સંબંધોના વમળ - 7 Urvashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધોના વમળ - 7

ગતાંકમાં આપણે જોયું કે રૂપાલી વિકીને મળવા જાય છે. વિકી ફોનમાં વ્યસ્ત હોય છે એટલે રૂપાલી એનો ફોન લઈ લે છે. વિકી ફોન પાછો મેળવવા માટે આજીજી કરતો હોય છે ત્યારે જ સ્વીટી નામની છોકરીનો ફોન આવે છે. રૂપાલી ફોન રિસીવ કરે છે અને બધી વાત સાંભળી જાય છે, તો બીજી તરફ રૂપાલીની હાજરીમાં એના કાકા વિજયભાઈનો ફોન આવે છે કે છોકરાવાળા પક્ષની સગપણ માટે હા છે.


હવે આગળ.............


મને ચારેતરફથી અનેક વિચારો ઘેરી વળ્યાં. મને કંઈ સમજાતું નહોતું. હું બંને હાથ વડે માથું પકડીને બેસી ગઈ. એકતરફ સગપણ માટે બધા જ તૈયાર છે બીજી તરફ હું વિકી વગર નથી રહી શકતી.

"આ સ્વીટી છે કોણ" આ પ્રશ્નએ મારામાં કુતૂહલ જગાવ્યું. મેં તરત જ વિકીને ફોન લગાવ્યો. "ક્યાં છે તું?"

"હું.... હું તો અહીં .......? ગભરાયેલા અવાજે એ બોલ્યો.

"આ શું કહે છે તું? એટલે તું હવે મને સરખો જવાબ પણ નથી આપી શકતો એમ ને?" કહેતાં મેં ફોન કટ કરી દીધો એણે મને કોલ કર્યો પણ મેં વાત કરી નહીં.


મેં રીંકીને મેસેજ કર્યો "તારા પાસે સમય હોય તો મારે વાત કરવી છે, મને તારી સલાહની જરૂર છે મને કંઈ સમજાતું નથી કે હું શું કરું."

હું એના મેસેજની રાહ જોઇ રહી થોડીવારમાં જ એનો ફોન આવ્યો "શું થયું છે? હું તને સવારે જ પૂછવાની હતી કે તારો ચહેરો કેમ મુરજયેલો છે પણ..... જવા દે એ વાતને તુ બોલ શું થયું છે?" કહેતાં એ ચૂપ રહીને જવાબની રાહ જોઈ રહી.

મેં મારી અને વિકી વચ્ચે થોડા દિવસોથી જે કંઈપણ ચાલી રહયું છે એ બધું એને જણાવ્યું.

"આટલું બધું થયું છતાં તેં કેમ મને કંઈપણ જણાવ્યું નહીં." એ બોલી.
"મને હતું બધું ઠીક થઇ જશે પણ હવે આ સ્વીટી કોણ છે ? વિકી એને શા માટે મળવા ગયો? એ પણ મારાથી છુપાવીને? એ તો મેં ફોન રિસીવ ન કર્યો હોત તો શું એ મને બધું જણાવતો? આ પ્રશ્નો મને જરાય કળ વળવા દેતા નથી. બીજી તરફ આ દિવ્યેશ અને પાછું મારા સગપણની વાત....
આ બધું શું થઈ રહ્યું છે મને કંઈ સમજાતું નથી. હું ફક્ત એટલું જાણું છું કે મારે મારા જીવનના દરેક સપના વિકી સાથે જોયા છે અને મને મારું જીવન એની સાથે જ જીવવું છે." કહીને હું ચૂપ રહી ગઈ મારી આંખો સામે વિકીનો ચહેરો આવી ગયો.

"જો તું વધુ ચિંતા ન કર. બધું ઠીક થઈ જશે પણ મને લાગે છે કે, આ જેને આપણે વિકી સાથે કેફેમાં જોયેલી એ જ સ્વીટી હશે!" એણે કહ્યું.

