હાઇવે રોબરી 24
નાથુસિંહ દિલાવરે આપેલી ગાડીમાં આખા એરિયામાં લટાર મારવા નીકળ્યો હતો. સાથે હોટલમાંથી મદનને લીધો હતો. મદન આ એરિયાનો જાણકાર હતો. બધા રસ્તાનો જાણકાર હતો. લગભગ બે કલાકથી નાથુસિંહ એ એરિયામાં ફરી રહ્યો હતો. પણ કશું મળતું ન હતું. આખરે હાઇવેની અંદરના રોડ ઉપરથી વસંતના ગામ તરફના રસ્તા તરફ ગાડી ચાલી. આગળ ત્રણ રસ્તા પર મદને માહિતી આપી.
' અહી થી એક રસ્તો ગામ તરફ જાય છે અને બીજો ખન્ડેર મંદિર તરફ જઈ નદી એ પૂરો થઈ જાય છે. '
નાથુસિંહના મગજમાં ચમકારો થયો. એણે ગાડી ઉભી રખાવી. એક સિગારેટ સળગાવી અને ચારે તરફ નજર નાખી.
' મદન અહીથી મંદિર અને નદી કેટલી દૂર છે? '
' સાહેબ મંદિર દોઢ કિલોમીટર હશે. અને નદી એની થોડે બાજુમાં જ છે. '
' મદન તું મારી જોડે ચાલ અને ડ્રાયવરને કહે કે એ ગાડી લઈ હાઇવે તરફ જાય. જ્યારે એને ફોન કરીએ ત્યારે અહીં આવીને ઉભો રહે. '
ડ્રાયવર ગાડી લઇને ચાલી ગયો. નાથુસિંહ મદનને લઈને મંદિર તરફ ચાલ્યો..
***************************
જવાનસિંહે જોયું કેરબામાં પાણી થોડું જ હતું. એ સમજી ગયો કે નદીએ પાણી ભરવા જવું જ પડશે. સાંજના સમયે નદીમાં ઘણા લોકો આવતા હતા. પણ ખરા બપોરે કોઈ હોય એવી શક્યતા નહિવત હતી. એણે એક કેરબાનું થોડું વધેલું પાણી એક પલાસ્ટીકની બોટલમાં ભર્યું. એક લાંબુ ચાકુ શર્ટ નીચે પેન્ટ માં ભરાવ્યું. અને એ તૂટેલી રૂમમાંથી બહાર નીકળ્યો. મંદિર તરફ નજર નાખી. તૂટેલી મૂર્તિને મનોમન વંદન કરી કમ્પાઉન્ડના મુખ્ય દરવાજા તરફ એ ગયો. દરવાજાની બહાર બન્ને બાજુ ધ્યાન પૂર્વક જોઈ નદી તરફ જવાનો રસ્તો પકડ્યો. મંદિરથી નદી તરફ જતી પગરવાટને છોડી એણે ઝાડી ઝાંખરા વાળો રસ્તો પસંદ કર્યો. ખૂબ ધીમેથી ચારેબાજુ નજર નાખતો એ આગળ વધી રહ્યો હતો. ખરા બપોરનો સમય હતો. એ ઝડપથી નદીમાં ઉતરી ગયો.
નાથુસિંહ મદનને લઈ મંદિરના પાછળના ભાગ તરફ ગયો. એને ખબર હતી. જો કોઈ અહીં હશે તો એની નજર મુખ્ય દ્વાર તરફ જ હશે. માટે નાથુસિંહની ઇચ્છા હતી કે મુખ્ય દ્વાર તરફ એ છેલ્લે જશે. પહેલા મંદિરને ચારે બાજુથી જોઈ , કોઈ અણસાર મળે તો તે લઈ લેવો. અને મંદિરને પણ જોઈ લેવું. પછી છેલ્લે મંદિરમાં પ્રવેશવું. અને જરૂર લાગે તો વધારાના માણસો બોલાવી લેવા. નાથુસિંહ મંદિરની પાછળની બાજુ ગયો. ત્યાં મંદિરના ફરતે મજબૂત દિવાલ થોડી જર્જરિત હતી પણ હજુ પણ અડીખમ હતી. ત્યાંથી મંદિરમાં અવરજવર શક્ય ન હતી. એ થોડો નદી તરફ આગળ વધ્યો. એની નજર નદી તરફ ગઈ. એક માણસ નદીના પાણીમાં પ્રવેશ કરતો હતો. નાથુસિંહ , એ વ્યક્તિ એમને ના જોઈ શકે એ રીતે એક ઝાડ પાછળ ગોઠવાયો. એણે મદનને ઝાડ પર ચઢી એ માણસ પર નજર રાખવા કહ્યું. મદન ઝાડ પર ચઢી ગયો.
જવાનસિંહે એક પથ્થર પર બેસી બન્ને કેરબા ભર્યા. નદીના ઠંડા પાણીનો સ્પર્શ એને અલ્હાદ્ક લાગ્યો. એક મન થયું કે નદીમાં સ્નાન કરી લઉં. પણ એણે મન પર અંકુશ રાખ્યો. અને બન્ને કેરબા લઈ એ ઝડપથી મંદિર તરફ ગયો. અને ઝડપથી પોતાની રૂમમાં જઇ કેરબા બાજુમાં મૂકી પોતાની ટેમ્પરરી પથારીમાં બેસી ગયો.
