નહીં હું એનો ચહેરો જોવા ઉત્સુક બન્યો.

એ દિવસે તો મેં રીતસર એની સ્કૂટીનો પીછો કર્યો. ફક્ત એનો ચહેરો જોવાની ઈચ્છાને હું રોકી ન શક્યો માટે મેં એનો પીછો કર્યો બીજુ કોઈ કારણ નહોતું ને એ સમયે મને બીજું કાંઈ સુજ્યું નહીં. એ દિવસે એ કાયમ જોવા મળતી એનાં કરતાં ઝડપમાં, ખૂબ સ્પીડમાં સ્કૂટી દોડાવી રહી હતી. એ ઉતાવળમાં હોય એમ લાગતું હતું અને હું કંઈ સમજુ ને એના માટે કાંઈ કરું પેહલાં આંખના પલકારામાં એની સ્કૂટી સ્લીપ થઈને ડિવાઈડર સાથે ભટકાઈ. આ જોઈને મારા હૃદયના ધબકારા વધી ગયા, મારા રુવાડા ઊભાં થઈ ગયા ગાડી સ્ટોપ કરીને હું ઝડપથી એની પાસે ગયો મેં જોયું તો એને હાથમાં થોડું વાગેલું હતું, લોહી નીકળતું હતું, એ બેહોશ હતી. એને જોઈને હું ઘવાયો હોય ને મને અસહ્ય વેદના થતી હોય એવું લાગ્યું. મને કાંઈ સમજાતું નહોતું. 'જેનો ચહેરો જોવાની મારી અદમ્ય ઈચ્છા હતી એને આજે પેહલીવાર જોઈ એ પણ આવી હાલતમાં?' એટલામાં જ ત્યાંથી પસાર થતા બે વાહનચાલકો પણ આવ્યા એમાના એકે જરાપણ રાહ જોયાં વગર તરત પોતાની બેગમાંથી પાણીની બોટલ કાઢીને એના ચહેરા પર પાણી છાંટયું.

એ આંખો ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી એ જોઈને હું અધીરો બનીને 'હેલો....! આંખો ખોલો, પ્રયત્ન કરો, જુવો!' એને થોડી ઢંઢોળતા હું બોલ્યો.

એણે ધીરેથી આંખો ખોલીને મારી તરફ જોયું, મેં એની આંખોમાં જોયું. પેલાં બંને રાહદારીઓએ એની સ્કૂટી ઊભી કરીને સાઈડમાં લગાવી અને એમની મદદથી હું મારી ગાડીમાં એને હોસ્પિટલ લઈ ગયો.


આગળની સ્ટોરી આવતા ભાગમાં.....