હા મને એમ જ લાગે છે કેમ જે એણે એ દિવસે સુકાયેલાં ગુલાબના ફૂલ અને ડાયરી એને આપેલાં અને ફોન પર પણ એ એમ જ બોલી રહી હતી કે, 'મારા મનપસંદ ગુલાબના ફૂલ લાવવાનું ન ભૂલતો.' આ સ્વીટી છે કોણ? મારે એ જ જાણવું છે." હું ગુસ્સાવાળા અવાજે બોલી.

"તું અત્યારે ચિંતા ન કર, ગુસ્સો ન કર આપણે સવારે મળીને કંઈ વિચારીએ. મને મમ્મી બોલાવે છે માટે હું જાઉં છું બાય! એણે કહ્યું."

"હા! સારું! બાય." કહીને ફોન કટ કરીને હું પણ લિવિંગરૂમમાં પપ્પા પાસે જઈને બેસી.

"તેં કઈ વિચાર્યું બેટા!" એમ કહેતાં પપ્પા મારી સામે જોઈ રહ્યા.

"આટલી ઉતાવળ શું છે પપ્પા? થોડો સમય આપો મને." કહીને મેં ટી. વી. માં ચાલી રહેલી જરાય જોવી ન ગમતી એવી સિરિયલમાં મારું ધ્યાન લગાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.

"જો વાત સારી છે છોકરો સારો છે, ઘર પરિવાર સારા છે, સુખી - સંપ્પન છે બીજું શું જોઈએ?"

હું કંઈપણ બોલ્યાં વગર તિક્ષ્ણ નજરે મમ્મીને જોઇ રહી.

"જુવો - જુવો કેવી જુવે છે મારા સામે જાણે કે હું એની દુશ્મન ન હોવ!" પપ્પાને મારી ફરિયાદ કરતા મમ્મી બોલી.

"આપણે જમી લઈએ! મને ભૂખ લાગી છે." કહીને હું ડાઇનિંગ ટેબલ પર પ્લેટ લગાવવા માંડી. વાત બદલવા માટે આ સિવાય મને અન્ય કોઈ બહાનું ન દેખાયું.

"હા... હા... મારે પણ જલદી સુઈ જવું છે, સવારે વહેલાં ઉઠવાનું છે, થોડું કામ છે માટે." કહીને પપ્પા પણ ડાઇનિંગ ટેબલની ચેરમાં આવીને બેઠાં.

મમ્મી મોઢું મચકોડતી "હા.... હા... હું બધું જાણું છું કે હું કંઈપણ બોલું ને એ તમને બંનેને ગમતું જ નથી." કહેતા જમવાનું પીરસવા લાગી.

મને જમવાનું જરાય મન નહોતું. મારું મન ખૂબ વ્યાકુળ હતું, મને કંઈ પણ સમજાતું નહોતું, બધા વિચારોમાં હું ધ્યાનસ્થ થઈ અને મારી આંખો અનિમેષ થઈને જોઈ રહી. આ અસહ્ય વેદનાથી હું દુઃખી હતી.

"તને હું તો નથી જ ગમતી હવે મારા હાથનું જમવાનું ય નથી ભાવતું કે શું? બે - દિવસથી તું સરખું જમતી નથી એવું તે શું છે?" મમ્મી ગુસ્સો કરતાં બોલી.

"મમ્મી તને કાયમ જ બધું ખોટું જ સમજાય! તો એમાં તો હું કઈ ન કરી શકું પણ તારી જાણ માટે કહી દઉં છું કે તું વિચારે છે એવું કંઈ નથી." એ તો થાકી ગઈ છું માટે.

મારું જમવાનું પત્યું એટલે તરત "હું થાકી ગઈ છું માટે રૂમમાં જઉં છું." પપ્પા સામે જોઈને હું બોલી.

હા બેટા! તું જા ને વહેલી સુઈ જજે, આરામ મળશે એટલે સારું લાગશે!" એકદમ પ્રેમાળ અને લાગણી સભર શબ્દોમાં પપ્પા બોલ્યાં.