મદનને ઝાડ પરથી મંદિરના કમ્પાઉન્ડનો ભાગ દેખાતો હતો. એણે જોયું એ માણસ મંદિરની બાજુના રૂમમાં જતો રહ્યો. મદન જાણતો હતો કે નાથુસિંહ પોલીસ છે અને દિલાવર માટેના કોઈ સિક્રેટ કામ માટે છે. એ સાવધાનીથી નીચે ઉતર્યો. અને નાથુસિંહને આખી વાત કહી.
એ માણસના ખન્ડેર મંદિરમાં છુપાવાનો મતલબ સ્પષ્ટ હતો. એ જવાનસિંહ હોઈ શકે. અને જવાનસિંહના હોય તો પણ કોઈ ગુનેગાર તો હશે જ. નાથુસિંહ વિચાર માં પડી ગયો. એણે નક્કી કર્યું કે આ માણસ વિશે જાણવું તો પડશે. પણ થોડા માણસો બોલાવી લેવા , કેમકે નાથુસિંહ કોઈ જોખમ લેવા નહોતો માંગતો. અને જવાનસિંહ હાથમાંથી છટકી જાય તે પણ ઇચ્છતો ન હતો. એણે મદનને કહ્યું હાઇવે તરફ જઈ, દસ માણસોને લઈને મંદિરના મુખ્ય દરવાજેથી જતા રસ્તા પર આવીને મળે. મદન હાઇવે તરફ ચાલ્યો. એણે એક ફોન ગાડીના ડ્રાયવરને કર્યો અને એને ત્રણ રસ્તે પાછો બોલાવ્યો અને બીજો ફોન દિલાવરને કર્યો. દસ માણસ મદને બતાવેલી જગ્યાએ મોકલવાનું કહ્યું...
નાથુસિંહ મંદિરના મુખ્ય દરવાજા તરફ ગયો અને મંદિરના મુખ્ય દરવાજા તરફ નજર રાખીને બેઠો...
*************************
જવાનસિંહનું મન આજે બેચેન હતું. એનું મન કોઈ અજ્ઞાત ભયની કલ્પના કરતું હતું. એ સાવધાનીથી ઉભો થયો. એ મંદિરના મુખ્ય દરવાજા તરફ ધ્યાનથી આવ્યો. અને ધીરેથી દરવાજા આગળ જમીન પર આડો પડી, જમીન પર ઘસડાઈને આગળ વધ્યો. અને દરવાજા આગળ જઇ આછી ઝાડીમાં જ છુપાઈને એણે ચારેતરફ ધ્યાનથી જોયું. નાથુસિંહ પગરવાટ ક્રોસ કરી એક ઝાડ પાછળ છુપાતો હતો. જવાનસિંહનું હદય એક ધડકારો ચુકી ગયું. એ સમજી ગયો કે સામેનો માણસ રસ્તા પર જતો આવતો હોત તો ચિંતાનું કોઈ કારણ ન હતું. પણ એ માણસ ઝાડ પાછળ છુપાયો , એનો અર્થ સ્પષ્ટ હતો કે એ કંઇક જાણતો હતો અથવા જાણવાની કોશિશ કરતો હતો. અને એ બન્ને વાત જવાનસિંહ માટે હાનિકારક હતી. આ માણસ અહીં હતો એનો મતલબ એ થતો હતો કે આખા એરિયાને પણ કવર કરવામાં આવ્યો હશે. હવે મંદિરમાં રહેવું ત્યાં સુધી જોખમી હતું. જયાં સુધી આ માણસ વિશે કંઈ જાણકારી ના મળે.
જવાનસિંહ મંદિરથી એ માણસની વિરુધ્ધ દિશા માં , એ માણસ તરફ નજર રાખતો , છોડવાઓની વચ્ચેથી નદી તરફ ઘસડાયો. આગળ જઇ મંદિરના કમ્પાઉન્ડની દિવાલ પૂરી થતી હતી ત્યાંથી દિવાલની બીજી સાઈડમાં જતો રહ્યો. જવાનસિંહ હવે નાથુસિંહની નજરની બહાર હતો. હવે જવાનસિંહને કોઈ જોઈ શકે એમ નહતું ,પણ જવાનસિંહને ખબર હતી કે હાલ આ એરિયાની બહાર જવું જોખમી હતું. એક ઘટાદાર વૃક્ષ પસંદ કરી જવાનસિંહ એ વૃક્ષની ઉપર ચડી ગયો. વૃક્ષની ટોચ તરફ એ જતો રહ્યો . જવાનસિંહે વૃક્ષને બરાબર જોયું. કોઈ જોખમ ન હતું. વૃક્ષ ઘટાદાર હતું. નીચેથી કોઈ એને જુએ એ શક્ય ન હતું. એણે એક લાંબી ડાળી તોડી અને એના વડે આગળની થોડી ડાળી ઓ દૂર કરી , હવે તેને સામેનો માણસ અને મંદિર બન્ને સ્પષ્ટ દેખાતા હતા..
***************************
મદન ત્રણ રસ્તા સુધી ચાલતો આવ્યો. ડ્રાઇવર ગાડી લઈને ત્યાં ઉભો હતો. મદન ગાડીમાં બેઠો અને એ હાઇવે પર જઈને ઉભો રહ્યો. લગભગ પોણા કલાક પછી બે ગાડી આવી. અને ત્રણે ગાડીઓ અંદર ત્રણ રસ્તા સુધી આવ્યા. ત્રણે ગાડીઓ ત્યાંથી હાઇવે પર પાછી મોકલી અને મદન દસ માણસોની સાથે મંદિર તરફ ચાલ્યો...
( ક્રમશ : )
10 જૂન 2020