" થેન્ક્સ પપ્પા!" કહેતા મેં પપ્પા સામે હળવું સ્મિત કર્યું અને મમ્મી સામે મોઢું મચકોડતા મારા રૂમ તરફ ચાલવા લાગી.

રૂમમાં જઈને તરત મેં ફોન હાથમાં લીધો. દિવ્યેશનો કોલ આવેલો હતો. મેં એને મેસેજ કર્યો. "શું કહે છે? કેમ ફોન કર્યો હતો?" પછી તરત જ મેં વિકીને મેસેજ કરવા વિચાર્યું પણ મન માનતું નહોતું. "દુઃખી તો એણે મને કરી છે ને? તો હું શા માટે ફોન કે મેસેજ કરું? અને આમ પણ મને એ સ્વીટીએ ફોનમાં કહેલી વાતો યાદ આવતી કે મારો ગુસ્સો વધી જતો હતો.'

મેં ફોનમાં એલાર્મ સેટ કરીને સાઈડમાં રાખી દીધો અને કેમે કરીને ઊંઘ આવી જાય એની મથામણમાં લાગી.

એલાર્મના અવાજથી અચાનક મારી આંખ ખુલી મેં ફોન હાથમાં લીધો. એલાર્મ બંધ કર્યું અને વોટ્સએપ જોયું તો દિવ્યેશનો મેસેજ હતાં. "મારે મળવું છે." મેસેજ જોઈને હું મારા રૂટીનમાં લાગી ગઈ.

કોલેજ જવા તૈયાર થઈને હું લિવિંગરૂમમાં ગઈ. કોફી રેડી હતી. મમ્મીને ન જોતાં મેં પપ્પા સામે જોઈને આંખોના ઈશારાથી મમ્મી વિશે પૂછ્યું "તારી મમ્મી મંદિરે ગઈ છે." હસતાં એમણે હસતાં ચહેરે કહ્યું.

હું નાસ્તો કરીને કોલેજ જવા નીકળી. હું જેવી પહોંચી કે રીંકી ને નિશા જાણે મારી જ રાહ જોઈ રહી હતી એમ મને લાગ્યું. જેવી હું એમની પાસે જઈ કે નિશા તરત જ "શું થયું? મને રીંકીએ જણાવ્યું કે તું ગઈ કાલે રાત્રે બહુ દુઃખી અને ચિંતિત હતી. શું કર્યું વિકીએ?" એકશ્વાસે બધું બોલી ગઈ.

"હવે તો મને કંઈ જણાતું નથી કે મારે શું કરવું! જેમ સમુદ્રના પાણીમાં વમળો સર્જાય એમ મારા જીવનમાં સંબંધોના વમળો સર્જાયા છે." કહેતા મારી આંખો ભરાઈ આવી. મારે મારા મનની સ્થિતિ હજી કહેવી હતી પણ હું આગળ ન બોલી શકી.

"અરે ! હું શું કહું છું! આપણે કેફેમાં જઈએ અને શાંતિથી વાત કરીએ એમ પણ મારે આજે ઉઠવાનું મોડું થઈ ગયું તો કોફી રહી જ ગઈ." રીંકી બોલી.

આજે એમપણ મારું મન ઘણું બેચેન અને વ્યથિત હતું એટલે મને પણ આ જ યોગ્ય લાગ્યું. અમે કેફે જઇ રહ્યાં હતા ત્યારે જ વિકીનો ફોન આવ્યો "હેલો! રૂપાલી મારે તને હમણાં જ મળવું છે." એણે કહ્યું.

"મારે પણ મળવું જ છે. તું કોલેજની સામે વાળા કોફી શોપમા આવ હું ત્યાં જ મળીશ." મેં ગુસ્સામાં કહ્યું.

"ના ત્યાં નહીં આપણે જ્યાં મળીએ છે ત્યાં જ મળીએ." એણે કહ્યું.

મેં એને હા કહ્યું. અને હું તરત જ રીંકી અને નિશાને જણાવીને એને મળવા ગઈ.

આગળની સ્ટોરી આવતા અંકમાં..............

આપના પ્રતિભાવ અવશ્ય આપજો 🙏